રહેવા દે, હમણાં એનું મગજ ઠેકાણે નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

રહેવા દે, હમણાં એનું

મગજ ઠેકાણે નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જીત વગરનો થા ને હાર વગરનો થા,

તું એમ કરી થોડો, સંસાર વગરનો થા,

સંદેહ નથી એમાં, આ યુદ્ધ શમી જશે,

પ્હેલાં તો અહીંયાં તું, હથિયાર વગરનો થા.

-ગૌરાંગ ઠાકર

મન અને મગજ આપણા અસ્તિત્વના બે એવા હિસ્સા છે, જેનાથી આપણું વ્યક્તિત્વ ઘડાય છે અને છતું પણ થાય છે. મન અને મગજ પર જેનો કાબૂ છે એ સંત જ છે. માણસનું મગજ નાની-નાની વાતમાં છટકી જાય છે. કોઈએ જરાકેય ટ્રિગર દબાવ્યું કે, માણસ બ્લાસ્ટ થાય છે. દરેક માણસ બારૂદ લઈને ફરતો રહે છે. કોઈનામાં થોડો તો કોઈનામાં વધુ દારૂગોળો ભર્યો છે. ચિનગારીઓની તો આપણે ત્યાં ક્યાં કમી છે? વિસ્ફોટ વિકૃતિ છે. પ્રકૃતિ સરકી જાય તો વિકૃતિ ઘૂસી આવે છે. પ્રકૃતિ ક્યારેય વિકૃત ન હોય. આપણે તેને વિકૃત થવા દઈએ છીએ. સહજતા અને હળવાશ પ્રકૃતિને પવિત્ર રાખે છે. આપણે કેટલા હળવા હોઈએ છીએ? મોટાભાગે તો આપણે જાતજાતના ભાર લઈને જ ફરીએ છીએ. આપણે આપણી ઉપર દરરોજ કોઈ ને કોઈ ભાર લાદતા જ જઈએ છીએ. ભારેખમ થઈને પછી ફરિયાદ કરીએ છીએ કે, હળવાશ જ લાગતી નથી!

એક ડૉક્ટર મિત્રએ હમણાં એક વાત કહી. અમેરિકામાં ડૉક્ટરોની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ હતી. મેડિકલ વર્લ્ડમાં ટેક્લોનોજી જે ક્રાંતિ સર્જશે તેની ચર્ચા થઈ. હવે પછીના સમયમાં રોબોટ સર્જરી કરશે. દુનિયાના બેસ્ટ ડૉક્ટરો પોતાની આલીશાન ચેમ્બરમાં બેઠાં-બેઠાં રોબોટને ઓપરેટ કરી દુનિયાના કોઈ પણ દેશમાં ઓપરેશન કરશે. એક ડૉક્ટર એકસાથે અનેક દેશોમાં ઓપરેશન કરતો હોય એવી ઘટનાઓ પણ જોવા મળશે. કોન્ફરન્સમાં છેલ્લે એક સિનિયર ડૉક્ટર બોલવા ઊભા થયા. તેણે કહ્યું એ વાત સમજવા જેવી છે. મેડિકલ રિવોલ્યુશનની વાત પૂરી કરી ત્યારે બધા ડૉક્ટરોએ તાળીઓ પાડી તેમને વધાવી લીધા. પોતાનું વક્તવ્ય પૂરું કરતાં પહેલાં તેમણે કહ્યું કે, હવે એક છેલ્લી વાત મારે કરવી છે. તબીબ જગતમાં જે પરિવર્તનો આવવાનાં છે, તેનાથી લોકોનું આયુષ્ય વધશે. ઉંમર લાંબી થશે. એ પછી તેમણે પ્રશ્ન કર્યો. ઉંમર તો લાંબી થશે, પણ જિંદગી જીવવા જેવી થશે? કોઈ ટેક્નોલોજી જિંદગીને સુંદર બનાવવાની ગેરંટી ન આપી શકે. જિંદગીને તો માણસે પોતાની રીતે જ જીવવા જેવી બનાવવી પડે. અમે જીવન લાંબું કરી શકીએ. જીવંત તો તમારે જ રહેવું પડે!

ગંભીર બીમારીઓની સારવાર કરનાર એક ડૉક્ટર હતા. બહુ જ હોશિયાર ડૉક્ટર વિશે એવું કહેવાતું કે, એ તો મોતની નજીક પહોંચી ગયેલા માણસોને પાછા લઈ આવે છે. ડૉક્ટર પાસે જે દર્દી આવે તેની પાસે એક ફોર્મ ભરાવે. દર્દીને પૂછે કે, તમે આ ફોર્મમાં લખો કે, જો તમે બચી જશો તો તમે કેવી રીતે જીવશો? જિંદગીમાં જે બાકી રહી ગયું છે એ શું છે? દરેક દર્દી પોતાના દિલની વાત લખતો. હું બચી જઈશ તો મારા પરિવાર સાથે પૂરતો સમય વિતાવીશ. મારા દીકરા અને દીકરીનાં સંતાનો સાથે પેટ ભરીને રમીશ. કોઈએ પોતાનો ફરવા જવાનો શોખ પૂરો કરવાની વાત કરી તો કોઈએ એમ પણ કહ્યું કે, મારાથી જે લોકોને હર્ટ થયું છે એની પાસે જઈને માફી માગી લઈશ. એક દર્દીએ કહ્યું કે, હસવાનું થોડુંક વધારી દઈશ. જાતજાતની વાતો જાણવા મળી. જિંદગી સામે કોઈ ફરિયાદ નહીં કરું. ગિલ્ટ ન થાય એવું કામ કરીશ.

ડૉક્ટર ઓપરેશન કરે. દર્દી રજા લઈને જાય ત્યારે ડૉક્ટર એ જ ફોર્મ દર્દીને પાછું આપે. દર્દીને કહે કે, પાછા બતાવવા આવો ત્યારે આ ફોર્મમાં તમે જે લખ્યું છે એના પર ટિક માર્ક કરતાં આવજો અને કહેજો કે તમે લખ્યું હતું એ રીતે કેટલું જીવ્યા? ડૉક્ટરે કહ્યું કે, એકેય માણસે એવું નહોતું લખ્યું કે, જો હું બચી જઈશ તો મારે જે વેર વાળવું છે એ વેર વાળી લઈશ. મારા દુશ્મનને ખતમ કરી નાખીશ. હું રૂપિયા વધારે કમાઈશ. મારી જાતને વધુ બિઝી રાખીશ. દરેકનો જીવવાનો નજરિયો જ જુદો હતો. ડૉક્ટરે સવાલ કર્યો કે, તમે સાજા હતા ત્યારે તમને આ રીતે જીવતા કોણ રોકતું હતું? હજુ ક્યાં મોડું થયું છે?

બે ઘડી વિચાર કરો કે, તમારી જિંદગીમાં એવું જીવવાનું કેટલું બાકી છે, જેવું જીવવાનું તમે ઇચ્છો છો? બસ, એ રીતે જીવવાનું શરૂ કરી દો. સાચી જિંદગી એ જ છે કે જ્યારે જીવન પૂરું થવાનું હોય ત્યારે કોઈ અફસોસ ન હોય! એવું ન લાગે કે, હું મારી જિંદગી મને ગમે એમ જીવ્યો નથી!

આપણા કેટલા ગુસ્સાનું કારણ વાજબી હોય છે? મોટાભાગે આપણે કારણ વગર મગજ ગુમાવીએ છીએ. કોઈક કંઈક બોલે અને આપણું ફટકે છે. આજે કેટલાં ઘર જીવવાની મોકળાશ રહે એવાં હોય છે? ઘરનો કોઈ સભ્ય એવા ફાટેલા મગજનો હોય છે જે આખા ઘરને ભારે બનાવી દે છે. એક ઘરની આ વાત છે. ઘરમાં પતિ-પત્ની અને દીકરો રહે. દીકરાને એક વખત કોલેજમાંથી ટૂરમાં જવાનું હતું. પપ્પા પાસે ટૂરમાં જવાની મંજૂરી લેવાની હતી. મમ્મીને કહ્યું તો તેણે એવી વાત કરી કે, હમણાં રહેવા દે, તારા પપ્પાનું મગજ ઠેકાણે નથી! દીકરાએ સવાલ કર્યો. મમ્મી, તારું મગજ કેમ ઠેકાણે જ રહે છે? મમ્મીએ જવાબ આપ્યો, કારણ કે હું કોઈ ઘટના સાથે મારા મગજને બહાર જવાની છૂટ આપતી નથી. આપણે આપણું મગજ કોઈને સોંપી દેતા હોઈએ છીએ. એણે આમ કર્યું. એ આમ બોલ્યો. એને કહ્યું હતું તો પણ એ મારી વાત ન માન્યો. બધા મન ફાવે એમ જ વર્તે છે. આપણા ઘરમાં આપણી નજીકના જ લોકોએ જો આપણો મૂડ જોઈને વાત કરવી પડે તો સમજજો કે આપણા સંબંધમાં કંઈક ખામી છે.

આપણે હવે મૂડ જોઈને વાત કરતા થઈ ગયા છીએ. લાગ જોઈને વાર કરતો માણસ હવે લાગ જોઈને વાત કરતો પણ થઈ ગયો છે! પોતાની વાત કહેવા કે પોતાની વાત મનાવવા એક માહોલ સર્જવો પડે છે. મોકાની રાહ જોવી પડે છે. અમુક સંબંધોમાં કેટલી બધી કહેવાની વાત ‘પેન્ડિંગ’ હોય છે. મોકો જ મળતો નથી! આપણા લોકોને જ વાત કરતા પહેલાં વિચાર કરવો પડે એ સંબંધોની કરુણતા છે. એક વખત એક પત્નીએ પતિને ઘરના સંદર્ભે એક વાત કરી. પતિએ વાત સાંભળીને કહ્યું, તને ખબર છે હું અત્યારે કેટલા ટેન્શનમાંથી પસાર થઈ રહ્યો છું? ઓફિસમાં કેટલા બધા ઇન્યૂઝ છે. તને બસ તારી પડી છે. બીજા કોઈનો વિચાર જ કરવો નથી! પત્નીએ કહ્યું, ના મને ખબર નથી કે તું કેવા ટેન્શનમાંથી પસાર થઈ રહ્યો છે! તું વાત કરે તો ખબર હોય ને? બીજી વાત એ કે, ઓફિસમાં ટેન્શન છે, ઘરમાં તો કંઈ નથીને? તું હાથે કરીને ઘરમાં પણ શા માટે ટેન્શન ઊભું કરે છે? જસ્ટ રિલેક્સ ડિયર! શાંતિથી વાત કરને!

પતિને એની ભૂલ સમજાઈ. તેણે સોરી કહ્યું. તારી વાત સાચી છે. સારું છે તું આટલી સમજુ છે. બાકી તું પણ એવું કહી શકી હોત કે, તારે તારી ઓફિસનાં ટેન્શન ઘરે લઈ આવવાં છે અને જે ફ્રસ્ટ્રેશન છે એ મારા ઉપર ઉતારવું છે. તને ઘરની કંઈ પડી જ નથી! આ વાતે બંને વચ્ચે ઝઘડો પણ થયો હોત. ઝઘડો થાત તો મને વળી એવાં પણ વિચાર આવત કે ઓફિસમાંયે ટેન્શન છે અને ઘરમાંયે શાંતિ નથી! ઘણા લોકો એકસાથે બધા મોરચા ખોલી નાખે છે અને પોતાનું મગજ સતત બગાડતા જ રહે છે.

જિંદગીમાં પ્રેશર તો આવવાનાં જ છે. આપણને ન ગમે એવી ઘટનાથી માંડી આપણાથી સહન ન થાય એવા બનાવો પણ બનતા જ રહેવાના છે. અમુક ઘટનાઓ ઉપર આપણો કંટ્રોલ જ નથી હોતો. જે વાત ઉપર આપણો કંટ્રોલ ન હોય એ વાતના કારણે આપણે આપણા ઉપરનો કંટ્રોલ ગુમાવીએ તો એમાં વાંક આપણો જ હોય છે. મોટાભાગે તો આપણે જ કોઈ વાત, કોઈ ઘટના, કોઈ વર્તન કે કોઈ બનાવને મોટું સ્વરૂપ આપી દેતા હોઈએ છીએ! વાતને વણસવા ન દેવી કે વકરવા ન દેવી એ એક એવી આવડત છે જે આપણી જિંદગીને હળવી રાખે છે. આપણે ઘટનાઓને મિક્સ કરી દઈએ છીએ. એક ખરાબ ઘટના બને એની બીજી અનેક સારી ઘટનાઓ સાથે એવી રીતે જોડાવવા દઈએ છીએ કે બધી ઘટના ખરાબ થઈ જાય. એક વાતે મૂડ બગડે તો બધાનો મૂડ બગાડી નાખીએ છીએ. જિંદગીમાં સારી ઘટનાઓ વધુ હોય છે. ખરાબ ઘટનાઓ તો એક-બે જ હોય છે. આપણે એ ઘટનાને એવડી મોટી બનાવી દઈએ છીએ કે એની પાછળ જે સારી ઘટનાઓ હોય છે એ દબાઈ જાય છે, એ દેખાતી જ નથી! જિંદગીને જોવાનો એક નજરિયો હોય છે. જિંદગીને જેવી નજરે જોશો એવી જ એ દેખાશે! સારું જોવું કે નરસું, સારું જીવવું કે નરસું, એ આપણે નક્કી કરવાનું હોય છે!

છેલ્લો સીન :

આપણે જો આપણા ઉપર કાબૂ ન રાખી શકીએ તો કોઈ આપણા પર કબજો જમાવી લે છે.                          -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 25 ડિસેમ્બર 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *