કંઈ કરતાં પહેલાં મગજનો તો જરાક ઉપયોગ કર! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કંઈ કરતાં પહેલાં મગજનો
તો જરાક ઉપયોગ કર!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


સામે ઉત્તર આપવાનું એટલે બહુ મન નથી,
જે મને દુર્જન કહે છે એ બધા સજ્જન નથી,
મારી સામે એનું ભૂંડું બોલવાનું બંધ કર,
યારી તૂટી છે અમારી પણ અમે દુશ્મન નથી.
-કિરણસિંહ ચૌહાણ


જિંદગીને સમજવા માટે સૌથી વધુ જરૂરી શું હોય છે? પોતાને સમજવા! જ્યાં સુધી આપણે આપણને સારી રીતે ઓળખી શકીએ નહીં ત્યાં સુધી આપણે જિંદગીને કે દુનિયાને સમજી શકવાના નથી. કોઇ તમને પૂછે કે તમે તમને ઓળખો છો, તો તમે શું જવાબ આપો? આપણે ક્યારેય એવું વિચારીએ છીએ કે, હું કેમ આવો કે આવી છું? મને કેમ અમુક પ્રકારના વિચારો આવે છે? મને કેમ અમુક લોકો સાથે જ ફાવે છે? અમુક લોકોને જોઈને મને કેમ કાળ ચડે છે? દરેક માણસની પોતાની ખામીઓ હોય છે, ખૂબીઓ હોય છે, ખાસિયતો હોય છે અને બીજું ઘણું બધું હોય છે. દરેક માણસ બીજા કરતાં જુદો છે. માણસમાં જે બીજા કરતાં અલગ પાડતું તત્ત્વ છે એ જ માણસને યુનિક બનાવે છે. આપણી જિંદગી સરવાળે તો એવી જ રહેવાની છે જેવું આપણે વિચારતા રહીએ. મોટા ભાગના માણસો કારણ વગરના દુ:ખી થતાં હોય છે. ખરેખર દુ:ખી થવાય એવાં કારણો તો બહુ ઓછાં હોય છે. મોટા ભાગે માણસ પોતાનું દુ:ખ જાતે જ પેદા કરે છે. કોઇક આપણને જરાક અમથા વતાવે કે આપણે તરત જ છંછેડાઈ જઇએ છીએ. આપણું મગજ છટકે છે. આપણે લડી લેવા મેદાનમાં આવી જઇએ છીએ. લડીને પાછા વધુ દુ:ખી થઇએ છીએ. એક યુવાન હતો. તેની સાથે કામ કરતા એક માણસને તેની સામે વાંધો હતો. એક વખત એ ભાઇએ તેની પાસે આવીને કહ્યું કે, તારામાં બુદ્ધિ જેવું કંઇ છે જ નહીં! એ યુવાને કહ્યું કે, ઠીક છે! પેલો માણસ દર થોડા થોડા દિવસે એવું બોલે કે, તને કંઈ આવડતું નથી, તું બેવકૂફ છે, તારામાં સમજણનો અભાવ છે. એ યુવાન કોઇ પ્રતિભાવ ન આપે. એક વખત એ યુવાનના મિત્રથી રહેવાયું નહીં. તેણે કહ્યું કે, પેલો માણસ તને દર થોડા દિવસે કંઇક ને કંઇક કહી જાય છે અને તું સાંભળી લે છે? તું કેમ કંઇ બોલતો નથી? એ યુવાને કહ્યું, એનું કારણ એ છે કે મને એનાથી કોઇ ફેર જ પડતો નથી! એ મને મૂરખ કહે એનાથી હું કંઈ મૂરખ થઇ જવાનો નથી. બે ઘડી માની લે કે, એ મને કાલથી એમ કહેવા માંડે કે, તું તો ખરેખર મહાન છે, તો શું હું મહાન થઇ જવાનો છું? એના કહેવાથી મહાન નથી થઇ શકવાનો તો એના બોલવાથી મૂરખ પણ નથી થવાનો! મને તો એ માણસની દયા આવે છે કે, એ બિચારો મારી ચિંતા કરીને પીડાયા રાખે છે. એ જ્યારે જ્યારે મારી સામે આવે છે ત્યારે હું તરત જ ભગવાનને પ્રાર્થના કરું છું કે, હે ભગવાન, આને શાંતિ આપજે! એ બિચારો પોતાના કારણે જ દુ:ખી છે! મને ગાળો દીધા પછી પણ એને ચેન તો નથી જ પડતું! આપણી અંદરનો ઉકળાટ છેલ્લે તો આપણને જ દઝાડતો હોય છે.
માણસને સૌથી વધુ નુકસાન માણસ જ કરતો હોય છે. તમે ન ઇચ્છો તો તમને કોઇ હેરાન કરી ન શકે. આપણે કોઇની વાત તરત જ આપણા પર સવાર થવા દઇએ છીએ. જે આપણી નજીક હોય એની આપણને અસર થાય તો હજુ ઠીક છે. જેની સાથે કંઇ લેવા-દેવા ન હોય એની સાથે પણ આપણે પંગા લઇ લેતા હોઇએ છીએ. આપણે જોતા હોઇએ છીએ કે, કોઇ વ્યક્તિ ટ્રેનમાં કે બીજી કોઇ જાહેર જગ્યાએ સાવ નાની નાની વાતમાં ઝઘડી પડે છે. એક ભાઇ પત્ની અને દીકરી સાથે હોટલમાં જમવા ગયા. પોતાના ટેબલ તરફ જતા હતા ત્યારે એ ભાઇનો પગ એક ટેબલ પર બેઠેલા ભાઇના પગ સાથે અથડાયો. પેલો ભાઇ બોલ્યો, દેખાતું નથી, આંધળો છે? આટલું સાંભળ્યું કે તરત જ આ ભાઇની છટકી. આંધળો કોને કહ્યો? આંધળો તું અને આંધળો…વાત પહેલાં ગાળાગાળી અને પછી મારામારી સુધી પહોંચી ગઇ. પોલીસ બોલાવવી પડી. માંડ માંડ મામલો થાળે પડ્યો. ઘરે આવ્યા ત્યારે પત્નીએ પૂછ્યું, આપણે શું કરવા ગયા હતા? જેની સાથે આટલો ઝઘડો કર્યો એની સાથે આપણે કંઇ જ લેવાદેવા નહોતા. હવે કદાચ જિંદગીમાં એને ક્યારેય મળવાનું પણ નહીં થાય! તને જરાયે વિચાર આવે છે કે, તેં તારો સમય અને તારી શક્તિનો કોઇ કારણ વગર વેડફાટ કર્યો! મૂરખની સામે મૂરખ ન થવાય! ક્યાં લડી લેવું એની સમજ જેટલી જરૂરી છે એટલી જ એની ખબર હોવી આવશ્યક છે કે, શેમાં પડવા જેવું નથી? તમે માર્ક કરજો, આપણે બધા જ ન પડવાનું હોય એમાં પડીએ છીએ, ન કરવાનું હોય એવું કરીએ છીએ અને છેલ્લે હાથે કરીને હેરાન થઇએ છીએ! ઘણા લોકોને તો ઊડતી લેવાની આદત હોય છે. કંઇ ફાયદો ન હોય કે કંઇ નુકસાન ન હોય તો પણ આપણે કૂદી પડતા હોઇએ છીએ. કંઇ કરતાં પહેલાં એ વિચારવું કે, હું આ શા માટે કરું છું એ એક પ્રકારની સમજણ જ છે. જે કરીએ છીએ એનું પરિણામ શું હશે એનો પણ થોડોક વિચાર કરવાની જરૂર હોય છે. ઘણાનાં મોઢે આપણે એવું સાંભળીએ છીએ કે, મને ખબર નહોતી કે આનું પરિણામ આવું આવશે! પરિણામ વિશે જે પહેલાંથી વિચારે છે એ ઘણી ભૂલોથી બચી જાય છે!
આપણે આખા દિવસ દરમિયાન જે કંઇ પણ કરીએ છીએ એનું ક્યારેય તટસ્થભાવે મૂલ્યાંકન કરીએ છીએ ખરા? કેટલું એવું હોય છે જે ન કર્યું હોત તો કોઇ ફેર ન પડત. કુદરતે આપણને જે એનર્જી આપી છે એ વેડફવા માટે નથી આપી. આપણી શક્તિનો સદુપયોગ ન થાય તો કંઇ નહીં પણ દુરુપયોગ તો ન જ થવો જોઇએ. દુરુપયોગ થશે તો ભોગવવું આપણે જ પડશે. એક સંત જેલમાં સત્સંગ માટે ગયા. તેણે કહ્યું કે, મેં મારી જિંદગીમાં ઘણી જેલોમાં જઇને સત્સંગ કર્યો છે. હું ઘણા કેદીઓને મળ્યો છું. તેમના ગુનાઓ વિશે વાતો કરી છે. મને એક વાત બહુ કોમન જોવા મળી. મોટા ભાગના કેદીઓએ એવું કહ્યું હતું કે, ગુનો કરવો નહોતો, થતા થઇ ગયો! આપણે કેટલું એવું કરીએ છીએ જે આપણે કરવું હોતું નથી પણ થતાં થઇ જાય છે! જે થતા થઇ જાય છે એ બધા ગુના નથી હોતા પણ એના કારણે આપણી જિંદગીમાં ફેર તો પડતો જ હોય છે. મોટા ભાગના સંબંધો ન બોલવા જેવું બોલવાના કારણે અને ન કરવા જેવું વર્તન કરવાના કારણે થાય છે. ઘરમાં પતિ-પત્ની વચ્ચે કે પરિવારમાં જે ઝઘડાઓ કે સંઘર્ષ થાય છે એ સાવ ક્ષુલ્લક કારણસર થાય છે. હમણાં જ સાંભળવા મળેલો એક સાવ સાચો કિસ્સો છે. એક ભાઈ-બહેન વચ્ચે ઝઘડો ચાલે છે. કારણ શું? કોરોનાનો સમય હતો ત્યારે ભાઈ બહેનના ઘરે આવવાનો હતો. બહેને ના પાડી. બહેને કહ્યું કે, કોરોનાનો સમય છે. તું પણ જોખમ ન લે અને અમને પણ જોખમમાં મૂક નહીં. ભાઇને ખરાબ લાગી ગયું. હું આવું એમાં કોરોના થઇ જવાનો છે? કોરોના તો ચાલ્યો ગયો પણ આ ભાઇ એ ઘટના પછી આજની તારીખે બહેનના ઘરે નથી ગયો! આપણે કોઇ વાતને રાઇટ સ્પિરીટમાં કેમ લેતા નથી? દરેક વાતમાં આપણને કેમ વાંધા પડી જાય છે? આપણે બધી વાતોને વધારે પડતી સીરિયસલી લઇ લેતા હોય છીએ. લાઇટલી લેવા જેવી વાતને સીરિયસલી લેવી એ પણ એક પ્રકારની ભૂલ જ છે!


છેલ્લો સીન :
આપણે જેમ તનને આરામ આપીએ છીએ એમ મનને પણ થોડો વિરામ આપવો જોઇએ. વધુ પડતું અને નક્કામું વિચારવાનું ટાળીએ એ મનની માવજત જ છે! -કેયુ
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 20 નવેમ્બર ૨૦૨૨, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “કંઈ કરતાં પહેલાં મગજનો તો જરાક ઉપયોગ કર! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

%d bloggers like this: