તું માને છે એ માત્ર ને માત્ર તારી માન્યતા છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું માને છે એ માત્ર ને

માત્ર તારી માન્યતા છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

કભી દિમાગ, કભી દિલ, કભી નજર મેં રહો,

યે સબ તુમ્હારે હી ઘર હૈ, કિસી ભી ઘર મેં રહો.

હૈ અબ યે હાલ કે દર-દર ભટકતે ફિરતે હૈ,

ગમોં સે મૈંને કહા થા કે મેરે ઘર મેં રહો.

-રાહત ઇન્દોરી

 

જિંદગી એટલે શું? લાઇફ વિશે દરેકની પોતાની વ્યાખ્યા હોય છે. આપણી માન્યતાઓ અને આપણા ખ્યાલોને આધારે આપણે આપણી જિંદગી જીવતા હોઈએ છીએ. આવું કરાય, આવું ન કરાય, આમ હોવું જોઈએ, આ વાજબી છે, આ ગેરવાજબી છે, મને આવું ગમે, મને આવું ન ગમે, હું તો આમ જ રહું, આવું કેટલું બધું આપણે માનતા, ધારતા અને કહેતા હોઈએ છીએ? દરેકના પોતાના આદર્શો હોય છે, દરેકના પોતાના સિદ્ધાંતો હોય છે, દરેકને પોતાની રીતે જીવવું હોય છે. દરેકને પોતાની માન્યતાઓને માનવાનો, પોષવાનો અને એના આધારે જીવવાનો અધિકાર છે. આપણી માન્યતાઓ આપણને વહાલી હોય છે, કારણ કે આપણે એને જ સાચી માનતા હોઈએ છીએ. જિંદગી કેમ જીવાય? સફળ કેમ થવાય? પ્રેમ કેવી રીતે કરાય? સંબંધ કેવી રીતે જળવાય? આવા બધા વિશે આપણી માન્યતાઓ હોય જ છેને! આપણા મિત્રો અને આપણા સંબંધો પણ મોટાભાગે એવા લોકો સાથે જ હોય છે જેની સાથે આપણી માન્યતાઓ મેચ થતી હોય છે. આપણને આપણા જેવા લોકો જ ગમે છે. આપણે જેવા હોઈએ એવું જ આપણું વર્તુળ બનતું હોય છે. દરેકનું એક નાનકડું ચોકઠું હોય છે, એમાં એ સરસ રીતે ફિટ થઈ જાય છે અને એમાં જ એને કર્મ્ફ્ટેબલ લાગે છે.

કોઈ પણ માણસ માન્યતાઓથી મુક્ત રહી શકતો નથી. હા, એવું માનવાવાળા લોકો છે કે, મારી માન્યતાઓથી એમની માન્યતા અલગ છે. બીજાની માન્યતાઓને સ્વીકારવી એ સમજદારી જ છે. પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે આપણે કોઈની માન્યતા સ્વીકારી શકતા નથી. હું કહું એ જ સાચું. મારો કક્કો જ ખરો. તમારી વાત ખોટી. તમે સાચું નથી વિચારતા, તમે ખોટા રસ્તે છો એવું માનનારા માથાકૂટ નોતરતા રહે છે. દુનિયામાં જે કંઈ ઝઘડા, વિવાદ, તકરાર, લડાઈથી માંડીને યુદ્ધ થાય છે તેના મૂળમાં પોતપોતાની માન્યતાઓ જ હોય છે. ઘરમાં અને સંબંધમાં પણ એવું જ હોય છેને!

એક પતિ-પત્નીની વાત છે. બંનેએ લવમેરેજ કર્યા હતા. એકબીજા પ્રત્યે અનહદ લાગણી. જોકે, એક મામલે બંનેને વારંવાર ઝઘડા થાય. પત્ની ચોખ્ખાઈની ચુસ્ત આગ્રહી. બધું જ વ્યવસ્થિત હોવું જોઈએ. જે વસ્તુ જ્યાં હોય ત્યાં જ રહેવી જોઈએ. એ એવું માને કે અંધારામાં પણ આપણને આપણી વસ્તુ મળી જવી જોઈએ. ટેબલ એકદમ ચોખ્ખું જોઈએ. છાપાં પણ ગડી વાળીને જ મૂકવાનાં. કચરો પણ સંભાળીને મૂકવાનો. એનો પતિ સાવ જ જુદો. એ બધું મન ફાવે તેમ રાખે. એવું જરૂરી થોડું છે કે બધું વ્યવસ્થિત જ જોઈએ? આપણું ઘર છે, આપણને ગમે તેમ રાખીએ. આટલા બધા વ્યવસ્થિત રહેવાની શી જરૂર છે? સફાઈ કરવાની મજા જ બધું બગડે તેમાં છે. પત્ની સાથે ઝઘડો થાય ત્યારે એ એવું કહે કે, આટલું બધું ચોખ્ખું રાખી તારે શું સાબિત કરવું છે? કોને બતાવવું છે? બંને પોતાની માન્યતાને વળગી રહેતાં અને ઝઘડતાં રહેતાં! પ્રેમ, સંબંધ, માન્યતા અને દોસ્તીમાં બાંધછોડને અવકાશ હોવો જોઈએ.

આપણે જો એવું ઇચ્છતા હોઈએ કે કોઈ આપણી માન્યતાઓનો આદર કરે તો આપણે પણ લોકોની માન્યતાઓનો સ્વીકાર કરવો જોઈએ. આપણને ગમતું હોય એ બધાને ગમે એવું જરૂર નથી. આપણને પણ ક્યાં ઘણું બધું ગમતું હોય છે! પ્રેમમાં એ પણ જરૂરી છે કે આપણે આપણી વ્યક્તિને જે ગમે છે તે સ્વીકારીએ, સમજીએ અને માણીએ પણ ખરાં. એક પતિ-પત્નીની આ સાવ સાચી ઘટના છે. પત્ની એકસ્ટ્રોવર્ટ હતી. બધાને મળવું, બધાને ઘરે બોલાવી પાર્ટી કરવી, બધા સાથે મસ્તી કરવી એને ગમતું. પતિ એકદમ ઇન્ટ્રોવર્ટ. પત્નીને ગમે એવું એને ન ગમે. એ પાર્ટીનો માણસ જ નહીં.

એક વખતે પત્નીએ કહ્યું કે, મને મારા બધા જ કોલેજ ફ્રેન્ડ્સને ઘરે ડિનર માટે બોલાવવાની ઇચ્છા છે. હું પાર્ટી ગોઠવું? પતિએ બહુ જ પ્રેમથી કહ્યું, હા તું તારે બોલાવને. પાર્ટી ગોઠવાઈ. પત્નીના બધા જ ફ્રેન્ડ્સ આવ્યા. મોડી રાત સુધી ધમાલ-મસ્તી ચાલી. પતિએ દિલથી બધામાં ભાગ લીધો. ઘણી વાતો નક્કામી લાગતી હતી છતાં તેમાં રસ લીધો. પાર્ટી પૂરી થઈ. બધા ગયા. પત્નીએ પતિને કહ્યું, એક વાત કહું? તારા વર્તનથી મને ખુશી થઈ. તને તો પાર્ટી ગમતી નથી. ટોળ-ટપ્પા અને ગપ્પા ગમતાં નથી. તું તો બધા સાથે બહુ સરસ રીતે રહ્યો. મને હતું કે તું બોર થઈશ! પતિએ કહ્યું, મેં જે કર્યું એ તારા માટે કર્યું છે. તને ગમે છેને, તો બસ. મને ન ગમતું હોય એવું તું કેટલું બધું મારા માટે કરે છે. તારા માટે કંઈ પણ અયોગ્ય નથી લાગતું. તું થોડીક જુદી છે. હું પણ કદાચ થોડો અલગ છું, પણ હું તને બહુ પ્રેમ કરું છું. એકલા હોઈએ ત્યારે ભલે થોડાક અલગ હોઈએ, પણ સાથે હોઈએ ત્યારે આપણે બંને એક હોવાં જોઈએ. તને ગમે એ જ મને ગમે. તારી આંખ ઝૂકે તો મારીયે નમે.

આપણને કોઈક સાથે કેમ બનતું હોતું નથી? એનું સૌથી મોટું કારણ એ હોય છે કે અમુક મુદ્દાઓ વિશે એ જુદું માનતા હોય છે અને આપણા વિચારો તદ્દન જુદા જ હોય છે. અમુક વખતે કોઈકને મળીને તરત જ એવું લાગે છે કે આની સાથે આપણને નહીં ફાવે! એની સાથે કાયમનો પનારો ન હોય તો તો બહુ વાંધો આવતો નથી, આપણે સેફ ડિસ્ટન્સ રાખીને આપણો સંબંધ મેઇન્ટેઇન કરતા રહીએ છીએ. જોકે, જેની સાથે રોજનો સંબંધ છે એનું શું? એનાથી તો આપણે ભાગી શકતા નથી. ખાસ કરીને સાથે કામ કરતા હોઈએ ત્યારે બીજાની માન્યતાને સ્વીકારવી અઘરી પડે છે.

એક ઓફિસની આ વાત છે. નવા બોસ આવ્યા. તેના આસિસ્ટન્ટને એની સાથે રોજનો પનારો. કંઈક નવું કરવાનું આવે એટલે બોસ તરત જ એની વાત કાપી નાખે. એમ નહીં, આમ કરવાનું. તેનો આસિસ્ટન્ટ દરેક વખતે ગમ ખાઈ જાય. એક વખતે નવા કામ માટે ચર્ચા કરવા એને બોલાવ્યો. શું કરીશું, એમ બોસે પૂછ્યું. તેના આસિસ્ટન્ટે કહ્યું કે જેમ આપ કહો એમ! બોસે કહ્યું, ના પહેલાં તમે કહો! આસિસ્ટન્ટે કહ્યું કે તમને ખરાબ ન લાગે તો એક વાત કહું? બોસે હા પાડી. તમને મારી કોઈ વાત સાચી જ લાગતી નથી, મારી વાત ઉડાડી જ દો છો. બોસે કહ્યું, હા અત્યાર સુધી મેં તારી વાત માની નથી. જોકે, એનો મતલબ એ નથી કે તારે કંઈ કહેવું નહીં. તારા મંતવ્યનું તું તો માન રાખ. તું નહીં રાખે તો કોઈ નહીં રાખે. હું તારી વાત સ્વીકારતો નથી, પણ તારી વાતની કદર ચોક્કસ કરું છું. તારી પાસે ઓપ્શન્સ હોય છે. ઘણા વિકલ્પો સારા પણ હોય છે. જોકે, તું જે રિસ્કમાં માને છે એમાં હું સેફ રહેવાનું વિચારું છું. હું માનું કે ન માનું, તું જે માને છે એ માનવાનું બંધ ન કરતો, નહીંતર તું બધું જ સ્વીકારતો થઈ જઈશ.

તમને કંઈ યોગ્ય ન લાગે ત્યારે તમે વિરોધ નોંધાવો છો? તમારી વાત સ્પષ્ટ કરો છો? સાચું હોય કે ખોટું, યોગ્ય હોય કે અયોગ્ય, વાજબી હોય કે ગેરવાજબી, ફાયદાકારક હોય કે નુકસાનકારક, તમે તમારું મંતવ્ય આપો. દરેક વખતે આપણી માન્યતા કે ઇચ્છા મુજબ ન થાય તો વાંધો નહીં, પણ તમારો વિચાર અને તમારો મત તો વ્યક્ત કરો જ. ઘણા લોકો આગળ નથી આવતા એનું કારણ એ નથી હોતું કે એને કંઈ ખબર પડતી નથી, એનું કારણ એ હોય છે કે જ્યારે એણે બોલવું જોઈએ ત્યારે એ બોલતા હોતા નથી. ગેરવાજબી લાગતું હોય ત્યારે નમ્રપણે વાત કરવી એ વિરોધ નથી, પણ એક ઘટનાની બીજી બાજુ બતાવવાનો પ્રયાસ હોય છે. તમે કહો છો એમ પણ થઈ શકે, પરંતુ એ સિવાય આવું પણ થઈ શકે, એવું કહેવામાં કંઈ ખોટું હોતું નથી!

જનરેશન ગેપ એ બીજું કંઈ હોતું નથી, પણ જડ થઈ ગયેલી માન્યતાઓનો નવી માન્યતાઓ સાથેનો ટકરાવ જ હોય છે. માણસે ક્યારેક પોતાની માન્યતાઓ વિશે પણ વિચાર કરવો જોઈએ. મારી માન્યતાઓ સાચી છે? માન્યતાઓ બદલતી હોય છે. સમય અને પરિવર્તનને જે સમજે છે એ પોતાની માન્યતાઓને જડની જેમ વળગી રહેતા નથી. ઘણી વખત કોઈ રોજ વાત કરતા હોય એનાથી જુદી વાત કરે ત્યારે આપણને એમ થાય છે કે, અરે! તું તો આવું માનતો હતોને? માન્યતાઓ બદલતી હોય છે, બદલવી પણ જોઈએ. માણસ ઉંમરની સાથે મેચ્યોર થતો હોય છે. એને સમજાતું હોય છે કે હું જે સમજું છું કે માનું છું એમાં ફેરફાર કરવાની જરૂર છે. જે લોકો પોતાની માન્યતાઓમાં સમય આવ્યે બદલાવ નથી કરતા એ લોકો ઘણી વખત સાવ એકલા પડી જતા હોય છે.

દરેક માણસ પોતાની બુદ્ધિ, પોતાની સમજ અને પોતાની આવડત મુજબ પોતાની માન્યતાઓને અનુસરતો હોય છે. આપણી માન્યતાઓ મુજબનું આપણું વર્તન હોય છે અને આપણા વર્તન ઉપરથી જ આપણા લોકોમાં અને આપણા સમાજમાં આપણી ઇમેજ બનતી હોય છે અને આપણી છાપ ઘડાતી હોય છે. માણસ એટલે માણસ અને તેની માન્યતાઓ. આપણે એટલે આપણી માન્યતાઓનો સરવાળો. આપણે શું માનીએ છીએ એ જ આપણને સારા કે નરસા માણસ બનાવતી હોય છે. બદમાશ અને ગેંગસ્ટર લોકોની પણ પોતાની માન્યતાઓ હોય છે કે આમ જ જીવાય, લોકો તો ડરવા જ જોઈએ! દરેક માણસે પોતાની માન્યતાઓ ઉપર નજર રાખવી જોઈએ. યોગ્ય જણાય ત્યારે માન્યતા બદલવી પણ જોઈએ. દરેક તાળામાં એક ચાવી ન લાગે. એ જ લોકો જડ જેવા થઈ જાય છે જે પોતાની માન્યતાઓને જડની જેમ વળગી રહે છે. જિંદગી વહેતી રહે છે અને આપણે પણ એની ગતિ સાથે વહેતા રહેવું જોઈએ. અટકી જાય એ જ રહી જતા હોય છે. ભાર લઈને ફરનારાઓ મોટાભાગે પોતાના ભાર નીચે જ દબાઈ જતા હોય છે!

 

છેલ્લો સીન :

મારું કોઈ નથી એવું કહેનારાઓ મોટાભાગે તો પોતે જ કોઈના હોતા નથી. કોઈ આપણું હોય એના માટે આપણે પણ કોઈના બનવું પડતું હોય છે. -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 20 સપ્ટેમ્બર 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *