સતત ડર લાગે છે
કે કંઈક ખરાબ થશે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ગીત ઝરણાનું હજુ તું ગાઈ તો જો,
ને પછી ખળખળ સમું પડઘાઈ તો જો,
જાતને પંપાળવાની ટેવ છોડી,
ખુદની સાથે કોક’દી ટકરાઈ તો જો.
-મયંક ઓઝા
જિંદગીની ફિતરત ચડાવ-ઉતારની છે. એકસરખું વહેવું જિંદગીને ફાવતું જ નથી. જિંદગી ક્યારે પલટી મારે તેનું કંઈ નક્કી હોતું નથી. જિંદગી સરપ્રાઇઝ આપતી રહે છે. લાઇફ એક એવું પેકેજ છે જેમાં બધું જ છે. સુખ પણ છે અને દુ:ખ પણ છે. ખુશી પણ છે અને ગમ પણ છે. જિંદગીની એક હકીકત માણસે સ્વીકારી લેવી જોઇએ કે, એકસરખું ક્યારેય કશું જ રહેવાનું નથી. સુખમાં છકી ન જવું અને દુ:ખમાં ડગી ન જવું એ એમ જ તો નહીં કહેવાયું હોયને? જિંદગીની ઘટનાઓને ક્યારેક તટસ્થભાવે અને સાક્ષીભાવે જોવી પડતી હોય છે. જિંદગી છે, કંઈ પણ થાય. દર વખતે આપણું ધાર્યું જ થાય એવું જરૂરી નથી. આપણે ન ધાર્યું હોય એવું થવાના ચાન્સીસ વધારે રહે છે. આ બધાની સાથે એક વાત એ પણ યાદ રાખવાની હોય છે કે, એક વખત કંઈક ખરાબ, બૂરું કે અજુગતું થયું એટલે એવું ફરીથી કે સતત એવું જ થશે એવું માની લેવાની જરૂર નથી. આપણે ઘણી વખત કારણ વગર ડરી જતા હોઈએ છીએ.
એક છોકરીની આ વાત છે. તે પોતાના ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરતી હતી. બધા મસ્તીના મૂડમાં હતા. અચાનક જ એ છોકરી બધાથી દૂર જઇને બેસી ગઇ. તેની ફ્રેન્ડને આશ્ચર્ય થયું કે, આ હમણાં સુધી તો ખૂબ મજામાં હતી, અચાનક એવું તે શું થયું કે સાવ ચૂપ થઇ ગઇ? તે પોતાની ફ્રેન્ડ પાસે ગઇ અને પૂછ્યું કે, શું વાત છે? છોકરીએ કહ્યું કે, બહુ મજા આવતી હતી અને અચાનક જ ડર લાગવા માંડ્યો કે કંઇક ખરાબ થશે તો? મારી સાથે છેલ્લા કેટલાય સમયથી કંઈક ને કંઈક ખરાબ બનતું રહે છે. આજે કેટલા લાંબા સમય પછી ફ્રેન્ડ્સ સાથે મજા આવતી હતી અને અચાનક જ ડર લાગવા માંડ્યો કે કંઇક ખરાબ થશે તો? હવે તો કંઈ સારું થાય છે તો પણ એવું ફીલ થાય છે કે કોઇની નજર લાગી જશે! આપણા બધાની સાથે ક્યારેક આવું થયું હોય છે. ખૂબ ખુશ હોઇએ અને એવો ડર લાગવા માંડે કે, બધું સરખું તો રહેશેને? અલબત્ત, મનમાં જો કોઈ વાતનો ડર હશે તો જિંદગી જીવવાની મજા ક્યારેય આવવાની જ નથી. સાચી વાત તો એ છે કે, સુખમાં તો ડરવાનું નહીં જ પણ દુ:ખ કે તકલીફ હોય ત્યારે પણ ડરી કે ડગી જવાનું નહીં. આપણે જેટલા સ્વસ્થ હોઇશું એટલી સારી રીતે મુશ્કેલીને પાર પાડી શકીશું.
માણસની સમજણનું માપ એના પરથી જ નીકળે છે કે એ મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કેવી રીતે કરે છે. એક યુવાનની આ વાત છે. તેના પર એક પછી એક મુસીબતો આવતી હતી. એ જે કંપનીમાં કામ કરતો હતો એ કંપની બંધ થઇ ગઇ. એ બેકાર થઇ ગયો. કાર લઇને જતો હતો ત્યારે એક્સિડેન્ટ થયો. વાગ્યું ઓછું હતું પણ કારને સારું એવું નુકસાન થયું. ઘરે હતો ત્યારે કૂકર ફાટ્યું અને પત્ની માંડ માંડ બચી. ક્યાંયથી કોઇ સારા સમાચાર જ મળતા નહોતા. એક દિવસે તેણે પત્નીને કહ્યું, ચાલ ક્યાંક ફરવા જઇએ. ચેન્જ મળશે. પત્નીએ કહ્યું કે, કંઈ સારું થતું નથી. ફરવાનો મૂડ જ નથી આવતો. એમ થાય છે કે, ખરાબ સમય હવે પૂરો થાય તો સારું. પતિએ હસીને કહ્યું કે, સમયને શા માટે દોષ દે છે? આવું બધું તો ચાલતું રહે. હા, થોડાક એવા બનાવો બન્યા છે જેનાથી આપણને ધક્કો લાગ્યો છે પણ ઠીક છે. તેણે પત્નીને કહ્યું, મને એક સવાલનો જવાબ આપ. આટલું બધું થયું તો પણ જિંદગી અટકી છે? બધું ચાલે છેને? જ્યાં સુધી જિંદગી ચાલતી હોય ત્યાં સુધી કોઇ વાતથી ડરવાની જરૂર નથી. બધું ચાલતું રહેવાનું છે. ક્યારેક એવું થતું હોય છે કે જાતજાતના ડરના કારણે માણસ પોતે અટકી જતો હોય છે.
એક ખેલાડી હતો. તેને છેલ્લા થોડા સમયથી કોઈ સ્પર્ધામાં જીત જ મળતી નહોતી. એક તબક્કે તો તેને એવું લાગવા માંડ્યું કે, શું મારી કરિયર પૂરી થઇ ગઇ? જેમ જેમ હાર મળતી હતી એમ એમ એની હતાશામાં સતત વધારો થતો હતો. એક વખત એ એક સંત પાસે ગયો. તેણે સંતને બધી વાત કરી. સંતે કહ્યું, મેચ હારે એમાં કંઈ ચિંતા કરવા જેવું નથી, હિંમત ન હાર! આપણે જો મનથી જ હારી જઇએ તો ગ્રાઉન્ડ પર ક્યાંથી જીતવાનો છે? પ્રેરણા, મૉટિવેશન અને તાકાતની જરૂર ત્યારે જ પડતી હોય છે જ્યારે ધારી સફળતા મળતી નથી. સાચું શીખવાનું સફળતામાંથી નથી પણ નિષ્ફળતામાંથી છે. નિષ્ફળતામાંથી એ શીખવાનું છે કે મને સફળતા ન મળે ત્યાં સુધી મારે કોઈ પણ હિસાબે ટકી રહેવાનું છે. મેદાન છોડવાનું નથી. પોતાની જાત પર શ્રદ્ધા રાખવી પડે છે.
એક છોકરી હતી. તે અભ્યાસમાં કે બીજા કશા કામમાં ધ્યાન પરોવી શકતી નહોતી. તેની માતાને આ વાતની ખબર પડી. માતા એક દિવસ બહાર ગઇ. ઘરે આવીને તેણે દીકરીને એક માળા પહેરાવી. માતાએ કહ્યું કે, આ માળા મને એક બહુ મોટા સંતે આપી છે. સંતે માળાની વિશેષ પૂજા કરી છે અને કહ્યું છે કે, આ પહેરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થઇ જશે અને ધારી સફળતા મળશે. છોકરીમાં ખરેખર પરિવર્તન આવ્યું. તે ધીમે ધીમે બધામાં આગળ આવવા લાગી. અભ્યાસમાં પણ તેને સારા માર્ક્સ આવ્યા. એક દિવસ એ છોકરીએ માતાને કહ્યું કે, મારી સાથે જે કંઈ સારું થઇ રહ્યું છે એ આ માળાની કમાલ છે. તેણે માતાને કહ્યું કે, મને એ સંતનાં દર્શન કરવાં છે, જેણે આ માળા આપી છે. માતાએ કહ્યું કે, ચાલ, તને લઇ જાઉં! માતા દીકરીને લઇને એક માર્કેટમાં પહોંચી. એક રેંકડી પાસે દીકરીને ઊભી રાખીને કહ્યું કે, જો અહીંથી પાંચ રૂપિયામાં આ માળા ખરીદી છે. કોઇ સંતે આપી નથી. માત્ર ને માત્ર તારામાં શ્રદ્ધા રોપવા માટે મેં આવું કર્યું હતું. દીકરા, તારામાં તાકાત હતી જ, તને બસ ભરોસાની જરૂર હતી. તેં જો ભરોસો કેળવી લીધો હોત તો કોઇ માળાની જરૂર જ ન પડત. હવે તને એટલું જ કહેવાનું છે કે, જિંદગીમાં ગમે તે થાય ક્યારેય હિંમત હારતી નહીં. એક એ વાત પણ યાદ રાખજે કે, સારો અને ખરાબ સમય તો આવતો જ રહેવાનો છે. જો હિંમત હારી જઇશ તો ક્યારેય સ્વસ્થ રહી શકીશ નહીં. માણસે માત્ર તનથી જ નહીં, મનથી પણ મજબૂત રહેવું પડે છે.
માણસનો પ્રોબ્લેમ એ હોય છે કે જ્યારે શક્તિની સૌથી વધુ જરૂર હોય ત્યારે જ એ હિંમત હારી જતો હોય છે. જ્યારે અંધારું એની પરાકાષ્ઠાએ હોય ત્યારે જ ટકી રહેવાનું હોય છે. એક સમયે બધાની લિમિટ આવતી હોય છે. અંધારાની લિમિટ આવી જાય પછી જ પ્રકાશનું પહેલું કિરણ પ્રસરતું હોય છે. આપણે મોટા ભાગે છેલ્લે પગથિયે આવીને જ ફસકી જતા હોઇએ છીએ. હા, ક્યારેક આપણને ન ગમતા અને ક્યારેક આપણાથી સહન ન થાય એવા બનાવો બનતા હોય છે પણ એનાથી કંઈ જિંદગી ખતમ થઇ જવાની નથી! માણસ ઘણી વખત એવું કહેતો હોય છે કે, મારી સાથે જ કેમ આવું થાય છે? જેવું આપણી સાથે થતું હોય છે એવું નહીં તો એના જેવું કંઇક ને કંઇક બધાની સાથે થતું જ હોય છે. દરેકે ખરાબ સમયનો સામનો કર્યો જ હોય છે. ઘણા એમાંથી સ્વસ્થ રીતે પસાર થઇને બહાર આવે છે અને ઘણા હતાશામાં એવા ડૂબી જાય છે કે એમાંથી બહાર જ નીકળી શકતા નથી! જે ડરી જાય છે એ જ અટકી જાય છે. સફરમાં સંઘર્ષનો સામનો તો કરવો જ પડતો હોય છે. હવે કોઇ રસ્તો જ નથી એવું માની લઇએ તો ચાલી જ ન શકીએ. આગળ રસ્તો છે અને રસ્તો નહીં હોય તો થઇ જશે એવી જેને શ્રદ્ધા છે એ જ મંઝિલ સુધી પહોંચી શકતા હોય છે!
છેલ્લો સીન :
દુ:ખ અને વેદનાનું આયુષ્ય મોટા ભાગે આપણા હાથમાં હોય છે. તમે એને જીવતું જ રાખો તો એ ક્યારેય મરવાનું જ નથી. દુ:ખને દૂર કરવાની આવડત કેળવવી પડે છે. આપણે આપણા હાથે જ દુ:ખનો અંત આણવો પડે છે! -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, ૧૪ ઓગસ્ટ,૨૦૨૨, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com