તમે પોતાની સાથે કેવીઅને શું વાત કરો છો?  દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમે પોતાની સાથે કેવી

અને શું વાત કરો છો?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

સફળતા, નિષ્ફળતા, હતાશા, આનંદ, ઉન્માદ, ઉદાસી

પહેલાં આપણી અંદર આકાર પામે છે. આપણો આપણી સાથેનો સંવાદ

સતત ચાલતો રહે છે. તમે તમારી સાથે જ થતી

વાતચીતથી કેટલા સભાન છો?

બીજા લોકો સાથે વાત કરવામાં આપણે

જેટલું ધ્યાન રાખીએ છીએ તેના કરતાં વધુ કાળજી

પોતાની સાથે વાત કરવામાં રાખવી જોઇએ.

દરેક માણસ પોતાની સાથે સતત વાત કરતો હોય છે. કોઇ ઘટના બને એનો સૌથી પહેલો પ્રભાવ આપણાં મન પર પડે છે. આપણી અંદરથી જ ક્યારેક સવાલો ઊઠે છે. આપણું દિલ જ આપણને જવાબ આપે છે. દુનિયાના મનોચિકિત્સકો પોતાની સાથેના સંવાદની જિંદગીમાં થતી અસરો વિશે સતત અભ્યાસો કરતા રહે છે. અત્યાર સુધીમાં જેટલા અભ્યાસો, સંશોધનો અને સર્વે થયાં છે તેમાંથી એક મહત્ત્વની વાત એ બહાર આવી છે કે, દરેક માણસે પોતાની જાત સાથેના સંવાદમાં સાવચેતી રાખવી જોઇએ. આપણે ત્યાં કહેવાય છે કે, ‘સંગ એવો રંગ’. આપણી ઊઠકબેઠક કોની સાથે છે એની સીધી અસર આપણા પર પડે છે. એનાથી પણ વધુ અસર આપણું આપણી સાથેનું વર્તન કેવું છે એની થાય છે.

આપણે બીજા લોકો સાથે વાત કરતી વખતે એને ઇમ્પ્રેસ કરવાનો કે સારું લગાડવાનો પ્રયાસ કરીએ છીએ. ક્યારેય તમે તમને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કર્યો છે? કોઇ સારું કામ થયું હોય, કોઇ સફળતા મળી હોય ત્યારે તમે તમારી જાતને કહ્યું છે કે, વેલ ડન! આપણે નથી કહેતા. તેની સામે કંઇક ખરાબ બને ત્યારે આપણે આપણી જાતને એવું કહેતા હોઇએ છીએ કે, બહુ ખોટું થયું. આપણાથી કોઇ ભૂલ થઇ હોય તો પણ આપણે આપણી જાતને જ કોસતા રહીએ છીએ. સાઇકોલોજિસ્ટ કહે છે કે, એપ્રિસિએટ યોરસેલ્ફ. તમારી જાતની કદર કરો. તમે તમારું ગૌરવ નહીં અનુભવો તો બીજા ગમે એટલાં વખાણ કરશે તો પણ કંઇ ફેર પડવાનો નથી.

સફળતા મેળવનારા લોકો પર થયેલા અભ્યાસમાં એ વાત સાબિત થઇ છે કે, એ લોકોએ સફળતા માટે પોતાની જાતને પહેલાંથી તૈયાર કરી હોય છે. મારે સફળ થવું છે. હું સફળ થઇશ. એવી વાતો એ પોતાની સાથે કરતા રહે છે. એક પ્રયોગમાં તો એવું કરવાનું કહે છે કે, તમે સવારે બ્રશ કરતા હોવ ત્યારે અરીસામાં તમારો ચહેરો જોઇને તમારી સાથે વાત કરો કે, મારે આમ કરવાનું છે. તમારી જાતને પ્રોમિસ આપો. સફળતાના મુદ્દે તો ઘણા લોકો આવું કરતા હોય છે, પણ બીજી ઘટનાઓમાં આપણે એવું કરતા નથી.

તમારે નેગેટિવિટીથી બચવું છે? તો સૌથી પહેલાં તમારી પોતાની સાથે નકારાત્મક વાતો કરવાનું બંધ કરો. બધું ખરાબ છે. જિંદગીમાં જીવવા જેવું કંઇ નથી. બધા સ્વાર્થનાં સગાં છે. સારા માણસોની કોઇ કદર જ નથી. મારા લોકો જ મારો ફાયદો ઉઠાવે છે. મારી કોઇને કંઇ પડી નથી. હું બધા માટે બધું કરું છું, પણ કોઇ મારા માટે કંઇ કરતું નથી, એવી વાતો તમે તમારી સાથે ન કરો. અમુક લોકો તો વળી ત્યાં સુધી વિચારતા હોય છે કે, મારો દેખાવ બરાબર નથી. મારો અવાજ સારો નથી. ભગવાને મને અન્યાય કર્યો છે. નેગેટિવિટી બે પ્રકારની હોય છે. એક બહારની અને બીજી આપણા પોતાના અંદરની. બહારની નેગેટિવિટીને તમે તો જ ખંખેરી શકો જો તમે અંદરથી પોઝિટિવ હોવ. ઇન્ટરનલ અને એક્સટર્નલ નેગેટિવિટી વચ્ચે પણ સંઘર્ષ ચાલતો રહે છે. આપણે બહારની અને અંદરની નેગેટિવિટી સાથે લડવાનું જ નહીં, પણ જીતવાનું હોય છે.

તમે પેલો જોક સાંભળ્યો છે? આમ તો એ જોક છે, પણ તેનો મર્મ જીવનમાં અપનાવવા જેવો છે. એક ભાઇ રોડ પર ચાલ્યા જતા હતા. ચાલતાં ચાલતાં એ કંઇક ફાકતા હોય એવી એક્શન કરતા હતા. તેનો એક મિત્ર સામે મળ્યો. પેલાને કંઇક ફાકતા જોઇને પૂછ્યું, એલા તું શું કરે છે? પેલો કહે કે, હું સિંગ-ચણા ફાકું છું. મિત્રએ કહ્યું કે, પણ તારા હાથમાં તો સિંગ-ચણા છે નહીં? પેલાએ કહ્યું કે, એ તો હું મનમાં ને મનમાં ફાકું છું. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, યાર, તારે જો મનમાં ને મનમાં ફાકવાનું હોય તો પછી સિંગ-ચણા શા માટે ફાકે છે, કાજુ-બદામ ફાકને!

ઘણા લોકો તો આચાર અને વિચારથી જ નબળા હોય છે. પોતાની જાતને જો અંડરએસ્ટિમેટ કરવામાં આવે તો સફળતા જોજનો દૂર રહે છે. મજાની વાત એ છે કે, પોતાની જાત સાથે સારો સંવાદ કરવામાં કંઇ ગુમાવવાનું જ નથી, ઊલટું ઘણું બધું મેળવવાનું છે. એનો બધો જ આધાર આપણે પોતાની સાથે કેવી અને શું વાત કરીએ છીએ એના પર નિર્ભર રહે છે. ઘણા લોકો તો પોતાની સાથે એવી રીતે વાતો કરે છે જાણે બીજા કોઇની સાથે વાતો કરતા હોય. આવા લોકોને અગાઉના સમયમાં ધૂની કહેવામાં આવતા હતા. હ્યુમન બિહેવિયરના એક્સપર્ટ્સે તેના વિશે અભ્યાસ કરીને એવું કહ્યું છે કે, પોતાની સાથે મોટેથી વાતો કરનારા પણ ક્રેઝી નહીં, જિનિયસ હોય છે. જાત સાથેનો સંવાદ વિચારોને ઓર્ગેનાઇઝ કરે છે. એનાથી જિદંગીના અનેક પહેલુઓ વિશે સ્પષ્ટતા થાય છે. તમારા વિચારોને ક્લેરિટી મળે છે.

તમે તમારી સાથે કેવી વાત કરો છો એનો ક્યારેય વિચાર કર્યો છે? ન કર્યો હોય તો કરજો. એ સાથે જો એવું લાગે કે હું મારી જાત સાથે નબળી, નક્કામી અને નકારાત્મક વાત કરું છું તો એને ટાળજો. સારી, સાચી અને સકારાત્મક વાતો કરજો. પોતાની જાત સાથેનો જેવો સંવાદ હશે એવા જ આપણે બનતા હોઇએ છીએ.    

પેશ-એ-ખિદમત

વહી હોગા જો હુઆ હૈ જો હુઆ કરતા હૈ,

મૈંને ઇસ પ્યાર કા અંજામ તો સોચા ભી નહીં,

તોહફા જખ્મોં કા મુઝે ભેજ દિયા કરતા હૈ,

મુઝસે નારાજ હૈ લેકિન મુઝે ભૂલા ભી નહીં.

– કલીમ આજિઝ

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 19 જાન્યુઆરી 2020, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *