તને સમયની નજાકત પારખતાં આવડતું જ નથી : કૃષ્ણકાંત ઉનડકટ

તને સમયની નજાકત

પારખતાં આવડતું જ નથી

-કૃષ્ણકાંત ઉનડકટ

ક્યારનો ચિંતા કરે છે કાલની! ઠાર પહેલા આગ અબ્બીહાલની,

રોજ ધક્કા ખાય છે એ કોર્ટના, વાત બહુ કરતો હતો જે વહાલની.

-ભાવેશ ભટ્ટ

સમય પોતાની સાથે કંઇકને કંઇ લાવતો હોય છે. દરેક ક્ષણ ભરેલી હોય છે. પ્રત્યેક પળની એક નજાકત હોય છે. મોમેન્ટની માવજત કરવાની જેને ફાવટ છે એની લાઇફ મજેદાર રહે છે. આંખના એકે એક પલકારામાં અનોખો અહેસાસ હોય છે. સમય આપણી સામે જે ધરતો રહે છે તેને આપણે કેટલું ઝીલીએ છીએ? કેટલું જીવીએ છીએ? કોઇ ક્ષણ ભારે હોય છે તો કોઇ ક્ષણ હળવી હોય છે. ક્ષણ ક્યારેક કણની હોય છે તો ક્યારેક મણની હોય છે. ક્ષણ ક્યારેક આનંદ લઇને આવે છે તો ક્યારેક ઉદાસી આંજીને આવે છે. કોઇ ક્ષણમાં નિસાસો હોય છે તો કોઇ ક્ષણમાં દિલાસો હોય છે. સાચો સંવેદનશીલ માણસ એ છે જે ક્ષણને સાચવી જાણે છે, ક્ષણને પારખી જાણે છે, ક્ષણને જીવી જાણે છે અને ક્ષણને માણી જાણે છે. આપણા બધામાં સંવેદના તો હોય જ છે પણ એ સંવેદના જો સમયને સમજી ન જાણે તો સાર્થક સાબિત થતી નથી. પ્રેમ, લાગણી, ઉષ્મા, સ્નેહ એ બીજું કંઇ નથી પણ રાઇટ ટાઇમે વ્યક્ત થતી ફિલિંગ્સ છે. એક પળ એવી આવે છે જ્યારે આપણું વર્તન બોલકું બની જાય છે. એ પળમાં કાં તો છલકાઇ જવાનું હોય છે અને કાં તો નીચોવાઇ જવાનું હોય છે.

જિંદગીની કેટલીક પળો બહુ નાજુક હોય છે. કંઇક છૂટતું હોય, કંઇક તૂટતું હોય, કંઇક ખૂટતું હોય ત્યારે આપણું મન કંઇક ઝંખતું હોય છે. મારી વ્યક્તિ મને સાચવી લે. ક્યારેક થોડાક શબ્દોની તરસ ઉઠે છે. મારી વ્યક્તિ એટલું બોલે કે, કંઇ ચિંતા ન કર, બધું સરખું થઇ રહેશે. અમુક વખતે શબ્દોની નહીં પણ સાંત્વનાની આવશ્યકતા હોય છે. એવા સમયે મૌન બોલકું બની જતું હોય છે. પીઠ પર પસરતો કે માથા પર ફરતો હાથ આખી ડિક્ષનરીની ગરજ સારી દે છે. ક્યારેક મસ્તી આપણી હસ્તીને છતી કરી દે છે. નખરાં ક્યારેક અસ્તિત્ત્વને તરબતર કરી દે છે. રોમાંચ અને રોમાન્સ એક ક્ષણમાં જ વર્તાય છે. આપણી વ્યક્તિને આપણે ગળાડૂબ પ્રેમ કરતા હોઇએ તો પણ આખો દિવસ આપણે કંઇ પ્રેમ કરતા હોતા નથી, એક-બે ક્ષણ એવી હોય છે જ્યારે પ્રેમ જાણે આખી જિંદગીનો હોય એવો વર્તાઇ આવે છે. એક પ્રેમી અને પ્રેમિકા હતા. બંને ગાર્ડનમાં બેઠા હતા. અચાનક વરસાદ વરસવો શરૂ થયો. પ્રેમી ઊભો થઇ વરસાદથી બચવા માટે ઝાડ તરફ જવા લાગ્યો. એ જ સમયે પ્રેમિકા પલળવાના ઇરાદેથી ઊભી થઇને ઝૂમવા લાગી. પ્રેમીએ બીજી જ ક્ષણે ઇરાદો બદલી નાખ્યો અને પ્રેમિકા સાથે વરસાદમાં ઝૂમવા લાગ્યો. ઓગળી જવાની એક ક્ષણ હોય છે. પીગળતા આવડે અને જડતા સ્પર્શતી નથી. તમારી વ્યક્તિની આંખ તમને વાંચતા આવડે છે? આંખો બોલતી હોય છે. મને આ સમયે તું જોઇએ છે. તને વળગી જવાનું મન થાય છે. તારો હાથ હાથમાં લઇને દોડવાનું મન થાય છે. દર વખતે સારું જ થાય એવું જરૂરી નથી. ક્યારેક રડી લેવાનું મન થાય છે, એવા સમયે ખભો હોય તો હળવા થવામાં વાર નથી લાગતી.

આપણે ઘણી વખત આપણી વ્યક્તિને હળવાશમાં એવું કહેતા હોઇએ છીએ કે, તને તો હું રગે રગથી જાણું છું. ખરેખર આપણી વ્યક્તિને આપણે ક્ષણે ક્ષણથી કેટલી જાણતા હોઇએ છીએ? એક પતિ-પત્ની હતા. બહાર વાતાવરણ ખુશનુમા હતું. પત્ની પોતાના મસ્ત મૂડમાં હતી. બરાબર એ જ સમયે પતિએ કહ્યું, મસ્ત વેધર છે, ચાલ બહાર ચક્કર મારવા જઇએ. પત્ની બોલી, તને કેવી રીતે ખબર પડી ગઇ કે, મને બહાર જવાનું જ મન થતું હતું? પતિએ કહ્યું, તારી આંખો બહુ બોલકી છે. મને કહી દે છે. પત્નીએ કહ્યું કે, કેટલું સારું છે, મારી બોલકી આંખોની ભાષા તું સાંભળી લે છે! પ્રેમમાં પોતાની વ્યક્તિના વિચારો વાંચવાની પણ તાકાત હોય છે, શરત માત્ર એટલી જ હોય છે કે પ્રેમ એ કક્ષાનો હોવો જોઇએ. શ્વાસની રિધમમાં સંગીત અનુભવાય છે. લોહી સાથે સંવેદના ફરતી અને મહેકતી રહે છે. બસ પ્રેમની કક્ષા મેઇનટેન થવી જોઇએ. હા, પ્રેમ કાયમ માટે એક સરખો રહેતો નથી પણ અહેસાસ સરખો રહે તો પૂરતું છું. દરેક વખતે આપણે નજીક હોતા નથી પણ પાસે હોઇએ તો પૂરતું છે. હાથ હાથમાં ન હોય તો પણ સાથ વર્તાય એ પ્રેમ છે. એ મારી છે કે એ મારો છે એટલો અહેસાસ હોય એ પૂરતું છે. દરેક વખતે બોલવાની પણ જરૂર નથી. હું તેને પ્રેમ કરું છું એ દરેક વખતે આપણે સાંભળવું હોતું નથી, અનુભવવું હોય છે. એક પ્રેમીએ પ્રેમિકાને કહ્યું કે, હું તને બહુ પ્રેમ કરું છું. આ સાંભળીને પ્રેમિકાએ કહ્યું કે, તું કહે છે પણ મને એવું લાગતું કેમ નથી? તારા વર્તનમાં દેખાતું કેમ નથી? મને એવું ફીલ કેમ નથી થતું કે, તું મને પ્રેમ કરે છે? જ્યારે એ વર્તાશે ત્યારે તારે બોલવાની જરૂર જ નહીં રહે!   

પ્રેમને જાળવવો છે તો ક્ષણને સાચવી લો. એક કપલની વાત છે. સરસ વરસાદ વરસતો હતો. વાતાવરણમાં એક ગજબની ઠંડક વર્તાતી હતી. પત્નીએ કહ્યું કે, યાર મકાઇનો ડોડો ખાવાનું મન થાય છે. પતિએ કોઇ રિસ્પોન્સ આપ્યો નહીં. સમય વીતી ગયો. બીજા દિવસે ઓફિસથી આવતી વખતે પતિ મકાઇના ડોડા લઇ આવ્યો. પત્નીને કહ્યું, તને ડોડા ખાવાનું મન હતુંને? ચાલ ખાઇએ. પત્નીએ કહ્યું કે, તને સમયની નજાકત પારખતા જ નથી આવડતું. ડોડો ખાવાનું મન કાલે હતું. હવે નથી. સમય એ જ હોય છે પણ મૂડ બદલતો રહે છે. તું વરસે છે પણ મારે જ્યારે પલળવું હોતું નથી ત્યારે, તું બોલે છે પણ મારે સાંભળવું હોતું નથી ત્યારે, તું હોય છે પણ મારે જ્યારે જરૂર નથી હોતી ત્યારે! એવું જરાયે નથી કે તને પ્રેમ નથી પણ તારે બધું તારા સમયે અને તારા મૂડ પ્રમાણે કરવું હોય છે. પાણીની જરૂર તરસ લાગે ત્યારે જ હોય છે. તરસ ન હોય ત્યારે તું હોજ લઇને હાજર રહે એનો શું મતલબ છે? તરસ હતી ત્યારે એક ટીપું આપ્યું હોત તો પણ હું તરબતર થઇ જાત.

પ્રેમ પોતાની મરજી હોય ત્યારે નહીં પણ પોતાની વ્યક્તિની ઇચ્છાને પારખીને થવો જોઇએ. એક પતિ પત્ની હતા. એક સાંજે પત્નીએ કહ્યું કે, ચાલ જમી લઇએ, મને બહુ ભૂખ લાગી છે. પતિને જરાયે ભૂખ નહોતી. પતિએ કહ્યું, ચાલ જમી લઇએ! પતિ ધીમે ધીમે ખાતો હતો. પત્નીએ કહ્યું કે, તને ભૂખ લાગી નહોતીને? પતિએ કહ્યું, પણ તને લાગી હતીને! પ્રેમ નાની નાની વાતોમાં જ વ્યક્ત થતો હોય છે. એક સાવ સાચી વાત છે. એક પતિને ડાયાબિટીસ ડિટેક્ટ થયું. ડોકટરે પતિને બટેટા ખાવાની મનાઇ ફરમાવી. પત્નીએ એ દિવસથી ઘરે બટેટા મંગાવવાનું જ બંધ કરી દીધું. પતિએ કહ્યું, તને તો બટેટા બહુ ભાવે છે, તારા માટે તો મંગાવ. પત્નીએ બહુ સલુકાઇથી કહ્યું કે, હવે બટેટા ખાવાનું મન જ નથી થતું. હા, મન ઉઠી જાય છે. એનું કારણ એ હોય છે કે, જે મજા હોય છે એ એની સાથે જ હોય છે. તું છે તો મજા છે. તું હોય ત્યારે જ બધું ગમે છે. તારા વગર બધું અધૂરું લાગે છે. તું છે તો જ બધું મધૂરું છે. પ્રેમ રાઇટ ટાઇમે વ્યક્ત થવો જોઇએ. સમયની નજાકતને પારખતા આવડે તો પ્રેમ કાયમ માટે સજીવન રહે છે.    

છેલ્લો સીન :

ક્ષણને સાચવતા શીખી લો, કલાક, દિવસ અને આખું આયખું આપોઆપ સચવાઇ જશે.    –કેયુ.

( ‘સંદેશ’ સંસ્કાર પૂર્તિ, તા. 26 સપ્ટેમ્બર 2021, રવિવાર.  ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: