એ દર વખતે કરગરે છે અને હું પીગળી જાવ છું! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એ દર વખતે કરગરે છે

અને હું પીગળી જાવ છું!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ખત-ખબર વિણ એમણે આવી અને ભારે કરી,

એન મોકે મુજને અજમાવી અને ભારે કરી,

માંડ રૂઝાયાં હતાં કોઇ યાદનાં મીઠાં ઝખમ,

ત્યાં તમે ભૂતકાળ ઉથલાવી અને ભારે કરી.

-નાઝિર દેખૈયા

આ દુનિયામાં કશુંયે જો કળી ન શકાય એવું હોય તો એ માણસ છે. માણસને કોઇ પ્રિડિક્ટ કરી શકતું નથી. માણસ ક્યારે શું કરે એ કહેવું અઘરું છે. સાવ સીધો સાદો લાગતો માણસ અચાનક જ આડો ફાટે છે અને કોઇની શેહ શરમ ન રાખનારો માણસ ઓચિંતો જ ડાહ્યો બની જાય છે. દરેક માણસની એક ફિતરત હોય છે. એક સ્વભાવ હોય છે. આમ છતાંયે એ હંમેશાં માટે એક સરખું વર્તન કરે એ જરૂરી નથી. ઘણા તો વળી ડબલ ઢોલકી જેવા હોય છે, જે માણસ જોરમાં હોય એની પડખે ચડી જાય છે. કેટલાંક માણસ એવો હોય છે જે એક વાર બોલે પછી ગમે તે થાય તો પણ ફરતા નથી. અમુકને પોતાના શબ્દોની જ કોઇ કિંમત હોતી નથી. અભી બોલા અભી ફોક. કેટલાંક માણસો નાટકબાજ હોય છે. એ એવા ડ્રામા કરે છે કે, ભલભલા છક્કડ ખાઇ જાય. આપણને ખબર હોય કે, આ માણસ એક નંબરનો બનાવટી છે છતાં પણ એ એવી વાતો કરશે કે આપણે તેની વાતોમાં આવી જઇએ, દયા ખાઇએ અને વધુ એક વખત મૂરખ બનીએ. એવો માણસ કહે છે, બસ હવે છેલ્લી વાર, એક ચાન્સ આપી દે, હવેથી જો કોઇ ભૂલ થાય તો કોઇ દિવસ ભરોસો કરતો નહીં, એવી કાકલુદી કરે છે કે ગમે એવો કઠોર દિલનો માણસ પણ પાણી પાણી થઇ જાય! જવા દે, એના જેવું કોણ થાય, એવું વિચારીને આપણે માફ કરી દઇએ છીએ, જતું કરીએ છીએ, ભૂલી જઇએ છીએ. આપણે ગમે તે કરીએ પણ એનામાં નયા ભારનો ફેર પડતો નથી. થોડોક સમય જાય એટલે એ પાછા હતા એવાને એવા થઇ જાય છે!

એક પતિ પત્ની હતા. પતિ વ્યસની અને વિચિત્ર મગજનો હતો. પત્ની સાથે કોઇને કોઇ મામલે ઝઘડો કરતો અને હાથ પણ ઉપાડતો. પતિનો ત્રાસ વધતા આખરે પત્ની કંટાળીને પિયર ચાલી ગઇ. થોડા દિવસમાં એનો પતિ આવ્યો. મારી ભૂલ થઇ ગઇ, એક વાર જવા દે, બીજી વખત આવું નહીં થાય, એવી વાતો કરી અને બધાની માફી પણ માંગી. પત્ની પાછી સાસરે ગઇ. થોડા દિવસોમાં પતિ પાછો હતો એવોને એવો થઇ ગયો. પત્ની પાછી પિયર ચાલી ગઇ. પતિ પણ કરગરીને પાછો તેડી આવ્યો. આવું થવાનું વધતું ગયું. સાત આઠ વખત આવું થયું પછી દીકરીને પિતાએ કહ્યું કે, હવે તું નક્કી કર કે તારે ખરેખર શું કરવું છે? દીકરીએ પિતાને કહ્યું કે, હું શું કરું? એ દરવખતે આવે છે, કરગરે છે અને હું પીગળી જાવ છું! પિતાએ કહ્યું કે, એને કોઇ શરમ નથી. ઘણા લોકો એવા હોય છે જે એવું જ વિચારે છે કે, માફી માંગી લેવાની, માફી માંગવામાં આપણું શું જાય છે? એ દર વખતે આવું જ કરવાનો છે. તારી પાસે બે રસ્તા છે. કાં તો એ જેવો છે એવો એને સ્વીકારી લે અને એની સાથે શાંતિથી રહે અથવા તો એને છોડીને અહીં શાંતિથી રહે. હું તને એક વાત કરીશ કે, જે માણસને પોતાની માફીની કદર ન હોય, પોતાની ભૂલની સમજ ન હોય અને કોઇ વાતનો અફસોસ ન હોય એ વ્યક્તિ ભરોસાપાત્ર હોતી નથી. હવે તો એને એ પણ ખબર પડી ગઇ છે કે, હું કરગરીશ એટલે એ પીગળી જશે. આપણે ક્યારે અને કેટલું પીગળવું એ આપણે નક્કી કરવું પડતું હોય છે. બે વ્યકિત વચ્ચે પ્રેમ હોવો જોઇએ, દયા નહીં. તને એની દયા આવી જાય છે કે, એ શું કરતો હશે? એણે ખાધું હશે કે નહીં? તું પૂછીશ એટલે એ ગરીબડો પણ થઇ જશે અને તારી સાથે એવી જ વાત કરશે કે, તારા વગર હું દુ:ખી છું. આ પણ એક જાતની ટેકટિક જ છે. દરવખતે આધિપત્ય દાદાગીરીથી જ નથી જમાવાતું, ઘણી વખત ઇમોશનનો ઉપયોગ કરીને ઇમોશનલ આધિપત્ય જમાવી દેવાતું હોય છે. જરૂર હોય ત્યારે એ સર્વસ્વ બની જાય છે અને કામ પતે એટલે પાછા પોતાના રંગમાં આવી જાય છે.

આપણી જિંદગીમાં આપણને આવા ઘણા લોકોના અનુભવો થયા હોય છે. કામ હોય ત્યારે એ એવા ગરીબડા અને દયામણા થઇ જાય છે કે આપણે બધું ભૂલીને તેને મદદ કરી દઇએ છીએ. એક યુવાન હતો. તેના એક નજીકના સગાને કંઇ જરૂર હોય એટલે તેના પાસે આવીને કામ કઢાવી જાય. ગયા પછી કંઇ ભાવ તો ન પૂછે, ઉલટું બધા મોઢે ઘસાતું બોલે. ફરીથી કામ પડે ત્યારે પાછા હાજર થઇ જાય. નવેસરથી રોદણાં રડે અને કામ કઢાવી જાય. યુવાનના મિત્રએ એક વખત કહ્યું કે, ક્યાં સુધી મૂરખ બનવું છે તારે? એ કોઇ દિવસ ન તો સુધરવાનો કે ન તો બદલવાનો. યુવાને આ વાત સાંભળીને કહ્યું કે, મનેય ખબર છે કે, એ કોઇ દિવસ નથી બદલવાનો પણ એ ન બદલે એટલે મારે બદલી જવાનું? હું જેવો છે એવો ન રહું? મિત્રએ કહ્યું કે, અમુક આદર્શો કે સિદ્ધાંતો અમુક લોકો સાથે જ રખાય, બધા સાથે નહીં. એ તને સારો માણસ સમજતો હોતને તો વાંધો નહોતો પણ એ તો તને મૂરખ જ સમજતો હશે. એ તો એવું જ માનતો હશે કે હું કરગરીશ એટલે એ મૂરખો મને મદદ કરશે. ઘણા લોકોને આવી આદત હોય છે. બધા ભીખારીઓ ધાર્મિક સ્થળોની બહાર જ નથી બેસતા. ઘણા ભીખારીઓ સારા કપડામાં ફરતા હોય છે, એની માનસિકતા ભીખારી જેવી જ હોય છે. તીણી નજરે જોઇએ તો ઘણાયે સમૃદ્ધ લોકોની અંદર છુપાયેલો ભીખારી દેખાઇ આવશે. ભીખારીઓની તો હજુયે કદાચ કોઇ મજબૂરી હશે, આવા લોકો તો પોતાને હોશિયાર સમજતા હોય છે અને એવું પણ માનતા હોય છે કે આપણે તો ધારીએ એને શીશામાં ઉતારી શકીએ છીએ!

લોકો ઘણી વખત એવી અજીબ રીતે પેશ આવતા હોય છે કે આપણું મગજ ચકરાઇ જાય. એક બહેનની આ વાત છે. તેના ઘરે કામ કરવાવાળી બહેન ઉપર એ એ રાડારાડી જ કરતા હોય છે. કામવાળા બહેનને બીજું કામ મળતું નહોતું એટલે કટકટ સહન કરીને પણ કામ કરતી હતી. એક વખતે તો એવી કંટાળી ગઇ કે, તેણે એ બહેનને કહી દીધું કે કાલથી હું કામે નહીં આવું. તમે બહુ કચકચ કરો છો. બહેનને કામવાળી વગર ચાલવાનું નહોતું. તેણે તરત જ કહ્યું, અરે, તું પણ ગજબની છે. મારું ખોટું લગાડે છે? તને તો ખબર જ છે કે, મારો મગજ ખરાબ છે અને મને ટકટક કરવાની આદત છે. એમાં કંઇ કામ થોડું છોડવાનું હોય? હવે મારો મગજ જ એવો છે તો હું શું કરું બોલ? પોતાનો કક્કો ખરો કરવા માણસ પોતાનો મગજ જ ખરાબ હોવાનું સ્વીકારતા પણ અચકાતા નથી. એને એવો વિચાર ક્યારેય નથી આવતો કે, ખરાબ મગજને સુધારવો કઇ રીતે? માણસની વાત માનવી અને માણસની વાતોમાં આવી જવું એમાં બહુ મોટો ફેર છે. સારા હોવું એ સારી વાત છે પણ કોઇ આપણા સારાપણાનો ગેરફાયદો ઉઠાવી ન જાય એની પણ તકેદારી રાખવી પડે છે. લોકો આપણી લાગણીઓને પણ ટેકન ફોર ગ્રાન્ટેડ ન લેવા જોઇએ. છેલ્લે તો આપણો કંટ્રોલ આપણા જ હાથમાં રહેવો જોઇએ.

છેલ્લો સીન :

અત્યારનો જમાનો એવો છે કે, સારા માણસને લોકો નબળા સમજી લે છે. લોકો પોતાની ચાલાકી ન અજમાવી જાય એ માટે સારાની સાથે સબળા પણ રહેવું જરૂરી છે.      –કેયુ.

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 26 ડિસેમ્બર 2021, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

5 thoughts on “એ દર વખતે કરગરે છે અને હું પીગળી જાવ છું! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

  1. વર્તમાન ના સત્ય ની શબ્દોમાં પરોવી ને ખૂબ સુંદર રજુઆત…😇👌👌👌with respect..

      1. કોઈના થી જોડાયા પછીથી અપેક્ષાઓ કેમ થાય છે? કોઈના થી કેટલું જોડાવું એના પરિબળો શું છે?

  2. કોઈના થી જોડાયા પછીથી અપેક્ષાઓ કેમ થાય છે? કોઈના થી કેટલું જોડાવું એના પરિબળો શું છે?

    1. સંબંધમાં અપેક્ષા તો રહેવાની જ છે. અપેક્ષા વગરનો સંબંધ હોતો જ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *