કેમેરાનાં કાળાં કરતૂતોની ધીકતી કમાણી – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

કેમેરાનાં કાળાં
કરતૂતોની ધીકતી કમાણી

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

ચંદીગઢની હોસ્ટેલમાં છોકરીઓ નહાતી હોય એવી સંતાઇને ઉતારવામાં આવેલી ક્લિપે હોબાળો મચાવ્યો છે.

આવી ક્લિપો આખરે શા માટે ઉતારવામાં આવે છે?​ ​

ગંદી ક્લિપોનું મોટું બજાર છે.

પ્રેમના નામે છોકરીઓને છેતરીને છૂપા કેમેરાથી ફિલ્મો ઉતારી લેવામાં આવે છે.

ઘણાં કપલો પોતાની જ પોર્ન ફિલ્મો બનાવીને એડલ્ટ વેબસાઇટ્સને વેચે છે


———–

પંજાબના ચંદીગઢમાં લેડિઝ હોસ્ટલની છોકરીઓ નહાતી હોય ત્યારે કોઇને ખબર ન પડે એમ એનો વીડિયો ઉતારી લેવાના પ્રકરણે હમણાં ભારે હોબાળો મચાવ્યો હતો. એક છોકરીએ પહેલાં પોતે નહાતી હોય એવો વીડિયો સિમલામાં રહેતા પોતાના બોયફ્રેન્ડને મોકલ્યો હતો. એ પછી છોકરીએ બીજી છોકરીઓનો વીડિયો પણ ઉતાર્યો. આ કિસ્સામાં ખરેખર કેટલી છોકરીઓની ક્લિપો ઉતારવામાં આવી અને તેનો શું ઉપયોગ થતો હતો એ વિશે જાતજાતની વાતો બહાર આવી રહી છે. વૅલ, એ તો તપાસમાં બહાર આવી જશે પણ આ પ્રકરણથી વધુ એક વખત છૂપી રીતે શૂટ કરાયેલા પોર્ન કન્ટેન્ટનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આપણે સહુ રૂઢિચુસ્ત સમાજમાં જીવીએ છીએ. આજની તારીખે આપણે ત્યાં સેક્સ, પોર્ન, એડલ્ટ તો શું કિસનું નામ સાંભળીને પણ ઘણાના નાકનું ટીચકું ચડી જાય છે. જાહેરમાં જેના વિશે બોલવાનું કે સાંભળવાનું પણ ટાળવામાં આવે છે એ ખાનગીમાં જોતા કોઈને પણ સંકોચ થતો નથી. અમેરિકા અને બ્રિટન બાદ સૌથી વધુ પોર્ન કન્ટેન્ટ આપણા દેશમાં જોવામાં આવે છે. આપણા દેશમાં 70 ટકા લોકો પોર્ન જુએ છે. પોર્ન જોવામાં મહિલાઓ પણ બાકાત નથી. 30 ટકા મહિલાઓ પોર્ન જુએ છે. આપણા દેશમાં પોર્ન કન્ટેન્ટ બનાવવું, વેચવું, શૅર કરવું અને જોવું એ ગુનાઈત કૃત્ય છે. ભારત સરકારે અસંખ્ય પોર્ન સાઇટ્સ પર પ્રતિબંધ મૂકેલો છે. આમ છતાં એ હકીકત છે કે, પોર્ન ઇઝિલી અવેલેબલ છે. અગાઉ સીડીઓ આવતી હતી. હવે તો મોબાઇલમાં જે જોવું હોય એ જોઇ શકાય છે. સાઇબર એક્સપર્ટ્સનું કહેવું છે કે, પોર્ન કન્ટેન્ટને અટકાવવું એ કોઇના માટે પણ શક્ય નથી. કરુણતા એ વાતની છે કે જેને જોવું નથી એની સામે પણ એવું કન્ટેન્ટ આવી જાય છે. તમે કોઇ સારી સાઇટ કે ન્યૂઝ વેબસાઇટ જોતા હોવ તો પણ ઓચિંતા જ ગંદું કન્ટેન્ટ આવી જાય છે. કુમળી વયનાં છોકરા-છોકરીઓ કુતૂહલવશ એવા કન્ટેન્ટ પર ક્લિક કરે છે અને ધીમેધીમે તેમાં ખૂંચતાં જાય છે.
એક બીજી વાત એ પણ સમજવા જેવી છે કે, લોકોને પોર્ન કન્ટેન્ટમાં પણ જાત જાતની વરાઇટીઝ જોઇએ છે. પોર્ન રિલેટેડ એક સરવૅમાં એવું બહાર આવ્યું છે કે ચોરીછૂપીથી કરવામાં આવેલા પોર્ન કન્ટેન્ટ લોકોને વધુ પસંદ આવે છે. હાર્ડકોર સેક્સની વાત નથી પણ છોકરીઓ નહાતી હોય, કુદરતી હાજતે હોય કે કપડાં બદલાવતી હોય એવું કન્ટેન્ટ પણ ડિમાન્ડમાં છે. અમુક શૂટિંગ તો પ્લાન્ટેડ હોય છે કે જાણે છુપાઇને શૂટ થયું ન હોય!
જે લોકો ચોરીછૂપીથી એમએમએસ ઉતારે છે એની પાછળ જુદી જુદી દાનત હોય છે. એક તો એવી ક્લિપ ઉતારીને છોકરીઓને બ્લેકમેલ કરવામાં આવે છે. જાણેઅજાણે છોકરીઓની ખુલ્લી ફિલ્મ ઊતરી જાય છે અને પછી તેની હાલત ખરાબ થઇ જાય છે. છોકરીઓ પણ ભોળવાઇને પોતાના પ્રેમી કે દોસ્ત સામે બેફામ થઇને વીડિયો કૉલ પર વાત કરે છે, પોતાની જ ક્લિપ ઉતારે છે અને પ્રેમીને મોકલે છે. ચંદીગઢની છોકરી એવું જ કરતી હતી. સંતાઇને ક્લિપ ઉતારવા પાછળ સૌથી મોટી ગણતરી કમાણી કરવાની હોય છે. પોર્ન વેબસાઇટ્સ પર આવી ક્લિપો બાકાયદા વેચવામાં આવે છે. અમુક કિસ્સાઓમાં તો એવું બને છે કે, જે છોકરીની નહાતી હોય એવી ક્લિપ ઉતારી લેવાઇ હોય એની એને ખબર પણ હોતી નથી કે, મારી ક્લિપ પોર્ન વેબસાઇટ પર ચડી ગઇ છે. પોર્ન વેબસાઇટની સંખ્યા લાખોમાં નહીં પણ કરોડોમાં છે. એમાં કોણે કઇ વેબસાઇટને પોર્ન કન્ટેન્ટ વેચ્યું એ ખબર પડતી નથી.
પોર્ન કન્ટેન્ટ માટે ગરીબ અને અભણ વર્ગને ટાર્ગેટ કરવામાં આવે છે. આપણા દેશમાં એવા લોકો પણ છે જેને બે ટંક પેટ ભરીને જમવાનું પણ નથી મળતું. એ લોકો થોડાક રૂપિયામાં ગમે તે કરવા તૈયાર થઇ જાય છે. એને કોઇ ફેર પડતો નથી કે, કોણ જુએ છે અને શું જુએ છે. હવે તો ઘણા લોકોને એ વાતની ખબર પણ પડી ગઇ છે કે એડલ્ટ કન્ટેન્ટના સારા એવા રૂપિયા મળે છે. મોટાં શહેરોમાં એવાં કપલ છે જે પોતાનો જ પોર્ન વીડિયો બનાવીને પોર્ન વેબસાઇટને વેચે છે. એ પતિ-પત્ની જ હોય છે અને સાથે મળીને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી જ આવું બધું કરે છે. આવું કરવું પણ ગુનો છે છતાં કરવાવાળા કરે છે. ઘણી બધી પોર્ન વેબસાઇટ્સમાં હવે એવી વ્યવસ્થા હોય છે કે ગમે તે માણસ પોર્ન કન્ટેન્ટ અપલોડ કરી શકે છે. એમાં પણ જેટલી હિટ મળે એ મુજબ પેમેન્ટ કરવામાં આવે છે. આપણે ત્યાં સોશિયલ મીડિયા સાઇટ્સ પર પણ છોકરા અને છોકરીઓ એવા ફોટા અને રિલ્સ મૂકે છે જે પોર્ન કન્ટેન્ટની સાવ નજીક હોય છે. મજાની વાત એ પણ છે કે લોકો છી…છી કરીને પણ બધું જોઈ તો લે જ છે! સાવ ઓછાં કપડાં પહેરેલી છોકરીઓને ઝૂમ કરીને જોવાવાળા લોકોની કમી નથી. એ મુદ્દે ઘણા લોકો એવી પણ દલીલ કરે છે કે, લોકો શા માટે ન જુએ? લોકો જુએ એટલે તો એવું કન્ટેન્ટ મુકાતું હોય છે. મૉરાલિટીની કોઇ વાત જ એમાં આવતી નથી. હવે તો પોર્ન પણ એન્ટરટેઇનમેન્ટમાં જ આવે છે. ઘણા દેશોમાં તો લીગલ પણ છે. જેને જોવું હોય એ જુએ અને જેને ગંદું લાગતું હોય એને ક્યાં કોઇ સમ આપે છે?
આપણા દેશમાં પોર્ન કન્ટેન્ટ છેતરપિંડી કરીને કરવામાં આવે છે. રાજ કુંદ્રા યાદ છેને? એ પકડાયો ત્યારે એનું પ્રકરણ ખૂબ ગાજ્યું હતું. લોકો હવે બધું ભૂલી ગયા છે. હિરોઇનોને ફિલ્મોમાં કામ કરવાને બહાને હાયર કરવામાં આવે છે. ફિલ્મની જેમ જ ફિલ્મ બનાવવામાં આવે છે. ફિલ્મમાં અમુક બેડરૂમ સીન હોય છે. એ સ્ટોરીનો ભાગ જ હોય એમ શૂટ કરવામાં આવે છે અને પછી તે અલગ કરીને વેચવામાં આવે છે. આપણે ત્યાં ઓટીટી પ્લેટફોર્મ પર કેટલીક વેબ સીરિઝો તો એવી છે જે પોર્ન કન્ટેન્ટને ટક્કર મારે એવી હોય છે.
સરકારે પોર્ન કન્ટેન્ટ માટે કાયદો બનાવ્યો છે. આપણે ત્યાં જ નહીં, આખી દુનિયામાં પોતાની બદનામીના ડરે કોઇ છોકરીઓ ફરિયાદ નથી કરતી. હવે સમય બદલાયો છે. એવું બિલકુલ નથી કે છોકરીઓ સાથે જ આવાં કાળાં કરતૂતો થાય છે, છોકરાઓ પણ તેમાંથી બાકાત નથી. ગે કન્ટેન્ટ માટે છોકરાઓને પણ ફસાવવામાં આવે છે. ટ્રાન્સજેન્ડર પણ તેમાંથી બાકાત નથી. પોર્ન ઇન્ડસ્ટ્રીમાં તો હવે એવી વાતો થવા લાગી છે કે, જે લોકો સ્વેચ્છાએ આવે છે એ ભલે આવે પણ કોઇ સાથે જબરજસ્તી કે બ્લેકમેઇલ ન થવાં જોઇએ. એ લોકો તો એવું પણ કહે છે કે, પોતાની મરજીથી આવું બધું કરનારા ક્યાં ઓછા છે તે લોકોને ફસાવીને આવું કરવાનું? અલબત્ત, જેને રૂપિયા જ કમાવા છે એ કોઇ પણ હદ સુધી જઇ શકે છે. બધાએ પોતાનું ધ્યાન રાખવાનું છે કે કોઇ આપણી સાથે ખોટું કરી ન જાય. છોકરી હોય કે છોકરો, પ્રેમ કે દોસ્તીના ભ્રમમાં આવીને પણ કંઇ ન કરવાનું કરી બેસાય એની તકેદારી રાખવાની છે. શિકારીઓ તો ટાંપીને જ બેઠા છે. બચવાની જવાબદારી આપણી છે!
હા, એવું છે!
ઇ.સ. 1895માં લુમિયર બ્રધર્સે ફિલ્મની શોધ કરી હતી. એ પછી એક જ વર્ષમાં એટલે કે 1896માં પહેલી એડલ્ટ ફિલ્મ `લા કોચર દે લા મેરી’ બની ગઇ હતી. અત્યારે પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રી 99 બિલિયન ડૉલરની છે. દર સેકન્ડે 30 હજાર જેટલા લોકો પોર્ન સાઇટ્સ જોતા હોય છે. દર સેકન્ડે 3076 ડૉલર સેક્સ વીડિયો પાછળ ખર્ચાય છે. ઇન્ટરનેટ પર પોર્ન, એડલ્ટ અને સેક્સ સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે.
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 28 સપ્ટેમ્બર, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com.

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *