તને તો મારી જરાયે દયા પણ આવતી નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તને તો મારી જરાયે

દયા પણ આવતી નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હાથ ધોઇ એ રીતે પાછળ પડી,

જિંદગી કારણ વિના કાયમ લડી,

હું નહીં જીવી શકું તારા વગર,

ધારણાઓ કેટલી ખોટી પડી!

-અર્પણ ક્રિસ્ટી

આપણે આપણી વ્યક્તિ સાથે કેવી ભાષામાં વાત કરીએ છીએ અને તેની સાથે કેવું વર્તન કરીએ છીએ તેના પરથી આપણા સંબંધની કક્ષા નક્કી થતી હોય છે. માત્ર સાથે રહેતાં હોઇએ એટલું પૂરતું નથી, સાંનિધ્ય સજીવન હોવું જોઇએ. આદરની ચાદર ન હોય તો સંબંધો ઉઘાડા પડી જાય છે. માણસ ઓળખાઇ જાય છે. ઘણા લોકો પોતાના લોકો સાથે જ એવું વર્તન કરતાં હોય છે કે આપણને સવાલ થાય કે આને સાબિત શું કરવું છે? માણસને પોતાની વ્યક્તિ સાથે એટલું જ સાબિત કરવાનું હોય છે કે, હું તને પ્રેમ કરું છું. તું મારી પ્રાયોરિટી છે, તું મારા માટે અપવાદ છે, તારાથી વધુ કશું જ નથી! મજાની વાત એ છે કે જો પ્રેમ હોય તો એ આપોઆપ સાબિત થઇ જાય છે. એના માટે કોઇ પ્રયાસ કરવા પડતા નથી. પ્રયાસ કરવા પડે તો સમજવું કે સંબંધમાં સહજતાનો અભાવ છે. પોતાની વ્યક્તિ નારાજ હોય ત્યારે એને મનાવવાનો પ્રયાસ કરીએ એમાં અભાવ નથી હોતો, એમાં પ્રેમભાવ હોય છે. મનાવવાનું બંધ થાય ત્યારે અભાવની શરૂઆત થતી હોય છે.

સંબંધોમાં પણ અમુક સમયે માણસ રીઢો થઇ જાય છે. એક હદ પછી એને કોઇ ફેર પડતો નથી. ફેર ન પડે ત્યારે વર્તન અનફેર થવા લાગે છે. ભલે ઝઘડતા હોઇએ, પણ ફેર તો પડવો જ જોઇએ. એક કપલની વાત છે. ક્યારેક કોઇ વાતે ઝઘડો થઇ જતો. બંને વચ્ચે પ્રેમ તો હતો જ, પણ પ્રેમ હોય એટલે ઝઘડો ન થાય એવું જરૂરી થોડું છે? ઝઘડો થાય એટલે પતિ મોઢું ફુલાવીને બેસી જાય. બોલે તો નહીં, પણ જમવાનીયે ના પાડી દે! પતિ ભૂખ્યો હોય એ પત્નીથી સહન ન થાય. પત્ની આખરે મનાવે કે, ‘ચાલ હવે જમી લે! તું નહીં જમે તો હું પણ નહીં ખાઉં!’ પતિને પણ એવું તો થાય જ કે, એ પણ જમી નથી, એ પણ ભૂખી છે! પતિ આખરે એવું બોલીને જમવા બેસી જાય કે, ‘તને ભૂખી નથી રાખવી એટલે જમવા બેસું છું!’ ઝઘડા પછી પણ આપણને ફેર પડતો હોય તો સમજવું કે પ્રેમ બરકરાર છે! ખાવું હોય તો ખાય નહીંતર કંઇ નહીં એવું વિચારીને પોતે જમી લે અથવા તો મારે ખાવું નથી એમ કહ્યા પછી બહાર જઇને કંઇક ખાઇ આવે તો સમજવું કે, હવે ફેર પડતો નથી. જિંદગી તો ફેર ન પડે તોય ચાલતી જ રહેવાની છે, પણ દરેક ચાલતી જિંદગી જીવાતી હોતી નથી! અમુક જિંદગી ઢસડાતી હોય છે.

કેટલાક ઘરો સમરાંગણ જેવાં હોય છે. ઝપાઝપી માત્ર શારીરિક જ નથી હોતી, માનસિક પણ હોય છે. ટોર્ચર જેવી હિંસા બીજી કોઇ નથી. શબ્દોનો જ્યારે શસ્ત્ર તરીકે ઉપયોગ થતો હોય ત્યારે સંબંધો છેદાતા હોય છે. શબ્દોના ઘા માણસને ચીરી નાખે છે. તેજાબ જેવા શબ્દો માણસને બાળી નાખે છે. એક દંપતીની આ વાત છે. પતિ-પત્ની બંને આખો દિવસ ઝઘડ્યે જ રાખે. પાડોશમાં રહેતા એક વડીલ બંનેને સમજાવે પણ એ બંનેને કંઇ ફેર જ પડતો નહીં. એક વખત પત્નીએ એ વડીલને પૂછ્યું કે, ‘તમને અમારાં પર ગુસ્સ આવતો હશે ને?’ પેલા વડીલે કહ્યું, ‘ના, મને ગુસ્સો નથી આવતો, પણ તમારા બંનેની દયા  આવે છે. તમે જે રીતે જીવો છો, એ રીતે ન જીવાય. તમારી કોઇ દયા ખાય એના જેવી કરુણતા બીજી કોઇ નથી! તમને તો એકબીજાની દયા પણ નથી આવતી!’

દયા શબ્દ સાથે એક લાચારી જોડાયેલી હોય છે. દયાપાત્ર બનવું એ કમનસીબી છે. એક પતિ-પત્ની હતાં. બંને ઝઘડે ત્યારે અબોલા લઇ લે. નારાજગી લાંબી ખેંચાય. એક વખત ઝઘડો થયો એ પછી વાત લાંબી ચાલી. પત્ની ગુસ્સામાં એવું બોલી ગઇ કે, ‘તને તો મારી જરાયે દયા પણ નથી આવતી!’ આ વાત સાંભળી પતિથી ન રહેવાયું. પત્ની પાસે આવીને એણે કહ્યું કે, ‘પ્લીઝ, આવું ન બોલ! દયા જેવો શબ્દ ન વાપર! હું નારાજ છું એ સાચું, પણ મને તારી દયા ખાવી ન ગમે! દયા ત્યાં હોય જ્યાં લાચારી હોય! દાંપત્યમાં દયાની વાત ન હોય! મારે તને ક્યારેય દયાપાત્ર બનાવવી નથી કે ક્યારેય દયાપાત્ર જોવી નથી.’ પતિએ પત્નીને મનાવી લીધી અને એવું પ્રોમિસ પણ લીધું કે હવે પછી ક્યારેય દયાય નથી આવતી એવું ન બોલતી!

જે સંબંધ દયા પર નભતો હોય, એમાં કોઇ દમ નથી હોતો. એક પતિ-પત્નીની આ સાવ સાચી વાત છે. પત્ની ગરીબ ઘરની હતી. પતિ ગર્ભશ્રીમંત હતો. પત્ની ગરીબ હતી, પણ સંસ્કારી હતી. સંપત્તિના કારણે બગડેલા પતિને પણ સાચવી લેતી. એક વખત બંને વચ્ચે ઝઘડો થયો. પત્ની ઘર છોડીને પિયર ચાલી ગઇ. પિતાએ જ્યારે દીકરીને કારણ પૂછ્યું, ત્યારે દીકરીએ સાચી વાત કહી. દીકરીએ કહ્યું કે, ‘અમારી વચ્ચે ઝઘડો થયો પછી એણે કહ્યું કે, એ તો મને તારી દયા આવે છે, બાકી ક્યારની કાઢી મૂકી હોત! બસ, આ વાતે જ મેં ઘર છોડી દીધું. મારે કોઇની દયા નથી જોઇતી! કોઇની દયા પર જીવવા કરતાં હું એકલી રહેવાનું વધુ પસંદ કરું.’ દીકરીની વાત સાંભળીને પિતાએ એટલું જ કહ્યું, ‘આપણે એની સરખામણીએ ગરીબ હોઇશું, પણ આપણે દયાપાત્ર તો નથી જ! આપણે શાંતિથી જીવી શકીએ એટલું તો આપણી પાસે છે જ. ક્યારેક તો જે લોકો બીજાને દયાપાત્ર સમજતાં હોય છે, એ જ દયાપાત્ર હોય છે. એને જ ખબર નથી હોતી કે જિંદગી કેવી રીતે જીવાય!’

દયાપાત્ર એ નથી જેની પાસે સંપત્તિ નથી, દયાપાત્ર એ નથી જે ગરીબ છે, દયાપાત્ર એ છે જેને જિંદગીની સમજ નથી. દયાપાત્ર એ છે જેનામાં ખુમારી નથી. જેને પ્રેમથી જીવતાં ન આવડતું એ શહેનશાહ હોય તો પણ એ દયાપાત્ર છે. એક અમીર માણસ હતો. એની સંપત્તિનું એને બહુ અભિમાન હતું. સંપત્તિ વધતી ગઇ, એમ એમ એનું અભિમાન પણ વધતું ગયું. બહારના લોકો તો ઠીક છે, ઘરના લોકોને પણ એ વડચકે લેતો. એ માણસથી કંટાળીને એની પત્ની અને સંતાનો પણ જુદાં થઇ ગયાં. એ માણસ તો પણ એવું જ કહેતો કે મારે કોઇની જરૂર નથી. મારી પાસે એટલા રૂપિયા છે કે હું મારું ધ્યાન રાખવા, મારી સેવા-ચાકરી કરવા માણસો રાખી લઇશ. તેણે માણસો રાખી પણ લીધા. એક વખત તેના બે માણસો વાતો કરતા હતા, એ એના કાને પડી. તેના માણસો એવી વાત કરતા હતા કે, ‘મને તો આ શેઠની દયા આવે છે. તેની પાસે બધું છે, છતાં કંઇ નથી!’ આ વાત સાંભળીને શેઠ લાલચોળ થઇ ગયા. મેં મારા ઘરના લોકોની વાત પણ સાંભળી નથી તો પછી આ લોકોની વાત થોડો સાંભળું? તેણે બંને માણસોને તતડાવીને કહ્યું કે, ‘અત્યારે જ તમને બંનેને હું નોકરીમાંથી કાઢી મૂકું છું!’ કાઢી મૂકવાની વાત સાંભળીને એક માણસ ખડખડાટ હસવા લાગ્યો. તેણે કહ્યું, ‘તમે અમને તો કાઢી મૂકશો, પણ મારા ઘરના લોકો તો તમને મૂકીને ભાગી ગયા છે! અમારા બદલે તમે બીજાને રાખશો, પણ એક વાત યાદ રાખજો, એ નવા માણસો પણ નોકરી કરવા જ આવવાના છે. પ્રેમ તો પોતાના લોકો જ કરે.’

તમારી કોઇને ફિકર હોય તો તમારા જેવું ધનવાન બીજું કોઇ નથી. કોઇ રાહ જોતું હોય તો જ ઘરે જવાની ઉતાવળ રહે છે. ખરો દયાપાત્ર એ છે કે જેની કોઇ રાહ જોતું નથી. ઘણા લોકો એવી ફરિયાદ કરતાં હોય છે કે, ‘મને કોઇ પ્રેમ જ કરતું નથી.’ આવું કહેવાવાળા ખરેખર તો પોતે જ કોઇને પ્રેમ કરતાં હોતાં નથી. પ્રેમ મેળવવા માટે પ્રેમ કરવો પડે છે. કોઇ ફિકર કરે એવી ઇચ્છા હોય તો કોઇની ચિંતા પણ થવી જોઇએ, આપણને ઊંઘ ન આવતી હોય ત્યારે કોઇ જાગતું રહે એવું ત્યારે જ બને જ્યારે બંને તરફે પ્રેમ છલોછલ જીવાતો હોય. દયાપાત્ર ન બનવા માટે પ્રેમપાત્ર બનવું પડે છે અને પ્રેમપાત્ર એ જ બની શકે છે, જેનામાં પ્રેમ કરવાની આવડત હોય! એકતરફી હોય એ અધૂરું જ રહે છે. પ્રેમ અને સંબંધમાં તો સહિયારું જ સંપૂર્ણ અને સાર્થક સિદ્ધ થાય છે!

છેલ્લો સીન : દયા પારકાંની ખાવાની હોય, પોતાનાંની નહીં. પોતાનાં સાથે તો પ્રેમ જ હોય.              –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 04 નવેમ્બર 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: