દરેકને સતાવતો સવાલ : વ્યસન છોડવું તો છે પણ છોડવું કઈ રીતે? દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

દરેકને સતાવતો સવાલ


વ્યસન છોડવું તો છે

પણ છોડવું કઈ રીતે?


દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

પકોઈ લત લાગી જાય એ પછી માણસે એક વાર તો તેને છોડવાનો પ્રયાસ કર્યો જ હોય છે

પણ એમ આસાનીથી છૂટી જાય તો એ લત થોડી કહેવાય?


લત, આદત કે વ્યસન છોડવાની અનેક રીત છે. ઘણા એકઝાટકે છોડી દેવાની વાત કરે છે

તો ઘણા ધીમે ધીમે ઓછું કરીને છોડવાની સલાહ આપે છે!


પોતાની જાતને ફોસલાવી પટાવીને કોઇ વ્યસન છોડી શકાય ખરું?

મનને મનાવવાની ફાવટ બધાને હોતી નથી. મન એમ આપણું કહ્યું માનતું પણ ક્યાં હોય છે?


———–

કોણ કહે છે કે, સ્મોકિંગ છોડવું અઘરું છે? મેં ઘણી વાર છોડ્યું છે! વ્યસનની વાત નીકળે ત્યારે મજાકમાં લોકો આવું કહેતા હોય છે. શોખથી, દેખાદેખીમાં અથવા તો સીનસપાટા મારવા ખાતર શરૂ થયેલું વ્યસન ક્યારે ઘર કરી જાય છે એની સમજ જ પડતી નથી. માણસના મનને મરકટની એટલે કે વાંદરાની ઉપમા આપવામાં આવે છે. મન લલચાતું રહે છે. આદતો પડતી રહે છે. આપણે વ્યસન છોડવા તારીખો પાડતા રહીએ છીએ. ન્યૂ યર રિઝોલ્યુશનમાં મોટા ભાગના લોકોએ એકાદ આદત છોડવાનું પ્રણ લીધું જ હોય છે. એ વાત જુદી છે કે, દિવાળીએ લીધેલો નિર્ણય દેવદિવાળી સુધી પણ ટકતો નથી! જે લોકોને કોઇ ને કોઇ લત લાગી છે એના વિશે એક રસપ્રદ અભ્યાસ થયો હતો. આ સ્ટડીમાં લગભગ તમામ લોકોએ એવું કહ્યું હતું કે, અમને એક વાર નહીં પણ અનેક વાર વ્યસન છોડવાના વિચાર આવ્યા છે. અમે કોશિશો પણ કરી છે. અમારા તમામ પ્રયાસો નિષ્ફળ જાય છે. રિહેબિલિએશન સેન્ટરમાં ગયા પછી અને થોડો સમય વ્યસન છૂટી ગયા પછી પણ એ પાછું વળગી જાય છે.
વ્યસનીઓ વિશે બીજી એક મજેદાર વાત એ છે કે, જેમને કોઇપણ વ્યસન છે એને એ વાતની ખબર જ હોય છે કે, મારી હેલ્થ માટે આ સારું નથી. એના માટે તેણે સિગારેટના પેકેટ પર છાપવામાં આવતી કાનૂની ચેતવણી વાંચવાની પણ જરૂર નથી. બધામાં એટલી સમજણ હોય જ છે કે આપણે સારું નથી કરતા. તલપ લાગે ત્યારે એ બધું જ ભુલાઇ જાય છે. સિગારેટના પેકેટ પર હવે ગભરાઇ જવાય અને ચીતરી ચડે એવી તસવીરો છાપવામાં આવે છે. લોકો શું કરે છે? સિગારેટના પેકેટ સામે જોતા જ નથી! એક ભાઇએ કહ્યું હતું કે, પેકેટ પર છાપેલી તસવીર જોવાઈ જાય તો સિગારેટ પીવાની મજા નથી આવતી! ડ્રગ્સના એડિક્ટ લોકો તો એ હદ સુધી જાય છે કે, મરી જાવ તો ભલે પણ મને ડ્રગ આપો! કોઇપણ વ્યસન વિશે એટલે જ એક્સપર્ટ્સ કહે છે કે, જસ્ટ ફોર ફન કે ટ્રાય કરવા ખાતર પણ બીડી, સિગારેટ, દારૂ કે બીજા કોઇ નશાની નજીક ન જાવ! એ તમને ક્યારે પોતાના સકંજામાં લઇ લેશે તેની સમજ પણ નહીં પડે અને તમને આખી જિંદગી પસ્તાવો થતો રહેશે કે આ વ્યસન મને ક્યાં લાગી ગયું? પોતાની જાત માટે જ ગિલ્ટ થતું રહે એ સ્થિતિ ગંભીર હોય છે! જીવવા માટે કોઇ આધાર જોઇએ એ કરુણતા છે. વ્યસન ન છૂટે ત્યારે લોકો જાતજાતની વાતો કરીને મનને બહેલાવતા રહે છે. બધું છોડીને શું કરવું છે? મજા માટે કંઇક તો જોઇએને? આપણે ક્યાં વધુ લઇએ છીએ? વ્યસન લાગ્યા પછી કોન્ટિટી સતત વધતી જાય છે. કિક માટે માણસ માત્રા વધારતો જાય છે અને વ્યસનના ખપ્પરમાં ઊંડો ને ઊંડો ઊતરતો જાય છે.
વ્યસન દરેકને છોડવું હોય છે પણ સૌથી મોટો સવાલ એ હોય છે કે છોડવું કઈ રીતે? કોઈ માણસ સિગારેટ પીતો હોય અને તે એવું કહે કે મેં સિગારેટ છોડી દીધી તો તેને સૌથી પહેલો સવાલ એ જ કરાશે કે, કેવી રીતે છોડી? વ્યસન છોડવા વિશે દરેક પાસે પોતાનાં લૉજિક અને પોતાની મેથડ હોય છે. અમુક લોકો કહે છે કે, વ્યસન એકઝાટકે છોડી દેવાનું! ગમે તે થાય હવે હું સિગારેટ કે દારૂને હાથ નહીં લગાડું. મન મક્કમ રાખવાનું! જરાયે નબળા નહીં પડવાનું! એક વિચાર મનમાં વાગોળતા રહેવો કે હું સિગારેટ નહીં પીઉં, દારૂ નહીં પીઉં, તમાકુ નહીં ખાઉં, માવો મોઢામાં નહીં નાખું તો કંઈ મરી નહીં જાઉં, ઉલટું એ બધું કરીશ તો મરી જવાના ચાન્સીસ વધી જશે. બધી વાત સાચી પણ મેળ તો પડવો જોઇએને? આપણામાં કહે છેને કે, સલાહ આપવી સહેલી છે, પોતાના પર વીતે ત્યારે ખબર પડે છે કે કેટલા વીસે સો થાય છે! એક ભાઇની આ સાવ સાચી વાત છે. એને માવા ખાવાની આદત છે. માવા છોડવાની કોઇ વાત કરે કે તરત જ એનું મગજ છટકે છે! એ રાડો પાડીને કહેવા લાગે કે, ભાઈ, મારામાં પણ એટલી બુદ્ધિ છે જ કે માવો ખાવો સારો નથી પણ હવે આદત પડી ગઇ છે તો હું શું કરું? નથી રહેવાતું ખાધા વગર ! આપણે ત્યાં પ્રોબ્લેમ એ છે કે, વ્યસન કે બીજા કોઇ કિસ્સાઓમાં આપણે મનોચિકિત્સકની સલાહ લેતા નથી. દરેક વ્યક્તિની માનસિકતા અલગ હોય છે. વ્યસન છોડવાની કોઇ એક ફોર્મ્યુલા બધાને લાગુ ન પડે. એક માણસે જે રીતે સિગારેટ છોડી હોય એ જ રીતે બીજો છોડી દે એવું જરૂરી નથી. એ ભલે એની રીતે છોડે, વ્યસન છોડે એ મહત્ત્વનું છે. હવે તો વ્યસન છોડવા માટે જાતજાતની ચ્યુંઇંગ ગમ, ટેબલેટ અને બીજી ચીજો આવી ગઇ છે. એનો પ્રયોગ કરવામાં પણ કંઈ ખોટું નથી.
વ્યસન છોડવામાં ઘણા સ્લો થિયરી અપનાવવાની વાત કરે છે. ધીમેધીમે ઓછું કરતા જવું! પાંચ સિગારેટ પીતા હોવ તો પહેલાં ચાર કરવી, પછી ત્રણ કરવી, એમ એમ કરીને ઘટાડતા જવાનું! અલબત્ત, આ અઘરું છે. લલચાઇ જવાય છે. નિયમમાં ક્યારે ફેરફાર થઇ જાય છે એની ખબર જ નથી પડતી. ઘણા લોકો એમાં પણ નુસખા અજમાવતા હોય છે. સિગારેટનું પેકેટ નહીં ખરીદવાનું પણ દિવસમાં ત્રણ કે ચાર જ લેવાની. લોકો છૂટછાટ માટે પણ બહાનાં શોધી લેતા હોય છે. ક્યારેક મજામાં હોવાનું બહાનું હોય છે, તો ક્યારેક ટેન્શનના કારણે સિગારેટ પી લે છે! પીને વાલોં કો પીને કા બહાના ચાહિએ!
એક થિયરી થોડીક જુદી છે. એ છે સેલ્ફ ડિસિપ્લિન અથવા તો સેલ્ફ કાઉન્સેલિંગ. આ રીતમાં પોતાની જાતને જ છેતરવી પડે છે એમ કહીએ તો ખોટું નથી. મતલબ, તમને સિગારેટ પીવાની આદત છે તો ખિસ્સામાં સિગારેટ રાખવાની પણ પીવાની નહીં! પોતાની જાતને એવું આશ્વાસન આપતાં રહેવાનું કે સિગારેટ તો છે જ પણ મારે પીવી નથી. મને કોઇ ના પાડતું નથી પણ મારે જ નથી પીવી. ખેંચાય એટલું ખેંચવાનું. જો એવું લાગે કે હવે નથી જ રહેવાતું તો એકાદ સિગારેટ પી પણ લેવાની. અલબત્ત, એ નાછૂટકે એટલે કે અંતિમ ઉપાય તરીકે જ પીવાની! બને તો નહીં જ પીવાની! આમાં પણ મન તો મક્કમ જોઇએ જ. જો મન નબળું પડે તો કોઇ ઉપાય, કોઇ થિયરી કે કોઇ નુસખા કામ આવતાં નથી!
આવતા મંગળવારે, તારીખ 31મી મેના રોજ નો ટોબેકો ડે છે. એ દિવસે સ્મોકિંગ અને તમાકુની બીજી પ્રોડક્ટથી શું અસરો થાય છે એની ખૂબ વાતો થશે. કેન્સર પેશન્ટ્સના આંકડાઓ આપી ડરાવવાની વાત નથી પણ એક હકીકત એ છે કે જો દાનત હોય તો વ્યસન છોડી શકાય છે. સહેલું નથી પરંતુ અશક્ય પણ નથી! પ્રયત્ન કરવામાં શું જાય છે? બીજી વાત, જે લોકોને કોઇ વ્યસન નથી, એ લોકો ભાઈઓ, દોસ્તારોની વાતોમાં આવ્યા વગર એનાથી દૂર રહે એ જ સારું છે. ઘણા લોકો એવા પણ હોય છે જેને પોતાને લત લાગી ગઇ હોય એટલે એ બીજાને પણ રવાડે ચડાવે છે. વ્યસન આર્થિક, સામાજિક, શારીરિક અને માનસિક નુકસાન પહોંચાડે છે, એનાથી મુક્તિ મળી શકે છે, બસ, મન મજબૂત અને દાનત છોડવાની હોવી જોઇએ!

હા, એવું છે!
આદત વિશેનો એક રસપ્રદ અભ્યાસ એવું કહે છે કે, દરેકે દરેક માણસને અમુક ચોક્કસ પ્રકારની આદતો હોય જ છે. આપણે તેને સારી અથવા ખરાબ આદતોમાં ડિવાઇડ કરીએ છીએ. ખરાબ આદત જ નહીં, સારી આદત પણ આસાનીથી છૂટતી નથી. સારીનું લેબલ લાગેલું હોવાથી કોઇ એની બહુ પરવા કરતા નથી, બાકી સારી આદતો પણ છેલ્લે તો આદત જ છે !
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 25 મે, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: