વિદેશ જઇને વસી જવાનો મોહ
સૌથી વધુ ભારતીયોને જ છે!
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
*****
આપણા દેશના લોકોને ફોરેનનો ગજબનો મોહ છે.
બધા એવું માને છે કે વિદેશ જવા મળે એટલે બેડો પાર થઈ જશે.
ત્યાં જઈને પછી ભલેને ઢસરડા કરવા પડે!
*****
દુનિયાના જુદા જુદા દેશોમાં 1.8 કરોડ ભારતીયો વસે છે.
આ આંકડો દુનિયાના કોઈ પણ દેશ કરતાં વધારે છે.
દેશને જરૂર હોય એવા લોકો પણ દેશ છોડીને ચાલ્યા જાય છે!
*****
વાતની શરૂઆત હમણાં જ બનેલી એક સાચી ઘટનાથી કરવી છે. એક નામાંકિત મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી એમબીએ થયેલા યુવાનને અમેરિકાની એક કંપનીમાંથી જોબની ઓફર મળી. આ યુવાને ઓફર નકારી દીધી. તેના મિત્રોએ કહ્યું કે, તું તો સાવ મૂરખ છે. અમેરિકા જવા મળે તો વિચાર થોડો કરવાનો હોય? એ યુવાને કહ્યું, કેમ? ત્યાં શું દાટ્યું છે? અમેરિકામાં જ રહેતા મારા એક સ્વજને એવું કહ્યું કે, ભારતમાં મહિને એક-દોઢ લાખની આવક હોય અને ઘરનું ઘર હોય તો ભારતમાં જ રહેવાય. ભારત જેવી મજા ક્યાંય નથી. બધાને એમ છે કે, અમેરિકા જશું એટલે બેડો પાર થઈ જશે પણ એવું નથી. હા, કદાચ થોડાક રૂપિયા વધારે કમાઇ શકીએ પણ બીજા બધા સુખનું શું? ફેમિલી અને ફ્રેન્ડ્સ જ્યાં છે ત્યાં જ જીવવાની મજા છે. એ યુવાને અમેરિકા જવાનું માંડી વાળ્યું, બાકી મોકો મળે તો મોટા ભાગના લોકો દેશમાંથી ઉચાળા ભરી જવા રેડી જ છે!
યુનાઇટેડ નેશન્સે હમણાં બહાર પાડેલા એક રિપોર્ટમાં એવું જણાવાયું છે કે, ભારતના 1.80 કરોડ લોકો દુનિયાના જુદા જુદા દેશોમાં વસે છે. બીજા દેશોમાં જઇને વસનારાઓમાં લોકોમાં ભારત ટોપ પર છે. ભારત પછી 1.18 કરોડ સાથે મેક્સિકો બીજા નંબરે અને 1.07 કરોડ સાથે ચીન ત્રીજા નંબરે છે. પાકિસ્તાનના 63 લાખ લોકો બીજા દેશોમાં વસે છે. આપણા દેશના 35 લાખ લોકો યુએઇ, 27 લાખ લોકો અમેરિકા, 25 લાખ સાઉદી અરેબિયામાં વસે છે. બ્રિટન, આફ્રિકન દેશો સહિત એવો ભાગ્યે જ કોઇ દેશ હશે, જ્યાં ભારતીયો પહોંચ્યા ન હોય. આ હકીકતના પ્લસ પોઇન્ટ્સ જોઇએ તો, સૌથી મોટી વાત એ કે વિદેશમાં વસતા ભારતીયો દર વર્ષે દેશમાં પાંચ લાખ કરોડ રૂપિયા મોકલે છે. માઇગ્રેશન માટે હિંમત જોઇએ. સાવ અજાણ્યા દેશમાં જઇને પેટીયું રળવું એ પથ્થરમાંથી પાણી કાઢવા જેવું કામ છે. ભારતીયો હમણાંથી નહીં, યુગો યુગોથી વિદેશ કમાવવા અને નામ કાઢવા ગયા છે. સાવ ખાલી હાથે જઇને બે પાંદડે થયા હોય એવા કિસ્સાઓ પણ અસંખ્ય છે. અંગ્રેજો ભારતીયોને આફ્રિકન દેશોમાં રેલવેના પાટા નાખવા અને બીજાં મજૂરીનાં કામો કરાવવા લઇ ગયા હતા. એમાંથી મોટા ભાગના લોકોની ત્રીજી કે ચોથી પેઢી અત્યારે આફ્રિકન દેશોમાં દોમ દોમ સાહ્યબીમાં જીવે છે. ભારતીયો બધે આગળ આવે છે, એનું કારણ એમની સખત મહેનત છે. કામ કરતી વખતે એ ઘડીયાળની સામે નથી જોતા. જે કામ મળે એ કરી લે છે. રસ્તાઓ કાઢવાની એનામાં ગજબની કુનેહ છે. વિદેશ જઇને દેશનું નામ રોશન કર્યું હોય, એમાં ગુજરાતીઓ અમે પંજાબીઓની સંખ્યા બીજાં રાજ્યોની સરખામણીએ વધુ છે.
માઇગ્રેશનના અગાઉના ઘણા કિસ્સાઓમાં દેશ છોડીને જવા પાછળ મજબૂરી કારણભૂત હતી. દેશમાં કોઇ મોકો મળતો ન હોય અને વિદેશમાં મેળ પડી જાય તો રવાના થઇ જવાનું. હવે જે લોકો જાય છે એના કિસ્સાઓ થોડાક જુદા છે. હવે બ્રેઇન ડ્રેઇનના કિસ્સાઓ વધુ જોવા મળે છે. આપણા દેશમાં ભણી ગણીને આગળ વધીને યુવાનો વિદેશ ચાલ્યા જાય છે. ક્યારેક સવાલ થાય કે, પ્રતિભાશાળી લોકો વિદેશ જવાને બદલે દેશમાં રહ્યા હોત તો આપણો દેશ આજે ક્યાંનો ક્યાં હોત? અલબત્ત, તેની સામે એવી દલીલો પણ કરવામાં આવે છે કે, આપણા દેશમાં હોંશિયાર માણસની કદર જ ક્યાં છે? અહીં તો જેની પહોંચ હોય એ સારી સારી જગ્યાઓએ ગોઠવાઇ જાય છે. તમે તમારી મહેનતે આગળ આવ્યા હોવ તોપણ લોકો તમારાં ટાંટિયાં ખેંચવા રેડી જ હોય છે. ઇન્ડિયાની સિસ્ટમ જ ખરાબ છે. વિદેશમાં તમારી કદર થાય છે. સારાં નાણાં મળે છે. વિદેશથી તમે ભારત આવો તોપણ તમારા માન-પાન વધી જાય છે. આ વાત સાવ ખોટી નથી પણ તદ્દન સાચી પણ નથી. જો એવું જ હોત તો દેશ આજે છે એ કક્ષાએ પહોંચ્યો ન હોત. આપણે ત્યાં પણ હવે એવી તકો ઊભી થઇ છે કે વિદેશ ગયેલા લોકોને પણ પાછા આવતા રહેવાનું મન થાય. લાઇફ સ્ટાઇલથી માંડીને વર્કિંગ એટમોસ્ફિયરમાં પણ જબરજસ્ત સુધારો થયો છે. બ્રેઇન ગેઇન ટ્રેન્ડ શરૂ થયો છે પણ એ બહુ ધીમો છે.
ક્યાં રહેવું, શું કરવું, દેશના વિકાસ અને લોકોની સેવા માટે દેશમાં રહેવું કે કમાવવા માટે વિદેશ જવું, એ નિર્ણય કરવાનો દરેકને અધિકાર છે. વિદેશ જવાની ધેલછા એ વળી જુદો જ પ્રશ્ન છે. આપણે ત્યાં એવા ઘણા કિસ્સાઓ જોવા મળે છે કે, દેશમાં બધું હોવા છતાં હાથે કરીને દુ:ખી થવા કેટલાક લોકો વિદેશ જાય. એક સાવ સાચો કિસ્સો છે. એક ડોક્ટર પિતાએ એના દીકરાને ભણાવી ગણાવીને ગોલ્ડ મેડાલિસ્ટ ડોકટર બનાવ્યો. દીકરા માટે પોતાની હોસ્પિટલ પણ તૈયાર હતી. દીકરાને અમેરિકા જવા મળ્યું તો એ બધું છોડીને ચાલ્યો ગયો. તેના પિતાએ કહ્યું કે, આખી જિંદગી શાંતિથી જીવાય એટલું અને એવું બધું જ અહીં હતું છતાં એ ચાલ્યો ગયો. ‘નામ’ ફિલ્મમાં ‘ચિઠ્ઠી આઇ હે, આઇ હે, ચીઠ્ઠી આઇ હે…’ એવું એક ગીત છે. ગીતમાં એક પંક્તિ એવી છે કે, ‘દેશ પરાયા છોડ કે આ જા, પંછી પિંજરા તોડ કે આ જા, આ જા, ઉંમર બહોત હે છોટી, અપને ઘર મેં ભી હૈ રોટી!’ દરેકની પોતાની વેદના છે અને દરેકની પોતીકી સંવેદનાઓ પણ છે. કોઇ વિદેશ જવા ઝંખે છે, તો કોઇ વિદેશ ગયા પછી દેશ માટે ઝૂરે છે. જે ત્યાં છે એ અહીં નથી, અહીં જે છે એ ત્યાં દુર્લભ છે. વિદેશ જઇને વસવા કે ન વસવા વિશે દરેકની પોતપોતાની માન્યતાઓ અને માનસિકતાઓ છે. જેને જે સાચું લાગે અને જેને જે ખોટું લાગે એ એમને મુબારક. બાય ધ વે, તમને મોકો મળે તો તમે વિદેશ ચાલ્યા જાવ કે નહીં?
પેશ-એ-ખિદમત
દુનિયા શાયદ ભૂલ રહી હૈ,
ચાહત કુછ ઉંચા સુનતી હૈ,
આઓ ગલે મિલ કર યે દેખે,
અબ હમ મેં કિતની દૂરી હૈ.
-શારિક કૈફી
( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 28 ફેબ્રુઆરી 2021, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com