કોરોનાની વેક્સિન તો શોધાઇ જશે પણ હતાશા, ગુસ્સા અને સંઘર્ષનું શું? : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

કોરોનાની વેક્સિન તો શોધાઇ જશે

પણ હતાશા, ગુસ્સા અને સંઘર્ષનું શું?

દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

*****

કોરોનાની વેક્સિન થોડા સમયમાં આવી જશે એવા દાવાઓ

થઇ રહ્યા છે. કોરોના તો વહેલો કે મોડો ચાલ્યો જશે,

 તેની બીજી અસરોથી આપણે મુક્ત થઇશું?

*****

હતાશા, ઉદાસી, ગુસ્સો, સંઘર્ષ અને બીજી નેગેટિવ અસરો

ટાળવા માટે કોઇ રસી આવવાની નથી.

એને હટાવવા માટે દરેક માણસે જ પ્રયાસો કરવા પડશે

*****

આખીયે દુનિયા એક સાથે શેનીયે કાગડોળે રાહ જોતી હોય, તો એ છે કોરોનાની વેક્સિન. આખા જગતે કોઇ એક વસ્તુની એકસાથે ઝંખના કરી હોય તેવી કદાચ આ પહેલી ઘટના છે. વેક્સિનનું નામ પડે એટલે બધાનાં કાન ચમકે છે. કોરોનાએ બધાંના જે હાલ કર્યાં છે એની તો કોઇએ ક્યારેય કલ્પના પણ કરી નહોતી. કોરોનાની વેક્સિન એક્ઝેક્ટલી ક્યારે આવશે એ કોઇ છાતી ઠોકીને કહી શકે એમ નથી, પણ એક વાત નક્કી છે કે, વહેલી કે થોડીક મોડી, કોરોનાની વેક્સિન આવી તો જવાની જ છે. આપણે બધાંએ જેટલો ટાઇમ કાઢ્યો છે એટલો સમય હવે કાઢવાનો નથી. મહિનો, બે મહિના કે મોડામાં મોડા ત્રણ મહિનામાં તો કોરોનાની વેક્સિન આવી જ જવાની છે. કોરોના જવાનો જ છે. સવાલ એ છે કે, કોરોનાના પગલે પગલે જે આવ્યું છે, એનું શું થશે?

દુનિયાના મનોચિકિત્સકો અને સમાજશાસ્ત્રીઓ આજકાલ જે વાત કરે છે એ સમજવા અને અનુસરવા જેવી છે. તેઓ કહે છે કે, કોરોનાને કારણે લોકોની માનસિકતામાં ઘણોબધો બદલાવ આવી ગયો છે. કોરોનાની જેટલા લોકો ઉપર અસર થઇ છે, તેના કરતાં વધુ લોકો પર માનસિક અસર થઇ છે. હતાશા, નિરાશા, ઉદાસી, નારાજગી, ગુસ્સો અને બીજી નેગેટિવ અસરો આપણા સૌમાં આવી છે. મજબૂત મનવાળા લોકોને થોડીક ઓછી અસર થઇ છે, નબળા મનના લોકોને થોડીક વધુ અસર થઇ છે. ભાગ્યે જ એવા લોકો હશે જેને કોરોનાના કારણે કોઇ જ અસર ન થઇ હોય. નિષ્ણાતો કહે છે કે, કોરોનાની વેક્સિન આવશે, પણ આ હતાશા અને બીજી નેગિટિવ અસરો દૂર કરવાની કોઇ વેક્સિન આવવાની નથી. એ તો દરેક વ્યક્તિએ પોતાની રીતે જ હટાવવા પડશે. એ રસી તો દરેકે પોતાની મેળે જ શોધવી પડશે. સવાલ એ થાય કે, એ કેવી રીતે બની શકે? એનો જવાબ છે, મનોબળને મજબૂત અને મક્કમ બનાવીને! તમારે જ તમારા તબીબ બનવું પડશે, તમારે જ તમારા મોટિવેટર બનવું પડશે અને તમારે જ તમારી પરિસ્થિતિ બદલવી પડશે.

સૌથી કફોડી હાલત બે લોકોની થઇ છે. એક તો જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યાં છે એની અને બીજા જેણે પોતાની નોકરી ગુમાવી છે કે બિઝનેસમાં ફટકો પડ્યો છે. કોરોનાના કારણે એમની માનસિક હાલત વિચિત્ર થઇ ગઇ છે. સ્વજન બીમાર હતાં ત્યારે એમનું ધ્યાન ન રાખી શક્યાં એનો વસવસો છે. દવાખાનાંમાં એકલા એકલા દમ તોડ્યો, વિદાય લીધા પછી ઘરે પણ ન લાવી શક્યાં, છેલ્લી વખત સરખી રીતે મોંઢું પણ જોઇ ન શક્યાં. આ વેદના અંદર ને અંદર ઘૂંટાતી રહે છે. જેને પોતાને કોરોનાની અસર થઇ હતી એ પણ હોસ્પિટલ કે ઘરના રૂમમાં સાવ એકલા હતા. ક્વોરન્ટાઇનના દિવસો પણ કંઇ ઓછા ખતરનાક નથી હોતા.

જોબ ગુમાવી છે એ લોકોને ઘર ચલાવવાની ચિંતા છે. અત્યારે માહોલ એવો છે કે નવી નોકરી પણ મળે એમ નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર, કોરોનાના કારણે મહિલાઓની હાલત સૌથી વધુ કફોડી થઇ ગઇ છે. સૌથી વધુ નોકરી મહિલાઓએ ગુમાવી છે. માનસિક ફટકો પણ મહિલાઓને વધુ પડ્યો છે. મહિલાઓ મોટા પાયે ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બની છે. આ બધી એવી અસરો છે જેમાંથી બહાર નીકળતાં ઘણી વાર લાગવાની છે. સાઇકિયાટ્રીસ્ટો એવું કહે છે કે, તમે તેમાંથી જેટલી વહેલી તકે બહાર નીકળી જશો એટલું તમારા હિતમાં હશે. એના માટે જરૂરી એ છે કે, જે ગયું છે એના વિશે બહુ વિચારો ન કરો. વિચારોને નવી દિશા આપો. તમને ગમતું હોય એવું કંઇક કરતાં રહો. સંબંધોને સ્વસ્થ રાખો. આવતી કાલ સારી ઊગવાની છે. હેલ્થ પ્રત્યે સજાગ રહો. માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં, માનસિક સ્વસ્થતા માટે પણ સજાગ રહો. હસવાનું થોડુંક વધારી દો. કોરોનાના સમય દરમિયાન સંબંધોમાં ડિસ્ટન્સ આવી ગયાના કિસ્સાઓ પણ બહુ બન્યા છે. એ અંતરને ઘટાડવાનો પ્રયાસ કરો.

ડિપ્રેશન એકાદ-બે નેગેટિવ વિચારોથી આવતું નથી. નકારાત્મક વિચારોનો સિલસિલો શરૂ થાય એ પછી માણસ ધીરે ધીરે હતાશામાં ગરકાવ થઇ જાય છે. આપણે જો પહેલાંથી જ થોડાક સતર્ક રહીએ, તો નબળા વિચારોથી બચી શકાય છે. એક્સપર્ટસ દુનિયાના દેશોની સરકારોને પણ એવી સલાહ આપે છે કે, વેક્સિન શોધાઇ જાય એ પછી પણ સંતોષ માની નહીં લેતાં. લોકોની હેપીનેસ માટેના પ્રયાસો ચાલુ રાખજો. દરેક ઉંમરના વ્યક્તિના પોતાના મેન્ટલ ઇસ્યૂઝ છે. નાનાં બાળકોને પણ ઘરમાં ને ઘરમાં પૂરાઇ રહીને કે શાળાથી દૂર રહીને ઘણી અસરો થઇ છે. કોરોના ભલે ન થયો હોય, પણ કોઇ વ્યકિત તેની અસરમાંથી મુક્ત નથી. ન્યૂ નોર્મલ નાછૂટકે સ્વીકારવું પડ્યું છે. નવરાત્રિ ઘરમાં બેસીને વિતાવવી પડી છે. દિવાળી પણ દર વખત જેવી રહેવાની નથી. સામાન્ય સંજોગો હોત તો દિવાળીની ખરીદી ચાલતી હોત, ફરવા જવાના પ્લાનિંગ થઇ ગયાં હોત અને વાતાવરણમાં પણ ફેસ્ટિવલ માહોલ વર્તાતો હોત!

હમણાં તો એવી જ વાતો ચાલે છે કે, તમને શરદી-ઉધરસ નથી ને, તમને તાવ નથી આવતો ને, તમને શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી ને, તો તમારા જેવું સુખી કોઇ નથી! કોઇ ને કોઇ બહાને હસતાં રહો, પછી એ ભલે વોટ્સએપ ઉપર આવેલો કોઇ જોક કે મિમ્સ કેમ ન હોય! પેલો મેસેજ બહુ ચાલ્યો હતો કે, હે ભગવાન! 2020ને ડીલીટ કરી દો, એમાં વાઇરસ છે! બીજી એક વાત એ હતી કે, આ વખતે ન્યૂ યરના દિવસે 2021ના આગમન કરતાં 2020ની વિદાયની ખુશી વધારે હશે! જિંદગી છે, ચડાવ-ઉતાર તો ચાલતાં જ રહેવાનાં છે. આ સમય પણ ચાલ્યો જવાનો છે. આપણી જાતને નબળી પડવા ન દઇએ એ સૌથી વધુ મહત્વનું છે!

————–

પેશ-એ-ખિદમત

મેરે દુ:ખ કી કોઇ દવા ન કરો,

મુઝ કો મુઝી સે અભી જુદા ન કરો,

ઇશ્ક હૈ ઇશ્ક યે મજાક નહીં,

ચંદ લમ્હો મેં ફૈસલા ન કરો.      -સુદર્શન કાફિર

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 01 નવેમ્બર 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: