તારો ભૂતકાળ મારાથી
કેમેય ભૂલાતો નથી!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
મેરે ગલે પે જમે હાથ મેરે અપને હૈ,
જો લડ રહે હૈ મેરે સાથ મેરે અપને હૈ,
શિકસ્ત ખા કે ભી મૈં ફતહ કે જુલૂસ મેં હૂં,
કિ દે ગયે જો મુઝે માત મેરે અપને હૈ.
-ઝફરખાન નિયાઝી
આપણો ભૂતકાળ, આપણો અતીત, આપણો પાસ્ટ આપણા પડછાયાની જેમ સતત આપણી પાછળ ચાલતો રહે છે. જીવાઇ ગયેલી જિંદગી જ્યારે સામે આવીને ઊભી રહે છે, ત્યારે ક્યારેક મોઢું છુપાવવાનું મન થઇ આવે છે. ક્યારેક એવો પણ વિચાર આવી જાય છે કે, કેવાં સરસ દિવસો હતા. જીવાઇ ગયેલું ઝનૂન, રગેરગનો ઉન્માદ, રોમેરોમનો ઉત્સાહ, અધૂરો રહી ગયેલો આવેગ, જાણે-અજાણે થઇ ગયેલી ભૂલ, ગાલ પર સૂકાઇ ગયેલા આંસુ, હોઠ પર થીજી ગયેલું હાસ્ય, ગળામાં બાઝી ગયેલા ડૂમા, ઓશિકાની સાક્ષીએ નીકળેલા નિસાસા, લખાઇને છેકાઇ ગયેલા શબ્દો, ટાઇપ થઇને ડીલીટ થઇ ગયેલી વાતો, જિંદગીના પાસવર્ડ બની ગયેલા કેટલાક નામ, ટેલીફોનની ફોનબુકમાં ટેરવાંએ અનુભવેલો ધડકન વધારી દે તેવો અહેસાસ, પડી ગયા પછી ઊભા કરવા માટે લંબાયેલો હાથ, આવજે કહેતી વખતે અનુભવાયેલો તલસાટ, રસ્તા જુદા થયા પછી નવા રસ્તે મૂકાયેલા પહેલા કદમની વેદના, તૂટી ગયેલા સપનાંની કરચો, દિલના હિડન ફોલ્ડરમાં કેદ કરી રખાયેલા થોડાક ચહેરા, હાથ છૂટ્યા પછી ઘસાઇ ગયેલી હસ્તરેખામાં મરાતા ફાંફા, ભૂલવાની કોશિશમાં વધુ ને વધુ યાદ આવતી ઘટનાઓ અને બીજું કેટલું બધું આપણી અંગત તવારીખનો હિસ્સો બની ગયું હોય છે! નક્કી કરીએ છીએ કે, હવે એ જૂના પાનાં ક્યારેય ઉઘાડવા નથી. જૂનું હોય એ બધું ક્યાં જર્જરિત થતું હોય છે? દાયકા પહેલાંની ઘટના સાવ તરોતાજા લાગે છે. અમુક યાદો અમરપટ્ટો લઇને આવતી હોય છે. અમુક સ્મરણો સદાયે સજીવન રહે છે. ગમે એટલા ખંખેરીએ તો પણ એ પાછા વળગી જાય છે!
આપણા ભૂતકાળને આપણે દૂર કરી નથી શકવાનાં, બધું ભૂલી જવાની જરૂર પણ નથી હોતી. ધ્યાન માત્ર એટલું રાખવાનું હોય છે કે એ આપણા વર્તમાન પર ભારે ન પડી જાય. ગઇ કાલ એ આજનું ગળું ઘોંટવી ન જોઇએ. ગઇ કાલના ભાર નીચે આપણે જ ન દબાઇ જવા જોઇએ. આપણા ભૂતકાળથી પણ મુક્ત રહેવું જોઇએ અને આપણી વ્યક્તિના ભૂતકાળથી પણ ગુંગળાવું કે ગભરાવું ન જોઇએ. જે લોકો ગઇ કાલમાંથી બહાર આવી શકતાં નથી એ આજનો આનંદ ક્યારેય માણી શકતાં નથી. આપણો સંબંધ કોઇની પણ સાથે શરૂ થાય એ પહેલાં થોડીક જિંદગી જીવાયેલી હોય છે. કોઇ નવો સંબંધ શરૂ થાય, પ્રેમની નવી કૂંપળ ફૂટે, લાગણીનો નવો તાર જોડાય ત્યારે એક સવાલ થાય છે કે, આને મારા ભૂતકાળની વાત કહું કે ન કહું? હું વાત કહીશ તો એનો એ કેવો મતલબ કાઢશે? એ મારી વાતને રાઇટ સ્પિરિટમાં લેશે કે મને જજ કરશે? દરેક વ્યક્તિ બધી જ વાત સમજી શકતી નથી. આપણી વ્યક્તિના ભૂતકાળનો સ્વીકાર સહજ હોવો જોઇએ. આપણે કોઇની જિંદગીમાં આવ્યા કે કોઇ આપણી જિંદગીમાં આવ્યું એ પહેલાં જે જીવાઇ ગયું હોય છે એની જવાબદારી આપણી હોય છે. આપણી પ્રામાણિકતા, આપણી વફાદારી આજ સાથે હોય એ વધુ જરૂરી છે. એક છોકરા અને છોકરીના લગ્ન થવાનાં હતાં. બંને મળ્યાં. છોકરાએ કહ્યું, ‘મારે તને એક વાત કહેવી છે. મારો એક ભૂતકાળ હતો.’ છોકરીએ કહ્યું, ‘તું મને એ વાત નહીં કરે તો ચાલશે. માત્ર મારી એક વાત સાંભળ. મને તારી જીવાઇ ગયેલી જિંદગી કરતાં આપણે હવે પછી જે જીવવાની છે, એમાં જ રસ છે. તને એટલું જ કહું છું કે, તારી જીવાઇ ગયેલી જિંદગીને આપણે જે જીવવાનાં છીએ, એ જિંદગી પર હાવી થવા ન દેતો!’ માણસની જિંદગીમાં બે ‘કાલ’ હંમેશાં સાથે રહે છે. ગઇ કાલ અને આવતી કાલ. આપણે કઇ કાલને પકડી રાખીએ છીએ, કઇ કાલને જીવીએ છીએ એ જ મહત્ત્વનું હોય છે!
આપણે ઘણી વખત આપણા ભૂતકાળથી તો મુક્તિ મેળવી લઇએ છીએ, પણ આપણી વ્યક્તિનાં અતીતથી છૂટકારો મેળવી શકતા નથી. આપણો ભૂતકાળ ચોખ્ખો હોય તો આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે આપણી વ્યક્તિનો ભૂતકાળ પણ સાફ હોવો જોઇએ. એક સાવ સાચી ઘટનાની આ વાત છે. એક છોકરી હતી. તેના જીવનસાથી માટે તે હંમેશાં વિચારતી રહેતી. ભાવિ પતિ માટે એ એવું જ વિચારતી કે, મારી લાઇફમાં હું એ એક જ વ્યક્તિને વફાદાર રહીશ. કોઇની સાથે પ્રેમમાં પડવાની વાત તો દૂર રહી, એ તો કોઇ છોકરા સાથે દોસ્તી પણ ન રાખતી. મારી લાઇફમાં એક જ પુરુષ હશે અને એ મારો હસબન્ડ હશે. હું માત્ર ને માત્ર એને જ પ્રેમ કરીશ. એના સિવાય બીજું કોઇ ન જોઇએ. એ છોકરીના એરેન્જ મેરેજ થયાં. થોડો સમય વધુ બરાબર ચાલ્યું. અચાનક એને એક દિવસ એવી ખબર પડી કે, મેરેજ પહેલાં એના પતિને એક છોકરી સાથે અફેર હતું. એણે પતિને સાફ શબ્દોમાં પૂછી લીધું. પતિએ પણ નિખાલસતાપૂર્વક સાચી વાત કહી દીધી, ‘હા, મને એક છોકરી સાથે પ્રેમ હતો. અમને બંનેને સમજાયું કે આપણે એકબીજા સાથે રહી શકીએ એમ નથી એટલે અમે વાતને આગળ ન વધારી અને છૂટા પડી ગયાં. હવે એ મારી જિંદગીમાં નથી.’
પત્નીને આઘાત લાગ્યો. મેં મારી જિંદગીમાં કોઇને આવવા નહોતો દીધો અને મેં જેના માટે આવું વિચાર્યું હતું, જેના માટે આવું કર્યું હતું એની લાઇફમાં જ કોઇ છોકરી આવી હતી. પત્નીએ પતિને કહ્યું કે, ‘તારો ભૂતકાળ મારાથી કેમેય ભૂલાતો નથી.’ પતિએ કહ્યું, ‘ગજબની વાત છે યાર, જે હું ભૂલી ગયો છું એ તું ભૂલતી નથી. હું તો જીવ્યો હતો, તો પણ ભૂલી ગયો છું અને તેં તો માત્ર વાત સાંભળી છે, તો પણ ભૂલી શકતી નથી? તને મારી ગઇ કાલમાં રસ છે કે આપણી આજમાં? તારી લાઇફમાં કોઇને આવવા ન દેવો એ તારો વિચાર હતો, તારા અને મારા ભૂતકાળની સરખામણી કરતી રહીશ તો આપણે બંને આપણું ભવિષ્ય બગાડીશું.’
છોકરીએ આખરે કહી દીધું કે, ‘મારે ડિવોર્સ જોઇએ છે!’ છોકરાને આશ્ચર્ય થયું. તેણે કહ્યું, ‘જેનું અસ્તિત્વ નથી એને તેં પકડી રાખ્યું છે! તું ડિવોર્સ માંગે છે તો આપી દઇશ, પણ એક વાતનો જવાબ આપ. તારી સાથે ડિવોર્સ પછી મારી લાઇફમાં બીજી કોઇ વ્યક્તિ આવશે, એની સામે તને વાંધો નથી, પણ જે મારી જિંદગીમાંથી ચાલી ગઇ છે, એને તેં પકડી રાખી છે! ડિવોર્સ લીધા પછી પણ તું શાંતિથી જીવી શકીશ? મારો ભૂતકાળ તું ભૂલી નથી શકતી, તો મારી સાથે જે સમય વિતાવ્યો છે એ ભૂલી શકીશ? હું તને કહું છું કે, તું મારી આજ છે. તને એ વાતનું પ્રોમિસ આપું છું કે, મારી આવતી કાલ પણ તું જ હોઇશ, પણ મારી ગઇ કાલ ઉપર તારો અધિકાર નહોતો, તારી હાજરી પણ નહોતી. મેં તારી સાથે કોઇ બેવફાઇ નથી કરી. કરીશ પણ નહીં. જો તને મારા પર ભરોસો બેસે એમ ન હોય તો તારી મરજી!’
પ્રેમીમાં કે પતિ-પત્નીમાં જ નહીં, આપણે ઘણી વખત તો દરેક સંબંધમાં ભૂતકાળને પકડી રાખીએ છીએ. તેં આમ કહ્યું હતું, તેં તેમ કહ્યું હતું, તેં મારી સાથે ખોટું કર્યું હતું, તેં મારું દિલ દુભાવ્યું હતું. માણસ ક્યારેક સંબંધોમાં પણ ભૂલ કરી બેસતો હોય છે. માણસને એનો અહેસાસ થાય પછી પણ આપણે એને માફ કરીએ છીએ કે ટોણાં મારીએ છીએ તેના ઉપર આપણા હવે પછીના સંબંધોનો આધાર રહે છે. જે વ્યક્તિ સાથે જીવો, એની આજ સાથે જીવો, એની ગઇ કાલ સાથે નહીં. આપણે જૂનું એટલી બધી વાર ખોતરતાં હોઇએ છીએ કે એ ક્યારેય રુઝાતું જ નથી! રુઝાઇ જવા દો પછી કળશે નહીં.
છેલ્લો સીન :
ભૂતકાળને ભૂલીએ નહીં તો એ ભૂતની જેમ વળગેલો જ રહે છે. -કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 23 સપ્ટેમ્બર 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com