સંબંધનું આયુષ્ય પણ પૂરું થઈ જતું હોય છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

સંબંધનું આયુષ્ય પણ
પૂરું થઈ જતું હોય છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


સતત ઘટમાળમાં જિવાય છે, સાલું!
કહોને કેટલું સમજાય છે, સાલું!
નજરને સ્હેજ બદલી નાંખવી પડશે,
બધું તો ક્યાં અહીં બદલાય છે સાલું!
-મહેશ દાવડકરજિંદગી પર બારીક નજર માંડીને જોઈએ તો સમજાય કે, જિંદગી એ સંબંધોના તાણાવાણા સાથે જ જિવાતી હોય છે. ક્યારેય એ ગૂંચવાઇ જાય છે. સંબંધ ઘણી વખત સમજાતા નથી. ક્યારે કયો સંબંધ સોળે કળાએ ખીલી જાય અને ક્યારે કયો સંબંધ ફટ દઈને કપાઈ જાય એ કોઈ કહી શકતું નથી. ઘણા સંબંધો મોબાઇલની ફોનબુકમાં એક નંબર બનીને રહી જાય છે. જૂના નંબરો પર નવા નંબરો આવી જાય છે. વોટ્સએપ સ્ક્રોલ કરતી વખતે ક્યારેક નીચે ખોવાઇ ગયેલા કેટલાંક નંબરો અને ચહેરાઓ ઉપર આવી જાય છે. બે ઘડી પ્રોફાઇલ પિક્ચર જોતા રહીએ છીએ. એક સમય હતો જ્યારે આ ચહેરો જોવાનો તલસાટ હતો, હવે તસવીર પણ જોતા નથી. એક જીવતોજાગતો માણસ આપણા માટે ભૂતકાળ બની જાય છે. જિંદગીનાં જિવાઈ ગયેલાં કેટલાંક પ્રકરણોનાં પાનાં પાછાં ઉથલાવીને જોઈએ ત્યારે એવી કેટલીય ઘટનાઓ તાજી થઇ જાય છે જે કોઈની સાથે જિવાઈ હોય છે. કેટલીક વાતો યાદ આવી જાય ત્યારે ચહેરા પર ચમક આવી જાય છે. વિચાર આવે છે કે, ક્યાં હશે એ? ફોન કરવાનું મન થઇ આવે છે પણ પછી એવો વિચાર આવી જાય છે કે, જવા દેને, મરી ગયેલી કૂકરી હવે ફરીથી જીવતી નથી કરવી!
એક માણસની આ સાવ સાચી વાત છે. ઉંમરની ચાલીસી વટાવી દીધી છે. ઘર છે, પરિવાર છે, સારી પત્ની છે, ડાહ્યાં બાળકો છે. બધું જ સરસ રીતે ચાલી રહ્યું છે. જિંદગી ક્યારેક આપણને ભૂતકાળમાં ખેંચી જતી હોય છે. એની સાથે પણ એક વાર એવું જ થયું. જૂના દિવસો યાદ આવી ગયા. કૉલેજમાં હતો ત્યારે એક છોકરી સાથે પ્રેમ થયો હતો. બંને સરસ રીતે હળતાં મળતાં હતાં. પરણવા જેટલી ઉંમર થઇ એટલે બંનેએ હિંમત કરીને પોતપોતાના ઘરે વાત કરી. કાસ્ટ જુદી હતી. મેળ પડે એમ નહોતો. બંનેના ઘરમાંથી સ્પષ્ટ ના આવી ગઈ. બંનેના પરિવારોમાં ગંભીરતા છવાઈ ગઈ હતી. બંનેએ નક્કી કર્યું કે, આપણાં લગ્નથી કોઇ રાજી નથી. ભાગીને લગ્ન કરીશું તો પણ કંઇક ન થવાનું થશે. બંને માતા-પિતાનું દિલ પણ દુભાવવાં માંગતાં નહોતાં. આખરે બંનેએ જુદાં પડી જવાનું નક્કી કર્યું. જુદાં પડ્યાં પછી ક્યારેય મળ્યાં જ નહીં. બંનેના જુદી જુદી જગ્યાએ મેરેજ થઇ ગયા. બંને સુખી હતાં. બંનેને સારા લાઇફ પાર્ટનર મળ્યાં હતાં. એ માણસના એક કોમન ફ્રેન્ડે એક વખત તેને સવાલ કર્યો. તને ક્યારેય એને મળવાનું મન નથી થતું? પેલા માણસે કહ્યું, ના નથી થતું. મેં તેની સાથેના જૂના દિવસો મારા દિલના એક ખૂણામાં સંઘરી રાખ્યા છે. એ ખૂણો ખીલેલો છે. બધી યાદો સુંદર છે. હવે મળીને મારે એ યાદો ઉપર નવો ઢોળ ચડાવવો નથી. બનવાજોગ છે કે, મળ્યા પછી તેના વિશેની જે કલ્પનાઓ છે એ ખોટી કે જુદી પણ નીકળે. એના કરતાં તો બહેતર છે કે, એની જૂની અને સરસ જિવાયેલી યાદો સાથે જીવવું. તેની પણ લાઇફ છે, ફેમિલી છે, મારું પણ બધું સરસ રીતે સેટ છે. ક્યારેય બધું યાદ આવે તો પાછું વળીને જોઈ લઉં છું પણ પાછું ફરવાનું મન નથી થતું. રસ્તાઓ જુદા થઈ જાય પછી તેને ફરીથી મેળવવાના પ્રયાસો ન થાય એ જ હિતાવહ છે. બંનેની મંઝિલ જુદી હોય ત્યારે રસ્તાઓ પણ જુદા જ રહેવા જોઈએ.
સંબંધમાં એટલી સહજતા બચવી જોઇએ કે જુદાં પડી ગયાં પછી પણ ક્યારેક સામે મળી જવાય તો સારું લાગે. મોઢું ફેરવવાનું કે મોઢું ચડાવવાનું મન ન થાય. સંબંધની ગરિમા અકબંધ રહેવી જોઇએ. એક યુવાનની આ વાત છે. તેનો એક મિત્ર હતો. બંને સરસ રીતે રહેતા હતા. એક સમયે બંને વચ્ચે ઝઘડો થયો. બંને દૂર થઇ ગયા. વર્ષો વીતી ગયાં. એક સમયે એક મિત્રને ખબર પડી કે, તેનો જે ફ્રેન્ડ હતો એનું અવસાન થયું છે. એ તેના ઘરે ગયો. તેના પરિવારજનોને આશ્વાસન આપ્યું. જોકે, તેના ચહેરા પર દુ:ખના કોઇ ભાવ દેખાતા નહોતા. એ જોઈને તેના એક બીજા મિત્રએ કહ્યું કે, એવું કેમ લાગે છે કે તને બહુ વેદના થઈ નથી? મિત્રએ કહ્યું, મારો દોસ્ત તો હમણાં મર્યો, અમારી દોસ્તી તો ક્યારનીયે મરી ગઇ હતી. મને સાચી વેદના તો એ સમયે થઈ હતી જ્યારે અમારો સંબંધ મરી ગયો હતો. હવે એ સંબંધ પણ નથી અને એ વેદના પણ નથી. ઘણી વખત આપણે કેટલાંક સંબંધમાંથી મુક્ત થઈ જતા હોઈએ છીએ. જિંદગીને હળવાશથી જીવવા માટે ઘણું બધું ખંખેરવું પડતું હોય છે. ઘણા સંબંધો એવા હોય છે કે, તેની યાદો આસાનીથી ખંખેરી શકાતી નથી. થોડીક વધુ મહેનત કરીને પણ એમાંથી છુટકારો મેળવી લેવો પડે છે.
ક્યારેક એવું પણ બનતું હોય છે કે, જુદા પડવાની વેળા જ ભૂલી શકાતી નથી. બે બહેનપણીઓ હતી. બંને વર્ષો સુધી ખાસમખાસ દોસ્ત હતી. એકબીજાની બધી જ વાત ખબર હોય. એક દિવસ બંને વચ્ચે ઝઘડો થયો. એક બહેનપણીએ બીજીને કહ્યું, તું સ્વાર્થી છે, તું નાટક કરે છે, તારું રડવું પણ સાચું નથી. આ વાતથી એ બહેનપણીને લાગી આવ્યું કે આ મારા વિશે આવું બોલે છે? તેણે સંબંધ પૂરા કરી નાખ્યા. એક વખત એ છોકરી એક સંતને મળી. બહેનપણી સાથેના ઝઘડા અને જુદા પડી જવા વિશે વાત કરી. સંતે કહ્યું, તું તારી ફ્રેન્ડ સાથેની છેલ્લી ઘટના જ કેમ યાદ રાખે છે? તમે બંને કેટલી સરસ રીતે રહ્યા છો, એમાંથી કોઈ ઘટના યાદ રાખને! છોકરીએ કહ્યું, નથી રહેતી. કેટલાંક શબ્દો અને કેટલુંક વર્તન એવું હોય છે જે પડઘાતું રહે છે. શબ્દો વાગે છે. જે રીતે એ બોલાયા હોય એની ધાર ખૂંચતી રહે છે. આસાન નથી હોતું એ ભૂલવું. હવે તો ફરીથી એ સંબંધ સુધારતા પણ ડર લાગે છે. પાછી એ કંઇક બોલશે તો? પાછું કંઇક થશે તો? એક ઘા હજુ રૂઝાયો નથી ત્યાં બીજો ઘા પડશે તો?
સંબંધ બંધાય ત્યારે કંઈ ખબર પડતી નથી. ધીમે ધીમે નજીક આવી જવાય છે. વાતો ગમે છે. વર્તન વહાલું લાગે છે. સંબંધ તૂટે ત્યારે ધડાકાભેર તૂટે છે. સમજુ માણસ પોતાની નજીકની વ્યક્તિમાં થતો ફેરફાર માપી લે છે અને પામી પણ જાય છે. બે મિત્રોની વાત છે. એક મિત્ર ધનવાન થઇ ગયો. એનું ગ્રૂપ જુદું થઇ ગયું. એનાં વાણી અને વર્તન પણ બદલાઇ ગયાં. તેનો મિત્ર સમજી ગયો કે હવે બધું બદલાઇ ગયું છે. એ કોઈ જાતનો અણસાર ન આવે એમ ધીમે ધીમે ખસી ગયો. મળે ત્યારે પ્રેમથી મળે. ધીમે ધીમે મળવાનું પણ ઓછું થઈ ગયું. તેના એક મિત્રએ કહ્યું કે, તેં કેમ આવું કર્યું? એ મિત્રએ કહ્યું કે, મારે કોઇ કડવાશ સાથે જુદા નહોતું પડવું. સંબંધ બગડે એવો અંદાજ આવે ત્યારે ગ્રેસફુલ્લી ખસી જવું જ સારું હોય છે. અમારા સંબંધનું આયુષ્ય પૂરું થઇ ગયું હતું. ધીમેધીમે દેખાતા બંધ થઇ જવાનું. સામેવાળી વ્યક્તિને જો કદર હશે તો સાદ આપીને પાછા બોલાવશે. જો ન બોલાવે તો સમજી જવાનું કે એ પણ એવું જ ઇચ્છે છે કે, આ સંબંધનો હવે અંત આવે. સંબંધ તોડવાની નોબત આવે ત્યારે પણ એ સંબંધને એવી રીતે ખતમ કરો કે, એ યાદ આવે ત્યારે ટાઢક થાય, ઉકળાટ નહીં. નજીક આવવામાં ધ્યાન રાખવું પડતું નથી પણ દૂર જવામાં બહુ કાળજી રાખવી પડતી હોય છે! આંખોની પાંપણ નીચે કેટલા બધા ચહેરાઓ દફન થયેલા હોય છે? આંખો ભીની થાય ત્યારે પણ એને જરાયે ભેજ લાગતો નથી. સંબંધનો સુકારો સ્વસ્થતાથી સહન કરી લેવાનો હોય છે!
છેલ્લો સીન :
સંબંધને સાજોનરવો રાખતા ન આવડે તો સંબંધ પણ મરવા પડે છે. સંબંધને મરતો જોવો અને મરી ગયા પછી જીરવવો સહેલો હોતો નથી. સંબંધમાં પણ સમય વર્તી સાવધાન થવું પડતું હોય છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 13 ઓગસ્ટ, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: