આખરે માણસે કઇ ઉંમરે રિટાયર થવું જોઇએ? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આખરે માણસે કઇ ઉંમરે

રિટાયર થવું જોઇએ?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

સદીના મહાનાયકનું બિરૂદ જેને મળ્યું છે એવા અમિતાભ બચ્ચન

ગઇ તારીખ 11મી ઓકટોબરે 79 વર્ષના થયા.

મશહૂર ફિલ્મ રાઇટર સલીમ ખાને અમિતાભને સલાહ આપી કે, હવે બધું છોડી દો.

સવાલ એ છે કે, માણસે કઇ ઉંમર સુધી કામ કરવું જોઇએ?

મોટી ઉંમરે પણ કામ કરવાના દરેકના પોતાના કારણો હોય છે.

વૃદ્ધો માત્ર રૂપિયા કમાવવા માટે કામ નથી કરતા.

જીવવા માટે કંઇક અવલંબન જોઇતું હોય છે.

સ્ત્રી અને પુરૂષના રિટાયરમેન્ટમાં પણ બહુ મોટો ફેર હોય છે.

તમે કઇ ઉંમરે રિટાયર થવા ઇચ્છો?

———-

માણસે કઇ ઉંમર સુધી કામ કરવું જોઇએ? તમને કોઇ આવો સવાલ પૂછે તો તમે શું જવાબ આપો? જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી? આર્થિક જરૂર હોય ત્યાં સુધી? કામ કરવાની મજા આવે ત્યાં સુધી? કામ મળે ત્યાં સુધી? સરકારી કે ખાનગી નોકરીમાં અઠાવન કે સાઇઠ વર્ષ થાય એટલે રિટાયર કરી દેવામાં આવે છે. માણસને એમાં કોઇ ચોઇસ મળતી નથી. કોઇકને એકાદ બે વર્ષનું એક્સટેન્શન મળે છે, બાકી ઘરે બેસી જવાનું. રિટાયરની ઉંમરે પણ ઘણા લોકો કામ કરી શકે એમ હોય છે. એમને કામ કરવું પણ હોય છે પણ કોઇ રાખે તોને? જે લોકો સ્કીલ ઓરિએન્ટેડ કામ કરે છે એ લોકો ઇચ્છે ત્યાં સુધી કામ કરી શકે છે. ફિલ્મ, ટેલિવિઝન, લેખન, પેઇન્ટિંગ અને બિઝનેસ સહિત અનેક એવા કામો છે જેમાં ઉંમરનો બાધ નથી નડતો. બસ તમારી ડિમાન્ડ હોવી જોઇએ. રિટાયરમેન્ટ વિશે એવું પણ કહેવામાં આવે છે કે, દરેક માણસ કંઇ માત્ર  કમાવવા માટે મોટી ઉંમરે કામ કરતો હોતો નથી. કામ માણસને એક્ટિવ રાખે છે, જીવતા રાખે છે. આખી જિંદગી જેણે રાત દિવસ જોયા વગર કામ કર્યું હોય એને અચાનક જ સાવ નવરા કરી દેવામાં આવે તો એની હાલત ખરાબ થઇ જાય છે.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ગઇ તારીખ 11મી ઓકટોબરે 79 વર્ષના થયા. દેશને જેમણે સુપરહિટ ફિલ્મો આપી છે એવા જાણીતા લેખક સલીમ ખાને એક ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું કે, હવે અમિતાભે રિટાયર થઇ જવું જોઇએ. તેઓ જિંદગીમાં જે કંઇ મેળવવા ઇચ્છતા હતા એ બધું જ એમણે મેળવી લીધું છે. અમિતાભે હવે પોતાને રેસમાંથી મુક્ત કરી લેવા જોઇએ અને ગ્રેસફૂલ રિટાયરમેન્ટ લઇ લેવું જોઇએ. માણસે જિંદગીના થોડાક વર્ષો પોતાના માટે પણ રાખવા જોઇએ. સલીમ ખાન અમિતાભથી છ વર્ષ મોટા એટલે કે 85 વર્ષના છે. તેમણે ઘણા સમયથી લખવાનું બંધ કરી દીધું છે. સલીમ ખાન અને જાવેદ અખ્તરે સાથે મળીને 21 ફિલ્મો લખી છે. બાર વર્ષ સાથે કામ કરીને 1982માં બંને જુદા પડી ગયા હતા. જાવેદ અખ્તર આજે પણ ગીત ગઝલ લખે છે. અમિતાભની વાત કરીએ તો આટલી ઉંમરે અને આજની તારીખે પણ તેઓ બોલિવૂડના બિઝિએસ્ટ એક્ટર છે. અમિતાભની અપકમિંગ ફિલ્મોનું લિસ્ટ પણ લાંબું છે. નજીકના ભવિષ્યમાં જ તેમની ફિલ્મો ગુડ બાય, ધ ઇન્ટર્ન, ઝૂંડ, જ્વેલ ઓફ ઇન્ડિયા, પ્રોજેક્ટ કે, મે ડે, અને બ્રહ્માસ્ત્ર રિલિઝ થવાની છે. ટેલિવિઝન ચાલુ કરો તો અમિતાભની અસંખ્ય એડ જોવા મળશે.

અમિતાભની હેલ્થ વિશે જાતજાતની વાતો થતી રહે છે. એ અનેકવાર હોસ્પિટલમાં એડમિટ થાય છે અને સાજા થઇને પાછા તરત જ કામે ચડી જાય છે. અમિતાભના ડેડિકેશન અને ડેસિપ્લિનની વાતો માત્ર નવા કલાકારો માટે જ નહીં, દરેક વ્યક્તિ માટે પ્રેરણાદાયક છે. અમિતાભે કેટલું કામ કરવું અને ક્યાં સુધી કરવું એ એમણે નક્કી કરવાનું છે. બનવા જોગ છે કે, કામ જ અમિતાભને જીવતું રાખતું હોય. દુનિયામાં એવા લોકોની કમી નથી જેમના માટે કામ જ જિંદગી જીવવાનું મુખ્ય પરિબળ છે. વર્કોહોલિક નેચરના લોકોને નવરા કરી દો તો એની જિંદગી દોઝખ જેવી બની જાય છે. રાજકારણીઓથી તો છેક સુધી લડી લે છે.

આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 71 વર્ષના છે. એકેય દિવસની રજા લીધા વગર તેઓ કામ કરી રહ્યા છે. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેન 78 વર્ષના છે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુટિન 69 વર્ષના છે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન 69 વર્ષના છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 68 વર્ષના છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના 74 વર્ષના છે. નેપાળના વડાપ્રધાન શેર બહાદૂર દેઉબા 75 વર્ષના છે. આ બધા જ ફૂલ ટુ એક્ટિવ છે. માત્ર રાજકારણ જ નહીં, દરેક ક્ષેત્રમાં મોટી ઉંમરે લોકો નાની ઉંમરનાને શરમાવે એવું કામ કરી રહ્યા છે. ટાટા ગ્રૂપના રતન ટાટા 83 વર્ષના છે. મોદીને મળીને હમણા ચર્ચામાં રહેલા અને રાકેશ ઝૂનઝૂનવાલા 61 વર્ષના છે અને થોડા જ સમયમાં આકાસા એરલાઇન શરૂ કરવાના છે. આવા તો ઢગલાબંધ ઉદાહરણો મળી શકે એમ છે.

સામાન્ય માણસની વાત કરીએ તો એ રિટાયર થાય એટલે પોતાની જાતને જ નક્કામા સમજવા લાગે છે. ઘણા તો બિચારા ઘરમાંથી જ ઇગ્નોર થવા લાગે છે. આખો દિવસ શું કરવું એ ઘણા માટે સવાલ હોય છે. ઘણા લોકો સામાજિક સેવા કે બીજી કોઇ પ્રવૃતિ શોધીને બિઝી રહેવાનો પ્રયાસ કરે છે. આપણે ત્યાં હવે એવું થતું જાય છે કે, અનુભવી અને નિવડેલા મોટી ઉંમરના લોકોને બદલે યંગસ્ટર્સને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. યંગસ્ટર્સને ચાન્સ આપવો એ સારી વાત છે પણ એજેડ એક્સિપિરિયન્સ્ડને આઉટ ડેટેડ ગણી લેવા એ કેટલું વાજબી છે એ ડિબેટેબલ ઇશ્યૂ છે. જેમણે આખી જિંદગી નોંધપાત્ર કામ કર્યું હોય એના માટે નવરું બેસવું અઘરું હોય છે. પોતાની મરજીથી ફ્રી થઇ જાય એ જુદી વાત છે અને ફ્રી કરી દેવામાં આવે એ અલગ જ બાબત છે. એક વયોવૃદ્ધ બિઝનેસમેનની આ વાત છે. તેમણે કહ્યું હતું કે, મારે આ ઉંમરે કમાવવાની કંઇ જરૂર નથી એટલે શું મારે બધું છોડી દેવાનું? હું કામ કરી શકું એમ છું તો શા માટે ન કરું?

પુરૂષના અને મહિલાના રિટાયરમેન્ટમાં ભેદ હોય છે? હા, કદાચ હોય છે. મહિલાઓ રિટાયર થાય એ પછી એ પરિવાર અને બીજી પ્રવૃતિઓમાં પોતાની જાતને આરામથી પરોવી શકે છે. પુરૂષો આસાનીથી સોસાયટીમાં એડજેસ્ટ થઇ શકતા નથી. કોઇ હોદ્દો હોય અને જે દબદબો ભોગવ્યો હોય એ મળતો બંધ થઇ જાય પછી ઘણાને અડવું અડવું લાગે છે, હવે ક્યાં કહું કોઇના કામનો છું? કોઇ હવે મને શા માટે ભાવ આપે? રિટાયરમેન્ટ પછી માણસે પોતાને ગમતું કામ કરવું જોઇએ એવું પણ કહેવાય છે. કોઇ શોખ કે કોઇ ખ્વાહિશ હોય તો વાંધો આવતો નથી. તકલીફ એ થાય છે કે, ઉંમરની સાથે ઘણાના શોખ પણ મરી પરવારે છે. હવે આવું બધું કરીને શું કરવાનું છે? બહુ ઓછા લોકો એવું વિચારે છે કે, હવે મસ્તીથી જીવવાનું છે.

ઉંમર વધે પછી નવી જનરેશન સાથે એડજસ્ટ થવામાં પણ ઘણાને તકલીફ પડે છે. એક વયોવૃદ્ધ માણસે મોટી ઉંમરે કામ કરવા વિશે એવું કહ્યું હતું કે, મારા મોટા ભાગના મિત્રો વિદાય લઇ ચૂક્યા છે. સંતાનો એટલા બિઝી છે કે કોઇની પાસે સમય નથી. ક્યાંય ફીટ થઇ શકતો નથી એટલે કામ કરું છું. મને કામ કરવાની મજા આવે છે. પૂરતા રૂપિયા હોય તો પણ બેઠા રહેવાનો કોઇ મતલબ નથી. કટાઇ જવા કરતા ઘસાઇ જવું સારું છે.

આપણને એવા પણ ઘણા યુવાનો જોવા મળશે જે એવું કહે છે કે, પચાસ પંચાવનની ઉંમર સુધી કમાઇને રિટાયર થઇ જવું છે. જિંદગી જીવવી છે. કોઇ વર્લ્ડ ટૂર કરવાની વાતો કરે છે. અલબત્ત, જિંદગી આપણે ધારીએ અને ઇચ્છીએ એમ ચાલતી નથી. ઘણા લોકો જિંદગીની છેલ્લી ક્ષણ સુધી નિવૃત થઇ શકતા નથી. રિટાયરમેન્ટ એ વ્યક્તિગત પસંદગીનો વિષય છે. એના વિશે દરેકના વિચારો, દરેકના મંતવ્યો અને દરેકના માન્યતા હોય છે, એનો રિસ્પેક્ટ કરવો જોઇએ. હા, એટલું કહી શકાય કે એક્ટિવ રહી શકાય ત્યાં સુધી રહેવું જોઇએ. એના કરતા પણ મોટી વાત એ છે કે, જીવવાની મજા આવવી જોઇએ. જિજીવિષા હોવી જોઇએ, જીવવા માટે કોઇ કારણ હોવું જોઇએ, ન હોય તો શોધી કાઢવું. એજ ઇઝ જસ્ટ એ ફિગર, ઉંમરને મગજ પર પણ સવાર થવા દેવી જોઇએ નહીં. કામ કરીએ કે ન કરીએ, જિંદગીની દરેક ક્ષણ પૂરેપૂરી જીવાવી જોઇએ.  

હા એવું છે!

બધા ગ્રૂપમાં બેઠા હોય અને કોઇ વાતે બધા ખડખડાટ હસે ત્યારે માણસની નજર હંમેશાં પોતાને ગમતી વ્યકિત તરફ જ જાય છે કે, એ કેવું હસે છે? હસે છે કે નહીં? એ રીતે માણસ પોતાની ખુશીમાં ગમતી વ્યક્તિને સામેલ કરે છે.

 (‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 20 ઓકટોબર 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

One thought on “આખરે માણસે કઇ ઉંમરે રિટાયર થવું જોઇએ? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

%d bloggers like this: