તને તારી જવાબદારીનું
કોઈ ભાન છે કે નહીં?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
નામનો બસ રહી ગયો માણસ,
કો’કમાં બસ મળી ગયો માણસ,
કોઈ દિલમાં કદાચ જાગે તો,
થાય ખુશી જડી ગયો માણસ,
-કવિતા શાહ
માણસનું અસ્તિત્વ શેનાથી સાબિત થતું હોય છે? આપણું વજૂદ શેનાથી બનતું હોય છે? દરેક માણસ પોતાના માટે જીવતો હોય છે. માત્ર જિંદગી ચાલતી રહે એનાથી માણસને સંતોષ થતો નથી. માણસને ઓળખ જોઈતી હોય છે. માણસને બધાની સામે ‘નોટિસ’ થવું હોય છે. બધા મારી નોંધ લે, બધા મને યાદ કરે, બધાને મારી જરૂર પડે, લોકો મને પૂછે, મારી સલાહ લે, હું ઊભો હોઉં તો મને માન આપે, એવી દરેકની ઇચ્છા હોય છે. આવું બધું એમ ને એમ કંઈ મળતું નથી. માણસ એટલે કંઈક બનવા મથતો રહે છે. ઘણા લોકો એવું કહે છે કે, મારો તો કોઈ ભાવ પણ પૂછતું નથી. આપણો કોઈ ભાવ પૂછે એ માટે આપણે આપણા મૂલ્યનું સર્જન કરવું પડતું હોય છે. આપણને કીમતી આપણે જ બનાવી શકીએ. કોઈ માણસ એમ જ ભરોસો મૂકતા નથી. આપણે લાયક બનવું પડે છે. બધા લોકો નાલાયક નથી હોતા, પણ કેટલાક લોકો અ-લાયક હોય છે. એ જવાબદારીથી ભાગતા હોય છે. ઘણા લોકોમાં છટકી જવાની ગજબની આવડત હોય છે. હાથ ઊંચા કરી દેવાની ઘણાને જબરી ફાવટ હોય છે.
આપણા બધાની કંઈ ને કંઈ જવાબદારી હોય છે. આપણા લોકો પ્રત્યે, આપણા પરિવાર પ્રત્યે, આપણા કામ પ્રત્યે, આપણી કરિયર પ્રત્યે અને સૌથી વધુ તો આપણી જાત પ્રત્યે! જે પોતાની જાતને વફાદાર નથી, જે પોતાની જાત પ્રત્યે જવાબદાર નથી, એ કોઈના માટે પણ વફાદાર કે જવાબદાર હોતા નથી. મારે શું? હું શું કામ કરું? મને એનાથી શું ફાયદો થવાનો છે? દરેક કામ ફાયદા, નફા કે લાભ માટે થતા હોતા નથી. અમુક કામો આપણે સારા માણસ છીએ એનો અહેસાસ કરવા માટે થતાં હોય છે. અમુક કામોમાં આપણને મજા આવતી હોય છે. આપણને ગમતું હોય છે. એક અજબ પ્રકારની શાંતિ મળતી હોય છે. જે કામ આપણને શુકુન આપે એ કામ માટે એવું સમજવું કે, આ કામ હું કોઈના માટે નહીં, પણ મારા માટે કરું છું! દુનિયામાં ઘણા બધા લોકો ઘણાં બધાં કામો કોઈ સ્વાર્થ વગર કરતા હોય છે! ક્યારેક તો કોઈને જોઈને આપણને પણ એવું થાય કે, આ માણસ શું કામ કારણ વગર કૂચે મરે છે? આપણને અમુક પ્રશ્નોના જવાબો મળતા નથી, કારણ કે આપણે સવાલો જ આપણા નજરિયાથી ખડા કર્યા હોય છે!
આપણે આપણી જવાબદારીઓ કેટલી સભાનતાથી નિભાવતા હોઈએ છીએ? જવાબદારીને ભાર સમજીએ છીએ કે આપણી ફરજનો ભાગ સમજીએ છીએ? મોટા ભાગે લોકો કરવું પડે એટલે કરતા હોય છે! ઘણા લોકોનાં મોઢે આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે, આ તો કરવું પડે છે એટલે કરું છું, બાકી હું આ કામ ન કરું. હા, સાચી વાત છે, અમુક કામો આપણે કરવાં પડે એટલે કરતા હોઈએ છીએ. આવા સમયે પણ થોડુંક એવું વિચારવું જોઈએ કે, હું આ કામ બરાબર કરું છું ને? કોઈ કામ યોગ્ય ન લાગે તો એની ના પાડવાની નૈતિક હિંમત પણ જોઈએ.
એક પોલીસ કર્મચારીની આ વાત છે. એ પ્રામાણિક હતો. ટૂંકા પગારમાં પણ એ જેટલું સારી રીતે જિવાય એટલું જીવતો હતો. તેનો સાહેબ ભ્રષ્ટાચારી હતો. એક વખત તેના સાહેબે એક ખોટું કામ કરવા માટે કહ્યું. સાહેબને હતું કે, આ પોલીસમેન કહ્યાગરો છે. જે કામ કહું છું એ બધું કરી આપે છે એટલે મારું ખોટું કામ પણ કરશે. સાહેબે કહ્યું, એ પછી થોડોક વિચાર કરીને પોલીસમેને કહ્યું કે, માફ કરજો સાહેબ, આ કામ મારાથી નહીં થઈ શકે. મારું દિલ ના પાડે છે. તમારા હુકમનું પાલન કરવું એ મારી જવાબદારી છે, પણ એ હુકમ સાચો હોવો જોઈએ. હું ખોટા કામમાં તમારો સાથ આપી શકીશ નહીં. સાહેબે કહ્યું કે, કંઈ વાંધો નહીં! એ પછી એ સાહેબ તેને દરેક વાતમાં કનડતા હતા. પોલીસમેનને ખબર હતી કે, એ આવું શા માટે કરે છે. તેના મિત્રએ કહ્યું, આ તો જબરું કહેવાય! તમે ખોટું કામ કરવાની ના પાડો એટલે તમારે ભોગવવાનું? પોલીસમેને કહ્યું કે, સાચું કામ કરવાની કિંમત ચૂકવવી પડે છે. આ તો પાર્ટ ઓફ લાઇફ છે. સાહેબ તો કાલ ઊઠીને બદલાઈ જશે, પણ હું જો બદલાઈ જઈશ તો ક્યારેય સુધરી નહીં શકું! લાલચ એવી વસ્તુ છે કે તમે એક વાર એમાં પડો એટલે તમને એ ગમવા લાગે છે! તમે એનાથી મુક્ત થઈ શકતા નથી. આપણે જેનાથી મુક્ત ન થઈ શકીએ એમ હોઈએ એના વિશે એટલી કાળજી રાખવાની કે એમાં જકડાવું જ નહીં, એમાં પડવું જ નહીં!
કઈ જવાબદારીથી દૂર રહેવું અને કઈ જવાબદારી નિભાવવી એ સમજ પણ જિંદગી માટે બહુ જ જરૂરી છે. ઘણા લોકો ન ભાગવાનું હોય ત્યાંથી પણ ભાગતા રહે છે. એક ઓફિસની આ વાત છે. ઓફિસના બોસે એના એક કર્મચારીને બોલાવીને કહ્યું કે, તને એક કામ સોંપું છું. આ કામ તારે કરવાનું છે. બોસે કામ સમજાવી દીધું. પેલો કર્મચારી બોસની ચેમ્બરમાંથી બહાર આવીને પોતાના વર્કસ્ટેશન પર આવ્યો. તેને થયું કે, આ બોસ પણ વિચિત્ર છે. આ કામ કંઈ થોડું મારું છે? મારું ન હોય એ કામ પણ મને સોંપી દેવાનું? તેણે કલિગને આ વાત કરી. કલિગે કહ્યું કે, જઈને ના પાડી દે! કહી દે કે, આ કામ મારું નથી! જેનું છે એને સોંપો! એ કર્મચારીએ વિચાર કર્યો કે, ના મારે એવું નથી કરવું. કામ કામ છે, એને આ નવું કામ બહુ ફાવતું ન હોવા છતાં તેણે શીખીને એ કામ પૂરું કર્યું. કામ લઈને એ બોસ પાસે ગયો. બોસે ધ્યાનથી જોયું કે આ કામ તેણે કેવી રીતે કર્યું છે? કામ જોઈને એ ખુશ થઈ ગયા. બોસે અભિનંદન આપ્યાં. બે દિવસ પછી બોસે ફરીથી એ કર્મચારીને બોલાવીને પ્રમોશનનો લેટર આપ્યો. બોસે કહ્યું, જેણે આ કામ કરવાનું હતું એ બરાબર કરતો નહોતો. તને આપ્યું. તેં સરસ રીતે કર્યું એનું આ પરિણામ છે. હું તને પ્રમોટ કરીને તારી માથે કોઈ મહેરબાની નથી કરતો. એક રીતે જો તો આમાં મારો તો સ્વાર્થ છે. મને કામથી મતલબ છે. તારા માટે મહત્ત્વની વાત એ છે કે, આ કામ તારી જવાબદારીમાં આવતું ન હોવા છતાં તેં દિલથી કર્યું. આપણી જવાબદારી વધે એ માટે આપણે દરવાજા ખુલ્લા રાખવા પડતા હોય છે. તેં કદાચ એવું કહ્યું હોત કે, આ મારું કામ નથી તો મેં એ કામ પાછું લઈ લીધું હોત. કામ કરીને તેં એ સાબિત કર્યું છે કે, નવી જવાબદારી સ્વીકારવાની તારી તૈયારી છે. જવાબદારીથી ક્યારેય ભાગતો નહીં, કારણ કે ઘણી વખત આપણે ભાગી જઈએ એ પછી કોઈ આપણને શોધવા આવતું નથી, એ બીજાને શોધી લે છે!
જવાબદારી નિભાવવી કંઈ સહેલી નથી. એના માટે સક્ષમ રહેવું પડે છે, સજાગ રહેવું પડે છે. એક યુવાનની આ વાત છે. એને બે ભાઈઓ હતા. ત્રણ ભાઈઓમાં એ વચલો હતો. ઘરમાં કંઈ પણ કામ હોય એટલે મા-બાપ એને જ સોંપે. એ કામ કરતો એટલે એનાથી નાનો અને મોટો ભાઈ પણ કોઈ કામ હોય તો એને સોંપી દે. એ છોકરાના કાકા બધું જોયા રાખે. એક દિવસ કાકાએ પોતાના એ ભત્રીજાને બોલાવીને કહ્યું કે, તને એમ નથી લાગતું કે બધા લોકો તને જ કામ સોંપી દે છે? ક્યારેક તો મને તારા ભાઈઓને કહેવાનું પણ મન થઈ આવે છે કે, તને તારી જવાબદારીનું કોઈ ભાન છે કે નહીં? તને ક્યારેય એવો વિચાર નથી આવતો? કાકાની વાત સાંભળીને એણે કહ્યું. હા, ક્યારેક વિચાર આવી જાય છે, મને એમ થાય છે કે મારા એકલાની થોડી બધી જવાબદારી છે? જોકે, પછી થાય છે કે, સારું છે ને, કુદરતે મને આટલો જવાબદાર બનાવ્યો છે! ત્રણ ભાઈઓને બદલે હું એકલો જ હોત તો? બીજી વાત એ કે એવું કોણ નક્કી કરે કે આ જવાબદારી મારી અને આ જવાબદારી તારી? જવાબદારી છેલ્લે એની જ હોય છે, જે એ જવાબદારી સ્વીકારવા તૈયાર હોય!
જે કરો એ દિલથી કરો. આપણી દાનત એ જ આપણી ફિતરત બનતી હોય છે. આપણું નામ આપણા કામથી જ બનતું હોય છે. ન કરવા જેવું લાગે એ ન કરો, દિલથી અને નિખાલસતાથી અસમર્થતા બતાવો. આપણા પ્રયત્નોમાં કોઈ કચાશ ન રહેવી જોઈએ. કોઈને સારું લાગે એ માટે પણ કંઈ ન કરો, તમને સારું લાગે એ માટે કરો. તમને સારું લાગશે તો બીજાને સારું લાગશે જ. વાજબી ન લાગે તો ના પાડી દો, ભાગો નહીં, ગોળ ગોળ ફેરવો નહીં, સ્પષ્ટ હોવું એ નાનીસૂની વાત નથી. બહુ ઓછા લોકો પોતાના નામ અને કામ માટે સ્પષ્ટ હોય છે! તમે તમારી જાત સાથે કેટલા સ્પષ્ટ છો?
છેલ્લો સીન :
પોતાનું વજૂદ સાબિત કરવાનો પ્રયાસ ન કરો, કારણ કે બીજા લોકો આપણને માપતા જ હોય છે! ગીતો ગાવાની જરૂર નથી, કારણ કે મૌન પણ સંભળાતું હોય છે! -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 10 જૂન 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com