જમતી વખતે આપણું ધ્યાન જમવામાં જ હોય છે ખરું? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

જમતી વખતે આપણું ધ્યાન
જમવામાં જ હોય છે ખરું?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

જમતી વખતે વાતો કરવી કે નહીં? વાતો કરવી તો કેવી કરવી?
જમતી વખતે વિચારોને પણ કાબૂમાં રાખવા જોઇએ!


———–

અન્ન એવો ઓડકાર એવું આપણે ત્યાં પ્રાચીન સમયથી કહેવાતું આવ્યું છે. હવે આ વાતમાં થોડોક સુધારો કરવો પડે એમ છે. માત્ર ભોજન મહત્ત્વનું નથી, જમવાની સાથે વાતાવરણ અને કંપની પણ બહુ મોટો ભાગ ભજવે છે. પેટ ભરાય ત્યારે જે ઓડકાર આવે છે તેમાં સંતોષ અને સુખની પણ અનુભૂતિ થવી જોઇએ. શાસ્ત્રોમાં ભોજનને યોગ જેટલી મહત્તા આપવામાં આવી છે. આપણે જ્યારે જમીએ છીએ ત્યારે આપણે આપણી અંદર ઊર્જાનો ઉમેરો કરીએ છીએ. અગાઉના સમયમાં લોકો જમતા પહેલાં પ્રાર્થના કરવાનું ચૂકતા નહીં. ભોજનમંત્ર ઓમ સહના વવતુ બોલીને અન્ન દેવતા અને માતા અન્નપૂર્ણાનો આભાર માનવામાં આવતો. આજે પણ ઘણા લોકો જમ્યા પહેલાં એટલિસ્ટ હાથ જોડીને અન્નને પ્રણામ કરે છે અને ભગવાનનો આભાર માને છે કે, અન્ન નસીબ થયું. હવે ધીમેધીમે આપણું ધ્યાન જમવામાંથી હટતું જાય છે. આ વિશેનું એક સંશોધન એવું પણ કહે છે કે, માણસ વધુ બીમાર પડવા લાગ્યો છે એનું એક કારણ એ પણ છે કે, જમતી વખતે એનો જીવ જ ઠેકાણે હોતો નથી! મોઢું ચાલતું હોય છે અને દિલ અને દિમાગ બીજે ક્યાંક જ હોય છે!
હવે જ્યારે તમે જમવા બેસો ત્યારે જરાક માર્ક કરજો કે, જમવામાં તમારું ધ્યાન કેટલું હોય છે? તમે જમતી વખતે જમો જ છો કે બીજું પણ કંઇક કરો છો? પહેલાં ટેલિવિઝને અને હવે મોબાઇલે દાટ વાળ્યો છે. આજની તારીખે લોકો જમતી વખતે ટીવી. જોતા હોય છે. ટીવી. ન જોતા હોય તો હાથમાં મોબાઇલ તો હોય જ છે. શેનો કોળિયો ભર્યો એનું પણ આપણને ધ્યાન હોતું નથી. તમે ખાતી વખતે સ્વાદને ફીલ કરો છો? ફૂડને એન્જોય કરો છો? એક વાત બધાએ યાદ રાખવા જેવી છે કે, જમવાની ક્રિયા એ માત્ર પેટ ભરવા માટે નથી! એ આપણા શરીરને ચાલતું અને જિંદગીને ધબકતી રાખવાની ક્રિયા છે. એ જેટલી મસ્તીથી થશે એટલી વધુ મજા આવશે. નવા જમાનાના દરેક મા-બાપની એક ફરિયાદ હોય છે કે, અમારું છોકરું મોબાઇલ ન આપીએ તો જમતું જ નથી! આપણે છોકરાઓને હવે નાના હોય ત્યારથી જ બગાડવા લાગ્યા છીએ. બાળકોને તો તમે પાડો એવી આદત પડે. જમતી વખતે ટીવી. અને મોબાઇલથી દૂર રહેવું સ્વાસ્થ્ય માટે હિતકારી છે. મેદસ્વિતા માટેનું એક કારણ એ પણ છે કે, જમવામાં આપણું ધ્યાન હોતું નથી. આપણે ટીવી. જોતાં જોતાં ખાધા રાખીએ છીએ. કેટલું ખાધું અને શું ખાધું એનું પણ આપણને ભાન હોતું નથી.
જમતી વખતે મન પણ સ્થિર અને શાંત હોવું જોઇએ. મનમાં જો ઉચાટ હશે, ઉત્પાત હશે તો ખાવાનું સરખું પચશે નહીં. આપણે આખરે બધું શા માટે કરીએ છીએ? બે સમય પેટ ભરીને ખાવા માટે! બે ટંકનો રોટલો કમાવો હવે અઘરો નથી પણ એ રોટલાનો સ્વાદ માણવાનું અઘરું બનતું જાય છે. ખાવા વિશે એવું પણ કહેવાય છે કે, જમતી વખતે મજામાં હોવ તો ગમે એ પચી જાય. જમતી વખતે ધ્યાન બીજે હોય તો ગમે એટલું સારું જમો તો પણ ફાયદો નહીં કરે. આપણે હવે ઓર્ગેનિક અને હેલ્ધી ફૂડ તરફ વળતા જઇએ છીએ, સારી વાત છે પણ જ્યાં સુધી વાતાવરણ પવિત્ર અને જીવ ઠેકાણે નહીં હોય ત્યાં સુધી કશાનો કોઈ ફાયદો થવાનો નથી!
આપણો પરિવાર સાથેનો સમય સતત ઘટતો જાય છે. આખા દિવસ દરમિયાન આપણે આપણા ફેમિલી સાથે કેટલા કલાકો હોઈએ છીએ? સમયના અભાવે સંબંધો પાતળા પડતા જાય છે. સંબંધને ટકાવવા માટે એક સોલ્યૂશન એ આપવામાં આવે છે કે, એટલિસ્ટ એક સમય ઘરના બધા સભ્યો સાથે જમો. બપોરના સમયે મોટા ભાગના લોકો પોતપોતાના કામમાં બિઝી હોય છે એટલે લંચ સાથે કરવાનું શક્ય બનતું નથી. દરેક ફેમિલી ધારે તો રાતે સાથે બેસીને ડિનર લઇ શકે. યુરોપમાં હમણાં થયેલા એક સરવૅમાં એવું બહાર આવ્યું હતું કે, લોકોના બિઝી અવર્સ વધી રહ્યા છે. સ્ક્રીન ટાઇમ વધી રહ્યો છે. ઘરમાં હોય ત્યારે પણ લોકો કોઇ ને કોઇ ગેઝેટ સાથે ચોંટેલા હોય છે. જો બધા સાથે બેસીને જમે તો ફેમિલી મેમ્બર્સ વચ્ચે બોન્ડિંગ વધે છે. એકબીજાની માનસિક સ્થિતિ જાણી શકાય છે. લોકો ડિપ્રેશનમાં સરી જાય છે એનું એક કારણ એવી ફીલિંગ પણ છે કે, મારું કોઇ નથી, કોઇને મારી પડી નથી. હું સાવ એકલો કે એકલી જ છું. સાથે બેસીને જમતાં હોઇએ અને વાતો કરીએ તો આવો વિચાર આવતો નથી.
જમવા વિશે હવે બીજી એક ચર્ચા એ પણ ચાલી છે કે, જમતી વખતે વાતો કરવી કે નહીં? વાતો કરવી તો કેવી કરવી? અગાઉના સમયમાં વડીલો કહેતાં કે, જમતાં જમતાં વાતો નહીં કરવાની. જમવામાં ધ્યાન આપો. હવે તો સાથે બેસીને જમવાનો એક ઉદ્દેશ્ય જ વાતો કરવાનો હોય છે. દુનિયામાં ડિનર ડિપ્લોમસી વિશે બહુ વાતો થઇ છે. આ મુદ્દે એવું પણ કહેવાઇ રહ્યું છે કે, વાતો કરો એનો વાંધો નથી પણ વાતો હળવી, મજાની અને પોતાની હોવી જોઇએ. જમતાં જમતાં કોઇની ખણખોદ કરીએ તો કોઇ મતલબ નથી. અંદરોઅંદરની વાતમાં પણ ધ્યાન રાખવું જોઇએ. ઘણાં પતિ-પત્ની જમતી વખતે જ સાથે બેસે છે અને જમવાનું શરૂ થાય એની સાથે જ ઝઘડવાનું શરૂ થાય છે. એવું કરીએ તો જમવાનું ઊગે નહીં. બાળકો સાથે જમતાં હોય ત્યારે સંવાદમાં પણ ધ્યાન રાખવું જોઇએ જેથી બાળકો પર કોઇ વિપરીત અસર ન આવે. ઘણી વખત તો માતા કે પિતા જમતી વખતે જ વાત કાઢે છે કે, તેં એવું શા માટે કર્યું હતું? સાથે જમવાનો નિર્ણય પણ સહિયારો અને સહજ હોવો જોઇએ. કોઇને ધરાર જમવા સાથે બેસાડશો તો એ બેસશે ખરા પણ એનું ધ્યાન નહીં હોય. કોઇ પણ કામ હોય, કરવું પડે એટલે કરીએ તો કંઇ ફેર પડતો નથી. જે થાય એ દિલથી અને મજાથી થવું જોઇએ.
તમે હોટલમાં જમવા જાવ ત્યારે જરાક ચેક કરજો, કેટલા લોકોનું ધ્યાન જમવામાં હોય છે? યંગસ્ટર્સને તો હવે પહેલો કોળિયો ભરતા પહેલાં જે તે ડિશનો ફોટો પાડવા જોઈએ છે! કંઇ વાંધો નથી. નથિંગ રોંગ પણ ફોટો પાડીને પછી તો શાંતિથી જમી લો. જમતાં જમતાં અપલોડ કરવાની કંઈ જરૂર નથી. અડધો કલાક કે કલાક ફોટો મોડો અપલોડ થશે તો કંઈ ખાટું-મોળું થઇ જવાનું નથી! જમતી વખતે જમવાનું જ રાખો, બાકીનું બધું પછી થઇ જશે! ઘણા લોકો જમતી વખતે દેખાતા શાંત હોય છે પણ વિચારોનું ઘમસાણ ચાલતું હોય છે. કોણે શું કહ્યું, કોનું શું કરવું, હવે શું થશે એ વિચારવા માટે આખો દિવસ હોય છે. નિષ્ણાતો તો ત્યાં સુધીની વાત કરે છે કે, માત્ર જમવાનું જ નહીં, પાણી પીતી વખતે પણ શાંત રહો. પાણી ટાઢક આપવું જોઇએ. આપણી લાઇફસ્ટાઇલ દિવસે ને દિવસે બદલાઈ રહી છે. દુનિયાનો નિયમ છે કે, સમયની સાથે બધું બદલાતું રહે છે. બદલાય એની સામે વાંધો નથી, બગડે નહીં એની કાળજી રાખજો. ઘણા લોકો એવું કરે છે કે, જમતી વખતે હ્યુમરના કાર્યક્રમો જુએ છે, મૂડ સારો રહે. એવું પણ કરવાની જરૂર નથી, જમતી વખતે માત્ર ને માત્ર જમો. જમતી વખતે જે ધ્યાન નથી રાખતા એ પોતાના શરીર અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોય છે. જમવાની પેટપૂજા પણ કહે છે અને એટલે જ એમ પણ કહેવામાં આવે છે કે, ભગવાનની પૂજા કરતી વખતે જેટલી કાળજી રાખો છો એટલું જ ધ્યાન પેટમાં કંઈ પધરાવતી વખતે રાખજો, તબિયત સારી રહેશે!
હા, એવું છે!
અન્ન ભેગાં અને મન ભેગાં એવી ઉક્તિ આપણી ગુજરાતી ભાષામાં છે. એક રિસર્ચમાં પણ એવું સાબિત થયું છે કે, જો ઘરમાં પરિવારના સભ્યો સાથે જમતાં હોય તો એકબીજા સાથેની આત્મીયતામાં વધારો થાય છે. લાઇક-ડિસલાઇક્સની ખબર પડે છે. હવે તો કોને શું ભાવે છે કે શું નથી ભાવતું એની પણ કોઇને ખબર હોતી નથી.
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 05 એપ્રિલ, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: