યુદ્ધસ્ય કથા રમ્યા : તમને વોરની વાર્તાઓમાં રસ પડે છે? દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

યુદ્ધસ્ય કથા રમ્યા : તમને

વોરની વાર્તાઓમાં રસ પડે છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

યુદ્ધની વાર્તાઓ વિશે એવું કહેવાતું આવ્યું છે કે,

યુદ્ધની કથા રમણીય હોય છે. યુદ્ધની કથાઓમાં શૌર્ય છલકે

છે. જોકે, યુદ્ધની કથાઓમાં વ્યથા પણ ભારોભાર હોય છે!

કેવું છે, યુદ્ધ હંમેશાં શાંતિ માટે લડાતાં આવ્યાં છે! કોઈ જ

વિકલ્પ બાકી ન રહે ત્યારે યુદ્ધ અનિવાર્ય બની જાય છે.

માનવજાતનો ઇતિહાસ મુખ્યત્વે યુદ્ધોનો ઇતિહાસ છે. ઇતિહાસમાંથી યુદ્ધોને હટાવી દો તો શું બચે? દરેક યુદ્ધનાં કારણો હોય છે. મોટા ભાગનાં યુદ્ધો શાંતિ માટે લડાયાં છે! અશાંતિ હટાવવા માટે જ્યારે કોઈ જ વિકલ્પ ન બચે ત્યારે યુદ્ધ અનિવાર્ય બની જાય છે. યુદ્ધનો ઇતિહાસ એવું પણ કહે છે કે, માણસ ક્યારેય યુદ્ધમાંથી કંઈ શીખ્યો નથી. દુનિયાના કોઈ ને કોઈ ખૂણામાં યુદ્ધ ચાલતું જ રહે છે. શાંતિ અને અહિંસા એ આદર્શ સ્થિતિ છે. જ્યાં શાંતિ અને અહિંસાની હદ પૂરી થાય છે ત્યાંથી યુદ્ધની એબીસીડી શરૂ થાય છે. અહિંસા ત્યાં જ સંભવી શકે જ્યાં આપણો વિરોધી અહિંસાને સમજતો અને સ્વીકારતો હોય. એકપક્ષી અહિંસા કાયરતામાં ખપતી હોય છે. સહનશીલતાની હદ આવી જાય પછી જ બોલાતું હોય છે કે, પાર્થને કહો ચડાવે બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ.

આપણા દેશે પાકિસ્તાન સાથે ત્રણ યુદ્ધ કર્યાં છે. ત્રણેયમાં કારમી હાર છતાં પાકિસ્તાન સુધરવાનું નામ નથી લેતું. પુલવામા એટેકમાં 40 જવાનોએ શહીદી વહોરી પછી દેશના લગભગ તમામ લોકો એવું ઇચ્છતા હતા કે પાકિસ્તાનને પાઠ ભણાવો. યુદ્ધ થતું હોય તો ભલે થાય. આપણા દેશે આતંકવાદીઓના અડ્ડાઓ પર એર સ્ટ્રાઇક કરી ત્યારે દેશમાં જબરજસ્ત ઉન્માદ જોવા મળ્યો. બધાનાં મોઢે એક જ વાત હતી કે, જરૂરી જ હતું. પાકિસ્તાન એ જ લાગનું છે. એ સાથે જ બધાને એ વાતનું કુતૂહલ પણ હતું કે શું થયું? કેમ થયું? હવે સમય જશે એમ એમ આ એટેકની વાતો બહાર આવતી રહેશે. કોણ પાઇલટ હતા? કેવી રીતે આખો પ્લાન ઘડાયો? કેવી રીતે એક્ઝિક્યૂટ થયો? આવી વાતો રોમાંચક હોય છે. તેનું કારણ એ પણ છે કે, આવી ઘટનાઓ કંઈ રોજેરોજ બનતી નથી. યુદ્ધની કથાઓમાં રૂંવાડાં ખડાં કરી દે એવી થ્રિલ હોય છે. યુદ્ધની વાતો જકડી રાખે છે. એટલે જ કહેવાયું છે કે, યુદ્ધસ્ય કથા રમ્યા. યુદ્ધની કથા રમણીય હોય છે.

બાય ધ વે, આ ‘યુદ્ધસ્ય કથા રમ્યા’ એ ત્રણ શબ્દો ક્યાંથી આવ્યા છે એ તમને ખબર છે? એની પાછળ કહેવાનો મતલબ શું છે? આ ત્રણ શબ્દો તો એક સંસ્કૃત સુભાષિતનો ભાગ છે. આખો શ્લોક વાંચો તો ખબર પડે કે વાત તો સાવ જુદી જ છે. આખો શ્લોક કંઈક આવો છે. દૂરસ્થા પર્વતા: રમ્યા: વેશ્યા ચ મુખમંડને, યુદ્ધસ્ય તૂ કથા રમ્યા, ત્રીણિ રમ્યાણિ દૂરત: હવે આનો મતલબ સમજીએ. ડુંગર દૂરથી રળિયામણા, ગણિકા મેકઅપના થપેડાથી રમણી, યુદ્ધની કથા પણ રમણીય, પણ આ ત્રણેય દૂરથી જ સારાં લાગે. મતલબ કે આ ત્રણે તો જ ગમે જો તમે એમાં ઇન્વોલ્વ ન હોવ. યુદ્ધની કથાઓમાં મજા આવે, પણ એ ત્યારે જ જ્યારે આપણે યુદ્ધનો ભોગ બન્યા ન હોઈએ. યુદ્ધ જેણે જોયું હોય, જેણે અનુભવ્યું હોય અને જેના પર વીત્યું હોય એને જ એની વેદના અને વ્યથાની ખબર હોય. સમ્રાટ અશોક જેવો અશોક પણ કલિંગના યુદ્ધથી દ્રવી ગયો હતો. યુદ્ધની યાતનાઓ કલ્પના બહારની હોય છે. યુદ્ધનો અનુભવ જેને હોય છે એ એવું કહેતા હોય છે કે ભગવાન દુશ્મનને પણ આવો દિવસ ન બતાવે. જોકે, દુશ્મન જ્યારે કોઈ વાતમાં ન સમજે ત્યારે જ યુદ્ધો થતાં હોય છે. એક તબક્કે એવું થઈ જાય કે, બસ બહુ થયું. ઇનફ ઇઝ ઇનફ. હવે લડી લેવું છે. કાં આ પાર કાં પેલે પાર. યુદ્ધ એ અંતિમ વિકલ્પ છે. એના વિશે એવું પણ કહી શકાય કે અંતે તો એ વિકલ્પ વાપરવો જ પડે છે. આપણા ધર્મગ્રંથો પછી એ મહાભારત હોય, રામાયણ હોય કે ગીતા હોય, એમાં યુદ્ધની જ વાત છે. ગીતા તો ત્યાં સુધી કહે છે કે, સત્ય માટે તમારે તમારા અંગત લોકો સામે પણ ક્યારેક યુદ્ધ લડવું પડે છે. સવાલ એ જ હોવો જોઈએ કે, આપણે સાચા હોવા જોઈએ. ગીતા તો યુદ્ધની સાથે સ્થિતપ્રજ્ઞ રહેવાની વાત પણ શીખવે છે. સુખમાં જે છકી જતો નથી અને દુ:ખમાં જે ડગી જતો નથી એ માણસ સ્થિતપ્રજ્ઞ છે. આજના સમયમાં સ્થિતપ્રજ્ઞ રહેવું શક્ય છે ખરું?

યુદ્ધની વાત કરીએ જ છીએ તો થોડીક વ્યક્તિગત યુદ્ધની વાત પણ કરી લઈએ. દરેક માણસ પોતાનું યુદ્ધ લડતો હોય છે. જિંદગી પણ કંઈ નાનાસૂના પડકારો લઈને નથી આવતી હોતી. આપણી લાઇફમાં પણ ક્યારેક વોરલાઇક સિચ્યુએશન આવતી હોય છે. રોજેરોજ કોઈ યુદ્ધ લડાતું રહે છે. ક્યારેક આપણું અસ્તિત્વ ટકાવવા માટે આપણે ઝઝૂમતા હોઈએ છીએ. ક્યારેક આપણી જાતને સાબિત કરવા સંઘર્ષ કરતા હોઈએ છીએ, તો ક્યારેક આપણા સંબંધો પણ આપણને આ પાર કે પેલે પાર કરી નાખવા મજબૂર કરતા હોય છે. દરેક માણસની જિંદગી એક જીવતી જાગતી નવલકથા હોય છે. દરેકની સમસ્યાઓ હોય છે. અંગત જીવનમાં પણ સંબંધોનો સંઘર્ષ સૌથી અઘરો સાબિત થાય છે. કંઈક છૂટે, કંઈક તૂટે ત્યારે માણસ ભાંગી પડતો હોય છે. અંગત યુદ્ધોના ભણકારા પણ આખા આયખા સુધી વાગતા રહે છે. જિંદગીમાં પણ ક્યારેક શાંતિ માટે અંતિમ વિકલ્પ અપનાવી યુદ્ધ લડવું પડે છે. યુદ્ધ પતી ગયા પછી પણ એ સવાલ તો હોય જ છે કે, શાંતિ મળી ખરી? શાંતિ ન મળે તો યુદ્ધ વ્યર્થ સમજવું!

પેશખિદમત

ન જાને વક્ત કી રફ્તાર ક્યા દિખાતી હૈ,

કભી કભી તો બડા ખૌફ સા લગે હૈ મુઝે,

બિખર ગયા હૈ કુછ ઇસ તરહ આદમી કા વજૂદ,

હર એક ફર્દ કોઈ સાનેહા લગે હૈ મુઝે.

(ફર્દ-વ્યક્તિ/સાનેહા-દુર્ઘટના)      – જાંનિસાર અખ્તર

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: