પસ્તાવો પણ સમયસર ન થાય તો કોઈ અર્થ નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

પસ્તાવો પણ સમયસર ન
થાય તો કોઈ અર્થ નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


આવે છે અગર અશ્રુ આંખે, પી જાઉં છું, સંયમ રાખું છું,
જે વાત છે મારા અંતરની, એ વાત હું મોઘમ રાખું છું.
-શૂન્ય પાલનપુરી


જિંદગીમાં દરેક માણસથી ક્યારેક ન થઇ જવાનું થઇ જાય છે. ક્યારેક શબ્દોથી કે વર્તનથી કોઇને હર્ટ કરી બેસાય છે. એકઝાટકે સંબંધ તૂટે છે અને લાગણીઓના તાર છૂટે છે. કેટલાંક સંબંધો એવા હોય છે જે તૂટ્યા પછી પણ ખતમ થતા હોતા નથી. ઉલટું તૂટેલા સંબંધના તીક્ષ્ણ ખૂણા વધુ ને વધુ ભોંકાતા રહે છે. જેની સાથે સારી રીતે રહ્યા હોઇએ, મજા માણી હોય, અંગત વાત શૅર કરી હોય અને જેને ઝંખ્યા હોય એ જ્યારે દૂર થઇ જાય ત્યારે અઘરું તો લાગવાનું જ છે. સંબંધો તૂટવાની ઘટનાને પણ એ વાત લાગુ પડે છે કે, તાળી એક હાથે પડતી નથી. ક્યાંક બંનેની ભૂલ હોય છે. કોઇની થોડી તો કોઇની વધુ હોઈ શકે. વાંધો પડે ત્યારે વાંક કોનો એ સૌથી મોટો સવાલ હોય છે. બેમાંથી કોઇને પોતાનો વાંક લાગતો હોતો નથી. એણે આવું કર્યું એટલે મેં પણ કર્યું. મોટા ભાગે એવું પણ સાંભળવા મળે કે, મારો એકલાનો કે એકલીનો વાંક થોડો છે? આમાં પણ આડકતરી રીતે એ કબૂલાત છે કે, મારો પણ વાંક તો હતો જ! સ્વમાન અને ઇગો વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. સ્વમાન સચવાવું જોઇએ એમાં ના નહીં પણ પહેલાં એ નક્કી કરવું પડે કે, હું જે કહું છું કે કરું છું એ મારું સ્વમાન છે કે પછી મારો ઇગો છે? માણસ ઘણી વખતે પોતાની વ્યક્તિ પાસે એવું પણ ઇચ્છતો હોય છે કે, એ પોતાનો ઇગો પેમ્પર કરે. એક હદ સુધી માણસ ઇગોને પેમ્પર કરતો પણ હોય છે. ઇગો જ્યારે હદ વટાવે ત્યારે સંઘર્ષની શરૂઆત થાય છે. સંઘર્ષ શરૂ થયો એટલે સ્નેહને સુકારો લાગવા માંડે છે. સંઘર્ષ જેમજેમ વધતો જાય એમ એમ સ્નેહ, લાગણી અને પ્રેમ ઘટતાં જાય છે. સંઘર્ષ એટલો ન ખેંચવો જોઇએ કે, પ્રેમ જેવું કોઇ તત્ત્વ બચે જ નહીં!
આપણને જો એવું લાગે કે, ક્યાંક મારી ભૂલ છે તો ખુલ્લાદિલે એ ભૂલ સ્વીકારી લેવી જોઇએ. એમાંયે જો વ્યક્તિ પોતાની નજીકની હોય તો વાતને આગળ વધવા જ ન દેવી જોઇએ. મોટા ભાગના ઝઘડા, તકરાર કે વિવાદ ક્ષુલ્લક બાબતોના કારણે થઇ જતાં હોય છે. ઇશ્યૂ એવો ગંભીર હોતો જ નથી. ડિસ્ટન્સ વધ્યા પછી ઘણાને પસ્તાવો પણ થતો હોય છે પણ એની પાસે જવા માટે પગ નથી ઊપડતા કે તેની સાથે વાત કરવામાં જીભ નથી ચાલતી. મોબાઇલ હાથમાં હોય છે, એવું પણ મન થાય છે કે, મેસેજ કરીને સોરી કહી દઉં પણ આપણે એવું નથી કરતા. કંઈક નડતું હોય છે આપણને! એક સાવ સાચો કિસ્સો છે. એક યુવાનને તેના મિત્ર સાથે ઝઘડો થયો. બંને વચ્ચે બોલવાના સંબંધ પણ ન રહ્યા. એ મિત્ર નિયમિત રીતે ઘરે આવતો હતો. થોડા દિવસ મિત્ર ન દેખાયો એટલે બાપે દીકરાને પૂછ્યું, તારો પેલો મિત્ર કેમ નથી દેખાતો? દીકરાએ કહ્યું, અમારા વચ્ચે ઝઘડો થયો છે અને બોલવાનું બંધ કર્યું છે. પિતાએ પૂછ્યું, ભૂલ કોની હતી? દીકરાએ કહ્યું, આમ તો બંનેની હતી પણ હું તેની સામે વધારે પડતું બોલી ગયો હતો. હવે મને પસ્તાવો પણ થાય છે. આ વાત સાંભળીને પિતાએ કહ્યું કે, દીકરા, પસ્તાવો થતો હોય તો વહેલીતકે એની પાસે જા, એને સોરી કહે અને મનાવી લે. પસ્તાવો પણ સમયસર ન થાય તો એનો કોઈ અર્થ રહેતો નથી. એ પછી તેના પિતાએ પોતાની સાથે બનેલી એક ઘટના કહી. તેણે કહ્યું, મારે પણ એક ખાસમખાસ મિત્ર હતો. અમને બંનેને એકબીજા વગર ચાલતું જ નહીં. એક વખત અમારે બંનેને ઝઘડો થઇ ગયો. ભૂલ મારી હતી પણ ગુસ્સામાં બોલાઈ ગયું અને ડિસ્ટન્સ વધી ગયું. બોલવાનું બંધ થઇ ગયું. મને અફસોસ થતો હતો. પસ્તાવો પણ થતો હતો. એવો પણ વિચાર આવતો હતો કે, એક વાર તેની પાસે જઈને સોરી કહી દઇશ અને વાત પૂરી કરીશ. હું એવું કરું એ પહેલાં જ એવા સમાચાર આવ્યા કે, મારા એ મિત્રનો એક્સિડન્ટ થયો છે અને તે સીરિયસ છે. હું હોસ્પિટલ ગયો. એ બેહોશ હતો. મારી વાત સાંભળી શકતો નહોતો. હું મનમાં ને મનમાં એને કહેતો હતો કે, જરાક તો આંખ ખોલ, થોડીક તો મારી વાત સાંભળ, મારે તારી માફી માંગવી છે. તેને કોઈ અસર નહોતી. બીજા દિવસે તેનું અવસાન થયું. આજની તારીખે એ પસ્તાવો મને ભારે લાગે છે. જે કંઈ થાય એ ઇન ટાઇમ થવું જોઇએ. ઘણી વખત એવું થાય છે કે, પછી સમય રહેતો નથી. અફસોસનો ભાર વેંઢારવો સહેલો હોતો નથી.
માણસને જો સૌથી વધુ કંઈ સતાવતું હોય તો એ પોતાનો ઇગો છે. હું શા માટે ઝૂકું? એને જરૂર હોય તો એ આવે. એક રીતે જોવા જાવ તો જરૂર કોઇને નથી હોતી અને બીજી રીતે જોવા જાવ તો જરૂર બધાને હોય છે. બે બહેનપણીઓ વચ્ચે માથાકૂટ થઇ. બંનેએ બોલવાનું બંધ કરી દીધું. એક છોકરી એક સંત પાસે ગઇ અને બહેનપણી સાથે થયેલી માથાકૂટની બધી વાત કરી. સંતે કહ્યું, ભૂલી જા એને, એવું વિચાર કે એના જેવી કોઇ ફ્રેન્ડ હતી જ નહીં. છોકરીએ પછી કહ્યું કે, પણ મને એ યાદ આવ્યા રાખે છે. એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. સંતે પછી કહ્યું, તો પછી રાહ કોની જુએ છે? જા અને વાત કર. છોડી દેવાનું કહેવા પાછળનો મારો અર્થ એ જ હતો કે, જો રહેવાતું ન હોય તો વાત કરી લો. જતું કરી દો. અરે, ભૂલ તમારી ન હોય તો પણ વાત પૂરી કરો. એનું કારણ એ છે કે, બાકીના બધા કરતાં સંબંધ સૌથી વધુ મહત્ત્વનો છે. દરેકની જિંદગીમાં એવું કોઇ હોય જ છે જે સૌથી અંગત અને સ્પેશિયલ હોય છે. જિંદગીમાં પણ કેટલાંક અપવાદો રાખવા જોઇએ. આ અપવાદ જેવા સૌથી નજીકના લોકો સાથે ડીલ કરવામાં પણ ધ્યાન રાખવું જોઇએ. આખી દુનિયા સાથે જે રીતે ડીલ કરતા હોઇએ એવી રીતે એની સાથે ડીલ નથી થતી. જે માણસ ખાસ હોય એની સાથેનો વ્યવહાર પણ વિશેષ હોવો જોઈએ. જેની સાથે વાત કરવામાં વિચાર ન કરવો પડતો હોય એને સાચવી રાખવા જોઇએ. એક યુવાનની આ વાત છે. તેનો એક દોસ્ત હતો. એ મળે ત્યારે એ એકદમ બિન્ધાસ્ત થઇ જતો અને એનું મન થાય એમ રહેતો. એક વખત એ દોસ્તે પૂછ્યું કે, તું બધા સામે જુદો હોય છે અને મારી સાથે અલગ હોય છે. છોકરાએ કહ્યું, કારણ કે હું તારી સાથે રિઅલ છું, ઓરિજિનલ છું, જેવો છું એવો છું, બીજાને ઇમ્પ્રેસ કરું છું. તને ઇમ્પ્રેસ કરવાની કોઇ જરૂર લાગતી નથી, કારણ કે તું મને પૂરેપૂરો ઓળખે છે. તને ખબર જ છે કે, હું કેવો છું! તમારી પાસે એવી વ્યક્તિ છે જેને ખબર છે કે, તમે કેવા છો? એવા લોકો હોય તો એને જતનથી સાચવી રાખજો. હવે એવા લોકો જ ઘટતા જાય છે જેની સાથે આપણે જેવા હોઇએ એવા રહી શકીએ. ઇમ્પ્રેસ કરી દેવાની હોડ જામી છે. બધાને છાકો પાડી દેવો છે. એક કલાકારે સરસ વાત કરી હતી કે, હોલમાં પડતી તાળીઓ એક્ટિંગ પૂરતી જ મર્યાદિત હોય છે. શૉ પૂરો એટલે વાત પૂરી. તાળીઓની ગુંજ પૂરી થાય પછી જે હોય છે એ આપણા હોય છે. રાહ જોતી આંખો એ દુનિયાનાં સૌથી મોટાં અને સૌથી સારાં નસીબ છે!
છેલ્લો સીન :
જિંદગી દરેક તબક્કે માણસને તક આપતી હોય છે. આપણે ઘણી તકોને જવા દઇએ છીએ. કેટલીક નાજુક પળોને ઓળખતા, સાચવતા અને સ્વીકારતા આવડી જાય તો મૂરઝાયેલા સંબંધોને પણ ફરીથી સજીવન કરી શકાય છે. -કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 12 મે 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *