માણસના ચહેરા અને વર્તનનું
ડિજિટલ વર્ઝન એક્ટિવ છે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
હૌંસલે જિંદગી કે દેખતે હૈં,
ચલિએ કુછ રોજ જી કે દેખતે હૈં,
નીંદ પિછલી સદી કી જખ્મી હૈ,
ખ્વાબ અગલી સદી કે દેખતે હૈં.
-રાહત ઇન્દોરી
માણસના ચહેરાઓ બદલાઈ રહ્યા છે. ચહેરા પર રોજ નવું વર્ઝન અપડેટ થાય છે. પોપ્યુલારિટી હવે કેટલી લાઇક મળે છે એના ઉપરથી મપાય છે. સંવાદો હવે કમેન્ટ્સમાં થાય છે. હાસ્ય ઇમોજીથી છતું થવા લાગ્યું છે. રમૂજ હવે ટિકટોકથી વ્યક્ત થાય છે. આંસુ જ્યારે ડિજિટલ થઈ જાય ત્યારે સાંત્વના ટચ સ્ક્રીનથી આવે છે. જીફ ફાઇલમાં તાળીઓ પાડતા માણસનું દૃશ્ય ઊભરે છે, પણ એ તાળીઓનો અવાજ નથી આવતો. ગાળો પણ બીપ બીપથી અપાય છે! હોઈએ એના કરતાં સારા દેખાઈએ એવી એપ્લિકેશન્સે માણસના ચહેરાને કૃત્રિમ બનાવી દીધા છે. લાગણી હવે કોણ કોનું સ્ટેટસ અપલોડ કરે છે તેના પરથી નક્કી થાય છે. આપણે કેટલું બધું કામ માત્ર સારું લગાડવા માટે કરવા લાગ્યા છીએ? સંબંધો હવે ઓનલાઇન એનકેશ થાય છે.
સોશિયલ મીડિયાએ તમામ લોકોને સેલિબ્રિટી સ્ટેટસમાં રાચતા કરી દીધા છે. બધાને પોતે શું કરે છે એ બતાવવું છે. શું ખાધું, ક્યાં ગયા, કોણ સાથે હતું, એ બધું જ કહેવું છે. જિંદગી જ જાણે પ્રદર્શન બની ગઈ છે. એક છોકરીની આ વાત છે. તે એક છોકરાને પ્રેમ કરે છે? દરરોજ બંને મળે. બંનેના પરિવારો પણ આ પ્રેમ અને ભવિષ્યના સંબંધોમાં સહમત હતા. છોકરી દરરોજ પોતાના લવર સાથેના ફોટા અપલોડ કરે. એક વખત પ્રેમીએ તેને કહ્યું કે, તને નથી લાગતું કે તું વધુ પડતું કરે છે. પ્રેમિકાએ કહ્યું, હું વધુ કે ઓછું એવું કંઈ વિચારતી નથી. મારે તો આખી દુનિયાને બતાવવું છે કે, હું તને કેટલો પ્રેમ કરું છું! પ્રેમીએ કહ્યું, તું મને તો એનો અહેસાસ કરાવ કે તું મને કેટલો પ્રેમ કરે છે! એકબીજા પ્રત્યે જે વ્યક્ત થવું જોઈએ એ આપણે આખી દુનિયા સમક્ષ કરવા લાગ્યા છીએ! સ્ટેટસ હવે પ્રેમનો ડિજિટલ પુરાવો બની ગયા છે!
નફરત, ગુસ્સો, નારાજગી વ્યક્ત કરવાની રીતો પણ બદલાતી જાય છે. એક છોકરા અને છોકરી વચ્ચે પ્રેમ હતો. બંનેને ન ફાવ્યું. બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. છોકરાથી સહન થતું ન હતું. એ જુદી જુદી છોકરીઓ સાથે ફરવા લાગ્યો. ફોટા પાડે અને સોશિયલ મીડિયા પર અપલોડ કરે. તેની દાનત એટલી જ હતી કે જૂની પ્રેમિકા એ જુએ અને બળે. તેના મિત્રએ એક વાર કહ્યું, તું આ શું કરે છે? પેલાએ કહ્યું કે એનેય ખબર પડે કે તું નથી તો હું દેવદાસ નથી થઈ ગયો. હુંય મજા કરું છું. તું નથી તો કંઈ ફેર પડતો નથી. મિત્રએ કહ્યું. તું ખોટું બોલે છે. તને ફેર પડે છે. ફેર પડતો ન હોત તો તું આવા ધંધા કરતો ન હોત. તું જો એને ભૂલી શકતો ન હોય તો એને જઈને રૂબરૂમાં કહી દે કે તારા વગર મજામાં નથી રહેવાતું. મજામાં હોવાનાં નાટક ન કર. જો તું એને ભૂલી શકતો હોય તો તો સાવ આવું ન કર. આવી રીતે તો તું એને ભૂલી જ નથી શકવાનો. તને ખબર છે, માણસ દોસ્તને કદાચ ભૂલી જાય, પણ દુશ્મનને ભૂલતો નથી. મગજમાંથી જ્યાં સુધી ન ખસે ત્યાં સુધી ભૂલી કેવી રીતે શકાય? ડિજિટલ સંબંધોએ તો ભૂલવાનું પણ અઘરું કરી દીધું છે. રોજ એ સ્ક્રીન પર હાજર હોય છે. દૂર થઈ ગયા પછી પણ પ્રોફાઇલ પિક્ચર જોતા રહીએ છીએ. ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થયેલા ફોટોઝ ફરી ફરીને બધું તાજું કરી દે છે. સ્મરણો હવે સોશિયલ મીડિયાની વોલ પર ચીપકેલાં રહે છે. સ્ક્રોલ કરતી વખતે ક્યારેક તો એવું લાગે છે કે આપણી જ આંગળીથી આપણે આપણા દિલ પર ઉઝરડા પાડી રહ્યા છીએ. ટચ સ્ક્રીન ઉપર પણ ટેરવાં ક્યારેક તીક્ષ્ણ બની જતાં હોય છે. સ્ક્રીન બોલી શકતો નથી, બાકી એ એવું જ કહેત કે તારું ચાલત તો કદાચ તું તારી આ તીક્ષ્ણતા મારી આરપાર કરી દેત. આ જ ટેરવું એક દિવસ તો સાવ કોમળ હતું! એમાં કાંટા ક્યાંથી ઊગી આવ્યા? આ કાંટા તો પાછા તને જ વાગી રહ્યા છે! તારો ચહેરો તેં જોયો છે? તારાં ભવાં તંગ છે. હું તો એક મશીન છું. મારી સામે આ બધું કરવાનો મતલબ શું? તને ખબર છે, તું જે કરે છે એ મારી સામે નથી કરતો, તું તો તારી જ સામે કરે છે. અસર તો તને જ થાય છે! તું તારી જાતને કાબૂમાં રાખ.
વફાદારીને પણ હવે બધાએ વાઇરલ કરવી છે. સંવેદના સાઇબર થાય ત્યારે સાંનિધ્યનું ડિજિટલાઇઝેશન થઈ જાય છે! વ્યાખ્યાઓ જ્યારે વર્ચ્યુલ થઈ જાય ત્યારે વ્યક્તિત્વ વામણું બની જતું હોય છે. એક યુવાન ફિલોસોફર સાથે બેઠો હતો. ફિલોસોફર પણ હાઇટેક હતો. એ યુવાન મોબાઇલ ફોન હાથમાં લઈને બેઠો હતો. ફિલોસોફરે પૂછ્યું, શું કરે છે? યુવાને કહ્યું કે, અમુક એપ્લિકેશનનું અપડેશન આવ્યું છે, અપડેટ કરું છું! ફિલોસોફરે કહ્યું, તારી જિંદગીને કેટલી વાર અપડેટ કરે છે? તને ખબર છે, સમયની સાથે જિંદગીને પણ અપડેટ કરવી પડે છે. એમાં ઓટોઅપડેશન નથી હોતું. કરવું પડે છે. તું કરે છે? કે પછી જૂનું વર્ઝન જ ચલાવ્યે રાખે છે? સમજદારીનું અપડેશન, સંવેદનાનું અપડેશન, સ્પર્શનું અપડેશન અને સંવાદનું અપડેશન કરે છે ખરો? જિંદગીમાં ઘણું અપલોડ પણ કરવું પડે છે અને ઘણું ડિલીટ પર મારવું પડે છે. આપણા પણ વેવ્ઝ હોય છે. એ કેવા અને કેટલા વહે છે? આપણી પણ એક ઔરા હોય છે. એ ઝાંખી પડે છે કે વધુ ખીલે છે? અમુક નેગેટિવિટીને બ્લોક કરવી પડે છે. અમુક વેદનાને હાઇડ કરવાની હોય છે. અમુક ઘટનાઓને સ્ક્રીન સેવરની જેમ ઉપર જ રાખવાની હોય છે.
હવે દરવાજે ટકોરા ઓછા પડે છે અને મોબાઇલ પર બીપર વધુ વાગે છે. કોઈ રૂબરૂ આવતું નથી અને મોબાઇલમાં આખું ટોળું હોય છે. સંવાદ હવે બોલીને નથી થતો, પણ ટાઇપ થાય છે. વોટ્સએપ પર ટાઇપિંગ વાંચીને રાહ જોવાય છે કે, શું લખાતું હશે? લખીને ઘણી વખત ક્રશરને રિવર્સમાં ધક્કો મારી દેવાય છે અને લખ્યું હોય એના પર પૈડું ફેરવી દેવાય છે! ટાઇપિંગ વંચાતું હોય પછી મેસેજ ન આવે ત્યારે વિચાર આવી જાય છે કે, એણે શું લખીને ચેકી નાખ્યું હશે? મેસેજ લખી નાખ્યા પછી પણ વિચારે ચડી જવાય છે કે, મોકલું કે ન મોકલું? યાદ આવતી હોય ત્યારે તને મિસ કરું છું, તું યાદ આવે છે, તારી સાથે વાત કરવાનું મન થાય છે એવું લખીને આપણે આપણા હાથે જ એને ભૂંસી નાખીએ છીએ! કોણ કેવો મતલબ કાઢશે એ વિચારે હાથ અટકી જાય છે.
અબોલાનું સ્વરૂપ પણ હવે આધુનિક અને હાઇટેક થઈ ગયું છે. હવે બ્લોક કે હાઇડ કરી દેવાય છે. આપણે સ્ટેટસ કે અપલોડ જોવા જઈએ ત્યારે ખબર પડે છે કે એણે તો મને બ્લોક કરી દીધો છે! છૂટા પડવાનો ગ્રેસ પણ આપણે ગુમાવી દીધો છે. એક છોકરા અને છોકરીનો આ કિસ્સો છે. છોકરીએ એક દિવસ અચાનક જ છોકરાને મેસેજ કર્યો કે, હું બ્રેકઅપ કરું છું. આટલું લખીને છોકરાનો નંબર ડિલીટ કરી નાખ્યો. સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધો. છોકરાને થયું કે, સાવ આવું? સંબંધ હવે થોડાક શબ્દો સાથે પૂરા થઈ જાય છે. તું જા એનો વાંધો નથી, પણ તારી નારાજગી તો વ્યક્ત કરતી જા. કંઈક કારણ તો આપ. હું ક્યાં રોકું છું? કોઈ જબરજસ્તી નથી. એવી રીતે મળીને તો જા કે પછી હળવાશ રહે. સાવ અચાનક અને અણધાર્યું!
આપણી શંકાઓ પણ ડિજિટલ થઈ ગઈ છે. કોણ કોની પોસ્ટ લાઇક કરે છે, કોણ શું કમેન્ટ કરે છે, એની પાછળનો અર્થ શું હોઈ શકે એ પણ આપણે વિચારવા લાગ્યા છીએ. એક છોકરો અને છોકરી બહુ જ સારા દોસ્ત હતા. બધી જ વાત એકબીજા સાથે શેર કરે. એક દિવસ છોકરીએ તેના ફ્રેન્ડને કહ્યું કે, પ્લીઝ તું મારી પોસ્ટ લાઇક ન કર. કંઈ કમેન્ટ પણ ન કર. મારે મારા લવર સાથે ઝઘડા થાય છે! તેને તારી સાથેની દોસ્તી પ્રત્યે શંકા છે. એ મને કહે છે કે, એ શું કામ તારી પોસ્ટ લાઇક કરે છે? એ કમેન્ટ કરે છે એ મને ગમતું નથી! હવે આપણે માત્ર લાઇક કે કમેન્ટ નથી કરતા, બીજા ઉપર પણ નજર રાખીએ છીએ! એ કોની સાથે સંપર્કમાં છે, શું ચેટ થાય છે! એક પ્રેમીએ તો એની પ્રેમિકાને ત્યાં સુધી કહી દીધું કે, તારે એ છોકરાની પોસ્ટને લાઇક કરવાની નથી! તમને ક્યારેય કોઈની પોસ્ટ લાઇક કરતી વખતે એવો વિચાર આવે છે કે, લાઇક કરું કે ન કરું? લાઇક કર્યા પછી પણ પાછા એના પર જ ક્લિક કરીને તમે તમારી લાઇક પાછી ખેંચી લીધી છે? આવું કરતી વખતે ક્યારેય એવો વિચાર આવ્યો છે કે, હું તો લાઇક કરું છું, પણ હું લાઇક કરું એ બીજાથી ‘લાઇક’ થતું નથી!
સોશિયલ મીડિયાની જિંદગી ખૂબ જ વિચિત્ર બની ગઈ છે. એક છોકરાએ કહેલી આ વાત છે. તેણે કહ્યું, મેં તો સંન્યાસ લઈ લીધો છે! તેના મિત્રએ પૂછ્યું, એટલે? હું સોશિયલ મીડિયા પરથી વિડ્રો થઈ ગયો છું. મારે હવે છુટકારો જોઈએ છે આ બધાથી! આવો સંન્યાસ ટકાવવો પણ અઘરો બની ગયો છે. મન લલચાતું રહે છે. કોણ શું કરે છે એ જાણવાની ચટપટી જાગે છે. આપણી લાઇફ મોબાઇલ ડ્રિવન થઈ ગઈ છે. આપણાં સુખ, દુ:ખ, ખુશી, ઉદાસી, નારાજગી, નફરત બધું જ હવે બદલાઈ ગયું છે. મોબાઇલ આપણા હાથમાં નથી હોતો, પણ આપણે મોબાઇલના કબજામાં હોઈએ છીએ! આપણે જેને અંકુશમાં નથી રાખી શકતા એ આપણને અંકુશમાં લઈ લેતા હોય છે!
છેલ્લો સીન :
જે ખોટું નથી એ સાચું જ હોય એવું જરૂરી નથી. એમાં શું? એવું વિચારીને આપણે ઘણું કરી નાખીએ પછી છેતરાયાની લાગણી થતી હોય છે. -કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 22 મે 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
કેટલું મસ્ત sir … તમે જે લખો એ વાચ્યા જ રાખવાનું મન થાય…સીધું ગળા નીચે ઉતરી જાઈ… કેટલું બધું સમજવા જેવું હોય તમારા બ્લોગ્સ માં …. Thank you sir 🙂
Thank you.