બધાને આપણે ગમીએ જ એવું જરૂરી નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બધાને આપણે ગમીએ
જ એવું જરૂરી નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


વાત મારી માન ક્ષણને સાચવી લે,
સ્નેહભીના આ સ્મરણને સાચવી લે,
છોડ ચિંતાઓ બીજાના મૃત્યુની,
તું પ્રથમ તારા મરણને સાચવી લે.
-જિતુ પુરોહિત


આપણે ગમે એટલું કરીએ તો પણ કોઇને તો ખોટું લાગી જ જાય છે! સો વખત કોઇએ કહ્યું હોય એ કર્યું હોય પણ એક વખત ન કરીએ એટલે આપણે અળખામણા થઇ જઇએ છીએ! આપણી જિંદગીમાં ઘણા લોકો તો એવા હોય છે જેના માટે આપણે ગમે તેટલું કરીએ તો પણ એ આપણા માટે એક સારો શબ્દ પણ ન બોલે! આપણી આસપાસ જેટલા લોકો હોય છે એ બધાની આપણી પાસે કોઇ ને કોઇ અપેક્ષા હોય છે. આપણે આપણાથી થાય એટલી અપેક્ષાઓ પૂરી પણ કરતા હોઇએ છીએ. જોકે, દરેક અપેક્ષાઓ પૂરી ન પણ થાય. આપણે પણ આખરે માણસ છીએ. આપણી પણ એક લિમિટ હોય છે. એક છોકરીની આ સાવ સાચી વાત છે. એના ફેમિલીમાં એક વ્યક્તિ બીમાર હતી. એનું ધ્યાન રાખવામાં એ કોઇ કસર ન છોડતી. ઘરના બીજા સભ્યો પણ કંઇ કામ હોય તો એને જ સોંપી દેતા. એક વખત એને ઇઝી નહોતું લાગતું. એ ડૉક્ટર પાસે ગઇ. ડૉક્ટરે અમુક રિપોર્ટ્સ કરાવવાનું કહ્યું. બધા રિપોર્ટ કરાવ્યા. ડૉક્ટરને બતાવી પણ દીધા. ઘરે આવી. કલાકો વીતી ગયા. એ છોકરીને રડવું આવી ગયું. તેને થયું કે, કોઇ મને પૂછતું પણ નથી કે, તારા રિપોર્ટ શું આવ્યા? તું ઓકે તો છેને? તને કોઇ પ્રોબ્લેમ તો નથીને? એના બધા રિપોર્ટ નોર્મલ જ હતા, છતાં તેને એટલી અપેક્ષા તો હતી જ કે કોઇ મને પૂછે કે, બધું બરાબર છેને? આપણે બધાનું ધ્યાન રાખતા હોઇએ ત્યારે આપણને પણ ક્યારેક તો એમ થાય જ કે, કોઈ મારું પણ ધ્યાન રાખે. કોઇને પરવા ન હોય ત્યારે દુ:ખ થાય છે. આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાવા લાગીએ એની પણ પીડા હોય છે. આપણને આપણા માટે જ સવાલ થાય છે કે, આ તો મારા સારાપણાનો ગેરફાયદો ઉઠાવવામાં આવે છે!
માણસે એક વાત યાદ રાખવી જોઇએ કે, આપણે ગમે તે કરીએ તો પણ બધાને ક્યારેય રાજી રાખી શકવાના નથી. બધાને રાજી રાખવાના પ્રયાસો પણ કરવા ન જોઇએ. એનું કારણ એ છે કે, એવા પ્રયાસો કરવામાં નિષ્ફળતા જ મળવાની છે. કોઇને તો વાંકું પડવાનું જ છે. આપણને એક કરતાં વધુ લોકો પસંદ કરતા હોય, આપણાં વખાણ કરતા હોય એ પણ ઘણાથી સહન થતું નથી. આપણે સારા હોઇએ એની સામે પણ ઘણાને વાંધો હોય છે. એને એવું થાય છે કે, એ સારો કે સારી છે એટલે બધું માઇલેજ લઇ જાય છે અને આપણો કોઇ ભાવ જ પૂછતું નથી! એ લોકો ભૂલી જતા હોય છે કે, ભાવ એનો જ પુછાતો હોય છે જેનું કંઇક મૂલ્ય હોય છે. જેને પોતાની જ કિંમત નથી હોતી, જેને પોતાને જ કંઇ કરવું હોતું નથી, જેને પોતાના સિવાય બીજા કોઇનો વિચાર જ આવતો નથી એનો ભાવ પણ કોઇ પૂછતું નથી! એક યુવાન હતો. તેના ઘરમાં કોઇ તેને કંઇ કામ ન સોંપે. બીજા ભાઇને જ બધી જવાબદારી સોંપવામાં આવે. એક વખત તેણે પિતાને પૂછ્યું, મને કેમ બધાં કામોથી દૂર રાખવામાં આવે છે? પિતાએ કહ્યું કે, એવું બિલકુલ નથી કે તું ઓછો વહાલો છે પણ તું વધુ પડતો બેદરકાર છે. તને કોઇ કામ સોંપીએ તો તું સિરિયસલી લેતો જ નથી. તારો મૂડ હોય ત્યારે એ કામ થાય છે. ક્યારેક તો તને જે કામ સોંપ્યું હોય એ પણ તું ભૂલી જાય છે. તારા ભાઇને કોઇ કામ સોંપે કે તરત જ એ થઇ જાય છે. આપણને અપેક્ષા હોય એના કરતાં વધુ સારી રીતે એ કામ કરે છે. આપણને કોઇ બોલાવે, આપણને કોઇ આદર આપે, આપણને કોઇ સ્વીકારે, આપણને કોઇ લાયક ગણે અને આપણું કોઇ માને એ માટે આપણે ઘણું બધું કરવું પડતું હોય છે. લાયકાત કેળવવી પડતી હોય છે. માણસનો પ્રયાસ લાયક બનવાનો જ હોવો જોઇએ. તમે જેટલા લાયક બનશો એટલું તમને મળશે. આપણી લાયકાત તો આપણે જ નક્કી કરવી પડે. કોઇને ક્યારેક કંઇ પ્રાપ્ત થાય ત્યારે આપણે જ એવું કહેતા હોઇએ છીએ કે, એ એના માટે લાયક છે. એ ડિઝર્વ કરે છે. માણસ જે ડિઝર્વ કરે એટલું જ એને મળે છે. ઘણાને ઠપકો મળે ત્યારે પણ આપણે એવું કહેતા હોઇએ છીએ કે, એ તો એને જ લાયક છે, કોઇની વાત ન સાંભળે અને ન સમજે તો બીજું થાય શું? આપણે ક્યારેય વિચારીએ છીએ કે, હું ખરેખર શું ડિઝર્વ કરું છું? આપણે ઘણી વખત કરવું કંઇ નથી હોતું અને ડિઝર્વ બધું કરીએ છીએ. ખુદને પણ પૂછવું જોઇએ કે, ખરેખર હું એ ડિઝર્વ કરું છું ખરો? ડિઝર્વ કરતા નહીં હો અને મળી જશે તો પણ એ ટકશે નહીં, કારણ કે જે મળે એને પણ સાચવવું પડતું હોય છે અને સાર્થક કરવું પડતું હોય છે!
આપણને બધા નથી ગમતા એમ આપણે પણ બધાને ગમીએ એવું જરૂરી નથી. તમે માર્ક કરજો, આપણી આસપાસ કેટલાંક એવા લોકો પણ હોય છે જેણે આપણું ક્યારેય કંઇ ખરાબ ન કર્યું હોય, આપણા વિશે કંઇ ઘસાતું બોલતા ન હોય તો પણ આપણને ગમતા નથી હોતા. એવા લોકો માટે આપણે જ એવું બોલતા હોઇએ છીએ કે, એની સાથે કોઇ પ્રોબ્લેમ નથી પણ ખબર નહીં કેમ મને એ વ્યક્તિ ગમતી નથી. અમુક લોકોના વાઇબ્સ એવા હોય છે જે આપણને એનાથી દૂર રહેવા મજબૂર કરે છે. આપણે આપણા વાઇબ્સ વિશે ક્યારેય વિચાર કરીએ છીએ? બધાને નથી જ ગમવાના, પોતાના લોકોને ગમીએ તો બસ છે. કોઇને ગમવા માટે શું કરવું જોઇએ? બીજું કંઇ કરવા જેવું નથી. આપણે હોઇએ એવા રહીએ તો ઘણું છે. હા, એટલું ચોક્કસ છે કે આપણે કેવા છીએ એ ચેક કરતા રહેવું જોઇએ! ઘણા લોકોના કોઇ દોસ્ત હોતા નથી. જો એકેય દોસ્ત ન હોય તો મોટા ભાગે એમાં વાંક બીજાનો નહીં પણ આપણો જ હોય છે. એક યુવાન હતો. તેના સંબંધો બહુ લાંબા ટકતા નહોતા. થોડોક સમય કોઇ સાથે સારી એવી દોસ્તી રહે પણ પછી કંઇક ને કંઇક વાંધા પડે. એ કહેતો કે, મારાં નસીબમાં સારા દોસ્તો જ નથી. એક વખત એ યુવાન એક સંતને મળ્યો. તેણે સંતને સવાલ કર્યો કે, મારા સંબંધો કેમ ટકતા નથી? સંતે કહ્યું કે, સંબંધ બંધાય એનાં ઘણી વખત કારણો નથી હોતાં પણ સંબંધ તૂટે એનાં કારણો ચોક્કસ હોય છે. આપણે માત્ર એટલું ચેક કરી લેવાનું કે, સંબંધ તૂટ્યો એના માટે હું તો જવાબદાર નથીને? જો આપણને એવું લાગે કે, જે થયું છે એ મારા કારણે થયું છે તો આપણે આપણામાં સુધારો કરવો જોઇએ. જિંદગીમાં કેટલાંક સંબંધો જરૂરી પણ નથી હોતા. જે સંબંધો સ્નેહને બદલે સંતાપ આપે એને પૂરા કરવામાં બહુ વિચાર કરવો ન જોઇએ. સંબંધોનું પણ સમયે સમયે મૂલ્યાંકન કરતા રહેવું પડે છે. જેને મળવાનું મન ન થાય, જેની કોઇ વાત દિલને ન સ્પર્શે એની સાથેનો સંબંધ લાંબો ખેંચવાનો કોઇ મતલબ હોતો નથી. સંબંધ તોડવાની જરૂર હોતી નથી, બસ, એક કિનારો કરી લેવાનો હોય છે. મળે ત્યારે મોજથી મળી લેવાનું! કોઇ નારાજગી નહીં, કોઇ કડવાશ નહીં! એનું કારણ એ છે કે, કોઇના માટે આપણે કડવાશ ઘોળીએ ત્યારે આપણી અંદર પણ થોડીક કડવાશ ફેલાતી હોય છે. સંબંધોથી તો સુવાસ જ ફેલાવી જોઇએ. જે સંબંધમાંથી ખુશ્બૂ નથી આવતી એ સંબંધ કોહવાઇ ગયેલા હોય છે! એવા સંબંધ વેદના, વ્યથા અને પીડા જ આપે છે!
છેલ્લો સીન :
એ વ્યક્તિની જ ફિકર કરો જેને તમારી ચિંતા છે. બધાનું વિચારવા જશો તો તમને તમારા માટે પણ ટાઇમ નહીં મળે! -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 22 જાન્યુઆરી ૨૦૨૩, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *