મને જેવું થાય છે એવું એને કેમ થતું નથી? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મને જેવું થાય છે એવું

એને કેમ થતું નથી?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હશે નસીબમાં એ ત્યાં લઇ જશે આખર,

કિનારા પરથી સમંદરમાં નાવ મૂકી દઉં,

અને પછી હું શું કરું એ પહેલા વાત કરો,

તમે કહો છો, તમારો લગાવ મૂકી દઉં.

-ભરત વિંઝુડા

જેવી સંવેદના એવો અહેસાસ. દરેક માણસમાં સંવેદનાનું સ્તર જુદું જુદું હોય છે. કોઇ અત્યંત ઋજુ હોય છે તો કોઇ ખૂબ જ કઠોર. કોઇ નાની અમથી વાતમાં રડી પડે છે તો કોઇને ગમે તે થાય તો પણ કંઇ ફેર પડતો નથી. કોઇ સાવ કાચા-પોચા હોય છે તો કોઇ જડ. બધા માણસો એક સરખા કેમ નથી હોતા? મગજ તો એક સરખું જ હોય છે તો વિચારો કેમ સરખા નથી હોતા? અમુક લોકોમાં અમુક લાગણીઓ કેમ તીવ્ર હોય છે? કેટલાંકનું મગજ કેમ વારેવારે છટકી જાય છે? અમુક લોકોને ગમે એટલા હેરાન કરીએ તો પણ એ કેમ વિચલિત નથી થતા? કેટલાંક લોકો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હોય તો પણ કઇ રીતે સ્વસ્થ રહી શકે છે? ઘણાને જોઇને એવો સવાલ થયા વગર ન રહે કે, આ તે કેવો માણસ છે? અમુક સવાલોના કોઇ જવાબ હોતા નથી. જિંદગીમાં ક્યારેક એવા લોકો ભટકાઇ જાય છે, જે આપણું જીવવું હરામ કરી નાખે છે. આપણને આપણા નસીબ સામે જ સવાલો થાય કે, મેં એવા ક્યા પાપ કર્યા હશે કે, ભગવાને આની સાથે ભેટો કરાવ્યો?

માણસને સૌથી વધુ પેઇન પોતાના લોકો જ આપે છે. આપણે જેનું ભલું કર્યું હોય એ જ આપણી ઘોર ખોદતા હોય છે. આપણો કોઇ વાંક ન હોય તો પણ આપણને બૂરા ચિતરતા હોય છે. સારું ઇચ્છે એવા લોકોને દીવો લઇને શોધવા પડે એમ છે. આખી દુનિયામાં સારા થઇને ફરતા લોકો ઘરમાં એવા ક્રૂર હોય છે કે, આપણું મગજ બહેર મારી જાય. ઘરમાં પ્રવેશે એટલે ફફડાટ વ્યાપી જાય. એક વખત એક ગ્રૂપને એક સવાલ પૂછવામાં આવ્યો હતો. બધાને કહેવામાં આવ્યું હતું કે, તમારો જે જવાબ હશે એ કોઇને કહેવામાં નહીં આવે પણ પ્રામાણિકપણે સાચો જવાબ આપજો. સવાલ એ હતો કે, એક ખૂન માફ હોય તો તમે કોને મારી નાખો? જે જવાબો હતા એ ચોંકાવનારા હતા. ઘણાએ તો પોતાની સૌથી અંગત વ્યક્તિને જ સૌથી મોટી દુશ્મન ગણાવી હતી. બાય ધ વે, તમને આવો સવાલ કરવામાં આવે તો તમે કોનું નામ આપો? ક્યારેક કો’ક એવું ભટકી જાતું હોય છે જે આપણું જીવવું ઝેર કરી નાખે.

માણસને સમજવો સૌથી અઘરો છે. બધા ખરાબ નથી. કેટલાંક લોકો એટલા સારા હોય છે કે તમે એનું ગમે તેટલું ખરાબ કરો તો પણ એને કંઇ ફેર ન પડે. એ જેવા હોય એવા જ રહે. એક યુવાનની આ વાત છે. એ બધાનું ભલું કરે પણ એની નજીકનું કોઇ એની સાથે સરખી રીતે ન રહે. એક વખત તેના ફ્રેન્ડે કહ્યું કે, તને બધા મૂરખ બનાવે છે, તારો ઉપયોગ કરે છે, તારો લાભ ઉઠાવીને પછી તારું જ બૂરું કરે છે. તને કંઇ નથી થતું? એ યુવાને કહ્યું કે, એ લોકોની એવી ફિતરત છે, મારો સ્વભાવ જુદો છે. એ લોકો જો પોતાનામાં કોઇ બદલાવ લાવવા ઇચ્છતા ન હોય તો પછી હું શા માટે મારામાં કોઇ ચેન્જ લાવું? દરેક માણસે પોતે હોય એવા જ રહેવું જોઇએ, એ બદલવા જાય તો એ ક્યાંયના નથી રહેતા!

આપણે ગમે તે વાત કરીએ પણ જેને આપણે અત્યંત પ્રેમ કરતા હોઇએ એ આપણી કેર કરે, આપણું ધ્યાન રાખે, આપણને પેમ્પર કરે, આપણી ચિંતા કરે એવું આપણે ઇચ્છતા હોઇએ છીએ. એવું ન થાય ત્યારે સંબંધો સામે સવાલો પણ થાય છે અને દિલમાં એક ટીસ પણ ઊભી થતી હોય છે. એક છોકરીની આ વાત છે. એક છોકરા સાથે તેને પ્રેમ હતો. છોકરો પ્રેમ કરતો હતો પણ એને પોતાની પ્રેમિકાની કોઇ પરવા નહોતી. છોકરી ક્યારેક પૂછતી કે, તું મને પ્રેમ તો કરે છેને? ન કરતો હોય તો ના પાડી દે, હું તારી લાઇફમાંથી ચાલી જઇશ. છોકરો એવો જ જવાબ આપતો કે, મારી લાઇફમાં તારા સિવાય કોઇ છે જ નહીં અને હશે પણ નહીં. એક વખત છોકરીએ કહ્યું કે, પ્રેમ છે તો દેખાતો કેમ નથી? મને તારી ચિંતા થાય છે એમ તને કેમ ક્યારેય મારી ફિકર થતી નથી?  મને ક્યારેક એ જ સમજાતું નથી કે, જેવું મને થાય છે એવું તને કેમ થતું નથી? ક્યારેક તો પૂછ કે, તું ઓકે છેને? ક્યારેક તો કહે કે, તને મીસ કરું છું, તારા વગર મજા નથી આવતી. તું સાવ આવો કેમ છે? પ્રેમીએ કહ્યું કે, મને પણ ક્યારેક એમ થાય છે કે, તું આવી કેમ છે? બધી વાતમાં ચિંતા કરવાની શું જરૂર છે? ચિંતા કરીને પણ આખરે તું શું કરવાની છે? મારી લડાઇ તો મારે જ લડવાની છેને? પ્રેમિકાએ કહ્યું, એ જ વાત છે. તું એમ કેમ નથી માનતો કે, તારી લડાઇમાં તું એકલો નથી, હું પણ તારી સાથે છું. તું તો મારી દરેક ક્ષણમાં છે, હું કેમ તારી કોઇ પળમાં નથી?

એ વાત સાચી કે, બે વ્યક્તિ ક્યારેય એક સરખી હોતી નથી. એ વાત પણ સાચી કે, પ્રેમ હોય ત્યારે પોતાની વ્યક્તિ જેવી હોય એવી એને સ્વીકારવી જોઇએ. અલબત્ત, પ્રેમ ખાતર શક્ય હોય ત્યાં સુધી બદલાવવું પણ જોઇએ કે નહીં? કોઇ તમારા પાછળ પાગલ હોય, તમારા શ્વાસે શ્વાસની જેને પરવા હોય, તમે જેના વિચારોમાં હોવ, તમે જેની પ્રાર્થનાઓમાં હોવ, તમે જેનું સર્વસ્વ હોવ એના માટે થોડાક તો સારા બની શકાયને? કોઇના પ્રેમની કદર હોવી જોઇએ. જેને પ્રેમની પરવા નથી હોતી એ ઘણી વખત પ્રેમ ખોઇ બેસતા હોય છે. હું ગમે તે કરું પણ એને તો નયા ભારનો ફેર નથી પડતો. ધીમે ધીમે પ્રેમ કરવાનું ઓછું થતું જાય છે. સંબંધોમાં સૂકારો એમને એમ નથી લાગતો. પહેલા એક પક્ષે લાગણીઓ સૂકાતી હોય છે. એની અસર સામા પક્ષે આવવાની જ છે. પ્રેમ એવી ચીજ છે કે, એને જો તરબતર રાખશો તો જ ભીનાશ વર્તાશે. જે લોકો સંબંધોને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે એને ખબર નથી પડતી કે જે એ શું ગુમાવી રહ્યા છે. ક્યારેય સમજાય ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. એક પતિ-પત્ની હતા. પત્ની પતિ માટે બધું જ કરી છૂટે. પતિ કંઇ કરી શકતો નહીં. એવું જરાયે નહોતું કે, એની દાનત નહોતી. એની સ્થિતિ જ એવી હતી કે એ ખાસ કંઇ કરી ન શકે. પતિ વારેવારે પત્નીને કહેતો કે, તું મારા માટે કેટલું બધું કરે છે, મારું કેટલું ધ્યાન રાખે છે અને હું તારા માટે કંઇ કરી શકતો નથી. પત્નીએ એક વખત કહ્યું, તું ભલે કંઇ કરી શકતો નથી પણ હું જે કરું છું એની તને ખબર છે, એની તને પરવા છે એ મારા માટે પૂરતું છે. તને અહેસાસ તો છે કે, હું તને ખૂબ પ્રેમ કરું છું. આપણી વ્યક્તિને માત્ર અનુભૂતિ જ જોઇતી હોય છે. આ મારી વ્યક્તિ છે, એ મને ઓનેસ્ટ છે, હું એને ગમું છું, મારી લાગણીઓની એને કદર છે એટલો અહેસાસ હોય એ પણ પ્રેમ જીવતો હોવાનો પુરાવો છે. જિંદગી જીવવા માટે, સંવેદનાને જીવતી રાખવા માટે અને જિંદગી જેવું લાગે એ માટે પ્રેમને સજીવન રાખો. તમને જો પ્રેમ મળ્યો હોય તો તમારી જાતને નસીબદાર સમજો અને તમને જે પ્રેમ કરે છે એનું સન્માન જાળવો. એક વાર તો કહો કે, તું મારી જિંદગીમાં છે એ મારા સારા નસીબની નિશાની છે. તું છે તો હું છું. હું લકી છું કે, તું મારી સાથે છે. ખરેખર, બધાના નસીબમાં એવી વ્યક્તિ નથી હોતી જે પોતાની વ્યક્તિ માટે જીવતી હોય! દુનિયામાં એવા લોકોની કમી નથી જેની પાસે બધું જ છે, માત્ર પ્રેમ કરવાવાળુ કોઇ નથી. પ્રેમ કરવાવાળું કોઇ ન હોયને ત્યારે બધું હોય તો પણ એ વ્યર્થ લાગે છે!  

છેલ્લો સીન :
સંબંધના સવાલનો જવાબ ન મળે ત્યારે હોડીને કિનારો ન મળતો હોય એવી સ્થિતિ સર્જાય છે. તરવાનો થાક લાગતો હોય છે અને ડૂબવાનો ડર લાગતો હોય છે!     -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 14 મે, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *