કોઈનું બૂરું થાય એમાં તું રાજી કેમ થાય છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કોઈનું બૂરું થાય એમાં
તું રાજી કેમ થાય છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


ફૂલોં કી તરહ લબ ખોલ કભી, ખુશબૂ કી જબાં મેં બોલ કભી,
યે દિલ ભી દોસ્ત જમીં કી તરહ, હોં જાતા હૈ ડાંવા-ડોલ કભી.
-ગુલઝારદરેક માણસની એક ચોક્કસ પ્રકૃતિ હોય છે. દરેક માણસની પોતાની એક ફિતરત હોય છે. દરેક માણસ પોતાની રીતે વિચારે છે. માણસ જે વિચારે છે અને જેવું વર્તન કરે છે તેના પરથી જ એની ઊંચાઈ અને એનું ઊંડાણ વર્તાતું હોય છે. વિચારો અને વર્તનને માણસનાં સ્તર, હોદ્દા કે હેસિયત સાથે કંઇ લાગતુંવળગતું નથી. સામાન્ય માણસના વિચારો પણ ઉચ્ચ કોટિના હોઈ શકે છે. કહેવાતા મોટા માણસોના વિચારોનું કદ ક્યારેક વામણું હોય છે. આપણા મનમાં ઘણા લોકો માટે ખૂબ જ ઊંચી ધારણાઓ અને માન્યતાઓ હોય છે પણ જ્યારે એને મળીએ ત્યારે એવું થાય કે, આ તે કેવો માણસ છે? મેં શું ધાર્યું હતું અને આ કેવો નીકળ્યો? એક વખત એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને પૂછ્યું કે, ઘણા માણસો પાસે આપણે ઊંચી અપેક્ષાઓ લઇને ગયા હોઇએ છીએ પણ તેને મળીએ ત્યારે આઘાત લાગે છે. સંતે કહ્યું કે, પણ તું કોઇના માટે અપેક્ષાઓ શા માટે બાંધી લે છે? કોઈના વિશે ધારણા બાંધવી એ આપણી જ ભૂલ હોય છે. આપણે બહુબધું આગોતરું વિચારી લઇએ છીએ. કોઇને મળવા જઇએ ત્યારે તેની એક છબિ ક્રિએટ કરી લઇએ છીએ. એને મળીએ ત્યારે આપણા મનમાં જે છબિ ઘડી હોય તેની સાથે તેને ચેક પણ કરીએ છીએ. આપણે જ એ પછી નક્કી કરીએ છીએ કે આપણી ધારણા કરતાં એ વ્યક્તિ કેટલી ઉણી કે ઊંચી નીકળી! મળ્યા પછી પાછી એક નવી ઇમેજ બાંધી લઇએ છીએ. એ માણસ તો બહુ સારો છે! બીજી વખત તેને મળીએ ત્યારે બનવાજોગ છે કે, એ ભ્રમ પણ ભાંગી જાય! અગાઉ જેણે સારું વર્તન કર્યું હોય એ જ ખરાબ રીતે પેશ આવી શકે છે.
માણસની સૌથી મોટી ખૂબી એ છે કે, એ રોજેરોજ બદલાતો હોય છે. કયા માણસમાં ક્યારે કેવું પરિવર્તન આવે એ નક્કી નથી હોતું. માણસને ઓળખવો એટલે જ અઘરો હોય છે. રોજ આપણી સાથે રહેતો અને જીવતો માણસ પણ ક્યારેક એવું કરે છે કે, આપણને માન્યામાં ન આવે. આપણને એવો સવાલ કરવાનું મન થાય કે, આ તું કહે છે? તું આવું ક્યારથી વિચારવા લાગ્યો? તને આવું બોલતાં પહેલાં કોઈ વિચાર નથી આવતો? ક્યારેક તો આપણને આપણા પોતાના માટે સવાલ થાય કે, આ એ જ વ્યક્તિ છે જેના પર મેં આંખો મીંચીને ભરોસો કર્યો હતો? કોઈ માણસ ગેરન્ટેડ હોતો નથી. બહુ જૂજ માણસો જ આખી જિંદગી જેવા હોય એવા રહે છે.
માણસ બદલાય એમાં ઘણી વખત એનો વાંક પણ નથી હોતો. એને એવા એવા અનુભવો થયા હોય છે કે એ જડ થઇ જાય છે. એક યુવાનની આ વાત છે. કોઇની સાથે કામ વગર સંબંધ ન રાખે. કોઇને ક્યારેય ઉપયોગી ન થાય. પોતાના સ્વાર્થ સિવાય કંઇ ન વિચારે. તેની સાથે એક છોકરી કામ કરતી હતી. એ છોકરા પ્રત્યે એને લગાવ હતો. છોકરાને પણ એ ગમતી હતી પણ તેના પર ભરોસો મૂકી શકતો નહોતો. બંને ધીમે ધીમે મળવા લાગ્યાં. એક દિવસ છોકરીએ પૂછ્યું, તને મારા પર ભરોસો નથી આવતોને? છોકરાએ સામો સવાલ કર્યો, તને કેવી રીતે ખબર પડી? છોકરીએ કહ્યું, એટલા માટે કારણ કે તને કોઇના પર ભરોસો નથી આવતો! તને દરેક પર ડાઉટ જાય છે. આખરે છોકરાએ પેટછૂટી વાત કરી. તેણે કહ્યું, નાનો હતો ત્યારે અમે ખૂબ સુખી હતા. અમારે ઘણાબધા લોકો સાથે સંબંધ હતા. બધા લોકો અમારી સાથે સંબંધ રાખવામાં ગર્વ મહેસૂસ કરતા હતા. ધીમે ધીમે અમારી પરિસ્થિતિ ખરાબ થઇ ગઇ. અમે જ્યારે મુશ્કેલીમાં હતા ત્યારે બધાએ મોઢું ફેરવી લીધું હતું. કોઇ અમારી સાથે સંબંધ રાખતું નહોતું. એ સમયથી મેં પણ નક્કી કરી લીધું કે, હવે મારે પણ કોઇ સાથે સારી રીતે પેશ આવવું નથી. આ વાત સાંભળીને છોકરીએ કહ્યું, તું સંસારના નિયમને કેવી રીતે બદલી શકવાનો છે? દુનિયા તો સમય અને સ્વાર્થ જોઈને જ સંબંધ રાખવાની છે. જે ખરા લોકો છે, જે પોતાના લોકો છે, એ જ દરેક સમયે અને દરેક સંજોગોમાં સાથે રહેવાના છે. દુનિયા બદલાય એટલે આપણે પણ બદલાઈ જવાનું? દુનિયાએ તારી સાથે શું કર્યું એ વિચારવાની સાથે એ પણ વિચાર કે દુનિયા સાથે તું શું કરી રહ્યો છે? દુનિયા તો ઠીક છે, તું તારી સાથે શું કરી રહ્યો છે? તેં તો તારી જાતને જ કેદ કરી લીધી છે. મુક્ત થઇ જા. હળવો થઇ જા. જો તારામાં બદલાવ નહીં લાવે તો તારા ભાર નીચે તું જ દબાઇ જઇશ. આપણે દુનિયામાં ઘણા એવા લોકો જોયા હોય છે જે પોતાના ભારમાંથી જ બહાર આવતા નથી. કોઇ પણ જાતનો ભ્રમ પાળવો જોખમી હોય છે. આપણે આપણા વિશે અને દુનિયા વિશે કેટલાંક ભ્રમો બાંધી લેતા હોઇએ છીએ. આપણા ભ્રમો આપણને શાંતિથી જીવવા દેતા નથી. જે રોજેરોજ ચોખ્ખી પાટી સાથે શરૂઆત કરે છે એ જ કંઇક નવું લખી શકે છે, લખેલા ઉપર કંઇ લખી શકાતું નથી! લખેલા પર લખીએ તો ઉલટું જે લખ્યું હોય છે એ પણ નથી વાંચી શકાતું.
આખી દુનિયા વિશે ધારણાઓ બાંધી લેનારા આપણે આપણા વિશે કેટલો વિચાર કરીએ છીએ? માણસ પોતાના વિશે પણ જાતજાતની ધારણાઓ બાંધી લેતો હોય છે. આપણું વર્તન, આપણા વિચારો અને આપણી માનસિકતાની ચાડી ફૂંકી દેતું હોય છે. એક યુવાનની આ સાવ સાચી વાત છે. એ કોઈનું સારું જોઈ ન શકે. સારું ન જુએ તો કંઈ નહીં પણ કોઈનું બૂરું જુએ તો રાજી થાય! એને કંઈ લાગતુંવળગતું ન હોય તો પણ કોઇની સાથે ખરાબ થતું જોઇને એને ખુશી મળે! એ જ લાગના છે, કોઈ સારું છે જ નહીં. એક વખત તેના મિત્રએ કહ્યું કે, આ તું શું કોઇનું બૂરું જોઈને રાજી થાય છે? કોઇની તકલીફથી તને કંઈ ફાયદો થતો હોય તો હજુયે ઠીક છે, તારે તો એની સાથે કંઈ લાગતુંવળગતું નથી. એક વસ્તુ યાદ રાખ, તું જે કરે છે એ એક જાતની વિકૃતિ જ છે! પ્રકૃતિમાં વિકૃતિ ભળી જાય ત્યારે માણસની મતિ ભ્રષ્ટ થઇ જાય છે. કોઈને સુખી અને રાજી જોઈ ન શકનાર વ્યક્તિ પોતે ક્યારેય ખુશ રહી શકતી નથી. દરેકને પોતાનાં નસીબનું મળે છે. દરેક પાસે પોતે સુખી અને ખુશ રહી શકે એટલું હોય પણ છે. ગમે એટલો ધનવાન હોય તો પણ એનાથી વધારે કોઈની પાસે હોવાનું જ છે. આપણે કેટલું જોઈતું હોય છે? સુખ જે છે તે માણવામાં છે. એક શેઠની આ વાત છે. ખૂબ જ ધનવાન. એક વખત તેણે પોતાને ત્યાં કામ કરતા એક વફાદાર માણસને પોતાની જૂની કાર ભેટ આપી દીધી. પેલો માણસ ખૂબ જ રાજી થઇ ગયો. એના માટે તો કાર સપનું હતી. એ દરરોજ પત્ની અને બાળકો સાથે ફરવા જતો અને પોતાની જાતને ખૂબ સુખી સમજતો. તેનો શેઠ તેને જોતો અને રાજી થતો. એક દિવસ એ શેઠને જ વિચાર આવ્યો કે, આ વ્યક્તિ મારી આપેલી કારથી ખુશ છે અને મારી પાસે ઘણી કાર હોવા છતાં હું તેના જેટલો ખુશ કે સુખી નથી. મને એટલો સંતોષ છે કે, હું કોઈના સુખ માટે નિમિત્ત બની શક્યો. કોઇને સુખી જોઇને રાજી થવું એ પણ એક પ્રકારની પોઝિટિવિટી જ છે. નેગેટિવિટીને નજીક ન આવવા દો, જો એક વખત નેગેટિવિટી ઘૂસી જશે તો પછી તેનાથી આસાનીથી છુટકારો મળવાનો નથી. સુખ શોધશો તો સુખ મળશે, દુ:ખ શોધતા ફરશો તો દુ:ખ તો મળે જ, આપણી પાસે હોય એ સુખ પણ આપણે માણી ન શકીએ!
છેલ્લો સીન :
દરેકને કુદરતે પોતાનું અંધારું અને અજવાળું આપ્યું હોય છે. અજવાળાને માણવા માટે અંધારાથી દૂર જવું પડે છે. અંધારું વાગોળવું કે અજવાળું માણવું એ આપણે નક્કી કરવાનું હોય છે!
-કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 28 જાન્યુઆરી 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: