માણસજાતનો ઇતિહાસ યુદ્ધોથી જ ભરેલો છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

માણસજાતનો ઇતિહાસ

યુદ્ધોથી જ ભરેલો છે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

યુદ્ધમાં સૌથી દયાજનક હાલત સ્ત્રીઓ અને બાળકોની થાય છે.

યુદ્ધની કથાઓ રમણીય હોય છે એવું કહેવાયું છે, હકીકતે યુદ્ધની કથાઓ કરૂણ, વરવી અને ભયાનક હોય છે

યુદ્ધ કરનાર દરેક દેશ શાંતિ માટે જ યુદ્ધ છેડતા હોવાની વાત કરે છે.

દુનિયામાં કોઇને કોઇ છેડે કોઇને કોઇ નામે સંઘર્ષ ચાલતા જ રહે છે. સત્તાની ભૂખ સંતોષાતી જ નથી

યુદ્ધમાં એક પક્ષ જીતે છે અને બીજો પક્ષ હારે છે પણ સરવાળે ખુવાર તો બંને થાય છે.

ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે, માણસની યુદ્ધખોર માનસિકતા ક્યારેય ખતમ થતી નથી

———-

વોર, યુદ્ધ, જંગ, લડાઇ, સંઘર્ષ, આક્રમણ, યલગાર એ શું માણસની જન્મજાત પ્રકૃતિ છે? દુનિયાના કોઇને કોઇ છેડે યુદ્ધ ચાલતા જ રહે છે. આખી દુનિયા રશિયા અને યૂક્રેનના વધુ એક યુદ્ધની સાક્ષી બની. માણસજાતનો ઇતિહાસ તપાસો તો એ મુખ્યત્ત્વે યુદ્ધોનો જ ઇતિહાસ છે. ઇતિહાસમાંથી યુદ્ધોને હટાવી દો તો શું બચે? શાંતિ માણસને સદતી નથી. ઘણા લોકોની પ્રકૃતિ જ વિકૃત હોય છે. કાં ઝઘડ અને કાં ઝઘડવાવાળું આપ એવું એમ જ તો નહીં કહેવાયું હોયને? ક્રૂર શાસકો સત્તા ભૂખ્યા હોય છે. શોર્ય અને બહાદુરીની વાતમાં પણ અંતે તો હુમલા અને હિંસા જોડાયેલા છે. મહાભારત અને રામાયણ યુદ્ધની કથા છે. ગીતામાં કહેવાયું છે કે, અમુક સમયે યુદ્ધ અનિવાર્ય બની જાય છે. દુનિયામાં સૌથી વધુ યુદ્ધો શાંતિના નામે જ લડાયા છે.

બે દેશો યુદ્ધે ચડે છે ત્યારે દરેક દેશ પાસે પોતાનું એક તથ્ય હોય છે, થોડીક દલીલો હોય છે. દરેક દેશ કારણો આપીને પોતે સાચા હોવાનું સાબિત કરવા મથે છે. રશિયા અને યૂક્રેનના યુદ્ધમાં શું થયું? રશિયાની દલીલ એવી હતી કે, યૂક્રેન જો નાટો સાથે જોડાય તો રશિયા માથે જોખમ ખડું થાય. નાટોની સેના અમારી સરહદ સુધી આવી જાય. વાત ખોટી નથી. યૂક્રેને કહ્યું કે, અમારે શું કરવું એ તમે નક્કી કરી શકો નહીં. અમે સ્વતંત્ર છીએ. કોની સાથે સંબંધ રાખવો અને કોની સાથે રિલેશન ન રાખવા એ નક્કી કરવાનો અમને અધિકાર છે. યૂક્રેનની વાત પણ જરાયે ખોટી નથી. તાકાતવર હોય છે એ નબળા પર સવાર થઇ જાય છે અને પછી પોતાનું ધાર્યું કરે છે. યુદ્ધ એ બીજા કરતા સબળા થવાનું ઝનૂન કહો તો ઝનૂન અને ગાંડપણ કહો તો ગાંડપણ છે.

યુદ્ધમાં મોત માત્ર આંકડો બનીને રહી જાય છે. કોણ મર્યું એની કોઇને ખબર હોતી નથી, કેટલા મર્યા એની જ વાતો થતી હોય છે. જે લોકોએ પોતાના લોકોને ગુમાવ્યા હોય છે એ આખી જિંદગી વેદના વેંઢારતા રહે છે. દુનિયા તમાશો જુએ છે. સમાધાન થઇ જાય પછી શાસકો હાથ મિલાવી લે છે અને કેટલીય માતાઓ હાર ચડાવેલા દીકરાની તસવીર જોઇને આંસુ સારતી રહે છે. દુનિયાનું સૌથી પહેલું યુદ્ધ ક્યું હતું તેના વિશે મતમતાંતર છે. આખી દુનિયાએ બે વિશ્વયુદ્ધ જોયા છે. હથિયારો દિવસેને દિવસે વધુને વધુ ખતરનાક બનતા જાય છે. દુનિયા એકવાર નહીં પણ અનેકવાર ખતમ થઇ જાય એટલા પરમાણુ શસ્ત્રો ઓલરેડી બનેલા તૈયાર પડ્યા છે. મજાની વાત એ છે કે, ન્યૂક્લિયર બોંબને પણ શાંતિના શસ્ત્ર કહેવામાં આવે છે. કઇ રીતે? તમારી પાસે જો પરમાણુ બોંબ હોય તો કોઇ તમારા પર હુમલો કરવાની હિંમત ન કરે! આપણા દેશે તારીખ 18મી મે 1974ના રોજ પહેલી વખત પરમાણુ પરિક્ષણ કર્યું ત્યારે તેનું કોડ નેમ સ્માઇલિંગ બુદ્ધા જ રાખવામાં આવ્યું હતું. આપણા દેશે પરમાણુ પ્રયોગ કર્યો એ પછી પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ કહ્યું હતું કે, અમે ઘાસ ખાશું પણ પરમાણુ શસ્ત્રો બનાવીશું. પાકિસ્તાને પણ પરમાણુ હથિયાર બનાવ્યા. યૂક્રેન પાસે પરમાણુ શસ્ત્રો હતા પણ ત્રણ દાયકા અગાઉ માનવતાના નાતે યૂક્રેને પોતાના તમામ પરમાણુ શસ્ત્રોનો નાશ કરી દીધો હતો. જો યૂક્રેન પાસે પરમાણુ બોંબ હોત તો રશિયા તેના પર આક્રમણ કરવાની હિંમત કરી હોત ખરી? રશિયા હવે માત્ર યૂક્રેનને જ નહીં આખી દુનિયાને ન્યૂક્લિયર વેપનના નામે ડરાવે છે.

દુનિયાના ઘણા દેશો પોતાના દુશ્મનને ખતમ કરવા માટે મોકાની રાહ જોઇને જ બેઠા છે. ઇરાન ઇઝરાયલને નેસ્તનાબુદ કરવાની ધમકીઓ આપતું રહે છે. ઇઝરાયલ ઓછું ઉતરે એમ નથી. ગયા વર્ષે જ ઇઝરાયલે ગાઝા પર હુમલો કર્યો હતો. ઇરાન અને અમેરિકાની સેના પણ સામસામી ગોઠવાયેલી છે. આપણા દેશની સેના ચીનના મોરચે ખડેપગે છે. અઝરબૈજાન અને આર્મેનિયા 2020માં અથડાયા હતા. યુદ્ધનું લિસ્ટ માંડીએ તો લાંબુ થાય એમ છે. આપણને આઝાદી અહિંસાના માર્ગે મળી છે પણ ભાગલા વખતે કત્લેઆમ દેશે જોઇ છે. આપણા દેશે પાકિસ્તાન સાથે બે યુધ્ધ અને ચીન સાથે એક યુદ્ધ લડ્યું છે. હજુ પણ વારેવારે યુદ્ધની વાતો થતી રહે છે.

યુદ્ધમાં એક દેશ જીતે છે અને બીજો દેશ હારે છે પણ ખુવાર તો બંને થાય છે. યૂક્રેન ખેદાનમેદાન થયું છે, રશિયાને પણ ઓછું નુકશાન થયું નથી. બંનેએ દાયકાઓ સુધી યુદ્ધના પરિણામો ભોગવવા પડશે. અમેરિકાએ કંઇ ઓછા યુદ્ધો નથી કર્યા. અમેરિકા પોતે પણ લડ્યું છે અને ઘણાને લડાવ્યા પણ છે. યુદ્ધથી ભૂગોળ બદલે છે અને ઇતિહાસ ખરડાતો રહે છે. બે દેશ યુદ્ધ ખેલતા હોય છે ત્યારે દુનિયા તમાશો જોતી હોય છે. યુદ્ધની કથાઓ વિશે એવું કહેવાય છે કે, યુદ્ધસ્ય કથા રમ્યા: એટલે કે યુદ્ધની કથા રમણીય હોય છે. આ એક સંસ્કૃત સુભાષિત છે. દુરસ્થા પર્વતા: રમ્યા: વૈશ્યા ચ મુખમંડને, યુદ્ધસ્ય તૂ કથા રમ્યા: ત્રીણિ રમ્યાણિ દૂરત: એનો અર્થ એવો થાય છે કે, ડુંગર દૂરથી રળિયામણા, ગણિકા મેકઅપના થપેડાથી સુંદર અને યુદ્ધની કથા રમણીય હોય છે પણ આ ત્રણેય દૂરથી જ સારા લાગે છે. વાત કેટલી સાચી છે, દૂરથી બધું ગમે પણ જે ભોગવે એની હાલતની તો કલ્પના પણ થઇ શકે નહીં. યૂક્રેનની ઘટનાઓ આપણે બધાએ જોઇ છે. આકાશમાંથી વરસતા બોંબ અને ત્રાટકતી મિસાઇલો, રોડ પર દોડતી ટેન્કો, સળગતી બિલ્ડીંગો અને સાયરનના અવાજો વાતાવરણ બિહામણું બનાવતા હતા. રોડ પર રઝળતી લાશો મોતના મલાજાની મજાક ઉડાડતી હતી. રશિયાના સૈનિકોના મરતા પહેલા માતાને કરેલા મેસેજો સંવેદનશીલ લોકોને જ નહીં પણ કઠણ કાળજાના લોકોને પણ હચમાચાવી નાખે એવા હતા.

સારા માણસોને એવો વિચાર આવ્યા વગર ન રહે કે, આવું બધું ન થતું હોત તો કેવું સારું હતું? આપણે એક તરફ સિવિલિયન સોસાયટીમાં રહેતા હોવાના દાવાઓ કરીએ છીએ અને બીજી તરફ દુશ્મનોને ભાંડતા રહીએ છીએ. સાચી વાત એ છે કે, યુદ્ધ ક્યારેય ખતમ થયા નથી અને ક્યારેય ખતમ થવાના પણ નથી. યુદ્ધ વિશે એવું પણ કહેવાતું જ રહ્યું છે કે, કોઇ યુદ્ધ અંતિમ હોતું નથી. યુદ્ધથી કબજો મળે છે પણ દુશ્મનાવટ તો વધે જ છે. યુદ્ધ આધિપત્ય સર્જે છે. યુદ્ધથી દિલ ક્યારેક જીતી શકાતા નથી. રશિયાએ જે કર્યું છે એ યૂક્રેનના લોકો ક્યારેય ભૂલી શકવાના છે ખરા? આવું વૈમન્સ્ય તો દુનિયાના દરેક દેશને કોઇને કોઇ પ્રત્યે છે. કોઇ ધર્મ હિંસાને યોગ્ય ઠેરવતો નથી છતાં દુનિયામાં સૌથી વધુ યુદ્ધો ધર્મના નામે થયા છે. યુદ્ધના કારણો ભલે ગમે તે હોય, એના પરિણામો ખતરનાક હોય છે. યુદ્ધમાં મહિલાઓ અને બાળકોની હાલત સૌથી વધુ ખરાબ થાય છે. ગઇકાલે દુનિયાએ મહિલા દિવસની ઉજવણી કરી અને મહિલાઓના ગુણગાન ગાયા પણ યુદ્ધમાં મહિલાઓ સાથે જે થાય છે એ અકલ્પનીય હોય છે. યુદ્ધ લોકોની જિંદગીને દોઝખ બનાવી દે છે. સુખેથી રહેતો માણસ અચાનક જ નિરાશ્રિત થઇ જાય છે. ઘર અને વતન છોડવું પડે એના જેવી પીડા બીજી કોઇ નથી. માણસ ઇશ્વરને એવી પાર્થના કરતો રહે છે કે કોઇને યુદ્ધ જોવું ન પડે, એ વાત જુદી છે કે લડવાવાળા તો ષડયંત્રો ઘડતા જ રહે છે. ઇતિહાસમાં યુદ્ધો ઉમેરાતા જ જાય છે, યુદ્ધના ઇતિહાસને નીચોવો તો આંસુ, રૂદન અને ડૂસકાં સિવાય કંઇ જ નહીં મળે!

———-

હા, એવું છે!

યુદ્ધ વિશે વધુ પડતા વિચારો હતાશા જન્માવે છે. સંવેદનશીલ લોકોને જે તે દેશના યુદ્ધ સાથે કંઇ લાગતું વળગતું ન હોવા છતાં એ પોતાના પર અત્યાચાર થઇ રહ્યો હોય એવું અનુભવે છે અથવા તો દુનિયામાં આ શું ચાલી રહ્યું છે એવા વિચાર કરીને મૂંઝાતા રહે છે.

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 09 માર્ચ 2022, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *