કોણે શું કરવું જોઈએ એ તું નક્કી ન કરી શકે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કોણે શું કરવું જોઈએ એ
તું નક્કી ન કરી શકે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


જાત સાથે વાતમાં વીતી ગઈ, રાત ઝંઝાવાતમાં વીતી ગઈ!
પ્રેમ પીડા લાગણી કંઈ ન મળ્યું, જિંદગી અર્થાતમાં વીતી ગઈ!
-મેગી અસનાનીમાણસ જો માત્ર પોતાની જ ચિંતા કરે તો એનો બેડો પાર થઇ જાય! માણસ પોતાના કરતાં વધુ ચિંતા બીજા લોકોની કરતો હોય છે! કોણ શું કરે છે? એણે જે કર્યું છે એ બરોબર કર્યું છે કે નહીં? કોણે શું કરવું જોઇએ? એ વિશે માણસ ફટ દઇને અભિપ્રાય આપી દેતો હોય છે. કોઇના વિશે કંઇ કહેવું બહુ સહેલું છે. ઘણા લોકોનાં મોઢે આપણે એવું પણ સાંભળતા હોઇએ છીએ કે, એની જગ્યાએ હું હોવ તો હું આવું થવા જ ન દઉં! અરે ભાઈ, તું એની જગ્યાએ નથી! કોઇ કોઇની જગ્યાએ હોતું જ નથી. દરેક પોતાની જગ્યાએ હોય છે. દરેક વ્યક્તિ પોતાની સ્થિતિ, સંજોગ અને માનસિકતા મુજબ નિર્ણયો લેતા હોય છે. ક્યારેક કોઇક એવું કરે છે કે, આપણને એવો વિચાર આવી જાય કે, આવું થોડું કરાય? આવું તો કોઇ મૂરખ જ કરે! માણસ ક્યારેક કોઇને કલ્પના સુધ્ધાં ન આવે એવું કરતો હોય છે. એવું કરવા પાછળ તેનાં પોતાનાં કારણો હોય છે. એ સાચાં હોઈ શકે અથવા ખોટાં પણ હોઇ શકે, એ એણે જોવાનું છે. એનામાં દખલગીરી કરવાનો કોઇને કંઈ અધિકાર નથી. જાણીતાની વાત તો દૂર છે, આપણે તો અજાણ્યા વિશે પણ કહી દઇએ છીએ કે, એણે શું કરવું જોઇએ! આપણને કોઇ પૂછતું ન હોય, આપણને કંઇ લાગતું વળગતું ન હોય તો પણ આપણે કોઇની વાતમાં ચંચૂપાત કરતા હોઇએ છીએ. બે પડોશીની આ વાત છે. એપાર્ટમેન્ટના એક જ ફ્લોર પર બંને બાજુ બાજુમાં રહે. બંને વચ્ચે સારા સંબંધો હતા પણ બંનેની પ્રકૃતિ તદ્દન જુદી હતી. એક વખત એક પડોશીએ કહ્યું, તમને ખબર છે, બાજુની બિલ્ડિંગમાં શું થયું? તેને એમ હતું કે, હમણાં એ એવું પૂછશે કે, શું થયું? તેના બદલે એ ભાઇએ કહ્યું, જે થયું હોય એ મારે કંઇ નથી જાણવું! મારે શા માટે કોઇની વાતમાં કારણ વગરનો રસ લેવો જોઇએ? આપણે બીજાની ચર્ચા કે કૂથલી કરવામાં આપણી કેટલી એનર્જી વેડફતા હોઇએ છીએ એનો કોઇ દિવસ વિચાર કર્યો છે? ઘણાને તો બીજાની વાત કર્યા વગર ચેન જ નથી પડતું. અમુક લોકો પર તો તેનું દૂરબીન મંડાયેલું જ હોય છે!
સોશિયલ મીડિયા પર કોણે શું લખ્યું એની ચર્ચા કરીને કહેશે કે આવું થોડું લખાય? કોઇના ફોટા જોઇને કહેશે કે, એણે કેવો ડ્રેસ પહેર્યો છે? કોઇને કંઇ શરમ જ નથી રહી! કોઇએ જે પહેર્યું હોય એ, જે લખ્યું હોય એ, એનાથી આપણને કશો ફેર પડે છે ખરો? આપણે એ નક્કી કરવાનું હોય છે કે, મારો સમય મારા સારા કામ માટે છે કે પછી ખોટી અને વાહિયાત ચર્ચા પાછળ વેડફવા માટે છે? લોકો કોઇની સોશિયલ મીડિયા પોસ્ટ તો જજ કરે જ છે, કમેન્ટ્સ પણ જુએ છે અને ટિપ્પણી પણ કરે છે! કોણે શું લખ્યું છે એ જાણવામાં પણ તેને રસ હોય છે! દુનિયામાં બે પ્રકારના લોકો છે. એક જે પોતાના કામથી કામ રાખે છે, બીજા જે બીજા શું કરે છે એનું જ ધ્યાન રાખે છે. આમ તો માણસની પ્રકૃતિ વિશે એવું કહેવાતું રહ્યું છે કે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. અમુક આદતો પડી જાય પછી છૂટતી નથી. આપણે ધ્યાન ન રાખીએ તો આપણી સારી આદતો પણ બદલાઈ કે બગડી જતી હોય છે. કેટલીક બાબતો બહુ લલચામણી હોય છે. આપણે ધીમેધીમે એમાં ઢસડાતા જઇએ છીએ. આપણો સંગ કોની સાથે છે એના પર આપણી આદતોનો આધાર રહેતો હોય છે. આપણે જેની સાથે ફરીએ છીએ, જેની સાથે સમય વિતાવીએ છીએ, એની પ્રકૃતિ કેવી છે એ જાણવું પણ જરૂરી છે. એક યુવતીની આ વાત છે. તેણે પેઇન્ટિંગ ક્લાસ જોઇન કર્યા. ત્યાં નવા ફ્રેન્ડ્સ મળ્યા. એક ગ્રૂપ બન્યું. થોડા દિવસોમાં એ છોકરીએ એ ગ્રૂપ છોડી દીધું. તેની ફ્રેન્ડે પૂછ્યું, તેં કેમ આવું કર્યું? એ છોકરીએ કહ્યું, ખબર નહીં કેમ પણ મને એ લોકો સાથે મજા આવતી નહોતી. એ લોકો જે વાતો કરતા અને જેવું વર્તન કરતા એ મને ગમતું નહોતું. મને વિચાર આવતો કે, આવું થોડું હોય? પહેલાં તો મને થયું કે, હું એ બધાને વાત કરું કે આવું ન કરો, પછી એમ થયું કે બહેતર એ જ રહેશે કે હું જ નીકળી જાઉં. ઘણી વખત કોઇને સમજાવવાના કે સુધારવાના પ્રયાસો પણ ન કરવા જોઇએ. આપણને ન ફાવતું હોય તો દૂર થઇ જવાનું. એ લોકોને હું ખરાબ પણ નથી કહેતી, એ મારા કરતાં જુદા છે, હું એના જેવી નથી અને એ મારા જેવા નથી. તમારે ઘણી વખત તમારો રસ્તો નક્કી કરવો પડતો હોય છે. એ ગ્રૂપના મિત્રોએ શું કરવું જોઇએ એ મારે નક્કી કરવાનું નથી. એ એની ચોઇસ છે. મેં મારી ચોઇસ મુજબનો રસ્તો પસંદ કર્યો છે.
આપણી ચોઇસ આપણી આદત, આપણી દાનત અને આપણી મથરાવટી નક્કી કરે છે. માણસ આડા રસ્તે ત્યારે જ ચડી જાય છે જ્યારે એ પોતાનો રસ્તો છોડે છે. મજા હંમેશાં ઇઝી રસ્તે જ આવવાની છે પણ સરળ રસ્તા ક્યાંય પહોંચતા હોતા નથી. મહેનત અને નિષ્ઠા વગર કોઇને કંઇ મળતું નથી. જે વ્યક્તિ જે કક્ષાએ હોય એ હદની તેણે મહેનત કરી હોય છે. નસીબ ક્યારેક સાથ આપે છે પણ મહેનત હંમેશાં ફળતી હોય છે. જે લોકો સફળ થાય છે એ લોકો પર નજર કરજો, એ લોકો પોતાના કામથી કામ રાખશે, બીજા શું કરે છે એનાથી એને કોઈ ફેર પડતો નથી. દરેક માણસે એ નક્કી કરવું પડતું હોય છે કે, કોની વાતમાં પડવું અને કેવી વાતમાં પડવું? દરેક વાતમાં જે પડે છે એ પોતાની વાત જ ભૂલી જતા હોય છે. આપણો સમય, આપણી શક્તિ અને આપણું સામર્થ્ય આપણા માટે છે. દરેક પાસે પોતાના પૂરતી શક્તિ હોય જ છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે એના પર સફળતા કે નિષ્ફળતાનો આધાર રહેતો હોય છે. હમણાંની એક વાત છે. બે મિત્રો હતા. એક ત્રીજી વ્યક્તિની પર્સનલ લાઇફમાં થોડાક ઇશ્યૂ થયા. એક મિત્રે કહ્યું કે, તેણે આવું કરવું જોઇએ. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, કોણે શું કરવું જોઇએ એ તું નક્કી ન કરી શકે. મેં તો તને આ મામલે એમ પણ નથી કહ્યું કે, તારે આમ ન કરવું જોઇએ. આપણે બસ એ નક્કી કરવાનું હોય છે કે, મારે શું કરવું જોઇએ? સલાહ પણ જ્યાં સુધી કોઇ માંગે નહીં ત્યાં સુધી આપવી ન જોઇએ. ડાહ્યા સાબિત થવાનો પ્રયાસ ઘણી વખત માણસને મૂરખ સાબિત કરે છે. આપણા શબ્દોનું ગૌરવ જાળવવાની જવાબદારી આપણી છે. ડહાપણ ડાહ્યા લોકો પાસે જ વાપરવું જોઇએ, મૂરખ લોકો પાસે ડહાપણ વાપરીએ તો એ આપણને મૂરખ જ સમજવાના છે. બીજા કશામાં પડ્યા વગર પોતાની દુનિયામાં મસ્ત રહેવું એ સ્વાર્થ નહીં પણ શાણપણની નિશાની છે!
છેલ્લો સીન :
સંબંધો ઓછા હશે તો ચાલશે, આછા ન હોવા જોઇએ. ઘટ્ટ અને ગાઢ સબંધો હવે દુર્લભ બનતા જાય છે. લુપ્ત થતી આત્મીયતા અને સુકાઈ રહેલા સંબંધો માણસને વધુ ને વધુ એકલો પાડી રહી છે. એકલતા જેવો અભિશાપ બીજો કોઇ નથી! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 11 ફેબ્રુઆરી 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *