માથાકૂટ કરવાની મારામાં હવે જરાયે ત્રેવડ નથી! : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

માથાકૂટ કરવાની મારામાં
હવે જરાયે ત્રેવડ નથી!

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ


કોઈ કળી શક્યું ના આ દ્વારની ઉદાસી,
એને ગળી ગઈ છે ઘરબારની ઉદાસી,
અવસરના જોશ કરતાં એ હોય છે વધારે,
અવસર પત્યા પછીના સુનકારની ઉદાસી.
-વિરલ દેસાઈ


સાચા સંબંધની સરળ વ્યાખ્યા શું? એવો સંબંધ જ્યાં તમે કોઇ પણ જાતના હિચકિચાટ વગર તમારા દિલની વાત કરી શકો. વાત કરતા પહેલાં વિચારવું ન પડે. એનો મૂડ કેવો છે એનું ધ્યાન રાખવું ન પડે. વાત કરવા માટે મોકાની રાહ જોવી ન પડે. ગુલામીના અનેક પ્રકાર હોય છે. એમાં સૌથી ખરાબ કોઇ ગુલામી હોય તો એ માનસિક ગુલામી છે. તમને બધું આપવામાં આવે પણ તમારે કંઈ બોલવાનું નહીં. તમારો અભિપ્રાય આપવાનો નહીં. જે ચાલે છે એ બધું જ ચાલવા દેવાનું. માત્ર તમારા શારીરિક અસ્તિત્વનો જ સ્વીકાર. તમારી બુદ્ધિ તમારે તમારી પાસે રાખવાની! ઘણા સંબંધો વન વે હોય છે. ત્યાં એકનું કહ્યું જ ચાલે છે. આધીન થઇ જવાનું! તમને જે કહેવામાં આવે એ તમે કરો એટલે તમે ડાહ્યા અને સારા! ઘણાં ઘરોમાં આવી જ સ્થિતિ હોય છે. એકના ઇશારે જ નાચવાનું! ઘરના સભ્યો પર એક જ માણસનો કંટ્રોલ હોય!
હમણાંની એક સાવ સાચી વાત છે. એક છોકરીના મેરેજ થયા. સાસરાનું નામ બહુ ઊંચું હતું. પતિ-પત્ની વચ્ચે કોઇ પ્રોબ્લેમ નહોતો. અચાનક એક દિવસ છોકરીએ કહ્યું કે, મારે ડિવોર્સ જોઈએ છે. છોકરીના પિતાએ કારણ પૂછ્યું. છોકરીએ કહ્યું કે, એ ઘરમાં કંઇ બોલવાની છૂટ જ નથી! બધા નિર્ણયો મારા સસરા જ કરે છે. એક વખત ઘરે પૂજા રાખવાનું નક્કી થયું. વાત પ્રસાદ અને બીજા પ્લાનિંગની હતી. હું મારી વાત કરવાનું શરૂ કરું એ પહેલા જ મને કહી દેવામાં આવ્યું કે, તારે કંઇ બોલવાનું નથી. વડીલ જે નક્કી કરશે એ જ થશે! છોકરીએ કહ્યું કે, તમે મારી વાત તો સાંભળો. યોગ્ય ન લાગે તો ના પાડી દેજો પણ વાત સાંભળવી જ નહીં એ તો વધુ પડતું છે. આ વાત સાંભળીને છોકરીના પતિએ પણ એવું કહ્યું કે, તું ચૂપ જ રહે. હું કંઇ બોલું છું? હું નથી બોલતો તો પછી તું શા માટે બોલે છે? છોકરીએ કહ્યું કે, હું એટલા માટે બોલું છું કારણ કે હું આ ઘરની સભ્ય છું. મને બોલવાનો અધિકાર હોવો જોઇએ. અત્યારે તો મારી હાલત ઘરના શૉ-પીસ જેવી થઇ ગઇ છે. બાકીનું બધું નક્કી બીજા કરે અને તમારે સરસ મજાના તૈયાર થઇને ઊભા રહેવાનું! તેણે પતિને પણ કહ્યું કે, પિતાની વાત માનવામાં કંઈ ખોટું નથી પણ એની દરેક વાત સાચી હોય એ પણ જરૂરી નથી. ખોટી કે અયોગ્ય વાત હું સ્વીકારી નથી શકતી!
સંબંધોમાં ક્યારેય માણસ સામે બે જ રસ્તા હોય છે. કાં તો સરન્ડર થઇ જાવ અને કાં તો તમારો રસ્તો તમે નક્કી કરી લો. ઘણા એવા લોકો પણ હોય છે જે હન્ડ્રેડ પર્સન્ટ કંટ્રોલમાં રહી શકે છે! તમે હામાં હા ભરતા રહો તો તમને ક્યારેય કોઈ કંઈ કહેવાનું નથી. એ લોકો ચાવી ભરેલા પૂતળા જેવા હોય છે. કોઇ ચાવી ભરે ત્યારે ચાલવાનું અને ચાલતી વખતે પણ કહે એ દિશામાં જ જવાનું! સંબંધમાં એક વાત નક્કી હોય છે. વાત કહેવા દેવામાં ન આવે કે સાંભળવામાં ન આવે ત્યારે એક સમય એવો આવવાનો જ છે જ્યારે માણસને એવું થાય કે બસ, બહુ થયું, હવે વધુ નહીં. દરેક માણસ પોતાનો સંબંધ ટકાવવા માટે થાય એટલું સહન કરે છે. એમાં પણ થાય છે એવું કે, કોઇ સહન કરે પછી એના પર વધુ ત્રાસ વર્તાવાતો હોય છે. માણસ જતું કરતો હોય છે. આપણી જતું કરવાની વૃત્તિને પણ જ્યારે આપણી લાચારી કે ગુલામી ગણી લેવામાં આવે ત્યારે માણસને સંબંધોનો થાક લાગતો હોય છે. છેલ્લે આપણને જ એવું થાય છે કે, કેટલું જતું કરવું? આખરે એ સંબંધને જ જતો કરી દેવાની નોબત આવી જાય છે!
અમુક સંબંધો જીવતા હોતા નથી. ઘણા મરેલા સંબંધો પણ જિવાતા હોય છે. એવાં ઘરો પણ છે જ્યાં સંબંધોની જીવતી લાશો ફરતી હોય છે. કોઇ કોઇની સાથે બોલે નહીં. કોઇને કોઇનાથી ફેર ન પડે. જેને જે કરવું હોય એ કરે, મારે શું? એવું થાય ત્યારે સંબંધ માત્ર નામનો રહી જાય છે. એક પતિ-પત્નીની આ વાત છે. પતિ પત્નીને કંઇ જ ન કહે. એ જેમ કરતી હોય એમ કરવા દે. એક વખત બધા ગ્રૂપમાં ફરવા ગયા હતા. પત્ની ત્યાં પણ પોતાનું ધાર્યું જ કરે. પતિનો મિત્ર બધું જોતો હતો. બંને મિત્રો એકલા હતા ત્યારે પેલા મિત્રએ પૂછ્યું કે, તું કેમ કંઇ બોલતો નથી? મિત્રએ કહ્યું કે, જવા દેને યાર, કોઇ મતલબ નથી કંઇ બોલવાનો! સાવ સાચું કહું તો મને કંઇ પણ બોલતા પહેલાં ટેન્શન થાય છે. એવો જ વિચાર આવી જાય છે કે, હું કંઇ કહીશ તો તરત જ માથાકૂટ થશે. મારામાં હવે કોઇ માથાકૂટ કરવાની ત્રેવડ રહી નથી! એને મારી કોઇ વાત સમજવી કે માનવી જ નથી. એને એવું જ લાગે છે કે, એ કરે એ જ સાચું. હું હવે કામ સિવાય વાત જ નથી કરતો! તેને કંઇ કહીએ તો તરત જ એવો જવાબ મળે કે, તમારે મને કંઇ નહીં કહેવાનું! ઘણા સંબંધો જળવાઇ રહે એ માટે ખેંચવામાં આવતા હોય છે. ચૂપ રહીને બધું સહન કરી લેવાય છે. કોણ માથાકૂટ કરે? મન મારીને જિવાતા સંબંધોમાં કોઇ સત્ત્વ રહેતું નથી. એ સંબંધ સમાજને દેખાડવા માટે જ રહી જતા હોય છે!
દરેક સંબંધ તોડી શકાતા નથી. એ સંબંધમાં સેઇફ ડિસ્ટન્સ રાખવું પડતું હોય છે, જેથી કોઇ છરકો ન પડે. જરૂર ન હોય એવી દલીલમાં જ નહીં ઊતરવાનું. કોઇ ઇગો ઇશ્યૂ જ નહીં બનાવવાનો. જ્યાં આપણું માન જળવાતું ન હોય ત્યાં ચૂપ રહેવું જ બહેતર હોય છે. પેલી વાઘ અને ગધેડાની વાર્તા સાંભળી છેને? એક ગધેડો હતો અને એક વાઘ હતો. બંને એક મુદ્દે વિવાદે ચડી ગયા. ગધેડો કહે કે, ઘાસ પીળું હોય છે. જો આ સામે જ પીળું ઘાસ દેખાય છે. વાઘ કહે કે, ઘાસ પીળું નહીં પણ લીલું હોય છે. ગધેડો કોઇ વાતે માને જ નહીં. આખરે બંનેએ નક્કી કર્યું કે આપણે જંગલના રાજા સિંહ પાસે જઇએ અને પૂછીએ કે ઘાસ કયા રંગનું હોય છે? બંને સિંહ પાસે ગયા. ગધેડાએ કહ્યું કે, ઘાસ પીળું હોય છેને? સિંહે કહ્યું, તારી વાત સાચી છે. ઘાસ પીળું જ હોય છે! સિંહે વાઘને એક વર્ષની સજા ફરમાવી. વાઘ જેલમાં ગયો. એક વર્ષ સુધી એને એની જ રાહ હતી કે જલદી છૂટું અને સિંહને પૂછું કે, ઘાસ તો લીલું જ હોય તો પણ તમે ગધેડાની ખોટી વાત કેમ માની અને મને સજા કેમ કરી? વર્ષ પૂરું થયું. વાઘ સિંહ પાસે ગયો. વાઘે કહ્યું, હું સાચો હતો તો પણ મને કેમ સજા કરી? ઘાસ તો લીલું જ હોય છે! સિંહે હસીને કહ્યું, ઘાસના રંગ મુદ્દે મેં તને સજા ફરમાવી જ નથી. તને સજા તો એ માટે ફરમાવી છે કે, તેં ગધેડા સાથે વિવાદ કર્યો હતો! ગધેડાના મોઢે જ ન લગાય! તમે કોની સાથે વિવાદ, માથાકૂટ, ઝઘડો કે દુશ્મની કરો છો એના પરથી તમારું પણ સ્તર નક્કી થતું હોય છે. વિવાદમાં પણ એની સાથે જ ઊતરવું જે એને યોગ્ય હોય. કક્ષા વગરના લોકો સાથે કોઈ પણ વાદવિવાદમાં ઊતરવું એ મૂર્ખામી જ છે. આપણા સ્તરથી નીચે ઊતરીને આપણે કોઈના સ્તરે જવાની જરૂર હોતી નથી. આપણે આપણું સ્તર, આપણી કક્ષા, આપણું લેવલ, આપણો મોભો અને આપણું વજૂદ જાળવવું પડતું હોય છે! ડિગ્નિટી ડાઉન કરીને મળેલી જીતનો પણ કોઇ મતલબ નથી હોતો, એના કરતાં તો ખુમારીવાળી હાર સારી!
છેલ્લો સીન :
સંવાદનો જ્યાં અવકાશ રહેતો નથી ત્યાં સંઘર્ષ છેડાયા વગર રહેવાનો જ નથી!         -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 25 સપ્ટેમ્બર,૨૦૨૨, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: