તમસને ત્યાગીએ રજસને આવકારીએ : પર્વ વિશેષ – કૃષ્ણકાંત ઉનડકટ

તમસને ત્યાગીએ

રજસને આવકારીએ

પર્વ વિશેષ – કૃષ્ણકાંત ઉનડકટ

તહેવારો જિંદગીને રિચાર્જ, રિફ્રેશ અને અપડેટ કરે છે. દરેક તહેવારમાં કોઇને કોઇ ગૂઢ મર્મ છુપાયેલો છે. આજે રૂપ ચૌદશ છે. આ તહેવાર સાથે કકડાટ કાઢવાની પરંપરા જોડાયેલી છે. આ રિવાજ કેટલો બધો સિમ્બોલિક છે. દિવાળીના તહેવારોની સફાઇ તો ઘણા સમય અગાઉ થઇ ગઇ હોય છે. ઘર ચોખ્ખા ચણાક થઇ ગયા હોય છે. એ પછી કકડાટ કાઢવાનો બાકી રહે છે. ક્યો કકડાટ? ઘર નજીકના ચોકમાં મૂકવામાં આવતા વડા કે વપરાઇ ગયેલી સાવરણી અને જૂના માટલા મૂકવાની પ્રથા તો પ્રતીકાત્ત્મક છે. સાચી વાત તો આપણી અંદર જે નેગેટિવિટી ઘર કરી ગઇ હોય અને દૂર હટાવીને પોઝિટિવિટી ભરવાની છે. બહેનો વડા મૂકવા જાય ત્યારે પણ એક ધ્યાન રાખવાનું હોય છે. ઘરેથી નીકળ્યા પછી પાછું વળીને જોવાનું નથી.

જિંદગીમાં પાછું વળીને જોવાનું બંધ થાય તો કેટલું બધું સુખ મળે અને શાંતિની અનુભૂતિ થાય? આપણે બધા જ જૂની વાતો, જૂની યાદો, જૂની ફરિયાદો, જૂના વાદો અને જૂના વિવાદો લઇને જ બેઠા રહીએ છીએ. ઘાવને ખોતરતા રહીએ છીએ. આપણે જે વેદના ભોગવીએ છીએ એનું કારણ મોટા ભાગે આપણા મનમાં ઘર કરી ગયેલો કકડાટ જ હોય છે. પાછું વળીને બહુ ન જુઓ, આગળ જુઓ. ગઇકાલ ગઇ. જે થવાનું હતું એ થઇ ગયું. જો ચલા ગયા ઉસે ભૂલ જા. સુખી થવાનો સાવ સરળ અને સીધો રસ્તો છે. ગાંઠો છોડી નાખો. આપણે જ્યાં સુધી ગાંઠો છોડતા નથી ત્યાં સુધી આપણે જ જકડાયેલા રહીએ છીએ. આપણા દુ:ખ અને આપણી પીડામાંથી આપણે જ મુક્ત થવાનું હોય છે.

હવેના સમયમાં કકડાટના પ્રકારો પણ બદલાઇ ગયા છે. સાઇબર ન્યૂસન્સ એ નવા યુગનો નવો કકડાટ છે. ટેક્નોલોજી માણસ ઉપર સવાર થઇ ગઇ છે. આપણે બધા વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવવા લાગ્યા છીએ. ટેક્નોલોજી સારી છે, ખૂબ કામની છે પણ છે, જો તમે તેનો જરૂર પૂરતો અને સાવધાનીથી ઉપયોગ કરો તો! મોબાઇલે માણસની માનસિક શાંતિ છીનવી લીધી છે. આપણા સંબંધોને પાતળા પાડી દીધા છે. તહેવારો પણ આપણે ઓનલાઇન ઉજવવા લાગ્યા છીએ. હેપી દિવાળી અને હેપી ન્યૂ યરના સ્ટેટસ અપલોડ કરીને સંતોષ માની લઇએ છીએ. તહેવારો આપણા સંબંધોને તાજા અને સજીવન કરવાનો મોકો આપે છે. આખા વર્ષમાં જો દૂરી આવી ગઇ હોય તો નજીક આવવાનો અવસર આપે છે. આવો, મનમાં બંધાઇ ગયેલી ગ્રંથીએ તોડીએ, તમસને તિલાંજલિ આપીએ અને રજસને આવકારીએ. જિંદગીની થોડીક વધુ નજીક જઇએ. હેપી ફેસ્ટિવલ્સ!

( પર્વ વિશેષ પૂર્તિ, સંદેશ, તારીખ 03 નવેમ્બર 2021, બુધવાર)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: