આપણે એક સમયે કેટલાં બધાં નજીક હતાં નહીં? : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ


આપણે એક સમયે કેટલાં
બધાં નજીક હતાં નહીં?

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ


એની ફિકર નથી, મને લાફો પડી ગયો,
ચિંતા છે એના હાથમાં ડાઘો પડી ગયો,
એનું સ્મરણ સમય જતાં ઝાંખું પડી ગયું!
આરસનો મ્હેલ આખરે કાળો પડી ગયો.
-ભાવિન ગોપાણી



સંબંધ ક્યારેક હાથમાંથી સરકી જાય છે. સંબંધને પણ ક્યારેક ધક્કો વાગે છે. ક્યારેક આપણે પણ કોઇ સંબંધને છોડી દેતા હોઇએ છીએ. સંબંધની એક સફર હોય છે. સંબંધની એક મંઝિલ પણ હોય છે. તમને કોઇ એવું પૂછે કે, તમારી લાઇફમાં જુદા જુદા લોકો સાથે કુલ કેટલા સંબંધો બંધાયા તો તમે કદાચ જવાબ નહીં આપી શકો. ઘણા લોકો આપણી જિંદગીમાં આવતા હોય છે. દરેક સંબંધની એક આવરદા હોય છે. એક ડેડલાઇન હોય છે. દરેક સંબંધો ખરાબ રીતે જ પૂરા થાય એવું જરૂરી નથી. સારા સંબંધો પણ એક મુકામ પછી વળાંક લઇ લેતા હોય છે. અમુક સંબંધો યુટર્ન લઇને પાછા પણ ફરતા હોય છે. કોઇ આપણી જિંદગીમાં આવે છે, ટકે છે, એની સાથે સરસ જિવાય છે, જુદા પડાય છે અને ભૂલી પણ જવાય છે. સ્કૂલની બેંચમાં સાથે બેસતો મિત્ર, અપડાઉન વખતે કંપની આપતો દોસ્ત, કૉલેજના ટ્યૂશનનો ફ્રેન્ડ, કંપનીમાં સાથે જોબ કરતો કલીગ, દોસ્તોનું ગ્રૂપ અને બીજા ઘણાબધા લોકો આપણની જિંદગીનો હિસ્સો બન્યા હોય છે. ક્યારેક કોઇ અચાનક યાદ આવી જાય છે. ફોન કરવાનું મન થાય છે. શાંતિથી કરીશ એવો વિચાર કરીને ફોન નથી લગાડાતો અને પછી રહી જ જાય છે. વોટ્સએપ પર દોસ્તોનું, કલિગ્સનું, જૂના સાથીઓનું ગ્રૂપ બને છે. થોડોક સમય બધું બરાબર ચાલે છે, ધીમેધીમે એમાં પણ ચેટિંગ ઓછું થઇ જાય છે. છેલ્લે તો માત્ર ફોરવર્ડિંગ્સ જ આવતા હોય છે!
દોસ્તી અને પ્રેમ સિવાયના પણ કેટલાંક સંબંધો હોય છે જે ભરપૂર જિવાયા હોય છે. એક મેસની વાત છે. મેસમાં એક યંગ છોકરી જમવા આવતી હતી. મેસનો ઓનર એ છોકરીનું ધ્યાન રાખતો. એના માટે સ્પેશિયલ વાનગીઓ બનાવતો. એ છોકરીને કહેતો પણ ખરો કે, દીકરા તને કંઈ ખાવાનું મન થાય તો કહી દેજે. એ છોકરીને પણ ખબર હતી કે, હું અંકલની લાડકી છું. સ્ટડી પૂરો થયો. એ છોકરી કાયમ માટે જતી હતી. અંકલને બાય કહેવા માટે ગઇ. છેલ્લે એ છોકરીએ પૂછ્યું, હું જ કેમ તમને વહાલી લાગી? અંકલે ત્યારે કહ્યું કે, તારું જે નામ છે એ જ મારી દીકરીનું નામ છે. તને જોઉં અને મને મારી દીકરી યાદ આવી જાય. એ ફોરેન ભણવા ગઇ છે. મેં તેને ઘણી વખત તારી વાત કરી છે. એ છોકરીએ કહ્યું કે, આપણે તમારી દીકરીને વીડિયો કૉલ કરીએ? પિતાએ દીકરીને કૉલ કર્યો. દીકરીએ કહ્યું કે, તમે મારા ડેડીમાં મારી યાદો ધબકતી રાખી છે. બાપના દિલમાં દીકરી જીવતી તો હોય જ છે, ધબકતી રાખવાની વાત જુદી છે. કાબુલીવાલાને મીનીમાં પોતાની દીકરી જ દેખાતી હતીને? કોઈના બદલામાં પણ કોઈ સંબંધ ક્યારેક કેવો જિવાતો હોય છે નહીં?
જિવાયેલા દરેક સંબંધ મરી નથી જતા પણ સુષુપ્ત થઇ જતા હોય છે. એક છોકરો અને છોકરી બહુ સારા દોસ્ત હતાં. કૉલેજમાં બંને પોતાની દરેક વાત એકબીજા સાથે શૅર કરતાં હતાં. કૉલેજ પૂરી થઈ. બંનેનું મળવાનું ઓછું થઇ ગયું. બંને મળતાં ત્યારે બહુ પ્રેમથી મળતાં હતાં. છોકરીનાં લગ્ન નક્કી થયાં. છોકરાને એમ થયું કે હવે મારે એનાથી દૂર રહેવું જોઇએ. છોકરી પણ એની નવી લાઇફમાં પરોવાઇ ગઇ હતી. સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ લાઇક થતી. વારેતહેવારે મેસેજથી શુભકામનાઓ પણ પાઠવવામાં આવતી. અચાનક એક વખતે બંને મળી ગયાં. એકબીજાને જોઇને ખૂબ જ ખુશ થયાં. કૅફેમાં કોફી પીવા ગયાં. વાતો કરતાં હતાં. છોકરાએ કહ્યું કે, એક સમયે આપણે બંને કેટલાં નજીક હતાં નહીં? છોકરીએ કહ્યું કે હા, તારા જેવો દોસ્ત નસીબદારને જ મળે. કદાચ, કુદરતને પણ કેટલાંક સંબંધોની ઇર્ષા થતી હશે! મને ઘણી વખત વિચાર આવી જાય છે કે કેમ આવું થતું હશે? આપણી વચ્ચે કોઇ પ્રોબ્લેમ નહોતો, આપણે ક્યારેય ઝઘડ્યાં નથી, એક સમયે એવું પણ થતું હતું કે, આવી ને આવી દોસ્તી જિંદગીભર રહે તો કેવું સારું? સમયની સાથે કેટલું બધું બદલાઇ જતું હોય છે નહીં? છોકરાએ કહ્યું, એ તો બદલાવાનું જ છે પણ જે જિવાયું છે એ તો એવું ને એવું જ રહેવાનું છેને! એક સમયે આપણને એકબીજાની બધ્ધેબધ્ધી ખબર રહેતી, હવે ક્યારેક વિચાર આવી જાય છે કે એ શું કરતી હશે? હું જ્યારે જ્યારે બીમાર પડું છું ત્યારે ત્યારે તું યાદ આવી જાય છે. એક વખત હું બીમાર હતો તો તેં કેવી દોડાદોડી કરી મૂકી હતી! આપણે ઇચ્છતા ન હોઇએ તો પણ કેટલાંક સંબંધો પૂરા થઇ જાય છે.
વેદના એ સંબંધની આપણને કનડતી રહે છે જેની સાથે સંબંધો સોળે કળાએ જિવાયા હોય પણ પછી કડવાશ સાથે છૂટા પડવાની નોબત આવે છે. આપણા મોબાઇલની ફોનબુકમાં એવા કેટલાંક નંબર હોય છે જે ક્યારેય સ્ક્રીન પર ઝળકતા નથી. બે બહેનપણીની આ વાત છે. બંને પાક્કી દોસ્ત હતી. બાદમાં કોઇની કાનભંભેરણીના કારણે બંને વચ્ચે ઝઘડો થયો અને દોસ્તી તૂટી ગઇ. વર્ષો વીતી ગયાં. અચાનક જ એક દિવસે એકના ફોન પર તેની જૂની ફ્રેન્ડનું નામ ચમક્યું. બહેનપણીનું જે નામ હતું એ જ નામની એક રિલેટિવ હતી. તેને ફોન લગાડવાનો હતો અને લાગી ગયો જૂની ફ્રેન્ડને! ફ્રેન્ડે ફોન પિક કર્યો. તેણે હલો કહ્યું એ સાથે ફોન લગાડનારી ફ્રેન્ડને ખબર પડી ગઇ કે ખોટો ફોન થઇ ગયો છે. તેણે કહ્યું કે ભૂલથી લાગી ગયો. બહેનપણીએ કહ્યું કે, હવે લાગી જ ગયો છે તો વાત કરી લે! મને એ વાતની ખુશી થઇ કે, તેં મારો ફોન ડિલિટ નથી કર્યો! તેની ફ્રેન્ડે કહ્યું કે, એમ ક્યાં કંઇ ડિલિટ થતું હોય છે! બધું ડિલિટ થઇ જતું હોત તો તો વાત જ ક્યાં હતી! નથી ભુલાતું ઘણુંબધું!
જૂનો પ્રેમ દિલના કોઇ ખૂણે જીવતો રહે છે. દરેક પ્રેમને મંઝિલ નથી મળતી. ક્યારેક સમય તો ક્યારેક સંજોગો સાથ નથી આપતા અને હાથ છૂટી જાય છે. ઘણુંબધું એવું પણ હોય છે જે કોઇને કહી શકાતું નથી. બસ, યાદ આવતું રહે છે. ઘણા ઘા દૂઝણા હોય છે. એ દૂઝતા રહે છે. અમુક સંબંધો વેદના આપવા માટે સર્જાયા હોય છે. આપણને એમ થાય કે, ક્યાં મળી ગયા, શું કામ મળ્યા હતા? એ સમયે એ યાદ નથી આવતું કે, જ્યારે મળ્યા ત્યારે તો બહુ સારું લાગ્યું હતું. આપણે સંબંધ તૂટે એને જ યાદ રાખતા હોઇએ છીએ, એ પહેલાં જે જિવાયું હોય છે એ ભૂલી જઇએ છીએ. હશે, એક સંબંધ પૂરો થઇ ગયો પણ તેની સાથે મેં સરસ દિવસો વિતાવ્યા છે. કેટલી બધી સારી ઘટનાઓ હોય છે. એક વાત યાદ રાખો, દરેક સંબંધનો ક્યારેક ને ક્યારેક અંત આવે જ છે. યાદ આવે ત્યારે એ ફરી થોડી ક્ષણો માટે જીવી લેવાનો હોય છે. કોઇ જીદ વગર, કોઇ ફરિયાદ વગર, કોઇ નારાજગી વગર! છેલ્લે બે મિત્રોની વાત. યુવાન હતા ત્યારે બંને ગાઢ મિત્રો હતા. એક બાબતે મનદુ:ખ થયું અને બંને જુદા પડી ગયા. એકબીજાનું મોઢું ક્યારેક નથી જોવું એવી કડવાશ બંનેનાં મનમાં હતી. બંને એકબીજાને હંમેશાં કોસતા રહેતા. આખરે બુઢાપો આવ્યો. એક મિત્રને એમ થયું કે, મારી પાસે હવે વધુ વર્ષો નથી. મારે જેની જેની સાથે વાંધા પડ્યા છે એ બધાને મારે માફ કરી દેવા છે. કોઈ ભાર લઈને નથી મરવું. અચાનક તેને પોતાનો જૂનો મિત્ર યાદ આવી ગયો. એને આખી જિંદગી મનમાં ને મનમાં બદદુઆ જ આપી હતી. તેણે મિત્રનું સરનામું શોધીને ફોન કર્યો. એના દીકરાએ ફોન ઉપાડ્યો અને કહ્યું કે, પપ્પા તો વીસ વર્ષ પહેલાં જ એક એક્સિડન્ટમાં એક્સપાયર થઇ ગયા હતા. આ વાત સાંભળીને તેના મિત્રને અફસોસનો પાર ન રહ્યો. તેને એવું થયું કે, એ તો ચાલ્યો ગયો હતો તો પણ મેં તેને ગાળો આપે રાખી! હું એને કોસતો હતો, જ્યારે એ તો હતો જ નહીં! સંબંધ જ્યાં સુધી છે ત્યાં સુધી એને પૂરેપૂરા જીવો, કારણ કે એ ક્યારે પૂરા થઇ જતા હોય છે એની કોઇને ખબર કે કલ્પના હોતી નથી!


છેલ્લો સીન :
શું યાદ રાખવું એ આપણા હાથની વાત છે. એના માટે સૌથી વધુ જરૂરી એ છે કે શું ભૂલવું છે! ભૂલવા જેવું હોય એને ભૂલી જશો તો જ યાદ રાખવા જેવું હશે એ યાદ રહેશે! -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 18 સપ્ટેમ્બર,૨૦૨૨, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: