પ્રેમ હોય કે પ્રોબ્લેમ, બોલી દે, મનમાં કંઈ ન રાખ! – ચિંતનની પળે

પ્રેમ હોય કે પ્રોબ્લેમ,

બોલી દે, મનમાં કંઈ ન રાખ!

63

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

 

શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,

વેદના શું એ હવે સમજાય છે.

મારી ભીતર કેટલું વરસ્યા તમે,

આખેઆખું અંગ લીલું થાય છે.

-હર્ષ બ્રહ્મભટ્ટ

 

જિંદગીની મજા માણવા માટે મન હળવું હોવું જોઈએ. મન તો જ હળવું રહે જો એ થોડુંક ખાલી હોય. ભરેલામાં કંઈ ભરી શકાય નહીં. ભરવા જઈએ તો છલકાઈ જાય. ઢોળાઈ જાય. રોળાઈ જાય. મનમાં કેટલું બધું ઠાંસી ઠાંસીને ભર્યું હોય છે. નારાજગી, રોષ, નફરત, સાચી-ખોટી માન્યતા, કેટલા બધા ભ્રમ અને ઉપરથી ‘હું’નો ભાર મનને ભારેખમ બનાવી દે છે. આપણને હળવા થવામાં કંઈક ને કંઈક નડતું રહે છે. આપણે બોલતા નથી. બોલી શકતા નથી. સ્વીકારી શકતા નથી. સોરી કહી શકતા નથી. ઘણી વખત એનું કારણ એ હોય છે કે આપણે સમજી શકતા નથી.

 

વ્યક્ત થતા જેને નથી આવડતું એ વ્યાકુળ હોય છે. મોઢું મલકાવવા કરતાં મોઢું ચડાવવું આપણને વધુ ફાવે છે. બે વ્યક્તિ સાથે રહેતી હોય, સાથે કામ કરતી હોય કે એકબીજાને પ્રેમ કરતી હોય ત્યારે પ્રોબ્લેમ્સ તો થવાના જ છે. વાંધા પડવાના જ છે. પ્રશ્નો સર્જાવાના જ છે અને ઝઘડા પણ થવાના જ છે. વાંધો હોય તેનો વાંધો નથી, વાંધો તમે કેવી રીતે વ્યક્ત કરો છો તેના ઉપરથી આ વાંધાનું આયુષ્ય નક્કી થતું હોય છે.

 

એક પ્રેમીયુગલની વાત છે. પ્રેમી વારે વારે નાની-નાની વાતથી નારાજ થઈ જાય. તું મારો ફોન નથી ઉપાડતી, મારા મેસેજનો જવાબ નથી આપતી, તને મારી કંઈ પડી નથી. ક્યારેક તો મને સવાલ થાય છે કે તું ખરેખર મને પ્રેમ કરે છે કે કેમ? પ્રેમીનું મોઢું ચઢી જાય. નારાજ હોય એટલે એ સવાલ કરવાનું બંધ કરી દે. એક વખત સામાન્ય કારણસર જ પ્રેમી નારાજ થયો. પ્રેમિકાએ પૂછ્યું, શું થયું? જવાબ મળ્યો, કંઈ નહીં. પ્રેમિકાએ કહ્યું તું જ્યારે પણ એમ જવાબ આપે છેને કે કંઈ નહીં, ત્યારે ખરેખર કંઈ હોય છે. શું નારાજગી છે એ બોલી દેને! તું બે દિવસ આવો મૂડ રાખીને પછી બોલીશ એના કરતાં અત્યારે જ કહી દેને! બોલી દે, મનમાં ભાર ન રાખ!

મનમાં રાખીને આપણે પોતે પણ દુ:ખી થતા હોઈએ છીએ અને આપણી વ્યક્તિને પણ દુ:ખી કરતા હોઈએ છીએ. આપણી વ્યક્તિની નારાજગી જોઈને ક્યારેક તો એવું થાય છે કે, યાર જે કહેવું હોય એ કહી દેને, ગુસ્સો કરવો હોય તો કરી લેને, ગાળો દેવી હોય તો પણ દઈ દે, પણ આમ અપસેટ ન રહે. તારે મને મારી કોઈ ભૂલનો અહેસાસ કરાવવો હોય તો પણ ઝડપથી કરાવી દે. હું તારા દરેક શબ્દ સહન કરવા તૈયાર છું, પણ તારું ભારેખમ મૌન મારાથી સહન નથી થતું. આવું દરેક સંબંધમાં થતું હોય છે.

 

આપણે સ્ટ્રેચ રહીએ છીએ. એકદમ તંગ. મગજની નસોને ઢીલી કરવા માટે દાંત કચકચાવીએ છીએ. માથું જોરથી હલાવીએ છીએ. ઊંડા શ્વાસો ભરીએ છીએ. નિસાસો નાખીએ છીએ. રિલેક્સ ફીલ કરવા બધું કરીશું, પણ બોલશું નહીં. એટલું કહેશું નહીં કે યાર, બોલી દેને, મજા આવતી નથી. નિદા ફાઝલીએ લખેલી ગઝલની એક પંક્તિ છે, ‘અપના ગમ લે કે કહીં ઔર ન જાયા જાયે, ઘર મેં બિખરી હુઈ ચીજોં કો સંવારા જાયે.’ આપણે ગમ લઈને ફરીએ છીએ. ઘરના સંબંધોમાં જે વિખરાઈ ગયું છે એને સરખું કરતા નથી.

 

કેટલાં કપલ એવી રીતે વર્તતાં હોય છે કે, બેસ તો, મારે વાત કરવી છે, મને આ નથી ગમ્યું, હું સાચો હતો કે ખોટો? તને ક્યાં પ્રોબ્લેમ લાગે છે? ના. આપણે આવું નથી કરતા. આપણે ભાગીએ છીએ. મારે કોઈ વાત જ નથી કરવી. તને કંઈ ફેર જ નથી પડતો. તારે તારામાં કંઈ ચેઇન્જ લાવવો જ નથી. તારે તારી જ વાત સાચી માનવી છે. બીજાની કોઈ ફીલિંગ્સ તને સ્પર્શતી નથી. તારી સાથે વાત કરવાનો કોઈ મતલબ જ નથી. વાત કરવાની તૈયારી ન હોય એની વાત સાંભળવાની તૈયારી તો ક્યાંથી હોય?

 

આપણે વાતાવરણ હળવું કરવા માટે પણ નુસખા શોધતા હોઈએ છીએ. એક કપલની આ વાત છે. બંને વચ્ચે સારું બને. સારું બનતું હોય તો પણ ઝઘડા ન થાય એવું જરૂરી નથી. એ બંનેને પણ ઝઘડા થાય. માથાકૂટ થાય અને પત્ની નારાજ થઈ જાય એટલે પતિ પત્નીની અંગત ફ્રેન્ડને ફોન કરે. તારી દોસ્ત પાછી બગડી છે. કંઈક કરને, જેનાથી વાતાવરણ હળવું થઈ જાય. એ ખબર ન પડે એવી રીતે કંઈક કાર્યક્રમ ઘડી કાઢે. હસે-બોલે અને ફ્રેન્ડ અને તેના હસબન્ડ વચ્ચે સરખું થઈ જાય એવા દિલથી પ્રયાસ કરે.

 

એક સમયની વાત છે. પતિ-પત્ની વચ્ચે કોઈ વાતે ઝઘડો થયો. બોલવાનું થયું. પત્નીએ છેલ્લે એમ કહ્યું કે, એક વાત યાદ રાખજે. મારી ફ્રેન્ડને ફોન ન કરતો. તું કે એ મને ખબર ન પડે એવા પ્રયાસો કરો છો, પણ દર વખતે કંઈક બને અને મને ન સમજાય એવી હું મૂરખ નથી! આ વાત કહેવા માટે પણ પતિએ પત્નીની ફ્રેન્ડને ફોન કર્યો. ફ્રેન્ડે કહ્યું, તેની વાત સાચી છે. તેને મનાવવાનો રસ્તો તું જ શોધી કાઢ. એને માનવું હોય છે, એને પેમ્પર થવું હોય છે. ક્યાં સુધી તું મારી મદદ લેતો રહીશ? તું તારામાં જ શોધને કે એ કેવી રીતે માને? એ દિવસે પતિએ પત્નીને મનાવી. એ માની ગઈ. તેણે કહ્યું કે, તું મારી ફ્રેન્ડની મદદ લેતો હતો તેમાં કંઈ ખોટું ન હતું. તારે અલ્ટિમેટલી મને રાજી કરવી હતી. મારી ફ્રેન્ડ પણ સારી છે, મારા માટે કંઈ પણ કરે. જોકે, મને એવી ઇચ્છા હતી કે તું જ મને મનાવે.

 

એક બીજાં પતિ-પત્નીની સાવ જુદી જ વાત છે. પત્ની ક્યારેય કોઈ વાતે નારાજ ન થતી. ઝઘડો ન કરતી. ગુસ્સે ન થતી. એક દિવસ તેના હસબન્ડે પૂછ્યું કે તું ક્યારેય કેમ કોઈ વાતે નારાજ થતી નથી? પત્નીએ સાવ ટૂંકો જવાબ આપ્યો, તું મનાવતો નથીને એટલે! મારે પોતાની રીતે જ માની જવાનું હોય તો એવી નારાજગીનો મતલબ શું છે? હા, મને ઘણી વાર ગુસ્સો આવે છે, ઝઘડવાનું પણ મન થાય છે. હું નથી ઝઘડતી. સમાધાન શોધી લઉં છું. તને સમજુ છુંને! તારો મૂડ પારખું છું. તને મનાવવાની આદત જ નથી. અગાઉ એક-બે વાર નારાજ થઈ હતી. મનમાં થતું હતું કે તું મનાવે. તેં કંઈ જ ન કર્યું. જાણે કંઈ બન્યું જ નથી એવી રીતે તું રહેવા લાગ્યો. મેં મન મનાવી લીધું અને મનને મનાવ્યે રાખવાની આદત પણ કેળવી લીધી છે. ઘણા સંબંધો દેખાતા હોય છે સમજદારીવાળા, પણ હોય છે સમજૂતીવાળા.

 

સંબંધમાં ઇગ્નોરન્સ એ સૌથી ખરાબ વાત છે. ફોન બંધ કરી દેવો, ફોન ન ઉપાડવો, મેસેજનો જવાબ ન આપવો અથવા તો કંઈ જ પડી ન હોય એવું વર્તન કરવું એ ક્રૂરતાની જ એક નિશાની છે. નારાજગી છે તો કહી દોને, રાડો પાડી લોને, ઝઘડો પણ કરી લો. બસ, મનમાં કંઈ ન રાખો. એક યુવાને કહેલી આ સાવ સાચી વાત છે. તેણે લવમેરેજ કર્યા છે. તેની પત્ની સ્ટ્રોંગ નેચરની છે. તેણે કહ્યું કે, અમારે ઝઘડા થાય છે. ઘણી વખત તો એવી ફાલતું વાતોમાં ઝઘડા થાય છે કે ખુદ મને આશ્ચર્ય થાય છે કે આવા મુદ્દે તે કંઈ આટલું માથું બગાડાતું હશે, પણ અમે ઝઘડીએ છીએ. મારાથી કંઈ લોચો થઈ ગયો હોય એટલે મને ખબર જ હોય કે આજે દસ-પંદર મિનિટ સાંભળવાનું છે. હું એ તૈયારી સાથે જ જાઉં છું. એને જે બોલવું હોય એ બોલવા દઉં છું. પછી પ્રેમથી કહું છું કે હવે તેં બોલી લીધું તો હું કંઈક વાત કરું. એ ગુસ્સાથી કહેશે કે હા બોલ. હું એટલું જ કહું છું કે હું તને બહુ પ્રેમ કરું છું. એ કહે છે, હા હવે તું નાટક કર. હું એને કહું છું કે યાર, હું તને મનાવવાનો અને પટાવવાનો પ્રયાસ કરું છું અને તને નાટક લાગે છે. પ્લીઝ માની જાને. એ માની જાય છે અને હસવા લાગે છે.

 

માની જવું એ પણ એક કળા છે. ઘણાને એ કળા આવડતી નથી. ક્યારે માની જવું, વાતને ક્યાં સુધી ખેંચવી અને વાતને કેટલો વળાંક આપવો એની સમજ હોય તો પ્રેમ કે દાંપત્યજીવનમાં વાંધો નથી આવતો. ભલે બધા એમ કહેતા હોય કે ઝઘડવું ન જોઈએ, પણ એવું થતું નથી. ઝઘડો એ હ્યુમન બિહેવિયરનો એક એવો હિસ્સો છે, જે ક્યારેક ને ક્યારેક બહાર આવી જ જાય છે. ઝઘડાનો અંત તમે કેવી રીતે લાવો છો એ સૌથી મહત્ત્વનું છે. ઝઘડવામાં અને મનાવવામાં કોઈ ચોક્કસ ફોર્મ્યૂલા નથી હોતી, એ વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે. તમારી વ્યક્તિ કેવી રીતે માને છે એની તમને ખબર હોવી જોઈએ. કોઈની મનાવવાની રીત ઘણી વાર જોખમી સાબિત થતી હોય છે. તમારી રીતે મનાવો અને એ રીત એવી હોવી જોઈએ કે જે સીધી અસર કરે.

 

ઘણી વખત આપણે કોઈને હેરાન કરવા હોય ત્યારે એવું વિચારીએ છીએ કે એની દુખતી રગ મને ખબર છે. એ રગ દબાવો એટલે એની કમાન છટકે. કમનસીબી એ હોય છે કે આપણને દુખતી રગ ખબર હોય છે, સુખતી રગ ખબર હોતી નથી. પ્રેમમાં સુખતી રગની પણ ખબર હોવી જોઈએ, કે આ રગ દબાવીશ તો એ માની જશે, એ હસી પડશે અને એનો ગુસ્સો ગુમ થઈ જશે. ગમે તે કરજો, પણ મનમાં કોઈ વાત ધરબી ન રાખતા. વ્યક્ત થઈ જાવ, પ્રેમ હોય તો પણ અને ગુસ્સો હોય તો પણ. એનાથી વાત જલદી પતશે. પોતાની વ્યક્તિ સાથેના ઝઘડાની અવધિ જેટલી ટૂંકી હોય એટલાં સુખ, પ્રેમ અને હૂંફ નજીક હોય છે.

છેલ્લો સીન :

પ્રેમમાં જો દરરોજ નવીનતા ન ખીલે તો તે જરૂરથી કરમાઈ જાય છે.  – ખલિલ જિબ્રાન

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 14 ડિસેમ્બર, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

14-december-2016-63

 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “પ્રેમ હોય કે પ્રોબ્લેમ, બોલી દે, મનમાં કંઈ ન રાખ! – ચિંતનની પળે

  1. જીવન એક એવી યાત્રા છે જે દરમ્યાન અવનવા સંબંધો જાણે સહયાત્રીઓ હોય તેમ આપણી સાથે જોડાતા રહે છે. જો સાચવતા આવડે તો જીવનની પૂરી યાત્રા સુધી સંબંધો જળવાશે. નહીં તો, તોદવા તો બહુ જ સરળ છે. આમ જુઓ તો, સમયના અફાટ ફલક પર જીવન કેટલું ટૂંકું છે! આવી ટૂંકી જિંદગીમાં અણગમો, મતભેદ, મનભેદ, ઝઘડો .. ગાંઠે બાંધીને ફરવાની જરૂર ખરી? આપે આ મુદ્દો સરસ ચર્ચ્યો છે, કૃષ્ણકાંત ભાઈ! આપના લેખની વાતો મનનીય હોય છે. …. શુભેચ્છાઓ! …… હરીશ દવે અમદાવાદ

Leave a Reply

%d bloggers like this: