લાંબું જીવવું છે? તો ખુશ રહેતા શીખી જાવ! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

લાંબું જીવવું છે?

તો ખુશ રહેતા શીખી જાવ!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

ઉપાધિ અને ઉદાસી લઇને ફરતા લોકો ખુશ રહેતા નથી.

મજામાં હોય એવા લોકોને શોધવા નીકળવું પડે એવી સ્થિતિ છે.

જિંદગીમાં જીજીવિષાને જીવતી રાખો, તો લાંબું જીવશો!

આપણો મૂડ આપણી હેલ્થ ઉપર સીધી અસર કરે છે. મન પ્રફુલ્લિત હશે તો જ

તનમાં થનગનાટ વર્તાશે. જીવતા માણસો પણ હવે ધરાર જીવતા હોય એવી રીતે જીવે છે

લાઇફ સ્ટાઇલ ડિસિઝ લોકોનો ભોગ લઇ રહ્યા છે. લોકો હાથે કરીને પોતાની તબિયત બગાડી રહ્યા છે.

આપણી લાઇફમાંથી શાંતિ અને સંવેદના લુપ્ત થઇ રહ્યા છે

———–

એક દાદા હતા. દાદાએ તેમની જિંદગીના 100 વર્ષ પૂરા કર્યા. એક પત્રકાર દાદાનો ઇન્ટરવ્યૂ લેવા આવ્યો. દાદાને તેણે સવાલ કર્યો. તમારા આટલા લાંબા આયુષ્ય અને સુંદર સ્વાસ્થ્યનું રાઝ શું છે? દાદાએ બહુ જ સહજતાથી જવાબ આપ્યો કે, હું કોઇ બાબતે કોઇની સાથે માથાકૂટ કે દલીલમાં ઉતરતો નથી. પત્રકારને આશ્ચર્ય થયું, તેણે બીજો સવાલ પૂછ્યો, જિંદગીમાં કંઇક તો થયું જ હોયને? દાદાએ કહ્યું, એમ? તો થયું હઇશે હોં! દાદાએ વાત પૂરી કરી. આમ ભલે આ વાત હળવાશમાં કહેવાઇ હોય પણ તેની પાછળનો જે મર્મ છે એ ખૂબ જ મહત્ત્વનો છે. આપણે દરેક વાતે દલીલમાં ઉતરી જઇએ છીએ. ગુસ્સે થઇ જઇએ છીએ. આપણું ધાર્યું ન થાય એટલે આપણું મોઢું ચડી જાય છે. નાની નાની વાતમાં આપણને ઉદાસી ઘેરી વળે છે. આપણે એ સમયે એવું જરાયે વિચારતા નથી કે, આવું બધું કરીને આપણે આપણું જ સ્વાસ્થ્ય બગાડીએ છીએ અને આયુષ્ય ઘટાડીએ છીએ.  

જિંદગીમાં જેઓએ ઉંમરની એક સદી પૂરી કરી હતી તેના પર એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. સંશોધનનો વિષય એ હતો કે, આ લોકો આખરે આટલું લાંબું જીવી કેવી રીતે શક્યા? એમાં જે કારણો બહાર આવ્યા હતા એ બહુ રસપ્રદ હતા. ખોરાક, હવા, પાણી અને શારીરિક શ્રમનો મુદ્દો તો હતો જ, આ બધા ઉપરાંત સૌથી મોટી વાત એ હતી કે બધા મજામાં રહેતા હતા. એ લોકો કોઇ જાતનો સ્ટ્રેસ લેતા નહોતા. એવું નહોતું કે, તેમની જિંદગીમાં કોઇ સમસ્યાઓ નહોતી, એ લોકોની મુશ્કેલીઓને ટેકલ કરવાની રીત અલગ હતી. એક વૃદ્ધે કહ્યું હતું કે, આપણે મોટા ભાગે આપણી મુશ્કેલીઓને દુ:ખ સમજી લઇએ છીએ. એ દુ:ખ નથી હોતા પણ એક ચેલેન્જ હોય છે. ઉદાહરણ તરીકે એક પ્રચંડ વાવાઝોડું આવ્યું અને તમારા ઘરને નુકશાન થયું, એને લોકો દુ:ખ સમજી લે છે. એ દુ:ખ નથી, એ તો જિંદગીમાં આવેલી એક મુશ્કેલી છે. જિંદગીના પડકારોને લાઇટલી લેવાના હોય છે. આપણે એને બહુ ગંભીરતાથી લઇ લઇએ છીએ. કારમાં પંચર પડે કે લિફ્ટને આવવામાં થોડુંકેય મોડું થાય તો પણ આપણે ઇરિટેટ થઇ જઇએ છીએ. આપણને ખુશ રહેતા આવડતું જ નથી. માણસનો બેઝિક નેચર ખુશ રહેવાનો જ છે. તમે નાના બાળકને જોજો. એ હસતું જ હશે. જેમ જેમ બાળક મોટું થાય છે એમ એમ એ હસવાનું ભૂલતું જાય છે. સુખ તો બહુ જ સ્વાભાવિક છે. દુ:ખ આપણું નોંતરેલું હોય છે.

ખુશ રહેવાની સાથે આશાવાદી રહેવું પણ ખૂબ જ જરૂરી છે. અમેરિકામાં અમેરિકન અફેર્સ નામની એક સંસ્થા છે. આ સંસ્થાએ 233 લોકો પર વર્ષો સુધી એક અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસના જે તારણો હતા એ જર્નલ ઓફ જેરોન્ટોલોજીમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તેમાં સૌથી મહત્ત્વની જે વાત હતી એ એવી હતી કે, લાંબું જીવનારા લોકો ગમે તેવી તણાવપૂર્ણ સ્થિતિમાં પણ આશાવાદી રહેતા હતા. દરેક મુશ્કેલીમાં તેઓ વિચારતા હતા કે, ઠીક છે, ધીમે ધીમે બધું સરખું થઇ જશે. ખૂબ જ ટ્રાફિક હોય કે વાહનોના હોર્ન વાગતા હોય તો પણ તેઓ જરાયે વિચલિત થતા નહોતા. દરેક સંજોગોમાં તેઓ સહજ રહેતા.

અત્યારે તમે જોશો તો દરેક વ્યક્તિના ચહેરા પર એક તણાવ જોવા મળે છે. નિષ્ણાતો એવો સવાલ કરે છે કે, મન પર શેનો ભાર લઇને ફરો છો? તમે ટેન્શન લઇને ફરશો તો જિંદગી જીવવાની મજા આવવાની જ નથી. માનો કે ખરેખર કોઇ મુશ્કેલી છે તો પણ હળવા હશો તો તેમાંથી વહેલા બહાર આવી શકશો. માણસ સમસ્યાના કારણે નહીં પણ સ્વભાવના કારણે દુ:ખી રહે છે. અત્યારે સૌથી વધુ જો કોઇ બીમારીઓ હોય તો એ લાઇફ સ્ટાઇલ રિલેટેડ ડિસિઝ જ છે. ભાગ્યે જ એવો માણસ તમને મળશે જે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, એસિડિટી, હેડએક જેવી બીમારીઓથી પરેશાન ન હોય. માણસ પાંત્રીસ ચાલીશ વર્ષનો થાય ત્યાં તો કોઇને કોઇ ગોળી ચાલુ થઇ જ ગઇ હોય છે. આ બધી જ બીમારીઓ સરવાળે એ વાત સાબિત કરે છે કે, આપણા ઉપર આપણો જ કાબુ નથી. આપણે હાથે કરીને આપણી તંદુરસ્તી બગાડીએ છીએ.

સાયન્સના વિકાસ સાથે લોકોનો લાઇફ સ્પાન વધ્યો છે. જિંદગી વધે એના સાથે જિંદગી કેવી છે એ પણ મહત્ત્વનું છે. માણસ લાંબું જીવે પણ તેની જતી જિંદગી હોસ્પિટલના ખાટલામાં જ વીતે તો એવી જિંદગીનો કોઇ મતલબ નથી. જે લોકો ખુશ રહે છે એ લોકો લાંબું તો જીવે જ છે, સાથોસાથ જિંદગીની છેલ્લી ક્ષણ સુધી મજામાં હોય છે. તમે એક વસ્તુ માર્ક કરી છે? કોઇ વ્યક્તિ ફટ દઉને મરી જાય ત્યારે મોટો ભાગના લોકો એવું બોલે છે કે, એ જરાયે રિબાયા નહીં, છેક સુધી મજામાં હતા. બાકી તો પરિસ્થિતિ એવી હોય છે કે, ઘરના લોકો જ ભગવાનને એવી પ્રાર્થના કરતા હોય છે કે, હવે તો એમનો છૂટકારો થઇ જાય તો સારું, અમારાથી એમની પીડા જોવાતી નથી!

જિંદગીનો અભ્યાસ કરનારાઓ એવું કહે છે કે, જિંદગીની દરેક ક્ષણને પૂરેપૂરી જીવતા શીખો. શીખવાનું આમ તો બીજું કંઇ નથી. ખોટા સ્ટ્રેસ ન લો. મગજને કાબુમાં રાખો. એક વાત યાદ રાખો કે જિંદગીમાં ક્યારેકને ક્યારેક કોઇને કોઇ મુશ્કેલી તો આવવાની જ છે. જરાયે ડર્યા કે ડગ્યા વગર એમો સામનો કરો. આશાવાદી બનો. અત્યારે બધાને બધું જ મેળવી લેવું છે અને પાછું ખૂબ ઝડપથી બધું જોઇએ છે. કંઇક મેળવવા માટે કે કોઇ સ્થાન સુધી પહોંચવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. દરેક વસ્તુની એક રિધમ હોય છે. કુદરતના ક્રમમાં પણ એક રિધમ જોવા મળે છે. સવાર, સાંજ અને રાત એની ગતિમાં જ પડે છે. સુરજ ઉગવાની અને ફૂલ ખીલવાની પણ એક રિધમ છે. માણસ દરેક બાબતમાં ઉતાવળો થઇ ગયો છે એટલે એ દુ:ખી જ રહે છે. માણસ પાસે જે નથી એ મેળવવા માટે એ દોડતો રહે છે અને જે છે એને એ ક્યારેય માણી શકતો નથી.

વિચારવા જેવો મુદ્દો એ પણ છે કે, સમયની સાથે સુવિધાઓ વધતી જાય છે તો પછી સુખ અને શાંતિ વધવાને બદલે કેમ ઘટતા જાય છે? આજથી સો વર્ષ અગાઉ માણસ વધુ સુખી હતો. શાંત હતો. આટલો ઉચાટ નહોતો. એ સમયે તો માણસ પાસે પૂરતા સાધનો પણ નહોતા. આજે તો માણસ પાસે મજા, ખુશી અને આનંદ માટે કેટલી બધી વસ્તુઓ અને સાધનો છે, બેસ્ટ ટેકનોલોજી છે પણ માણસ ઉદાસ અને ઉશ્કેરાયેલો છે. માણસની ઉપાધિ અને ઉદાસીનું એક કારણ ઘસાઇ રહેલા સંબંધો પણ છે. મોટા ભાગના લોકો રિલેશન ક્રાઇસીસનો સામનો કરી રહ્યા છે. દરેકના સંબંધો દાવ પર લાગેલા છે. સુખ અને ખુશી ફીલ કરવા માટે તમારા સંબંધોને પણ શુદ્ધ, સજીવન અને સાત્ત્વિક રાખો. જેના સંબંધો સારા છે એ માણસની જિંદગી પણ સારી રહે છે. છેલ્લે ડોકટરો અને માનસશાસ્ત્રીઓએ કરેલી એક વાત નોંધવા જેવી છે. માણસ તંદુરસ્તી માટે અને લાંબું જીવવા માટે જીમ જતો અને ડાયટ ફૂડ ખાતો થઇ ગયો છે, શરીરનું ધ્યાન રાખતો થઇ ગયો છે પણ ખુશ રહેતો નથી. માણસ એ ભૂલી જાય છે કે, તમારું મન જો સ્વસ્થ નહીં હોય તો તમારું તન ગમે એટલું ખડતલ હશે તો પણ કોઇ ભલીવાર થવાની નથી. સાજા, સારા અને સ્વસ્થ રહેવું હોય તો બાકીનું બધું છોડીને મજામાં રહેતા શીખો. તમારા લોકોને પણ મજામાં રાખો, એનું કારણ એ છે કે આપણું સુખ છેલ્લે તો આપણા લોકો સાથે જ જોડાયેલું છે. જિંદગી જીવવાની રીતો તો સાવ સરળ છે, આપણે જ તેને અઘરી અને આકરી બનાવી દીધી હોય છે, એને પાછી સરળ બનાવી દો, જિંદગી જીવવાની મજા આવશે અને લાંબું જીવાશે!

હા, એવું છે!

ખુશી અને સુખ વિશે થયેલા એક સંશોધનમાં એવું બહાર આવ્યું હતું કે, જે લોકો બીજાને મદદરૂપ થાય છે અને બીજાનું ભલું ઇચ્છે છે એ લોકો સામાન્ય લોકોની સરખામણીમાં વધારે ખુશ અને સુખી રહે છે. આવા લોકો ભાગ્યેજ ડિપ્રેશનનો ભોગ બને છે.

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 23 માર્ચ 2022, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: