હવે તો મને એનાથી
છૂટકારો મળે તો સારું!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ઘણી વાર ખુદથી ડરી જાઉં છું કાં?
હું ભાગીને મારામાં સંતાઉં છું કાં?
બધી ભૂલભૂલામણી ભેદું છું પણ,
સીધાસાદા રસ્તે જ અટવાઉં છું કાં?
-મનોજ ખંડેરિયા
સંબંધની સૌથી મોટી ખાસિયત એ છે કે, એ ક્યારેય એક સરખો રહેતો નથી. અપ-ડાઉન એ સંબંધનો સ્વભાવ છે. ગમે એટલી વ્હાલી વ્યક્તિ હોય તો પણ ક્યારેક તેનાથી અભાવ આવી જાય છે. પ્રેમ ગમે એવો ઉત્કટ હોય તો પણ ક્યારેક તે ઓસરે છે. પ્રેમમાં ક્યારેક ઓટ આવે એ સમજી શકાય પણ ઓટ પછી ભરતી પણ આવવી જોઇએ. સંબંધો જ્યારે સંકોચાઇ ત્યારે આપણને એ સમજ પડવી જોઇએ કે, કંઇક સૂકાઇ રહ્યું છે, કંઇક ખૂટી રહ્યું છે, કંઇક છૂટી રહ્યું છે અને કંઇક તૂટી રહ્યું છે. પ્રેમમાં પણ જ્યારે ગેપ આવે ત્યારે એનો ઉપાય કરવો પડે છે. તીરાડ નાની હોય ત્યાં જ જો સાંધી લેવામાં આવે તો વાંધો આવતો નથી. સંબંધ ક્યારેક એટલો બીમાર પડી જતો હોય છે કે, એની પણ સારવાર કરવી પડે છે. સંબંધની સારવાર જો સમયસર ન થાય તો સંબંધ પણ મરી જાય છે. મરી ગયેલા સંબંધની લાશ પછી આખી જિંદગી વેંઢારવી પડે છે.
સંબંધ પૂરો થઇ ગયા પછી પણ ખતમ થતો નથી. તૂટેલો સંબંધ પણ આપણામાં થોડો થોડો જીવતો રહે છે. જિંદગીની સૌથી મોટી વિડંબણા એ છે કે, જે ભૂલવું હોય છે એ ભૂલી શકાતું નથી. કાશ યાદોને પણ મિટાવી શકે એવું કોઇ ડસ્ટર આવતું હોત! કાશ સ્મરણોને પણ ભૂંસી શકાતા હોત! મોબાઇલમાંથી ફોટો ડિલિટ થાય એટલી આસાનીથી કોઇની તસવીર મગજમાંથી ખસતી નથી. એક ચહેરો દેખાતો રહે છે, કેટલીક વાતો પડઘાતી રહે છે. સાથ અને સાંનિધ્યનું પણ પોતાનું એક પોત હોય છે, એ ઘડીકમાં પાતળું પડતું નથી. બે પ્રેમીઓ હતા. બંને ખૂબ જ સમૃદ્ધ ઘરના હતા. પ્રેમી તેની પ્રેમિકાને ઘરે મળવા જતો. પ્રેમિકાના બંગલામાં સુંદર ગાર્ડન હતો. બંને ગાર્ડનમાં રાખેલા હિંચકા પર ઝૂલતા ઝૂલતા વાતો કરતા. થોડા સમયમાં બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. બંનેને થયું કે, આપણું લાંબું ચાલશે નહીં. બહુ સારી રીતે વાત કરીને બંને જુદા પડ્યા. બ્રેકઅપ થઇ ગયા બાદ પ્રેમિકાને ચેન નહોતું પડતું. જે યાદો જિંદગીની સાથે વણાઇ ગઇ હતી એ કેમેય ભુલાતી નહોતી. બગીચામાં આવતી ત્યારે હિંચકા પર પ્રેમીનો સાથ તાજો થઇ જતો. તેને થયું કે, આ હિંચકાને જ અહીંથી હટાવી દઉં. તેણે હિંચકો પેક કરીને ગોડાઉનમાં મૂકાવી દીધો. તેની એક બહેનપણી તેને મળવા આવી. હિંચકાની વાત કરી તો કહ્યું કે, એ મને મારા જૂના પ્રેમીની યાદ અપાવતો હતો એટલે મેં હટાવી દીધો. તેણે કબૂલ્યું કે, છતાં પણ પ્રેમી યાદ તો આવે જ છે. તેની બહેનપણીએ કહ્યું કે, તું હિંચકો હટાવી દઇશ પણ આ ગાર્ડનમાં ફૂલોની જે સુગંધ આવે છે એને કેવી રીતે હટાવીશ? બહેનપણીએ કહ્યું કે, તારે જો એને દૂર કરવો હોય તો તારી અંદરથી કર, બહારના બદલાવથી કંઇ ફેર પડવાનો નથી. એ તારા વિચારોમાં છે, તારા વિચારોમાંથી જ્યાં સુધી એને દૂર નહીં કરે ત્યાં સુધી તું મુક્ત થઇ શકીશ નહીં. બ્રેકઅપ આપણને બ્રેક ન કરવું જોઇએ. બ્રેકઅપ બાદ ભલે અપ ન જઇએ પણ ડાઉન ન થવાય એની તો દરકાર રાખવી જ પડતી હોય છે.
સંબંધની જ્યારે શરૂઆત થાય ત્યારે જ આપણે તેના પર નજર રાખવી જોઇએ. આની સાથે મને ફાવશે? અમારા વિચારો મેચ થાય છે? અમારી આદતોમાં કંઇ સામ્ય છે? ઘણી વખત એવું થતું હોય છે કે, આપણે કોઇ સાથે સંબંધની શરૂઆત કરીએ ત્યારે સામેની વ્યક્તિની ઘણી બધી બાબતોને આપણે નજરઅંદાજ કરીએ છીએ. કંઇક ન ગમતું થાય તો આંખ આડા કાન કરીએ છીએ. આપણી જાતને જ આશ્વાસન આપીએ છીએ કે, એ તો બધું સરખું થઇ જશે. આપણે જ્યારે આપણી જાતને જ આશ્વાસન આપતા હોઇએ ત્યારે આપણે ઘણી વખત આપણી જાતને છેતરતા હોઇએ છીએ. પોતાની જાત સાથે તટસ્થ રહેવું પણ સહેલું હોતું નથી. ગમતું હોય ત્યારે બધું સારું લાગે છે પણ જ્યારે વાંધા પડે છે ત્યારે ભાન થાય છે કે, આ એ વ્યક્તિ નથી જેને હું પ્રેમ કરતી હતી કે પ્રેમ કરતો હતો. વ્યક્તિ એ જ હોય છે, આપણે તેને ઓળખવામાં અને સમજવામાં થાપ ખાઇ ગયા હોઇએ છીએ. પ્રેમ હોય ત્યારે સામેની વ્યકિતમાં કંઇ જ ખરાબ, બૂરું કે અયોગ્ય લાગતું નથી. ધીમે ધીમે બધું બહાર આવતું હોય છે. દરેક માણસ તરત ઓળખાતો નથી. ક્યારેક તો જેની સાથે વર્ષો રહ્યા હોય એને પણ આપણે પૂરેપૂરા ઓળખી શકતા નથી. પોતાની સાથે જ રહેતી વ્યક્તિ જ્યારે અજાણી લાગવા માંડે ત્યારે અજંપો સર્જાતો હોય છે. પારકા સાથે તો માણસ લડી લે પણ જેને પોતાના સમજ્યા હોય એ જ્યારે પારકા લાગવા માંડે ત્યારે સંબંધ સામે સવાલો થવા લાગે છે. જે વ્યકિતને મેં મારી જિંદગીનું કારણ સમજી લીધી હતી અને કેવી નીકળી? આપણે કોઇને સર્વસ્વ સમજતા હોઇએ એ જ્યારે આડા ફાટે ત્યારે આપણી અંદર પણ કંઇક વેરાતું અને વેતરાતું હોય છે.
દરેક સાંનિધ્ય રળિયામણું નથી હોતું. ક્યારેક નજીકની વ્યક્તિ જ અળખામણી લાગવા માંડે છે. અમુક સંજોગોમાં માણસે છૂટા પડવાનો નિર્ણય પણ સમયસર લઇ લેવા જોઇએ. એક પતિ-પત્ની હતા. બંને વચ્ચે બનતું નહોતું. પત્નીએ એના પિતાને બધી વાત કરી. તેણે કહ્યું કે, ખબર નહીં, એનાથી મને ક્યારે છૂટકારો મળશે? પિતાએ કહ્યું કે, એ તો તારા હાથમાં છે. તારે નક્કી કરવાનું છે. દીકરીએ કહ્યું કે, એને તો એટલું જ જોઇએ છે કે હું એને ડિવોર્સ દઇ દઉં. એની લાઇફમાં બીજું કોઇ છે. હું હટું એટલે એનો રસ્તો તો સાફ થઇ જાય. પિતાએ કહ્યું કે, એ શું કરશે કે એનું શું થશે એની ચિંતા તું શા માટે કરે છે? તારે છૂટકારો જોઇએ છે તો તું લઇ લેને! સાચી વાત એ છે કે, તારે છૂટકારો જોઇતો નથી અને એને છૂટકારો આપવો નથી. તારે તારો રસ્તો એટલા માટે કરવો નથી કારણ કે તારે એને રસ્તો આપવો નથી. મુક્ત થવા માટે બીજાને પણ મુક્ત કરવા પડતા હોય છે. જ્યાં સુધી બદલો લેવાની કે દેખાડી દેવાની વૃતિ છે ત્યાં સુધી આપણે પોતે જ અંદરથી વલોવાતા રહીએ છીએ.
દરેક પરિસ્થિતિમાં આપણે છૂટકારો પણ લઇ શકતા નથી. જ્યાં છૂટકારો શક્ય ન હોય ત્યાં પરિસ્થિતિને ટેકલ કરવી પડે છે. માણસ ધારે તો એને છૂટકારો મળી જ જતો હોય છે પણ દરેક માણસમાં જુદા પડવાની પણ હિંમત કે આવડત હોતી નથી. પોતાને જ એ મજબૂર સમજવા માંડે છે. એક તબક્કે એવું વિચારવા લાગે છે કે, મારી પાસે આને સહન કરવા સિવાય બીજો કોઇ રસ્તો પણ ક્યાં છે? રસ્તો હોય જ છે, આપણે રસ્તા શોધતા હોતા નથી. જિંદગી રસ્તા શોધી લેતી હોય છે. છૂટકારો મેળવવાનો વિચાર આવે ત્યારે થોડોક વિચાર એના પર પણ કરી લેવો જોઇએ કે, આ રિલેશનશીપ ટકાવી કે બચાવી શકાય એવા થોડાકેય ચાન્સ છે? ક્યાંક મારાથી ઉતાવળ તો નથી થતીને? ચાન્સ આપ્યા પછી પણ જ્યારે એવું લાગે કે, કોઇ ફેર પડવાનો નથી ત્યારે પ્રેમથી જુદા પડી જવામાં કંઇ ખોટું નથી. દરેકને પોતાની જિંદગી જીવવાનો અધિકાર છે. એના પર કોઇ તરાપ મારી ન શકે. છૂટ્યા પછી મુક્ત થઇ જવું જોઇએ. ઘણા લોકો છૂટ્યા પછી પણ ઘણું બધું છોડી શકતા નથી. છૂટી ગયા પછી છૂટેલી વ્યક્તિનું જે થવું હોય તે થાય. એનું બૂરું ઇચ્છવાનો પણ કોઇ અર્થ નથી. રસ્તા જુદા પડ્યા પછી જે પાછું વળીને જોતો નથી એને જ આગળનો રસ્તો પોતાનો લાગે છે. ન પાછળ જુઓ, ન રોકાઇ જાવ, આગળ વધી જાવ. દરેક વખતે જિંદગી કે નસીબને દોષ દેવો વાજબી નથી, જિંદગી તો આપણી રાહ જ જોતી હોય છે, આપણે જિંદગીની નજીક ન જઇએ તો એમાં વાંક જિંદગીનો નહીં પણ આપણો હોય છે!
છેલ્લો સીન :
ડરાવીને બધું જ થઇ શકે છે, માત્ર પ્રેમ જ નથી થઇ શકતો! પ્રેમ માત્ર પ્રેમથી જ થઇ શકે, ત્યાં બીજું કશું જ કામ લાગતું નથી. -કેયુ.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 30 જાન્યુઆરી 2022, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com