મારી લાગણીની તેં બસ આવી જ કદર કરી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મારી લાગણીની તેં બસ

આવી જ કદર કરી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું સદંતર ભુલાઇ જાય પછી,

ચિતા ઓલવાઇ જાઇ પછી,

વખતે તો મનાવવી નથી,

વેદનાઓ રિસાઇ જાય પછી.

હર્ષ બ્રહ્મભટ્ટ

સંબંધ અને સંવેદનાને સીધો સંબંધ છે. સંવેદનાને શબ્દો સાથે નજીકનો નાતો છે. આપણે જે બોલીએ છીએ એનાથી આપણી સંવેદનાઓ તરબતર છે કે સુકાઇ ગઇ છે છતું થાય છે. સ્નેહ હોય એના માટે સારા શબ્દો નીકળવાના છે. આપણે એવું બોલવાના જેવું આપણી અંદર ભર્યું હોય. ઝેર ભર્યું હશે તો શબ્દો કાતિલ સ્વરૂપ લઇને નીકળવાના. શબ્દો અંતે તો આપણી જેવી લાગણીઓ હોય એમાં ઝબોળાઇને આવવાનાં છે. તડકા પાસેથી તમે છાંયાની અપેક્ષા રાખી શકો. કાળઝાળ તડકામાં પણ છાંયો શીતળતા બક્ષવાનો છે. આપણી પ્રકૃતિમાં પણ તડકો, છાંયો, સધિયારો, સાંત્વના, ગુસ્સો, નારાજગી, ઉદાસી, ઉત્સાહ, ઉચાટ, આત્મીયતા, અજંપો અને બીજું એવું ઘણુંબધું હોય છે. આપણે આપણી વાણી અને વર્તન દ્વારા બધું વહેંચતા હોઇએ છીએ. ઘણા લોકો આગ જેવા હોય છે. એની નજીક જઇએ એટલે તાપ લાગે. ઘણા લોકો બાગ જેવા હોય છે. એની નજીક જઇએ એટલે સુગંધ આવે. દરેક માણસે ચેક કરતાં રહેવું જોઇએ કે, મારી અંદર શું ભર્યું છે? મગજ ફાટ ફાટ કેમ થાય છે? કોઇને સુખી જોઇને કેમ દુ:ખી થઇ જવાય છે? કોઇની પ્રગતિ કેમ સહન નથી થતી? કોઇ કેમ સારું નથી લાગતું? જિંદગી કેમ સાવ નકામી લાગે છે?

એક શિલ્પકાર હતો. તેને એક મૂર્તિનું સર્જન કરવું હતું. મૂર્તિ બનાવવા માટે તેણે વિશાળ પથ્થર લીધો. પથ્થર એકદમ બેડોળ હતો. મૂર્તિ બનાવવાની જગ્યાએ તેણે પથ્થર ગોઠવ્યો. પથ્થરની પૂજા કરી. દીવો કર્યો. તિલક કર્યું. શક્તિની આરાધના કરી. બીજા દિવસે પણ શિલ્પકારે એવું કર્યું. ત્રીજા દિવસે પણ રીતે પૂજા કરી. દૃશ્ય જોઇને શિલ્પકારના મિત્રએ પૂછ્યું, તું શું કરે છે? આવા બેડોળ પથ્થરની પૂજા? શિલ્પકારે કહ્યું, તને જે પથ્થર લાગે છે એમાં મને મૂર્તિના દર્શન થાય છે. મૂર્તિ મારા મનમાં છે, જે પથ્થર મને આપવાનો છે. હું પથ્થરને રીઝવું છું. અઠવાડિયું પૂજા કરીને જ્યારે હું પહેલું ટાંકણું મારીશ ત્યારે મને ઘાટ આપવાનું શરૂ કરશે. એક એક ટાંકણે ઘંટારવ સંભળાયને તો મૂર્તિ પૂજવાલાયક બને. મૂર્તિ બને પછી તો બધા પૂજવાના છે. મને તો ખબર છે કે, આમાં કેવી મૂર્તિ છે. આપણી નજીકની વ્યક્તિઓમાં પણ એવી કોઇક મૂર્તિ, એવી કોઇ પ્રતિભા, એવી કોઇ ખૂબી, એવી કોઇ અલૌકિકતા હોય છે. એની આગોતરી જાણ હોય સંબંધનો સાચો શિલ્પકાર બની શકે છે. ઘણા લોકો ખાણમાં પથ્થરો તોડનારાની પ્રકૃતિવાળા હોય છે. વિસર્જનની વૃત્તિવાળા સર્જનને સમજી શકે કે ન કંઇ સર્જી શકે.

આપણી આજુબાજુમાં જે કંઇ ઘટનાઓ બને એનો પ્રતિભાવ આપણે આપતાં હોઇએ છીએ. આપણા પ્રતિભાવ અને પ્રતિસાદ કેવા હોય છે? કોઇને ઉતારી પાડવા બહુ સહેલા છે. કોઇને હિંમત આપવી, કોઇને પ્રોત્સાહન આપવું, કોઇને ટકાવી રાખવા, કોઇની કદર કરવી આવડત બધામાં નથી હોતી. એક પેઇન્ટર હતો. દેશ અને દુનિયામાં તેમનું નામ હતું. એક વખત તેઓ એક કાર્યક્રમમાં ગયા. એક નવોસવો પેઇન્ટર તેનું પેઇન્ટિંગ બતાવવા આવ્યો. પેઇન્ટિંગ સાવ નબળું હતું. પેઇન્ટરે શાંતિથી પેઇન્ટિંગ જોયું. તેણે કહ્યું, સરસ બનાવ્યું છે. બસ, થોડીક શાર્પનેસની જરૂર છે. પ્રેક્ટિસ કરશો એટલે થઇ જશે. નવો પેઇન્ટર થેંક યુ કહીને ચાલ્યો ગયો. મહાન પેઇન્ટરની સાથે જે વ્યક્તિ હતી, તેણે કહ્યું કે, એનું ચિત્ર તો સાવ સામાન્ય કક્ષાનું હતું. તમે એના ખોટા વખાણ કર્યાં હોય એવું નથી લાગતું? પેઇન્ટરે કહ્યું, ના. એનું કારણ છે કે, જ્યારે મેં પેઇન્ટિંગની શરૂઆત કરી, ત્યારે હું પણ એના જેવા પેઇન્ટિંગ કરતો હતો. મારા જૂના પેઇન્ટિંગ હું જોઉં છું ત્યારે મને પણ એમાં અનેક ખામીઓ દેખાય છે. મેં જ્યારે યુવાનનું ચિત્ર જોયું ને ત્યારે મેં મારી આજની કક્ષાએથી નહીં, પણ એના જેવડો હતો કક્ષાએ જઇને જોયું હતું. માની લઇએ કે થોડુંક નબળું છે, પણ એને નબળા શબ્દો કહીને મારે વધુ નબળું બનાવવું નહોતું. શબ્દોમાં ગતિ આપવાની અને મતિ બગાડવાની તાકાત હોય છે. સારા બે શબ્દો કોઇની તાકાત વધારી દે છે અને નબળા શબ્દો કોઇને આગળ વધવા દેતા નથી.

આપણા સંબંધોનો આધાર પણ એના પર રહે છે કે, આપણે આપણી વ્યક્તિની કેટલી અને કેવી કદર કરી જાણીએ છીએ! એક કપલની વાત છે. એક વખત નજીકના મિત્રોને તેમણે ઘરે જમવા બોલાવ્યા. પત્નીએ ખૂબ ઉત્સાહથી બધા માટે સરસ સરસ વાનગી બનાવી હતી. જમતી વખતે બધા મોંઢામાં આંગળાં નાખી ગયાં. એક મિત્રએ કહ્યું કે, વાહ, શું સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું છે. સાંભળીને એના પતિએ કહ્યું, એને બીજું આવડે છે શું? આખો દિવસ રસોડામાં તો હોય છે! બહારની દુનિયાની એને કંઇ ખબર ક્યાં પડે છે? થોડીક વાર સોંપો પડી ગયો. એક મિત્રએ વાત વાળી લીધી. બધા ગયા પછી પત્નીએ કહ્યું કે, બસ, તેં મારી આવી કદર કરી?

આપણી વ્યક્તિ આપણા માટે કંઇક ને કંઇક કરતી હોય છે. એક પ્રેમીપ્રેમિકા હતાં. પ્રેમિકાને નાની નાની વાતે સરપ્રાઇઝ આપવાની આદત હતી. સરપ્રાઇઝની દરેક ઘટનામાં એને ગજબનો રોમાંચ થતો. એના પ્રેમીને સરપ્રાઇઝથી બહુ ફેર નહોતો પડતો. તેને થતું કે, શું બધું સંતાડીને, છુપાવીને અને જાણે કોઇ મોટો રહસ્યસ્ફોટ કરતી હોય એવી રીતે બધું કરવાનું? આમ છતાં તેની પ્રેમિકા જ્યારે સરપ્રાઇઝ આપતી ત્યારે દિલથી ખુશી વ્યક્ત કરતો. નાટક કરતો પણ ખરેખર પોતે સરપ્રાઇઝ થયો હોય એવો પ્રતિભાવ આપતો. એક દિવસ તેના મિત્રએ કહ્યું, તું શું આમ સાવ નાનીનાની વાતમાં આટલો બધો રિસ્પોન્સ આપે છે? તને તો સરપ્રાઇઝ ગમતાં નહોતાં ને? પ્રેમીએ કહ્યું કે, તારી વાત સાચી છે. મને સરપ્રાઇઝથી બહુ ફેર પડતો નથી, પણ જે રીતે સરપ્રાઇઝ આપે છે એનાથી ચોક્કસ ફેર પડે છે! સરપ્રાઇઝ આપતી વખતે એના ચહેરા પર જે રોમાંચ હોય છે, ગજબનો હોય છે. એનો રોમાંચ મરી જાય માટે હું તેને સારો પ્રતિભાવ આપું છું.

આપણી કદર કદરૂપી બની જાય એની પણ કેર રાખવી પડતી હોય છે. ઘણાને વખાણ કરવાનું પણ આવડતું હોતું નથી. વખાણ કરશે તો પણ ટોણાં મારીને કરશે. કોઇએ કંઇ સારું કર્યું હશે તો કહેશે કે, આજ તો ભાઇ બહુ હવામાં હશે ને કંઇ! કોઇ દિવસ કર્યું નહોતું એવું કામ જો કર્યું છે ભાઇએ! કદર કેવી રીતે કરીએ છીએ તેનાથી પણ બહુ મોટો ફેર પડે છે. એક પતિપત્ની પોતાની ઓફિસમાં સાથે કામ કરતાં હતાં. બંનેએ બીજા લોકોને પણ પોતાની ફર્મમાં જોબ પર રાખ્યા હતા. એમાં પત્નીની એક મિત્ર પણ હતી. પત્ની ગમે એટલું સારું કામ કરે, તો પણ પતિ એને એપ્રિશિયેટ કરે! એક વખત પત્નીની ફ્રેન્ડે હળવાશમાં કહ્યું, તારા પતિમાં સેન્સ ઓફ એપ્રિશિયેશન જેવું કંઇ છે નહીં. વાત સાંભળીને તેની મિત્રએ કહ્યું, હા, મારો પતિ મારા વખાણ નથી કરતો, પણ તને બીજી એક ખબર છે, મારાથી કંઇ ભૂલ થઇ જાય તો મને ટોણાં પણ નથી મારતો, ખખડાવતો નથી કે ડિસ્કરેજ નથી કરતો. સારું કરું ત્યારે કંઇ ભલે કહેતો હોય, પણ કંઇ ખોટું કે ખરાબ થાય ત્યારે મને હંમેશાં સાચવી લે છે. ચાલ્યા રાખે, થઇ જશે, બધાંથી આવું થાય. મારાથી પણ થાય છે. તું વાતને દિલ પર લેતી! કઇ વાતને દિલ પર લેવી જો આપણને ખબર હોય ને તો વાંધો આવે. હું એની મજાની વાતને દિલ પર લઉં છું કે એનામાં કેટલી બધી ખૂબી છે કે, મને જરાયે નીચી દેખાવવા નથી દેતો! આપણી વ્યક્તિને નીચી દેખાવવા દેવી પણ એને ઊંચાઇ આપવા જેવું ઉમદા કામ છે. તમે તમારી વ્યક્તિ સાથે કઇ રીતે પેશ આવો છો? એક વાત યાદ રાખજો, જેવી રીતે તમે પેશ આવશો એવી રીતે સામેની વ્યક્તિ પણ પેશ આવશે. પડઘા માત્ર અવાજના નથી પડતાં, વર્તનના પણ પડતાં હોય છે!

છેલ્લો સીન :

જે લોકોને કદર કરતા નથી આવડતું, લોકો ક્યારેય કદરને લાયક પણ બની શકતા નથી. કદર એની થાય છે, જેનામાં બીજાની કદર કરવાની કુનેહ છે.           કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 24 ફેબ્રુઆરી 2021, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *