જિંદગીથી હવે કોઇ ફરિયાદ નથી,
મેં લાઇફને પૂરેપૂરી જીવી છે!
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
*****
જિંદગીથી માણસને સંતોષ ક્યારે થાય? ક્યારે એવું લાગે કે,
હવે કોઇ ગમ નથી, કોઇ ફરિયાદ નથી, કોઇ અફસોસ નથી,
કોઇ નારાજગી નથી? આવી માનસિકતા શક્ય છે ખરી?
*****
બેલ્જિયમની 90 વર્ષની કોરોના પેશન્ટ સુઝાને મરતા પહેલા
કહ્યું કે, વેન્ટિલેટર કોઇ યંગ માટે રાખો,
મેં તો જિંદગી મસ્તીથી જીવી લીધી છે!
-0-0-0-0-0-0-
જિંદગી જીવવા માટે છે. જિંદગીને ભરપૂર જીવવી જોઇએ. આમ તો આ વાત આખી દુનિયાનો દરેક માણસ સારી રીતે જાણે છે. બધાને પોતાની જિંદગી મસ્તીથી જીવવી પણ છે. સવાલ એ છે કે, કેટલા લોકો જિંદગીને ખરેખર પૂરેપૂરી જીવે છે? આપણે ફરિયાદો અને અફસોસ કરવામાં કેટલો બધો સમય વેડફીએ છીએ? મજા કરવાની ઘડી હોય ત્યારે પણ આપણે ક્યાં મજા કરી શકીએ છીએ? કોઇને કોઇ વાત, કોઇને કોઇ ઘટના, કોઇને કોઇ વૃતિ આપણા ઉપર એટલી બધી હાવી હોય છે કે, આપણે જ્યારે જે જીવવાનું હોય એ જીવી જ શકતા નથી. કોઇ તમને પૂછે કે, તમે અત્યાર સુધીમાં જે જિંદગી જીવ્યા છો એનાથી તમને સંતોષ છે? તો તમે શું જવાબ આપો? જિંદગીમાં કંઇક બનવાની, કંઇક સાબિત કરવાની કે લાંબું જીવવાની અપેક્ષા હોય એ સ્વાભાવિક છે પણ આવતી કાલના સપનાને સાકાર કરવા આપણે આજે કેટલું જીવીએ છીએ એવો સવાલ ક્યારેય થાય છે? માણસ એવી અવસ્થાએ ક્યારે પહોંચી શકે કે, મેં મારી લાઇફ મોજથી જીવી છે, ક્યારેય પણ કંઇ થાય તો કોઇ અફસોસ નથી. નો રિગ્રેટ્સ!
દુનિયામાં અમુક ઘટનાઓ એવી બનતી હોય છે જે આપણને વિચારતા કરી મૂકે કે, ખરેખર આવું શક્ય છે? હમણાં બેલ્જિયમમાં એવી જ એક ઘટના બની જેણે જિંદગીના વ્યાખ્યાઓ કરનારાઓને પણ વિચારતા કરી મૂક્યા. નેવું વર્ષના લેડી સુઝાન હોયલેર્ટસને તાવ આવ્યો. ગળામાં ઇરિટેશન થતું હતું અને ઉધરસ પણ આવતી હતી. કોરોનાની શંકાએ ટેસ્ટ કર્યો તો ખબર પડી કે, તેઓ કોરોના પોઝિટિવ છે. દવાખાનામાં સારવાર ચાલુ થઇ. શ્વાસની ગતિ ધીમે ધીમે મંદ પડતી જતી હતી. ઓક્સિજન આપવામાં આવ્યો તો પણ શ્વાસની ગતિ વધી નહીં. ડોકટરોએ કહ્યું કે, તમને વેન્ટિલેટર પર લેવા પડશે. આ વાત સાંભળીને સુઝાને ખૂબ જ હળવાશ સાથે કહ્યું કે, વેન્ટિલેટર કોઇ યંગ માટે રહેવા દો, આઇ હેડ વેરી ગુડ લાઇફ! સુઝાનની વાત સાભળીને ડોકટરો પણ દંગ રહી ગયા હતા. આ ઘટના પછી થોડા જ દિવસોમાં સુઝાનનું મૃત્યુ થયું. આ દરમિયાનમાં સુઝાને ક્યારેય કોઇ ફરિયાદ ન કરી, કોઇ અફસોસ વ્યક્ત ન કર્યો! એમના ચહેરા ઉપર એક ગજબનો સંતોષ હતો, શાંતિ હતી. આરામથી તેમણે પોતાનો દેહ છોડ્યો. સુઝાનને ખબર હતી કે, વેન્ટિલેટર વગર તેની જિંદગી આગળ ધપવાની નથી, છતાં પણ એમણે એવું કહ્યું કે, કોઇ યુવાન માટે રાખો, જેણે હજુ જિંદગી જીવવાની છે. ડોકટરોએ જ્યારે સુઝાનની વાત તેની દીકરી જુડીને કરી ત્યારે જુડીએ કહ્યું કે, મારી મા હતી જ કંઇક જુદી! ઉદાર, દયાળુ અને ઝિંદાદિલ!
આપણે ત્યાં અમુક લોકોને એવી વાત કરતા સાંભળીએ છીએ કે, હવે તો કાલે મોત આવી જાયને તોય કોઇ વાતની ચિંતા નથી. મારી આખી વાડી લીલી છે. ચિંતા ન હોવી એક વાત છે અને જિંદગીનો સંતોષ હોવો એ થોડીક જુદી વાત છે. આપણે જવાબદારીઓ નિભાવવાને જિંદગી કહીએ છીએ. આ વાત પણ સારી છે પણ ઘણા આખી જિંદગી કૂચે મર્યા પછી એવું કહે છે કે, હવે મોત આવે તો પણ વાંધો નથી. એવું કહેનારા બહુ ઓછા હોય છે કે, આખી જિંદગી જલસાથી જીવી છે. જલસાનો મતલબ પણ સમજવા જેવો છે. જલસા એટલે મનફાવે એમ નહીં, જલસા એટલે બીજા બધા પ્રત્યે બેદરકાર રહેવું નહીં, જલસા એટલે બધી જવાબદારીમાંથી ભાગવું એવું નહીં, જલસા એટલે જિંદગીને સારી રીતે જીવવી, જિંદગીને મહેસૂસ કરવી! દરેક વખતે હસતા રહેવું એવું પણ નથી, ક્યારેક ભીની આંખો પણ જિંદગીની સંપૂર્ણતા બયાન કરતી હોય છે.
સુઝાનની વાત વાંચીને એવું પણ થાય કે, એ તો નેવું વર્ષના હતા. આપણે તો એવડા થશું કે કેમ એ પણ સવાલ છે? બનવા જોગ છે કે, એની પાસે આરામથી જીવી શકાય એટલું હશે, અહીં આપણે તો કેટલા બધા પડકારોનો સામનો કરવાનો છે. આપણે તો આવી વાતોમાં પણ એસ્ક્યુઝ જ શોધતા હોઇએ છીએ. ઉંમર કેવડી છે અને કેટલા વર્ષ જીવવાનું છે એના કરતાં પણ મહત્વનું છે કે, તમે આજે જે જિંદગી જીવો છો એનાથી તમને સંતોષ છે? જો આજે સંતોષ નહીં હોય તો જિંદગીના છેલ્લા સમયે થોડો હોવાનો? બીજી વાત એ પણ છે કે, ક્યાં સુધી જિંદગી છે એ પણ ક્યાં કોઇને ખબર છે? એક વાત તો એવી પણ કરવામાં આવે છે કે, દરરોજ જિંદગીનો છેલ્લો દિવસ હોય એ રીતે જીવો! આવું વિચારવાની પણ કોઇ જરૂર ખરી? છેલ્લો દિવસ શા માટે વિચારવાનો? સાચી વાત તો એ છે કે, બીજા કોઇ વિચાર કર્યા વગર જિંદગીને ભરપૂર જીવો. મોટા ભાગે તો માણસો મોટા થતાં જાય એમ ફરિયાદો વધતી જ જાય છે કે, મેં તો આખી જિંદગી ઢસરડાં જ કર્યા, હું બધા માટે ઘસાયો જ છું. મેં બધા માટે કર્યું પણ હવે બધા મારાથી મોઢું ફેરવે છે. કોઇને મારી પડી નથી. જિંદગી રોજ જીવાય તો જ માણસની માનસિકતા અધ્યાત્મની કક્ષાએ પહોંચી શકે છે. કોઇ ભાર વગરની જિંદગી તમે જીવી શકો છો? જો જવાબ હા હોય તો તમે સંત, મહાત્મા અને મહાન માણસ જ છો! જિંદગીને આવકારો, હસો, હળવા રહો, ખરાબ બન્યું છે એ ભૂલો, ખોટું કર્યું હોય એને માફ કરો, ભૂલ થઇ હોય તો માફી માંગી લો. નક્કી કરો કે મારે મારી જિંદગી વેંઢારવી નથી પણ જીવવી છે. જિંદગી તો હાથ ફેલાવીને ઊભી જ છે, થોડાક એની નજીક જાવ, એ તો તમને ભેટવાની રાહ જ જુએ છે!
————–
પેશ-એ-ખિદમત
ઉન કા યા અપના તમાશા દેખો,
જો દિખાતા હૈ જમાના દેખો,
યા કિસી પર્દે મેં ગુમ હો જાઓ,
યા ઉઠા કર કોઇ પર્દા દેખો.
-બાકી સિદ્દિકી
—————-
( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 30 ઓગસ્ટ 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com