શું આપણે હસવાનું ધીમે ધીમે ભૂલતા જઇએ છીએ? – દૂરબીન

શું આપણે હસવાનું ધીમે ધીમે

ભૂલતા જઇએ છીએ?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

હાસ્ય એ ચહેરા પરનું ઉત્કૃષ્ટ સૌંદર્ય છે.

હસતા ચહેરા ધીમે ધીમે લુપ્ત થતા જાય છે.

આજનો માણસ એટલો ભારેખમ થઇ ગયો છે કે

એ ખડખડાટ હસી પણ શકતો નથી.

આપણે સહુ સોગિયા મોઢાવાળા

યુગમાં પ્રવેશી ગયા છીએ?

ખૂલીને હસો, તમારે કંઇ જ ગુમાવવાનું નથી.

હસવાના ફાયદા જ ફાયદા છે!

 

 યાદ કરો, છેલ્લે તમે ક્યારે ખડખડાટ હસ્યા હતા? પેટમાં આંટી વળી જાય અને આંખો છલકાઇ જાય એવું હસવું તમને ક્યારે આવ્યું હતું? 24 કલાકની 1440 મિનિટમાં એવી કેટલી ક્ષણો હોય છે જ્યારે તમારા ચહેરા પર હાસ્ય હોય છે? નાનું બાળક ઊંઘમાં પણ હસતું હોય છે. મોટા થઇ ગયા પછી આપણે ઊંઘમાં દાંત કચકચાવતા હોઇએ છીએ. હસવાની કળા આજનો માણસ ભૂલતો જાય છે. ખીલેલા ચહેરા લુપ્ત થતા જાય છે. રોડ ઉપર જતા હોવ ત્યારે લોકોના ચહેરા ઉપર જરાક નજર કરજો, કેટલાના ચહેરા પર હળવાશ હોય છે? તમારી સાથે કામ કરતા લોકોમાં કોને સારી રીતે હસતા આવડે છે?

 

જે માણસ અત્યંત સહજતાથી હસી શકે છે તેના ઉપર તમે આરામથી ભરોસો કરી શકો છો. બદમાશ, કપટી, લુચ્ચો કે સ્વાર્થી માણસ ક્યારેય ખૂલીને હસી શકતો નથી. એવા માણસનો ક્યારેય ભરોસો ન કરવો જે સમ ખાવા પૂરતુંય હસતો ન હોય. હાસ્ય માણસની પ્રકૃતિ બયાન કરી દે છે. લુચ્ચુ હાસ્ય પકડાઇ જાય છે. નિર્દોષ હાસ્ય દિલને સોંસરવું સ્પર્શી જાય છે. માણસ રડવાનું નાટક કરી શકે. હસવાનું નાટક કરે તો છતું થઇ જાય છે. આમ તો જે માણસ સાચું હસી ન શકે તે સાચું રડી પણ નથી શકતો.

 

જે વ્યક્તિ હસતી રહેતી હોય તેને કોઇ સૌંદર્ય પ્રસાધનની જરૂર પડતી નથી. હાસ્ય એવું આકર્ષણ છે જે લોકોને તમારા તરફ ખેંચે છે. હસવામાં નયા ભારનો ખર્ચ થતો નથી. એ પ્રૂવ થયેલી વાત છે કે જે માણસ હસતો રહે છે એ સ્વસ્થ રહે છે. લાફિંગ ક્લબમાં લોકો ખરેખર દિલથી હસતાં હોય છે કે ફક્ત હસવાનો અવાજ કાઢતાં હોય છે એ સૌથી મોટો સવાલ છે. આપણે હસવાનું ધીમે ધીમે ભૂલતા જઇએ છીએ. આવું જ ચાલ્યું તો એક દિવસ એવો આવશે કે હસવાનું શીખવાના ક્લાસ શરૂ કરવા પડશે.

 

સાવ એવું પણ નથી કે આપણે હસતાં નથી. થોડું થોડું મરકી લઇએ છીએ. ક્યારેક વોટ્સએપ પર કોઇ મેસેજ કે ક્લિપ આવે ત્યારે ઘડી-બે ઘડી હસવું આવે છે. સોશિયલ મીડિયા પર કોઇ વ્યંગ વાંચી કે જોઇને ચહેરો સહેજ ખીલે છે. એ સિવાય આપણે ક્યારે હસીએ છીએ? હસવા માટે આપણે કોમેડી શોનો સહારો લેતા થઇ ગયા છે. કોમેડી ફિલ્મો લોકોને ગમે છે કારણ કે એ બહાને થોડુંક હસવા તો મળે છે. હસવા માટે આપણે કોઇ ને કોઇ આધાર લેવો પડે છે કારણ કે સહજતાથી હસવાનું આપણે ભૂલી ગયા છીએ.

 

શેક્સપિયરે કહ્યું છે કે હાસ્ય વ્યક્તિને નીરોગી બનાવે છે અને દીર્ઘાયુષ્ય બક્ષે છે. આ વાત ઘણાં સંશોધનમાં પણ સાબિત થઇ છે. હમણાં જ થયેલો એક સર્વે એવું કહે છે કે હાસ્ય એ તદ્દન મફતમાં મળતી એવી દવા છે જે તમને અનેક બીમારીથી બચાવે છે. ખડખડાટ હસવાથી શરીરમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન બને છે. આ હોર્મન દર્દ નિવારક છે. આ ઉપરાંત એ હાર્ટએટેકનું જોખમ ઘટાડે છે. હસતા માણસને ડિપ્રેશન આવતું નથી. હસવાથી આંખમાં ચમક આવે છે. અનિદ્રાનો રોગી જો હસવાનું વધારે તો રાતે ઊંઘ આવે છે. હસવાથી આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. લોકોને એવી સલાહ આપવામાં આવે છે કે આખા દિવસમાં એટલિસ્ટ પંદર મિનિટ માણસે હસવું જોઇએ. હસવું એ એક પ્રકારનો યોગ જ છે. હસવાથી કાર્યક્ષમતા વધે છે અને સ્ટ્રેસ ઘટે છે.

 

હા, આજનો સમય હરીફાઇનો છે. ગોલ અને ટાર્ગેટ સાથે કદમ મિલાવવામાં માણસ હાંફી જાય છે. રાત પડે ત્યાં થાકીને ઠુસ્સ થઇ જાય છે. કર્મચારીને બોસનું ટેન્શન છે અને બોસ ઉપર તેની ટીમના સભ્યો બરાબર કામ કરે એ ચેક કરતા રહેવાનું પ્રેશર છે. બધા જ લોકો જાણે તંગ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. હસવાનું તો સાવ ભુલાઇ જ ગયું છે. હસવાનો મૂડ જ નથી આવતો. આટલી બધી માથાકૂટ હોય એમાં હસવું કેવી રીતે? હકીકત એ છે કે હસતાં રહીએ તો કંઇ અઘરું નથી લાગતું. અત્યારના લોકોને માર્ક કરજો. લિફ્ટમાં ભેગા થઇ જાય તો પણ હસે નહીં. હેલ્લો કરે પણ ચહેરાની રેખા જરાયે બદલાય નહીં! બધું ધરાર કરતાં હોય એવું જ લાગે. ઘણા લોકો તો વળી એવા હોય છે જે ગંભીર કે સિન્સયર દેખાવવા માટે હસતા હોતા નથી. આપણને એવા લોકોને જોઇને એમ થાય કે જરાક હસી દે તો એનું શું લૂંટાઇ જવાનું છે? એક ફિલોસોફરે સરસ વાત કરી છે કે જેને હસતાં નથી આવડતું એ દુનિયાનો સૌથી ગરીબ માણસ છે. હસવા માટે ધનવાન હોવું જરૂરી નથી. ગમે એટલું ધન હોય તો તમે સુખી થઇ શકતા નથી પણ હસતા માણસને જોઇને આપણે એવું ચોક્કસપણે બોલીએ છીએ કે આના જેવો કોઇ સુખી માણસ નથી. બાળક પાસેથી કંઇ શીખવા જેવું હોય તો એ તેનું હાસ્ય છે.

 

વેલ, હવે થોડીક બીજી વાત. હસવા ઉપરથી માણસની પ્રકૃતિ ઓળખી શકાય? સામુદ્રિક શાસ્ત્ર અને બીજાં થોડાંક સંશોધનો પરથી એવું કહેવાયું છે કે માણસ કેવી રીતે હસે છે તેના પરથી એ કેવો માણસ છે એ ખબર પડી જાય છે! જે માણસ દિલ ખોલીને હસી શકે છે તે દયાળુ અને સહનશીલ હોય છે. આવું હસનારા સારા પ્રેમી પણ હોય છે. ઊંચા અવાજ સાથે ખડખડાટ હસનાર માણસ સફળ હોય છે. અટકી અટકીને હસનારો માણસ ઢોંગી, અહંકારી અને છેતરામણો હોય છે. ગભરાતા ગભરાતા હસવાવાળો માનસિક રીતે નબળો હોય છે. મૃદુ હસવાવાળો ગંભીર, ધૈર્યવાન અને શાંતિપ્રિય હોય છે.

 

હાસ્ય કૃત્રિમ પણ હોય છે. એ શીખવવામાં આવે છે. એરહોસ્ટેસ કે વેઇટરનું હાસ્ય રિયલ હોતું નથી. એણે તો હસવું પડે છે. રાત પડે એ બિચારાઓનું તો ખોટું ખોટું હસીને જડબું દુ:ખી જતું હશે. ઘણા લોકોએ તો એટલું બધું કૃત્રિમ હસવું પડે છે કે એ લોકો સાચું હસવાનું પણ ભૂલી જાય છે. સાચું હાસ્ય ચહેરા પરના ઉમળકાથી ઓળખાઇ જાય છે. આપણે કોઇના ઘરે જઇએ ત્યારે એના ચહેરા પરના હાસ્ય ઉપરથી સમજી જઇએ છીએ કે એને આપણું આગમન ગમ્યું છે કે નહીં. ગમતી વ્યક્તિ આવે ત્યારે ચહેરા પર એક ગજબ પ્રકારની લાલાશ આવી જાય છે.

 

સો વાતની એક વાત, તમારે ખુશ રહેવું છે? તમારે તમારું કામ હળવાશથી કરવું છે? તો હસવાનું વધારી દો. કોઇ અભ્યાસ, કોઇ સંશોધન કે કોઇ સર્વેએ એવું નથી કહ્યું કે, હસવાથી કોઇ ગેરફાયદો થાય છે. હસવામાં કોઇ ખર્ચ પણ થવાનો નથી. માણસે હસતા મોઢાને પોતાની પ્રકૃતિ બનાવવી જોઇએ. તમે હસશો તો આખું જગત તમારી સાથે હસશે. હોમરે કહ્યું છે, હાસ્ય એ પ્રેમની ભાષા છે. સુખી થવા કે ખુશ રહેવા માટે માત્ર એટલું જ કરવાની જરૂર છે, હસવાનું થોડુંક વધારી દો! હાસ્ય એ એવો જાદુ છે જે આખી દુનિયાને આકર્ષે છે. બાય ધ વે, તમે હસવાનું ભૂલી તો નથી ગયાને? એટ લાસ્ટ, વોટ્સએપથી મળેલો એક મેસેજ… જો ત્રણ સેકન્ડ હસવાથી ફોટો સારો આવી શકતો હોય તો હંમેશાં હસવાથી જિંદગી કેવી સરસ બની જાય!

 

પેશ-એ-ખિદમત

ઉનકે દેખે સે જો આ ગઇ

મૂંહ પે રોનક,

વો સમજે હૈ કે

બીમાર કા હાલ અચ્છા હૈ

-મિર્ઝા ગાલિબ

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 19 ફેબ્રુઆરી 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

 

 

 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *