અવાજ ઊંચો કરવાથી વાત
સાચી સાબિત નહીં થઈ જાય!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કેવો હતો વિલાસ, મને કંઈ ખબર નથી,
હું તો હતો ઉદાસ, મને કંઈ ખબર નથી,
બેચેન એટલો હતો કે ભાન ન હતું,
શેની હતી એ પ્યાસ, મને કંઈ ખબર નથી.
રતિલાલ `અનિલ’
માણસનું માપ એ કેવું અને કેટલું બોલે છે એના પરથી નીકળતું હોય છે. મૂંગા માણસને માપવો અઘરો છે. માણસ જેવું બોલવાનું શરૂ કરે કે તરત જ એના ઊંડાણનો અથવા તો છીછરાપણાનો તાગ મળી જાય છે. માણસ જે શબ્દો વાપરે છે એના પરથી એની સમજણ, એનું સૌજન્ય અને એની દાનત છતાં થઇ જાય છે. સહજ અને સરળ માણસના શબ્દો પણ સાત્ત્વિક હશે. કાટ, બદમાશ અને લુચ્ચા માણસના શબ્દો વર્તાઈ જતા હોય છે. આપણે ઘણાની વાત સાંભળીને એવું કહેતા હોઇએ છીએ કે, તને કંઇક વિચિત્ર ન લાગ્યું? એની વાતો ભેદી ન લાગી? અમુક લોકો ટોણા મારવામાં, આડુંતેડું બોલવામાં માહેર હોય છે. કેટલાકની જીભ જ કરવત જેવી હોય છે. એ બોલે તો ઉઝરડા જ પડે. શબ્દોની ધાર કાઢીને મારવાવાળા ક્રૂર લોકોની કમી નથી. આપણે આપણી આસપાસ જ એવા ઘણા લોકો જોતા હોઇએ છીએ જેને વાત કરતા જ નથી આવડતું. તેની વાતોમાં તમીઝ જેવું કંઈ હોતું જ નથી. આપણને એમ થાય કે, આ તે પોતાની જાતને શું સમજે છે? કેટલાંકની વાતો એવી હોય છે કે, સાંભળતા જ રહેવાનું મન થાય. એ ખીજાશે તો પણ તેના શબ્દોમાં કટુતા નહીં હોય. સાચી વાત પણ સારી રીતે કહેવાવી જોઇએ. શબ્દોને તમે અત્તરમાં બોળીને બોલો છો કે એસિડમાં બોળીને બોલો છે એના પર ઘણો મોટો આધાર રહેતો હોય. પ્રાચીન સમયથી નમ્રતાનાં ગુણગાન ગવાતાં રહ્યાં છે. માણસ નમ્ર છે કે નહીં એ પણ સરવાળે તો એના શબ્દો પરથી જ ઓળખાતું હોય છે. પગે લાગીને પણ જો તમે સારા શબ્દો ન બોલો તો તેનો કોઇ અર્થ રહેતો નથી.
એક યુવાન હતો. તે એક સંતના કાર્યક્રમમાં જતો હતો. સંતની બોલવાની છટા તેને સ્પર્શી જતી હતી. એક વખત મેળ પડ્યો ત્યારે એ યુવાને સંતને પૂછ્યું, તમે આટલું મૃદુ કેવી રીતે બોલી શકો છો? સંતે કહ્યું, હું જ્યારે વાત કરું છું ત્યારે પણ પ્રાર્થના કરતો હોઉં એ જ રીતે બોલું છું. પ્રાર્થના ગાતી વખતે આપણે ક્યારેય રાડો પાડતા નથી, ગુસ્સો કરતા નથી, એવું જ બોલતી વખતે થવું જોઇએ. બીજી સૌથી મહત્ત્વની વાત એ કે, જે જીભ પર હોય એ જ દિલમાં હોવું જોઇએ. માણસ અત્યારે ડબલ સ્ટાન્ડર્ડ રાખવા લાગ્યો છે. એ બોલે છે કંઇક અને વિચારે છે કંઇક. ઘણી વખત તો જ્યારે કોઇના મોઢે મીઠું મીઠું બોલતો હોય ત્યારે જ અંદરખાને એવું વિચારતો હોય છે કે, મારો સમય આવવા દેને, તારો વારો કાઢી નાખવાનો છું. સાચો માણસ એ જ છે જે જેવું વિચારે છે એવું જ બોલે છે અને જેવું બોલે છે એવું જ વિચારે છે. એની વાતમાં કોઇ કપટ નહીં હોય. તમે વાત સાંભળો ત્યાં જ તમને એવું થયા વગર ન રહે કે, એકદમ સાફ દિલનો માણસ છે. આપણા શબ્દો આપણા દિલને લોકો આગળ ખડું કરી દે છે અને દિલમાં જે હોય એ દેખાઈ આવતું હોય છે! કોઇ માણસ કાયમ માટે નાટક ન કરી શકે. એ વહેલો કે મોડો જેવો હોય એવો વર્તાઈ જ આવે છે. મહોરું ગમે એવું પહેરીએ પણ એ વહેલું કે મોડું કોઈ ને કોઈ રીતે ઊતરી જતું હોય છે. તમે કોઇને કાયમ માટે છેતરી ન શકો. કોઇને છેતરવાનો વિચાર આવે ત્યારે સાથોસાથ એ પણ વિચારી લેવાનું હોય છે કે, મારી ચાલાકી જ્યારે પકડાશે ત્યારે આ સંબંધ પૂરો થઈ જશે. મારા માટે શું મહત્ત્વનું છે? મારો સ્વાર્થ કે મારો સંબંધ? બદમાશ લોકો માટે સંબંધની ખાસ કોઇ કિંમત હોતી નથી. એના માટે તો એનો સ્વાર્થ સધાઈ જાય એટલે વાર્તા પૂરી. કામ પત્યું પછી તું કોણ અને હું કોણ? દરેક માણસને આવા લોકોના અનુભવો થયા જ હોય છે. એવા લોકો વિશે બહુ અફસોસ પણ નહીં કરવાનો, કારણ કે દુનિયા એવી જ છે. આપણી નજીકના જૂજ લોકો જ એવા હોય છે જે જિંદગીમાં આપણી સાથે એકસરખા રહે છે. એને આપણી ચડતીપડતી, માન-મરતબા, કામયાબી કે બરબાદીથી ખાસ કોઇ ફેર નથી પડતો, એને માત્ર આપણાથી જ ફેર પડતો હોય છે. જિંદગીમાં બીજા લોકો આવતા-જતા રહે છે પણ જે આપણા છે એ જ્યાં હોય ત્યાં જ રહે છે. એની સાથે ખોટું તો ન જ બોલવું, એની સાથે ઊંચું પણ ન બોલવું.
સંવાદની સફળતા કે નિષ્ફળતાનો મોટો આધાર બોલવાના ટોન પર રહેતો હોય છે. ઘણા લોકોની વાત સાચી હોય છે પણ વાત કરવાની રીત ખોટી હોય છે. કેટલાંક લોકો તો અનુકૂળતા મુજબ પોતાનો ટોન ઉપર કે નીચે કરતા રહે છે. એક ફેમિલીની આ સાવ સાચી વાત છે. ઘરમાં એક દીકરો હતો. આમ તો એ ડાહ્યો હતો પણ ક્યારેક તોફાન તો ક્યારેક બદમાશી કરી લેતો હતો. પિતાએ તેને એક કામ સોંપ્યું. પિતાનું કામ એ ભૂલી ગયો. પિતાએ પૂછ્યું, તો ખોટું બોલ્યો. પિતાએ કહ્યું કે, નથી કર્યું એમ કહી દે, ભૂલી ગયો હતો એમ પણ કહી દે પણ બહાનાં ન બતાવ. દીકરો ઉશ્કેરાઈ ગયો. એ અવાજ ઊંચો કરીને કહેવા લાગ્યો કે, તમને મારા પર ભરોસો જ નથી. તમને મારામાં વાંધા જ દેખાય છે. પિતાએ કહ્યું કે, તું અવાજ ઊંચો કરશે એટલે તારી વાત સાચી નહીં થઈ જાય. ઘણી વખત અવાજ ઊંચો થાય એ જ એ વાતની સાબિતી હોય છે કે, તમે ખોટું બોલો છો! જો તમે સાચા હોવ તો તમારે ઘાંટા પાડવાની કોઈ જરૂર જ નથી. સત્ય સાથે જો સભ્યતા ન હોય તો સત્યને સાબિત કરવું પણ અઘરું પડે છે. સત્યને સરળ જ રહેવા દો તો કંઈ વાંધો આવતો નથી. હું સાચો છું, મેં કંઈ ખોટું કર્યું નથી પછી મારે ડરવાની કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સાચો માણસ દરેક સ્થિતિમાં એકસરખું જ બોલે છે. મુશ્કેલીમાં હોય તો પણ એની ભાષા અને એનો ટોન બદલાતાં નથી. ઘણા લોકો થોડાકેય આગળ વધે તો પણ એના બોલ બદલાઈ જાય છે. એના અવાજમાં રોફ આવી જાય છે. હાલત ખરાબ થાય એટલે ફરીથી એ જ ધીમું ધીમું બોલવા લાગતા હોય છે. હવે એવા લોકો બહુ ઓછા જોવા મળે છે જે સમય મુજબ બદલાતા નથી. સમય સારો હોય કે ખરાબ, સારા લોકો એવા ને એવા હોય છે. આપણે કેવા રહેવું એ આપણા હાથની વાત છે. એ વાત પણ સત્ય છે કે, છેલ્લે તો જેવા હોઇએ એવા ઓળખાઇ જ જવાના છીએ!
છેલ્લો સીન :
ઘણા લોકોને ઠારવામાં નહીં પણ સળગાવવામાં જ રસ હોય છે. શાંતિ પણ ઘણાથી સહન થતી નથી. આવા લોકોથી બચવું એ જ એકમાત્ર વિકલ્પ હોય છે. -કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 19 મે 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com