માર્ગ તો હોય જ છે, આંખો
ખોલીને એને શોધવો પડે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કલ્પનાની રાતભર ઝાંખી હતી,
એક ઘટના જન્મવી બાકી હતી,
ભૂંસવાનું ક્યાં શીખ્યો છું હું કદી!
મેં લીટી, મારી, અલગ આંકી હતી.
-જિતુ ત્રિવેદી
કેટલાંક ડંખ સતત ચૂભતા રહે છે. કેટલીક વાતો, કેટલીક ઘટનાઓ અને કેટલાંક કિસ્સાઓ એવા હોય છે કે એ જેટલી વાર યાદ આવે એટલી વાર પેઇન આપે છે. એક વખતથી વાત પૂરી થઈ નથી જતી. ઘણા કિસ્સાઓમાં તો એવું પણ બનતું હોય છે કે, જેમ જેમ સમય જાય એમ એમ પેઇન ઘટવાને બદલે વધે છે! ભલે એવું કહેવાતું હોય કે, સમય દરેક સમસ્યાનું ઓસડ છે પણ કેટલાંક પેઇનને ઘડિયાળના કાંટા પણ ઝાંખા કે હળવા કરી શકતા નથી. એ તારીખ, એ સ્થળ અને એ શબ્દો યાદ આવે ત્યારે આંખોમાં ચુવાંક થવા લાગે છે. આજથી બરાબર એક વર્ષ પહેલાં એણે મારી સાથે આવું કર્યું હતું. દરેક એનિવર્સરીની ઉજવણી નથી હોતી, કેટલીક ઘટનાઓને વર્ષ થાય ત્યારે આંખો વરસી પણ પડે છે. જિંદગીમાં એવું થતું જ રહેવાનું છે. શ્વાસની ગતિ પણ જો વધતી અને ઘટતી રહેતી હોય તો બીજી બધી જ બાબતોમાં અપડાઉન થતાં રહેવાના છે. આપણી જિંદગીમાં કેટલાંક લોકો આપણું ચેન હરવા માટે જ આવતા હોય છે. એક લાઇટમેન હતો. તેણે કહ્યું કે, અમુક લોકો વીજળીના તાર જેવા હોય છે, એને અડકો તો કરંટ જ લાગવાનો છે. વીજળીના તારને તમે સાવ નકારી ન શકો, કારણ કે એના વગર પ્રકાશ પણ નથી મળવાનો. લાઇટ પાસેથી આપણે પ્રકાશ મેળવીએ છીએ પણ વાયરના સીધા સંપર્કથી બચીએ છીએ. કેટલાંક લોકોને આપણે ટાળી શકતા નથી પણ તેના ગાઢ સંપર્કથી બચવું જોઇએ. કોની નજીક જવું અને કોનાથી બચવું એ સમજ હોવી જોઇએ. જિંદગીના રસ્તે કોઇ સાઇનબોર્ડ નહીં હોવાનાં કે, અહીં ખતરો છે, સાવચેતી રાખજો. જિંદગીના ખતરાને ઓળખવા પડતા હોય છે. માણસને પામતા પહેલાં માપવા પડે છે. માપવામાં ભૂલ થઇ તો પામવામાં પસ્તાવો થવાનો છે. દુનિયામાં માણસને ઓળખવાનું કામ સૌથી અઘરું છે પણ એ શીખવું પડતું હોય છે. જો એ ન આવડે તો જિંદગી અઘરી થઇ જાય છે. જિંદગીમાં એક નકામો અને નઠારો માણસ આવી જાય તો એ જીવવું હરામ કરી શકે છે. ઘણા લોકોમાં એ આવડત હોય છે કે, ફસાઇ ગયા પછી પણ એ શોધી કાઢે છે કે હવે આનાથી છૂટવું કેવી રીતે? એ સમય મળ્યે સરકી જાય છે. ઘણાને તો એ પણ નથી આવડતું કે, હવે આનાથી મુક્તિ કેવી રીતે મેળવવી? એ આખી જિંદગી રીબાતા રહે છે. આપણે આપણી આજુબાજુમાં એવી ઘટના જોતા હોઇએ છીએ, જે જોઇને આપણને એવો સવાલ થયા વગર ન રહે કે, આ વ્યક્તિ આટલું સહન શા માટે કરે છે? છુટકારો કેમ નથી મેળવી લેતી? એને કઈ વાતનો ભય લાગે છે? ગુમાવવા જેવું હતું એ તો તેણે ગુમાવી દીધું છે, હવે તેણે પોતાની ગુલામી સિવાય કંઇ ગુમાવવાનું નથી. ઘણા કિસ્સામાં સલાહ આપનાર પણ એવા શબ્દો વાપરે છે કે, તારે ન સમજવું હોય તો મર અને તારે જે કરવું હોય એ કર. તારાથી કંઇ છૂટતું ન હોય તો તને રડવાનો કે ફરિયાદ કરવાનો પણ અધિકાર નથી. દરેક પાસે પોતાનો માર્ગ પસંદ કરવાનો મોકો હંમેશાં હોય છે. તમે આંખો મીંચી દો અને એવું કહો કે, હવે કોઈ માર્ગ જ નથી તો એવું નથી હોતું. માર્ગ તો હોય જ છે. આંખ ખોલવી પડે છે અને માર્ગ શોધવો પડે છે. માર્ગ સામે ચાલીને આપણી પાસે નથી આવતો, આપણે માર્ગ સુધી જવું પડે છે અને માર્ગ ન હોય તો બનાવવો પણ પડે છે! દુનિયામાં બધું જ તૈયાર નથી મળતું, કેટલુંક સર્જવું પડે છે. આપણાં સુખ, આપણી ખુશી, આપણા આનંદથી માંડીને આપણી મુક્તિનું સર્જન પણ આપણે જ કરવું પડતું હોય છે. જંજીરોને ઝાટકો મારીને તોડવી પડતી હોય છે. મોટા ભાગની જંજીરો તૂટી જ જતી હોય છે, આપણે ઝાટકો ન મારીએ તો એમાં વાંક આપણો જ હોય છે!
માણસ નાનીનાની વાતોમાં હતાશ થઇ જાય છે. આય હાય હવે શું થશે? જે માણસને એટલો વિશ્વાસ હોય છે કે, બધું થઇ રહેશે એને વાંધો નથી આવતો! એક છોકરીની આ વાત છે. એ શાક વેચતી હતી. રોજ સવારે શાકનો ઢગલો કરીને વેચવા બેસે. એક પછી એક ગ્રાહક આવતો જાય અને સારામાં સારું શાક હોય એ વીણીને ખરીદતો જાય. એ છોકરીએ એક વખત તેની મિત્રને સરસ વાત કરી. તેણે કહ્યું કે, એકબે ઘરાક આવે અને સારામાં સારું શાક વીણી લે એ પછી મને એમ થતું કે, સારું શાક વીણાઇ ગયા પછી બાકીનું કોણ લેશે? પણ રાત પડ્યા સુધીમાં બધું શાક વેચાઇ જ જાય છે! આમાંથી હું બે વાત શીખી છું. એક તો જેવો હોય એવો સમય પસાર થઇ જ જવાનો છે. દરેક વખતે સમય બેસ્ટ જ હોય એવું જરૂરી નથી. બીજી વાત એ કે, જે હોય એમાંથી સારામાં સારું શોધો. જે ગ્રાહકો આવે છે એ જે શાક હોય છે એમાંથી સારામાં સારું શાક શોધે છે. આપણે પણ એ જ કરવાની જરૂર હોય છે. જે છે એમાંથી સારામાં સારું શોધીને મસ્ત રીતે જિંદગી જીવવાની.
જિંદગી ભારે લાગે ત્યારે સૌથી પહેલું કામ જિંદગીને હળવાશથી લેવાનું કરવું પડે છે. જિંદગી ક્યારેક તો અઘરી, આકરી અને ભારે લાગવાની જ છે. સારો સમય હોય ત્યારે ઘણા લોકો એ વાતની ચિંતા કરતા હોય છે કે, આવોને આવો સમય નહીં રહે તો? આવું વિચારનારા પોતાનો વર્તમાન બગાડતા હોય છે. ખરાબ સમયમાં ટેન્શન નહીં કરવાનું અને સારા સમયને એન્જોય કરવાનો. અત્યારે બધું બરાબર છેને? બાકીનું જોયું જશે. બિન્ધાસ્ત કે બેફિકર ન થવું, સારા સમયમાં છકી જવું જોખમી સાબિત થતું હોય છે. ખરાબ સમય આવે એનો વાંધો નહીં પણ એ ખરાબ સમય આપણો નોતરેલો ન હોવો જોઇએ. સારા સમયમાં પણ સાવચેત તો રહેવું જ પડતું હોય છે. ઘણા લોકો ખરાબ સમયમાં જેટલા સજ્જ અને સતર્ક હોય છે એટલા સતર્ક સારા સમયમાં રહેતા નથી. દરેક સમયને વર્તીને સાવધાન રહેવું પડતું હોય છે. અંધારામાં ડરી ન જવું અને અજવાળામાં ડગી ન જવું એ સિદ્ધાંત જિંદગીમાં અપનાવવો પડે છે.
રાતથી આપણે ડરી જતા નથી, કારણ કે આપણને ખબર જ છે કે સવાર પડવાની છે. આ વાત આપણે મુશ્કેલીના સમયમાં ભૂલી જઇએ છીએ કે, આ સમય પણ ચાલ્યો જવાનો છે. ઘણા લોકો ખરાબ સમયમાં રઘવાયા થઇ જાય છે. એવું વિચારે છે કે, બસ બધું ખતમ થઇ ગયું. હવે જિંદગીમાં કંઇ બચ્યું નથી. એ સમયે એ વાત યાદ રાખવાની હોય છે કે, બાકી બધું ભલે ખતમ થઇ ગયું હોય પણ જિંદગી તો બચી જ છે. જિંદગી છે ત્યાં સુધી બધું જ શક્ય છે. બહુ ચિંતા લાગે કે ઉચાટ થાય ત્યારે નાક પાસે આંગળી રાખીને ચેક કરી લેવું કે, શ્વાસ ચાલે છેને, તો પછી ડરવાની કોઇ જરૂર નથી. મુશ્કેલ સમયમાં વિચારો પર નજર રાખવાની સૌથી વધુ જરૂર હોય છે. અઘરા સમયમાં આપણે સૌથી વધુ નકારાત્મક વિચાર કરીએ છીએ. એક પછી એક નેગેટિવ વિચારો આવતા રહે છે અને આપણે આપણી જાતને જ વધુ ને વધુ બાંધતા રહીએ છીએ. એક વિચાર એક વળ જેવો હોય છે. વળ ઉપર વળ ચડતા જાય તો માણસ દબાઇ જાય છે. તકલીફ, ઉપાધિ, ચિંતા, સમસ્યા કે આપદાના બહુ વિચારો નહીં કરવાના, એકના એક વિચારો આપણને વધુ ને વધુ મૂંઝવે છે. વિચારોને ક્યારે વિરામ આપવો એની સમજ હોય તો વિચાર વિકારમાં પરિણમતો નથી. સમય જેવો હોય એવો, જિંદગીને સતત મૂલવવાના બદલે માણવામાં જ મજા છે!
છેલ્લો સીન :
દરેક વાત, દરેક ઘટના અને દરેક અવસરનો એક `રાઇટ ટાઇમ’ હોય છે. રાઇટ ટાઇમ ચાલ્યો જાય એ પછી જે બચે એ `રોંગ’ હોય છે! આ `રોંગ’ જ અફસોસ સર્જે છે! – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 05 મે 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com