સિરી, એલેક્સા, ગૂગલ અને
ડિજિટલ સંવાદ
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
લોકોનું ડિજિટલ કમ્યુનિકેશન દિવસે ને દિવસે વધી રહ્યું છે.
સિરી અને એલેક્સા હવે લોકોની સાથે રહેવા લાગ્યા છે! ગૂગલ ગોઠિયો બની ગયો છે!
સાવ એકલા હોય એને એવું લાગે છે કે ભલે ડિજિટલ હોય પણ
કોઇ વાત સાંભળવાવાળું અને હોંકારો દેવાવાળું તો છે!
નેચરલ અવાજો ગાયબ થતા જાય છે. પંખીઓનો કલરવ પણ હવે ડિજિટલ થઇ ગયો છે.
માણસ ધીમેધીમે રોબોટ સાથે જીવવા લાગશે! શું માણસને માણસ સાથે ફાવશે જ નહીં?
———–
માણસ વિશે એવું કહેવાતું રહ્યું છે કે માણસને બીજા કશા વગર ચાલે પણ માણસ વગર ચાલતું નથી! માણસ એકલો જન્મે છે અને એકલો મરે છે પણ એકલો જીવી શકતો નથી. વાત ખુશીની હોય કે ગમની, માણસને કોઈની જરૂર પડે જ છે. અલબત્ત, ટેક્નોલોજીનાં ગાણાં ગાનારા લોકો એવું કહે છે કે, ભવિષ્યમાં માણસને માણસ વગર ચાલશે, કારણ કે માણસના ઓપ્શન લોકોને મળી જશે! એની શરૂઆત તો થઇ પણ ગઇ છે! માણસની જગ્યાઓ ધીમેધીમે કમ્પ્યૂટરાઇઝ્ડ મશીનો લઈ રહ્યાં છે. તમે એક વસ્તુ માર્ક કરી છે? આપણને હવે ચારેતરફ ડિજિટલ અવાજ જ સંભળાઈ રહ્યા છે. એક સમય હતો જ્યારે રેલવે સ્ટેશન પર જે એનાઉન્સમેન્ટ સાંભળવા મળતું હતું એ માઇક પર કોઇ બોલતું હતું. એરપોર્ટ પર પણ મધુરા અવાજમાં જાહેરાતો થતી હતી. હવે એ અવાજ ડિજિટલ થઇ ગયા છે. મોબાઇલ ફોન પર આપણે ફોન કરીએ અને ફોન જો બિઝી હોય તો આપણને એવું સાંભળવા મળે છે કે, તમે જેને ફોન કરવા માંગો છો એ બીજા કૉલ પર વ્યસ્ત છે. આ અવાજ પણ ડિજિટલ છે. ડિજિટલ વોઇસ અને ડિજિટલ ટોન પર થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, ભવિષ્યની જનરેશનનો બોલવાનો લહેકો પણ ડિજિટલ ટોન જેવો જ થઇ જશે. માણસ જન્મ પછી એની આજુબાજુમાં જે લહેકાથી વાતો થતી હોય એ સાંભળી સાંભળીને એ લહેકા જેવું જ બોલતા શીખે છે. એક સમયે લોકોના નેચરલ ટોનને બદલે ડિજિટલ ટોનનું પ્રમાણ એટલું વધી જશે કે માણસ પણ રોબોટ બોલતો હોય એવી જ રીતે બોલવા લાગશે. ટેક્નોલોજી વર્લ્ડમાં અત્યારે એવા પ્રયાસો થઇ રહ્યા છે કે જે ડિજિટલ વોઇસનો ટોન એકદમ નેચરલ લાગે. કોઇને ખબર જ ન પડે કે આ અવાજ મશીને કાઢ્યો છે. આપણું મ્યુઝિક તો ક્યારનુંયે ડિજિટલ થઇ ગયું છે. પંખીઓનો કલરવ જે જુદીજુદી ડિવાઇસીસમાં સાંભળવા મળે છે એ ડિજિટલ જ છે. માણસને ડિજિટલ ફીગર જોવાની પણ આદત પડી ગઇ છે. એક સમયે માણસ આંકડાઓ પણ ડિજિટલ જેવા જ પાળતો હશે !
હવે દરેકના હાથમાં મોબાઇલ છે. કંઈ પણ સવાલ હોય તો તરત જ માણસ હે સિરી, હે એલેક્સા કે હે ગૂગલ કહીને ફટ દઇને સવાલ પૂછી લે છે. સિરી અને એલેક્સા હોંકારો પણ આપે છે અને જવાબ પણ શોધી આપે છે. અમેરિકામાં ડિજિટલ કમ્યુનિકેશન વિશે એક અભ્યાસ થયો હતો. તેમાં જે વાતો બહાર આવી હતી એ ખૂબ જ રસપ્રદ હતી. કેટલાંક લોકોએ કહ્યું કે, સૌથી મોટો ફાયદો એ છે કે કોઈ વાત સાંભળવાવાળું તો છે! ઘરમાં સાવ એકલા હોઇએ ત્યારે કોઇનો અવાજ તો સાંભળવા મળે છે! કોઇ તો એવું પૂછે છે કે હું તમને શું મદદ કરી શકું? બાકી તો આજના સમયમાં કોઇ કોઇની વાત જ ક્યાં સાંભળે છે? માણસ હવે આત્મીયતા માટે કૂતરાં પાળવા લાગ્યો છે અને સિરી તથા એલેક્સા સાથે વાતો કરવા લાગ્યો છે. સિરી અને એલેક્સા સ્ત્રી ઉપરાંત પુરુષના અવાજમાં પણ જવાબ આપવા લાગ્યા છે. અત્યારે તો માત્ર સવાલોના જવાબો જ મળે છે, હવે પછીના સમયમાં તો તમારી સાથે વાતો કરે એવી વ્યવસ્થા પણ થઈ રહી છે.
એક રીતે જોવા જઇએ તો સારી વાત લાગે પણ સવાલ એ છે કે, આખરે માણસ એકલો કેમ પડી ગયો? આપણે ત્યાં હજુ એકલતાની સમસ્યા બહુ નથી. વેસ્ટર્ન કન્ટ્રીમાં લોન્લીનેસ મોટી સમસ્યા બનતી જાય છે. આપણે ત્યાં પણ વહેલા કે મોડા એવી જ હાલત થવાની છે.
આપણે ત્યાંની સ્થિતિ જરાક જુદી છે. સામે હોય એ પણ સાથે નથી હોતા. એક સમય હતો જ્યારે પતિ-પત્ની એકબીજા સાથે બેસીને શાંતિથી વાતો કરતાં હતાં. ઘરના પ્રશ્નોથી માંડીને પરિવારની સમસ્યાઓ સુધીની વાતો કરતાં અને તેના ઉકેલ શોધતાં. હવે બંને બેઠાં હોય છે પણ બંનેનું ધ્યાન પોતપોતાના મોબાઇલમાં હોય છે. વાત કરવાના વિષયો નથી હોતા. વાત થાય તો પણ તેમાં ઉષ્મા વર્તાતી નથી. પહેલાં સંબંધોમાં એક ભીનાશ વર્તાતી હતી. હવે સુકારો લાગે છે. ઘણા આશાવાદી મનોચિકિત્સકો અને સમાજશાસ્ત્રીઓ એવું કહે છે કે, અત્યારે માનવજાત એક ફેઝમાંથી પસાર થઇ રહી છે. હજુ બધું નવુંનવું છે એટલે લોકો મોબાઇલમાં પડ્યા રહે છે. એક સમય આવશે જ્યારે લોકો તેનાથી પણ થાકશે અને ફરી પાછા સંબંધોની કદર કરતા થશે. જોકે, કેટલાંક નિષ્ણાતો એવું કહે છે કે, આ ગેઝેટ્સ લોકોની ઘોર ખોદવાનું છે. એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ પોતાનાં ટીનેજર સંતાનોને મોબાઇલ કે ટેબલેટ વાપરવા દેતા નહોતા. તેઓ કહેતા કે, ભવિષ્યમાં આ ગેઝેટ યંગસ્ટર્સ માટે જોખમી સાબિત થવાનાં છે. અત્યારે એ વાત સાચી ઠરી રહી છે. યંગસ્ટર્સને કંઈ પણ હોય તો તરત જ સોશિયલ મીડિયા પર અપલોડ કરવા જોઇએ છે. દરેકને સેલિબ્રિટી બનવું છે. ફોલોઅર્સ વધારવા છે. ઢગલો લાઇક્સ જોઇએ છે. સારી સારી કમેન્ટ્સની ઇચ્છા છે. મૂડના અપ-ડાઉન્સ પણ હવે સોશિયલ મીડિયા પર થતી કમેન્ટ્સ પર નિર્ભર થઈ ગયા છે.
ડિજિટલ કમ્યુનિકેશન તો વધતું જ જાય છે. દુનિયામાં રોબોટ્સની ડિમાન્ડ પણ કૂદકે ને ભૂસકે વધી રહી છે. માણસને કંપની માટે રોબોટ્સની જરૂર પડવા લાગી છે. મેલ કે ફીમેલ પાર્ટનર તરીકે ઉપયોગી સાબિત થાય એવા રોબોટ્સ પણ બનવા લાગ્યા છે. અમેરિકામાં છૂટાછેડાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. નવાં કપલ બે-ચાર વર્ષમાં તો એકબીજાથી ધરાઈ જાય છે. એ પછી શરૂ થાય છે ઝઘડા, કોર્ટકેસ અને ડિવૉર્સની મથામણો! રોજેરોજની માથાકૂટ કરતાં રોબોટ્સ સારા એવું માનવાવાળો એક વર્ગ ઊભો થઈ ગયો છે.
ટેક્નોલોજી ધીમેધીમે માનવજાત પર સવાર થઈ રહી છે. આપણી ખુશી અને ગમ બધું મોબાઇલ અને ટેક્નોલોજી ઓરિએન્ટેડ થતું જાય છે. ડિજિટલ કમ્યુનિકેશન આપણને ગમવા માંડ્યું છે. સિરી અને એલેક્સાનો અવાજ પણ પરિચિત લાગવા માંડ્યો છે. આ બધું સરવાળે એ જ સાબિત કરે છે કે, આપણે લોકોથી દૂર થઇ રહ્યા છીએ. આપણે એકલસૂરાં થતા જઇએ છીએ. યંગસ્ટર્સને માર્ક કરજો, એ લોકો એકલા રહેવા લાગ્યા છે. પોતાના રૂમમાં પુરાઇને કલાકો સુધી મોબાઇલ જોતા રહે છે. મિત્રો સાથે બહાર ફરવા જઇને ગપ્પાં મારવાનું ઘટતું જાય છે. હવે તો મિત્રો સાથે બહાર પણ ફોટાઓ પાડવા અને અપલોડ કરવા માટે જવામાં આવે છે. લોકોને કહેવું પડે છે કે, જુઓ અમે કેવી મજા કરી હતી. કેમેરાના પડદે જે ઝિલાય છે એ સાચી મજા હોતી નથી. થોડીક ક્ષણો હસતું મોઢું રખાય છે અને પછી તરત જ મૂડ બદલાઈ જાય છે. નાનું બાળક પણ રડતું હોય અને તમે એની સામે મોબાઇલનો કેમેરો ચાલુ કરો તો એ પોઝ આપવા લાગે છે. બાળકોએ આવું કર્યું હોય એવા ઘણા વીડિયો વાઇરલ થયા છે. આખી સોસાયટી કેમેરા અને ટેક્નોલોજીમાં ડ્રિવન થતી જાય છે. જે થવાનું હશે એને કોઈ રોકી શકવાનું નથી. પરિવર્તન આવતાં જ રહેવાનાં છે. તમારે તમારા સંબંધો અને તમારો સંવાદ જીવતો રાખવો છે? તો તમારા લોકોને સમય આપો. એક વાત યાદ રાખો, ટેક્નોલોજી આપણા માટે છે, આપણે ટેક્નોલોજી માટે નથી! આપણે આપણા માટે છીએ, આપણે આપણા લોકો માટે છીએ. આપણા લોકોથી દૂર થઈશું તો છેલ્લે સિરી, એલેક્સા અને ગૂગલ સાથે વાતો કરવાનો જ વારો આવશે!
હા, એવું છે!
માણસની યાદશક્તિ વિશે થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, આપણી જિંદગીમાં ગઇ કાલે જે બન્યું હતું તેમાંથી આપણે 40 ટકા ભૂલી જઇએ છીએ. બધું યાદ રાખવાની જરૂર પણ ક્યાં હોય છે? માણસ છેલ્લે તો યાદ રાખવા જેવું જ યાદ રાખવાનો પ્રયાસ કરે છે. તકલીફ એ પણ છે જ કે જે ભૂલવું હોય છે એ ભૂલી પણ શકાતું નથી!
(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 18 મે, 2022, બુધવાર, ‘દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com