ગ્વાટેનામો બે : દુનિયાની સૌથી ક્રૂર જેલની કથાઓ ખૂબ ડરામણી છે! : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

ગ્વાટેનામો બે : દુનિયાની સૌથી ક્રૂર

જેલની કથાઓ ખૂબ ડરામણી છે!

દૂરબીનકૃષ્ણકાંત ઉનડકટ

*****

આખી દુનિયામાં અત્યારે જો સૌથી વિવાદાસ્પદ કોઇ જેલ હોય તો

એ ગ્વાટેનામો બે જેલ છે. આ જેલમાં અમેરિકાની અનેક ક્રૂર કથાઓ

દફનાયેલી છે. હવે અમેરિકાને આ જેલ બંધ કરવી છે

*****

ગ્વાટેનામો જેલ વિશ્વની સૌથી મોંઘી જેલ છે.

આ જેલમાં જે ખર્ચ થાય છે એ કેદીઆનું ધ્યાન રાખવા માટે નહીં પણ

તેના પર અત્યાચાર ગુજારવા પાછળ થાય છે

*****

જેલનું નામ પડે એટલે આપણી નજર સામે ઊંચી ઊંચી દીવાલોની વચ્ચે નાની નાની ઓરડીઓ, કેદીઓના ખતરનાક ચહેરાઓ, ગંદકી, જેલની અંદર ચાલતા અત્યાચારો અને દાદાગીરીનાં દૃશ્યો ખડાં થઇ જાય. જેલની આપણી કલ્પનાઓ મોટા ભાગે ફિલ્મ કે વેબ સીરિઝમાં જોયેલી જેલ પૂરતી મર્યાદિત હોય છે. વાસ્તવિક જેલ ઘણી બધી જુદી હોય છે. એમાં પણ દુનિયાની કેટલીક જેલ ક્રૂરતાના જીવતા જાગતા પ્રતીક જેવી છે. દુનિયામાં અત્યારે સૌથી વગોવાયેલી જેલોમાં ગ્વાટેનામો બે જેલનું નામ મોખરે છે. હિટલરના નાઝી કેમ્પની ક્રૂર કથાઓ છે એના જેવી જ અને અમુક કિસ્સાઓમાં તો એને પણ ટક્કર મારે તેવી કાતિલ કથાઓ આ જેલમાં સર્જાઇ છે. અમેરિકાએ માત્ર આતંકવાદી હોવાની શંકાએ કેટલાક લોકોને પકડીને આ જેલમાં ધકેલી દીધા હતા. આતંકવાદ વિશે માહિતી ઓકાવવા માટે એ લોકો સાથે જે વ્યવહાર થયો એ રૂંવાડા ઊભા કરે દે તેવો છે. આ જેલના કારણે અમેરિકાનો ક્રૂર ચહેરો દુનિયા સામે આવ્યો હતો. ક્યુબાના એક ટાપુ પર અમેરિકન સેનાનું થાણું છે. આ સ્થળે 2002માં અમેરિકાએ એક વિશેષ જેલ બનાવી હતી. અલકાયદાના આતંકવાદીઓએ તારીખ 11મી સપ્ટેમ્બર, 2001ના રોજ વિમાનોને હાઇજેક કરીને અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો હતો. આ ઘટના પછી અમેરિકાએ વોર અગેઇન્સ્ટ ટેરરિઝમ શરૂ કરીને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. એ સાથે જ ઓસામા બિન લાદેન ક્યાં છુપાયો છે? આતંકવાદીઓના ઇરાદાઓ શું છે? એવું બધું જાણવા માટે આતંકવાદીઓને પકડવાનું પણ શરૂ કર્યું હતું. અફઘાનિસ્તાન, પાકિસ્તાન સહિત અનેક દેશોમાંથી આતંકવાદીઓને ઉઠાવી લેવામાં આવ્યા હતા. અમેરિકા એ બધાને અમેરિકામાં રાખવા ઇચ્છતું નહોતું એટલે તેણે ક્યુબામાં એક વિશેષ જેલ બનાવી. આ જેલનો આઇડિયા તે વખતના પ્રેસિડેન્ટ જ્યોર્જ ડબલ્યૂ બુશની સરકારનો હતો.

જેલ બન્યા પછી થોડા જ સમયમાં આ જેલની કેટલીક તસવીરો બહાર આવી હતી. આ તસવીરોએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી. જે કેદીઓને ત્યાં રાખવામાં આવ્યા હતા તેના હાથમાં હાથકડી અને પગમાં એવી બેડીઓ હતી કે જરાયે હલનચલન થઇ શકે નહીં. અમુક તસવીર અમેરિકન સેનાના જવાનો કેદીઓને પકડીને લઇ જતા હોય એની હતી. એ તસવીરમાં કેદીની હાલત એવી હતી કે, તે ઢસડાતો હતો, ચાલવાની કે ઊભા રહેવાની ત્રેવડ જ નહોતી. તેના ઉપરથી એ સાબિત થતું હતું કે, કેદીઓ ઉપર ભંયકર જુલમ ગુજારવામાં આવ્યા છે. જે લોકો આ જેલમાં જઇ આવ્યા છે તેમણે એવી વાતો કરી છે કે, આના કરતાં તો કદાચ નર્ક પણ સારું હોય. છ બાય છની કોટડીમાં 12 કેદીઓને રાખવામાં આવતા હતા. એક-બીજા સાથે વાત કરવાની મનાઇ હતી. ક્યારેક આંખે પટ્ટીઓ બાંધી દેવામાં આવતી તો ક્યારેક મોઢે ડૂચા મારી દેવામાં આવતા. એવી રીતે માર મારતા કે માણસ કરગરી ઉઠે કે, આના કરતાં તો અમને જાનથી મારી નાખો.

આ જેલના અત્યાચારોની વિગતો બહાર આવી પછી અમુક અમેરિકનોએ એવું પણ કહ્યું હતું કે, જે થાય છે એ બરાબર છે. એ લોકો સાથે તો આનાથી પણ બદતર વ્યવહાર થવો જોઇએ. એ બધા આતંકવાદીઓ છે. બીજાને મારવામાં જરાયે વિચાર કરતા નથી એના પર દયા થોડી ખાવાની હોય? તેની સામે રેડક્રોસ, માનવ અધિકાર પંચ સહિત અનેક સંસ્થાઓએ એવું કહ્યું હતું કે, તમે આતંકવાદી સામે કેસ ચલાવીને જો એ ગુનેગાર હોય તો એને મૃત્યુદંડ સુધીની સજા ફટકારો પણ કેદીઓ સાથે જે થઇ રહ્યું છે એ બંધ કરો. અમુક લોકોને તો માત્ર શકના આધારે જ આ જેલમાં ધકેલી દેવાયા હતા.

આ જેલ વિશે બીજી રસપ્રદ બાબત એ છે કે, ગ્વાટેનામો બે જેલ દુનિયાની સૌથી મોંધી જેલ છે. એક કેદી પાછળ અહીં વર્ષે દહાડે 5.6 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. અત્યારે આ જેલમાં 40 જેટલા કેદીઓ હોવાનું કહેવાઇ રહ્યું છે. 700થી વધુ કેદીઓ આ જેલમાં જઇ આવ્યા છે. જેલનો બીજો ખર્ચ વર્ષે 9 અબજ રૂપિયાથી વધુ છે. ખર્ચના આવા આંકડા સાંભળીને એવું વિચારવાની જરાયે જરૂર નથી કે ત્યાં કેદીઓની કાળજી રાખવામાં આવે છે, ત્યાં જે રીતે મારપીટ અને અત્યાચાર થાય છે એવા બીજે ક્યાંય થતા નથી.

અમેરિકાના નવા પ્રેસિડેન્ટ જો બાઇડેન હવે આ ગ્વાટેનામો જેલને બંધ કરવાનું વિચારી રહ્યા છે. તેઓ પહેલા પ્રેસિડેન્ટ નથી જેમને આવી ઇચ્છા થઇ હોય. બરાક ઓબામા પ્રેસિડેન્ટ હતા ત્યારે તેમણે આ જેલ બંધ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ઓબામાએ ત્યાં સુધી કહ્યું હતું કે, મને જો સેનેટનો સાથ નહીં મળે તો હું વીટો વાપરીશ. જોકે ઓબામા આ જેલને બંધ કરાવી શક્યા નહોતા. ડોનાલ્ડ ટ્રમ્પે તો ચોખ્ખા શબ્દોમાં ના જ કહી દીધી હતી કે, ગ્વાટેનામો જેલ બંધ નહીં થાય. ગ્વાટેનામો જેલ બંધ કરીને અમેરિકા પોતાના દામન પર જે કાળા ડાઘા લાગ્યા છે એ મિટાવવાનો પ્રયાસો કરે છે. આ જેલમાં જે બન્યું છે એની આછી પાતળી કથાઓ જ બહાર આવી છે. હજુ એવું ઘણું બધું આ જેલની જમીનમાં ધરબાયેલું છે, જે વહેલું કે મોડું બહાર આવવાનું જ છે. અમેરિકાને એ ભય સતાવી રહ્યો છે કે, જો સાચી વાતો બહાર આવી ગઇ તો અમેરિકાનો એક વિકૃત ચહેરો દુનિયાની સામે આવી જશે! કહેવાવાળા તો ત્યાં સુધી કહે છે કે, અમેરિકા આ જેલ બંધ કરી દેશે પછી પણ એનાં કાળાં કારનામાંઓ બંધ થઇ જાય એ વાતમાં માલ નથી. જે દેશના પોલીસ પોતાના દેશના અશ્વેતો સાથે સરાજાહેર ક્રુરતા આચરી શકતા હોય એ આતંકવાદની શંકા હોય એના પર તો શું નહીં કરતા હોય એની જ કલ્પના થઇ શકતી નથી!  

————————

પેશ-એ-ખિદમત

હિજ્ર હો યો વિસાલ હો કુછ હો,

હમ હૈ ઔર ઉસ કી યાદગારી હૈ,

જો ગુજારી ન જા સકી હમ સે,

હમને વો જિંદગી ગુજારી હૈ.

-જૌન એલિયા

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 21 ફેબ્રુઆરી 2021, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *