તું ખોટાં બહાનાં કે બચાવ
કરવાનું બંધ કરી દે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
હતા રંગોય ઝેરી, આંખમાં ખૂંચ્યા કરે એવા,
મને આવી રહ્યાં છે કમનસીબે સ્વપ્ન પણ કેવાં!
કરીને છિદ્ર દરિયામાં ડુબાડી દઈશ હું દરિયા,
વિચારો આવશે ક્યારે મને એ નાવડી જેવા?
-કિશોર જિકાદરા
સફળતા, સિદ્ધિ અને સાર્થકતા એમ જ નથી મળતા, એના માટે જીવન સમર્પિત કરવું પડતું હોય છે. જેને કંઈક કરી છૂટવું હોય એ રસ્તો કરી લેતા હોય છે. જેને કંઇ કરવું હોતું નથી એ બહાનાં શોધતા ફરે છે. જે જેટલી મહેનત કરે છે એટલી એને સફળતા મળે છે. દરેક માણસને પોતાનું સ્થાન મળી જ જાય છે, એ સ્થાન કેવું છે એ એની મહેનત પર આધાર રાખે છે. ઘણાની જિંદગી જોઇને આપણને એવું લાગે કે, એને તો જલસા છે. આપણને જે જલસા દેખાતા હોય છે એ મેળવવા માટે એણે કેટલા પ્રયાસો કર્યા હોય છે એ આપણને ખબર હોતી નથી. ઘણા લોકોનાં મોઢે આપણને એવી ફરિયાદો સાંભળવા મળે છે કે, આપણે તો ગરીબ કે સામાન્ય પરિવારમાં જન્મ્યા છીએ. બીજા લોકો તો બ્લેસ્ડ છે. એને તો વારસામાં જ કેટલું બધું મળ્યું છે. લોકો પોતાનાં નસીબને દોષ આપવા સુધી પહોંચી જાય છે. મારાં તો નસીબ જ ખરાબ છે. ગમે એ કરું તો પણ મારો ક્યાંય મેળ જ પડતો નથી. માણસ પોતાનો જ બચાવ કરવા લાગતો હોય છે. આવું બધું માણસ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે જ કરતો હોય છે. એ ક્યારેય એવું કબૂલ નહીં કરે કે, આપણે રખડી ખાધું છે. જ્યારે જે કામ કરવા જેવું હતું એ કામ કર્યું નથી એવું કોઈ નહીં કહે. માણસ પોતાની જાત પ્રત્યે પણ વફાદાર રહેતો નથી. ભાગ્યે જ કોઈ માણસ એવું સ્વીકારતો હોય છે કે, મારા જે હાલ છે એના માટે હું જ જવાબદાર છું.
પરિસ્થિતિ, નસીબ, સંજોગનો ઢાલ તરીકે ઉપયોગ કરવાથી સરવાળે કંઈ વળતું નથી. દુનિયાને તમારાં બહાનાં સાંભળવામાં રસ નથી હોતો, એને તો તમારી સફળતા સાથે જ લાગેવળગે છે. દુનિયાનો એ નિયમ છે કે, એ સફળ અને મહાન લોકોને પૂજે છે, માન આપે છે. ભલે કહેવાવાળા એવું કહેતા હોય કે, બધા સ્વાર્થી છે. હોદ્દો અને મોભો જોઈને વાત કરે છે. એવું જ હોય. એવું જ પહેલાં પણ હતું અને એવું જ કાયમ માટે રહેવાનું છે. દરેક માણસે પોતાનું વજૂદ પેદા કરવું પડતું હોય છે. ક્યારેક માણસ પોતાની ઉંમરને આગળ ધરીને એવું કહે છે કે, હવે આપણાથી એ ન થાય, આપણને એ ન ફાવે. એવું ક્યાં લખ્યું છે? ઉંમર વિશે એવું કહેવાય છે કે, જેને ખરેખર કંઈક કરવું છે એને ઉંમર ક્યાંય નડતી નથી. ઘણા લોકો તો સ્માર્ટ ફોન કે કમ્પ્યૂટર વિશે પણ એવું જ કહે છે કે, આપણને એવું બધું ન ફાવે. આપણે પોતે જ નક્કી કરી લઇએ કે નહીં ફાવે તો ક્યાંથી મેળ પડવાનો છે? બે મોટી ઉંમરના ફ્રેન્ડ હતા. એક મિત્રે કહ્યું, ચાલને હવે આપણે આઇટી રિલેટેડ કંઇક શીખીએ. તેના મિત્રએ કહ્યું, હવે આપણી ઉંમર થઇ. આપણે કંઇ શીખી ન શકીએ! આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, તારે ન કરવું હોય તો ના પાડી દે પણ કંઈ શીખવાની બાબતમાં ઉંમરને વચ્ચે ન લાવ. મને તો એમ થાય છે કે, આપણે આખી જિંદગી કંઈ ને કંઈ શીખતા રહ્યા છીએ, શીખવામાં તો આપણે સિઝન્ડ થઇ ગયા છીએ. જિંદગીમાં આટલું બધું આવડ્યું તો હવે નવું કેમ કંઈ ન આવડે?
જિંદગી આમ તો રોજે રોજ કંઈ ને કંઈ નવું શીખવાડતી જ હોય છે. સારી રીતે જિંદગી જીવવાના કોઇ ક્લાસ નથી હોતા. તમારી સામે રોજેરોજ જે પડકારો આવે છે એ તમે ઝીલો જ છોને? માણસનો જન્મ થાય એ સાથે શીખવાનું શરૂ થતું હોય છે. બોલતાં, ચાલતાં અને બીજું ઘણું બધું કરવાનું આપણે શીખતાં જ હોઇએ છીએ. પહેલી વખત સાઇકલ ચલાવી હશે, બાઇક દોડાવી હશે, કાર ડ્રાઇવિંગ શીખ્યું હશે, મોબાઇલ ઓપરેટ કરતાં પણ શીખ્યું હશે. મોબાઇલમાં કોઇ નવી એપ્લિકેશન આવે તો તેની સાથે સેટ થતાં પણ થોડો સમય લાગતો હોય છે. નવો મોબાઇલ લઇએ ત્યારે તેનાથી યુઝ ટુ થતા પણ વાર લાગે છે. થોડા સમયમાં આપણને ફાવી જાય છે. ફાવી એટલા માટે જાય છે, કારણ કે આપણે ફવડાવવું હોય છે. નવું શીખવા માટે પણ આ જ વાત લાગુ પડે છે. દાનત હોવી જોઈએ. હાથ ઊંચા કરી દો તો કંઈ ન થાય. આપણે કંઇ ન શીખીએ તો દુનિયાને કોઈ ફેર પડવાનો નથી. દુનિયા જેમ ચાલે છે એમ જ ચાલવાની છે. હા, તમે કંઈક શીખશો તો દુનિયાને ચોક્કસપણે ફેર પડશે. ઘરમાં કે બહાર સરવાળે તો એ જ મહત્ત્વનું હોય છે કે, કોનામાં કેટલું હીર છે? માણસને માન એની લાયકાત મુજબ જ મળતું હોય છે. માન મેળવવા માટે નામ કમાવું પડે છે અને નામ કમાવા માટે જાત નિચોવવી પડે છે. દુનિયા સન્માન આપે જ છે પણ જે લાયક હોય એને જ!
જિંદગીનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે, જિંદગી સરખી સમજાય ત્યાં સુધીમાં તો અડધી જિંદગી પૂરી થવા આવી હોય છે. નાના હોઇએ ત્યારે દરેક વાતની ગંભીરતા હોતી નથી. મોટા થઇએ એમ એમ જિંદગીની સમજ પડે છે. જે લોકોએ કંઇક સિદ્ધ કર્યું છે એ પહેલેથી જ પોતાના કામ પ્રત્યે સિન્સિયર હોય છે. એ લોકોને ત્યારે જ એટલી સમજ હોય છે કે, અત્યારે મહેનત કરીશું તો જ આપણો મેળ પડશે. એક યુવાનની આ વાત છે. એ પોતાના કામમાં બહુ જ હોશિયાર હતો. તેને ઘણા એવોર્ડ મળ્યા હતા. એક વખત તેને પૂછવામાં આવ્યું કે, તમારી આ સફળતાનું કારણ શું છે? તેણે કહ્યું કે, હું ખેડૂતનો દીકરો છું. મારા પિતા પાસેથી હું એક વાત શીખ્યો છું. પિતા હંમેશાં કહેતાં કે, વાવીએને તો ઊગે. વાવતાંવેંત કંઈ ઊગી જવાનું નથી. વાવ્યા પછી જ સાચી મહેનત શરૂ થાય છે. પાકને માત્ર પાણીથી સીંચવાનો હોતો નથી, પરસેવો પણ જોઈએ. જિંદગીને પણ આ જ વાત લાગુ પડે છે. દુનિયામાં બીજા બધાનો વિકલ્પ હશે પણ મહેનતનો કોઇ વિકલ્પ નથી. કોઇ એવું કહે કે, મને ક્યારેય કોઇ તક જ નથી મળી તો એ સાવ ખોટ્ટો હોય છે. દરેકને તક મળી જ હોય છે. તક મળ્યા પછી એ કેટલી મહેનત કરે છે એના પર સફળતાનો મોટો આધાર છે. એક રખડું યુવાન હતો. જિંદગીને બેફામ જીવતો હતો. કંઈ જરૂર હોય તો દોસ્તો પાસે કરગરતો. મિત્રો સારા હતા. મદદ પણ કરતા હતા. એક વખત તેના એક મિત્રએ કહ્યું કે, તને કુદરતે કેવી કેવી તકો આપી હતી, તેં બધી જ તકો વેડફી નાખી. ક્યાંય સરખું કામ ન કર્યું. બધે બબાલો જ કરી. હજુ કંઈ મોડું નથી થયું. જે કામ મળે એ કરવા માંડ. અમારી વાતોથી કંઈ ન શીખે તો કંઈ નહીં, તારા અનુભવોમાંથી તો કંઈક શીખ. આપણે માણસ છીએ, ભૂલ થઇ જાય. ભૂલમાંથી પણ જે કંઈ ન શીખે એ મૂરખ છે. તમે માર્ક કરજો, જિંદગી પણ એક ભૂલ માફ કરતી હોય છે. આપણે ઘણા એવા કિસ્સા જોયા છે કે, કોઈએ ગંભીર ભૂલ કરી હોય, ફટકો સહન કર્યો હોય એ પણ પછી બેઠા થઇ જાય છે. જે સતત ભૂલો કરતા જ રહે છે એ જ કંઈ કરી શકતા નથી. કોઇ બહાનાં ન કાઢો. કોઇ બચાવ ન કરો. તમારા ભાગે જે કામ આવ્યું છે એ કરતા રહો. જેને સફળ થવું હોય છે એ કોઈ પણ સંજોગોમાં અને કોઈ પણ ઉંમરે સફળ થઇને જ રહે છે. જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી અસંતોષ જીવતો રાખો. નિશ્ચય કરો કે જે ધાર્યું છે એ પૂરું કરીને જ ઝંપવું છે!
છેલ્લો સીન :
જે માણસ પોતાની જ ક્ષમતાને મર્યાદિત આંકે છે એ પોતાના જ માર્ગમાં સ્પીડબ્રેકર ખડું કરતા હોય છે. તકો અને શક્યતાઓ તો હોય જ છે, આપણે બસ હિંમત કરવાની હોય છે. –કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 03 સપ્ટેમ્બર, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com