લોકો મિત્રોથી દૂર થઈ રહ્યા છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

લોકો મિત્રોથી દૂર
થઈ રહ્યા છે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–


માણસ દિવસે ને દિવસે વધુ ને વધુ એકલસૂરો થતો જાય છે.
લોકોની કમ્યુનિકેશન સ્કિલ પણ નબળી પડતી જાય છે.
તમે મિત્રોને નિયમિત રીતે મળો છો કે નહીં?


———–

તમે તમારા અંગતમાં અંગત મિત્રને છેલ્લે ક્યારે મળ્યા હતા? હવે બીજો સવાલ, તમે અગાઉ મળતા હતા એટલી વખત મળો છો ખરા? મતલબ કે મળવાની ફ્રિકવન્સી અગાઉ જેટલી જ છે? હોય તો સારી વાત છે, બાકી એક સરવૅ એવું કહે છે કે, લોકો ધીમે ધીમે પોતાના મિત્રોથી દૂર થઈ રહ્યા છે. મિત્રો સાથે કોઇ નારાજગી નથી પણ મોબાઇલ અને બીજાં કારણસર લોકો ફ્રેન્ડ્સથી દૂર થઇ રહ્યા છે. માણસ એકલસૂરો થતો જાય છે. મિત્રોને મળવાને બદલે લોકો હવે મોબાઇલ લઇને બેઠાં રહે છે. મિત્રો સાથે સંપર્ક પણ હવે વર્ચ્યુઅલ થઇ ગયો છે. બીજો એક અભ્યાસ એવું પણ કહે છે કે, મિત્રો સાથે હોય ત્યારે પણ લોકો રિઅલ સેન્સમાં સાથે હોતા નથી. બધા પોતપોતાનામાં હોય છે. ઘણાં ટૂરિસ્ટ પ્લેસ પર અને હોટલમાં આપણને એવાં દૃશ્યો જોવા મળે છે કે, મિત્રો એકબીજા સાથે વાત કરવાના બદલે પોતપોતાના મોબાઇલમાં વ્યસ્ત હોય છે. અગાઉ લોકો ફરવા જતા ત્યારે કાર, બસ કે ટ્રેનમાં ભેગા મળીને વાતો કરતા હતા, અંતાક્ષરી કે પત્તાંની રમત રમતાં હતા, હવે ટ્રેન ઊપડે એ પહેલાં જ લોકો કાનમાં ઇયર પ્લગ ભરાવીને મોબાઇલમાં કંઇક જોવા કે સાંભળવા લાગે છે. આમ બધા એવી વાતો કરતા હોય છે કે, ફ્રેન્ડ્સ માટે સમય જ મળતો નથી, સમય મળે ત્યારે પણ આપણે તેનો કેવો અને કેટલો ઉપયોગ કરીએ છીએ એ વિચારવા જેવું છે.
માણસ વિશે પહેલેથી એવું કહેવાતું આવ્યું છે કે, માણસ સામાજિક પ્રાણી છે. માણસને બધા વગર ચાલે છે પણ માણસ વગર ચાલતું નથી. દરેકની જિંદગીમાં રોજેરોજ કંઇક ને કંઇક બનતું રહે છે. આપણે એ નજીકની વ્યક્તિ સાથે શૅર કરવું હોય છે. દુ:ખ હોય તો હળવા થવું હોય છે અને સુખ હોય તો પણ કોઇને કહેવું હોય છે. અગાઉ લોકો પોતાનાં મિત્રો અને સ્વજનોને વાત કરતા હતા, હવે સોશિયલ મીડિયા પર મૂકે છે. અલબત્ત, એમાં કશું ખોટું નથી પણ તેના કારણે વાત કરવાનું ઘટતું જાય છે. મિત્રો સાથે ગપ્પાં, ટોળટપ્પા અને ગોસિપ સ્વસ્થ જીવન માટે જરૂરી છે. માણસ માત્ર મિત્રો સાથે જ કોઇ કારણ કે વિષય વગરની વાતો કરી શકે છે. મિત્રોને મળીએ ત્ચારે કોઇ એજન્ડા હોતો જ નથી. મિત્રો સાથે વાત કરતી વખતે કોઇ ભૂમિકા બાંધવી પડતી નથી. મિત્રોનું આપણી લાઇફમાં કેટલું ઇમ્પોર્ટન્સ છે એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ. મિત્રો સાથે લાગણી છે, જોકે તેને મળવાનું સતત ઘટી રહ્યું છે. એક તો લોકોને પોતપોતાના કામમાંથી ફુરસદ મળતી નથી. લોકોનાં શિડ્યૂલ એટલાં ટાઇટ થઇ ગયાં છે કે, પોતાના માટે પણ સમય મળતો નથી. આપણે ફ્રી હોઇએ તો મિત્ર બિઝી હોય. એક સમય હતો જ્યારે મિત્રને મળવા માટે પ્લાનિંગ કરવાં પડતાં નહોતાં, હવે મિત્રની પણ એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. અગાઉના સમયમાં કોઈ આગોતરી જાણ કર્યા વગર લોકો દોસ્તાર કે બહેનપણીને ત્યાં પહોંચી જતા, હવે ફોન કર્યા વગર જવાતું નથી. આપણી લાઇફમાં ખરેખર એવા કેટલા લોકો અને એવાં કેટલાં ઘર હોય છે જ્યાં જતાં પહેલાં આપણે કોઇ વિચાર ન કરવો પડે? એવી વ્યક્તિ અને ઘર હોય તો પણ આપણે કેટલી વખત ત્યાં જઇએ છીએ?
લોકો હવે મિત્રો સાથે પણ તમામ વાત શૅર કરતા નથી. એક સમય હતો જ્યારે દોસ્તો વચ્ચે કંઈ જ ખાનગી કે છૂપું નહોતું રહેતું, હવે લોકો બધી વાત કરતા નથી. તમારી લાઇફમાં એવી કોઇ વ્યક્તિ છે જેને તમારા વિશેની બધી જ ખબર હોય? રિલેશન હન્ડ્રેડ પર્સન્ટ ટ્રાન્સપરન્ટ હોય? જો હોય તો એ બહુ મોટી વાત છે. બાકી લોકો હવે ઘણીબધી વાતો મનમાં સંઘરી રાખે છે. કોઇને વાત કહેવામાં ડર લાગે છે. વાત જાહેર થઇ જશે તો? ફોન પર વાત કરવામાં પણ લોકો વિચાર કરે છે. રેકોર્ડ કરી લેશે તો? કોઇને કોઇના પર ભરોસો જ રહ્યો નથી. બીજી વાત એ કે, લોકો મિત્રો અને બીજાં સ્વજનોને મળતા નથી એટલે તેમની કમ્યુનિકેશન સ્કિલ પણ ઘસાતી જાય છે. યંગસ્ટર્સ આંખમાં આંખ મિલાવીને વાત જ કરી શકતા નથી. વાત કરતી વખતે પણ એનું ધ્યાન બીજે ક્યાંક હોય છે. વડીલોએ ઘરના છોકરાઓને એવું કહેવું પડે છે કે, આમ મારી સામે જોઇને વાત કર! બાકી બધું તો ઠીક છે પણ દોસ્તોથી દૂરી યંગસ્ટર્સ માટે મુશ્કેલી પેદા કરે એવી છે. દોસ્તો નથી એવું બિલકુલ નથી પણ મિત્રો વચ્ચે જે શૅરિંગ અને કેરિંગ હોવું જોઇએ એ ધીમે ધીમે ઓછું થઇ રહ્યું છે.
મિત્રો વિશેની એક હકીકત એ પણ છે કે, સમયે સમયે મિત્રો બદલાતા રહે છે. ગણ્યાગાંઠ્યા મિત્રો જ એવા હોય છે જેની સાથે જીવંત સંપર્ક રહે છે. આપણે બધા આપણી લાઇફમાં જ ડોકિયું કરીએ તો ખબર પડશે કે એક સમયે જેને નિયમિત મળતા હતા, જેના વગર ચાલતું નહોતું, એ અત્યારે ક્યાં છે એની આપણને ખબર નથી હોતી. મિત્રોને મળ્યે કે વાત કર્યે લાંબો સમય થઇ જાય તો એક ન દેખાય એવું ડિસ્ટન્સ પણ આવી જતું હોય છે. એક અભ્યાસ એવું કહે છે કે, જૂના મિત્ર સાથે ફરીથી કમ્યુનિકેટ કરવામાં ઘણી અડચણો આવે છે. અમુક સંજોગોમાં તો અજાણ્યા લોકો સાથે વાત કરવામાં જેટલી મૂંઝવણ થાય એટલી તકલીફ જૂના મિત્ર સાથે વાત કરવામાં થાય છે. લાંબો સમય વીતી ગયો હોય એટલે આપણને એ પણ ખબર હોતી નથી કે, મિત્રની લાઇફમાં શું બની ગયું હોય છે? એની માનસિક અવસ્થા કેવી હશે? નવા મિત્રોને કારણે આપણે બચપણના મિત્રોને ભૂલી જતા હોઇએ છીએ. એની યાદ ક્યારેક આવી જતી હોય છે પણ વાત થતી હોતી નથી. માણસ મોટો થાય એમ એની માનસિકતા અને વિચારસરણી પણ બદલાતી હોય છે. સ્ટેટસમાં પણ બદલાવ થતો હોય છે. દોસ્તીમાં કંઈ આડું આવતું નથી એ વાત સાચી પણ કેટલાંક કિસ્સામાં લોકો એવું તો વિચારતા જ હોય છે કે, એની સાથે કેટલી દોસ્તી રાખવી? દોસ્તીમાં પણ ફાયદા અને ગેરફાયદા જોવાવાળાની કમી નથી. સ્વાર્થ વગરના સંબંધો દુર્લભ થતા જાય છે. દરેક લોકોના મોઢે આપણે એવું સાંભળીએ છીએ કે, કામ હોય ત્યાં સુધી લોકો સંબંધ રાખે છે. તમારી પહોંચ હોય, તમે ખમતીધર હોવ તો દોસ્તી અને સંબંધ રાખવાવાળા સામેથી આવે છે. તમે કંઇ ન હોવ તો કોઇ ભાવ પૂછતું નથી. આ વાત ખોટી નથી પણ આપણેય એવું કરતા હોઇએ છીએ. દોસ્તીમાં કંઇ આડે ન આવવા દો અને દોસ્તોને મળતા રહો. વ્યક્ત થવા માટે દોસ્તો જેવું બીજું કંઇ જ નથી. દોસ્તોને વાત કરવામાં બહુ લાંબો વિચાર પણ ન કરો. હા, કોઇનો ખરાબ અનુભવ થાય તો તેની સાથે વાત કરવાથી દૂર રહેવું જોઇએ પણ જૂના દોસ્તો ટેસ્ટેડ હોય છે. આપણને ખબર જ હોય છે કે, આપણા સર્કલમાં કોણ કેવો છે? કોને કેટલી વાત કરાય? લાઇફમાં એક-બે એવા મિત્રો હોવા જ જોઇએ જ્યાં કોઇ સંકોચ વગર આપણે બધી વાત કરી શકીએ. આવા મિત્રો દૂર ન થઇ જાય એની પણ કાળજી લેવી જોઇએ. જરાયે એવું લાગે કે, હું મારા મિત્રથી દૂર થઇ રહ્યો છું તો પ્રયત્નપૂર્વક તેની સાથેની નજદીકી જાળવી રાખવી જોઇએ. દરેકની જિંદગીમાં ક્યારેક એવો સમય આવતો હોય છે જ્યારે એને એવું લાગે કે હું એકલો પડી ગયો છું કે એકલી પડી ગઇ છું. એવા સમયે જો દોસ્ત હશે તો વાંધો નહીં આવે. તમારા શિડ્યૂલમાં દોસ્ત માટે પણ સમય રાખો, કારણ કે દોસ્ત માટેનો સમય છેલ્લે તો આપણા માટેનો જ સમય હોય છે! દોસ્ત માટે નહીં પણ પોતાના માટે દોસ્તી જરૂરી છે. જરાકેય એવું લાગે તો બાકીનું બધું બાજુએ રાખીને મિત્રોને મળો, જિંદગી ઘણીબધી હળવી અને જીવવા જેવી લાગશે.


———

પેશ-એ-ખિદમત
યે જબાં હમ સે સી નહીં જાતી,
જિંદગી હૈ કી જી નહીં જાતી,
મુજ કો ઇસા બના દીયા તુમને,
અબ શિકાયત ભી કી નહીં જાતી.
-દુષ્યંત કુમાર
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 03 જુલાઈ, 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *