તમને ક્યાં રહેવું ગમે? મોટા શહેરમાં કે નાના ગામડાંમાં? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમને ક્યાં રહેવું ગમે?
મોટા શહેરમાં કે નાના ગામડાંમાં?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

અમેરિકા સહિત અનેક દેશોમાં લોકો મોટાં શહેરોમાંથી નાનાં શહેરો કે ગામડાંઓ

તરફ પાછા વળી રહ્યા છે


ભારતમાં શહેરીકરણ વધી રહ્યું છે. રિવર્સ માઇગ્રેશનનાં કારણો શું હોય છે?


———–

આપણે જ્યાં રહેતા હોઈએ એ શહેર કે ગામ સાથે આપણો એક અનોખો નાતો હોય છે. શહેર સાથેનો સંબંધ પણ સતત જિવાતો હોય છે. ગલી, ચોક અને કેટલાંક સ્થળો આપણી જિંદગીનો હિસ્સો બની ગયાં હોય છે. બચપણ જ્યાં વિત્યું હોય એ શહેર કે ગામ આપણી અંદર હંમેશાં ધબકતું રહે છે. જિંદગી આપણને ઘણી વખત એક શહેરથી બીજા શહેર ફેરવતી રહે છે. ક્યારેક માણસ પોતાની ઇચ્છાથી તો ક્યારેક મજબૂરીથી સ્થળાંતર કરતો રહે છે. તમે અત્યારે જ્યાં રહો છો એ તમને ગમે છે? તમારા શહેરથી તમે ખુશ છો? તમને જો ચોઇસ મળે તો તમે અત્યારે જે શહેરમાં રહો છો એ બદલીને બીજે રહેવા જાવ ખરા? આ બધા પ્રશ્નો દરેકને જુદી જુદી રીતે લાગુ પડતા હોય છે. એનો જવાબ ઘણી વખત એવો પણ હોય છે કે, એમ ક્યાં કંઈ છૂટતું હોય છે? આપણું ધાર્યું પણ ક્યાં થતું હોય છે? ડેસ્ટિનીમાં લખ્યું હોય તો જવું પડતું હોય છે. નસીબ ક્યારે ક્યાં ખેંચી જાય એ કોઇને ખબર નથી હોતી. ટ્રાન્સફરેબલ જોબવાળા લોકોએ તો ઘાટ ઘાટનાં પાણી પીવાં પડે છે. બદલી થાય ત્યારે શહેર છોડવાનું મન ન હોય તો પણ જવું પડતું હોય છે. ક્યારેક તો પ્રશ્ન સામે આવીને ઊભો રહે છે કે, પ્રમોશન જોઇતું હોય તો બીજે જવું પડશે. ટુ બી ઓર નોટ ટુ બી? મોટા ભાગના લોકોને મોટા શહેરનું સપનું હોય છે. યંગ હોઈએ ત્યારે ઇચ્છાઓને પાંખો લાગતી હોય છે. કંઇ કરી છૂટવાની ઉમ્મીદ માણસને વતનથી દૂર લઇ જાય છે. માણસ મુસીબતોનો સામનો કરીને પણ નવા સ્થળે ટકી રહે છે. એડજેસ્ટ થવામાં તકલીફ પડતી હોય છે છતાં મન મનાવે છે. પોતાની જાતને આશ્વાસન આપતો રહે છે કે, એ તો નવું છે એટલે થોડુંક અઘરું લાગે છે. ધીરે ધીરે ફાવી જશે. થોડાક ફ્રેન્ડ્સ થશે, ગ્રૂપ થઇ જશે પછી વાંધો નહીં આવે. આ બધા વચ્ચે ક્યારેક એવો વિચાર પણ આવી જાય છે કે, ચાલો પાછા વળી જઇએ!
શહેરની દોડધામવાળી જિંદગી, થકાવી દેતો ટ્રાફિક, રોજેરોજની હાડમારી, મોંઘવારી જેવા કેટલાંયે પરિબળો માણસને ક્યારેક એવું વિચારવા મજબૂર કરે છે કે, આના કરતાં નાનાં શહેર કે ગામડું સારું. આપણા દેશમાં શહેરીકરણ સતત વધી રહ્યું છે. શહેરો ચારે તરફથી ફાટતાં જાય છે. ઘરો સાંકડાં થતાં જાય છે. જોઇએ એવાં અને જરૂર હોય એવડાં ઘરો પણ ક્યાં બધાનાં નસીબમાં હોય છે? આપણા દેશમાં રિવર્સ માઇગ્રેશન કેટલું છે એનો અભ્યાસ ઓછો થાય છે પણ અમેરિકા અને બીજા કેટલાંક દેશોમાં લોકો મોટાં શહેરો છોડીને પાછાં નાનાં શહેરો કે ગામડાંમાં જઇ રહ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. અમેરિકાના ઇતિહાસમાં પહેલી વખત 56 શહેરોની વસતીમાં 10 લાખથી વધુનો ઘટાડો નોંધાયો છે. કોરોનાકાળથી શરૂ થયેલો રિવર્સ માઇગ્રેશનનો ટ્રેન્ડ હજુ ચાલી રહ્યો છે. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બ્રુકિંગ્સના સિનિયર રિસર્ચર વિલિયમ ફ્રે કહે છે કે, જે લોકો ઓફિસથી દૂર રહીને કામ કરી શકે છે અથવા તો જેને હજુ વર્ક ફ્રોમ હોમ કરવા મળે છે એવા આઇટી અને એન્ટરટેઇનમેન્ટ સેકટરના લોકો મોટાં શહેરો છોડીને જઇ રહ્યા છે. અમેરિકા જ નહીં, સ્વિડન, બ્રિટન, ડેન્માર્ક, ફિનલેન્ડ, નોર્વે સહિત અનેક દેશોમાં લોકો હવે મોટાં શહેરો છોડી રહ્યા છે. કોરોનાના કારણે લોકોને જિંદગી અને સંબંધોનો મહિમા સમજાયો છે. આખરે બધું શેના માટે કરીએ છીએ એવો સવાલ મનમાં ઊઠવા લાગ્યો છે. જે લોકો જઇ શકે છે એ તો ચાલ્યા જાય છે પણ જે નથી જઇ શકતા એ ઇચ્છા ન હોવા છતાં પડ્યા રહે છે. હાઇબ્રિડ મોડમાં જે લોકો કામ કરે છે એવા લોકો કામના દિવસોમાં શહેરોમાં આવે છે અને પછી તરત જ પાછા ચાલ્યા જાય છે.
માઇગ્રેશન વિશે એવું કહેવાવાળા પણ છે કે, મન તો થાય પણ વતન કે નાનાં શહેરોમાં જઇને કરવું શું? શહેરની ઝાકઝમાળ આસાનીથી પીછો છોડતી નથી. આપણે ત્યાં મુંબઈ વિશે એવું કહેવાતું આવ્યું છે કે, એક વખત મુંબઈ આવી ગયો હોય એ માણસ આ મોહમયી નગરી છોડી શકતો નથી. હેરાન થશે પણ મુંબઈ છોડશે નહીં. બીજાં શહેરોના પ્રશ્નો વળી ઘણાબધા જુદા છે. આપણા ગુજરાત શહેરની વાત કરીએ તો ગામડાંઓ ખાલી થતાં જાય છે અને શહેરો પર ભારણ વધતું જાય છે. નાના ગામડામાં ચક્કર મારો તો ખબર પડે કે, યુવાનોની સંખ્યા બહુ ઓછી જોવા મળે છે. ગામડાની ખેતી અને બીજાં કામો યુવાનોને ફાવતાં નથી. ખેતીનું કામ એને મજૂરી લાગે છે. નાનાં ગામોમાં લાઇફ જેવું કંઈ લાગતું નથી. જે છોકરાઓને ગામડામાં રહેવું હોય એને વળી એક નવી સમસ્યાનો સામનો કરવો પડે છે. મેરેજના ઇશ્યૂ ઊભા થાય છે. ગામડામાં કોઇ છોકરી આવવા તૈયાર નથી. મોટા ભાગની છોકરીઓને પોતે જ્યાં મોટી થઈ હોય એ શહેરમાં અથવા તો એનાથી મોટા શહેરમાં રહેવું હોય છે. ઘણા છોકરાઓ એટલે શહેરમાં આવી જાય છે કે, લગ્નમાં વાંધો ન આવે! આપણે ત્યાં એવા લોકોની સંખ્યા પણ વધુ છે જેનાં મોટાં ઘર નાનાં શહેર કે ગામડાંમાં હોય છે પણ એ મોટાં શહેરનાં નાનાં ઘરોમાં રહેતા હોય છે. દરેકના પોતાનાં કારણો હોય છે.
મોટાં શહેરો છોડવાનું એક કારણ મોંઘવારી પણ છે. જેમની આવક ઓછી છે એ લોકોને મોટાં શહેરોમાં બે છેડા ભેગા કરતાં નાકે દમ આવી જાય છે. નાનાં શહેરોમાં જીવનજરૂરિયાતની ચીજો પ્રમાણમાં સસ્તી છે. શહેરોમાં બીજા ખર્ચા વધી જાય છે. ટ્રાન્સપોર્ટ એક્સપેન્સ પણ વધુ આવે છે. મોટાં શહેરોમાં એક છેડેથી બીજા છેડે પહોંચવામાં સમય અને શક્તિનો વ્યય થાય છે. હવે એવા કિસ્સાઓ પણ વધુ જોવા મળે છે કે, સંતાનો મોટાં શહેરમાં શિફ્ટ થઇ ગયાં હોય તો પણ મા-બાપ તેની સાથે રહેવા આવતાં નથી. એને સિટીની લાઇફ ફાવતી નથી. એ દીકરો જ્યાં નોકરી કે ધંધો કરતો હોય એ શહેરમાં થોડા દિવસો આવે છે, દીકરા કે દીકરી સાથે રહે છે અને પછી પાછાં ચાલ્યાં જાય છે. મોટાં શહેરોમાં કોની સાથે વાતો કરવી, કોની સાથે ચક્કર મારવા જવું એ સવાલ હોય છે. એ લોકોનાં મોઢે એવું સાંભળવા મળે છે કે, મોટાં શહેરોમાં કોઇને કોઇના માટે સમય જ ક્યાં છે? સંતાનોએ મા-બાપને સાથે રાખવાં હોય છે પણ એમને એ વાત પણ સમજાતી હોય છે કે, મા-બાપને અહીં ફાવતું નથી. મા-બાપના જીવ પણ દીકરા કે દીકરી અને એનાં સંતાનોમાં હોય છે પણ ફાવવું તો જોઇએને? શહેરનો દિવસ ઘડિયાળના કાંટે શરૂ થાય છે અને દોડધામથી પૂરો થાય છે. હવે નિરાંત માત્ર નાના ગામડાંમાં વર્તાય છે. મોટાં શહેરોમાં રહેતા લોકોને ગામડાંમાં જવાનું મન થાય છે. નાના શહેર કે ગામડે ગયા પછી એવું પણ થાય છે કે, કેવી શાંતિ છે પણ થોડાક સમયમાં કંટાળી જાય છે. દોડધામ અને ઉચાટની પણ આદત પડી જતી હોય છે. શાંતિની સમજ ન હોય અને શાંતિ પચતી ન હોય તો એ શાંતિ સન્નાટા જેવી લાગે છે. લોકો શાંતિથી રહેવાનું ભૂલતા જાય છે. જેને સમજાય છે એ પાછા જઇ શકતા નથી. એક કશ્મકશ સતત ચાલતી રહે છે. બાય ધ વે, મેળ પડે તો તમે ગામડા કે નાના શહેરમાં જાવ ખરા? ભારત વિશેનો એક અભ્યાસ એવું કહે છે કે, જો આપણાં ગામડાંને હાઇટેક અને સુવિધાવાળાં બનાવવામાં આવે તો શહેરીકરણ અટકે એમ છે. માત્ર શાંતિ જ જરૂરી નથી, સુવિધાઓ પણ હોવી જોઇએ. એટલું જ નહીં, કમાણીનાં સાધનો પણ જરૂરી છે. એ બધું નથી હોતું એટલે જ લોકો સુખની શોધમાં મોટાં શહેરોમાં દુ:ખી થવા આવી જાય છે! સાચું કે નહીં?
હા, એવું છે!
માણસ ગમે ત્યાં જાય અને ગમે તેટલો આગળ વધે એ એનાં મૂળથી કોઇ ને કોઇ રીતે જોડાયેલો રહે છે. વતન તરફનું ખેંચાણ એ એક એવી ઘટના છે જેનાથી માણસ મુક્ત થઈ શકતો નથી. એમાંયે જો ફેમિલી વતનમાં હોય તો એનો છેડો ત્યાં સતત જીવતો હોય છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 29 માર્ચ, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: