દીકરીના ઘરનું પાણી ન પીવાય એ
માનસિકતા ઘડીકમાં બદલાશે ખરી?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
મા-બાપનું ધ્યાન રાખવાની જવાબદારી કોની? દીકરા-વહુની કે
દીકરી-જમાઇની? નવો કાયદો કહે છે કે, દીકરી-જમાઇએ
પણ પેરેન્ટ્સનું ધ્યાન રાખવું પડશે
સવાલ એ છે કે, કેટલાં મા-બાપ દીકરાને બદલે દીકરી
સંભાળ રાખે એવું સ્વીકારે છે? કાયદાની સાથે
માનસિકતા પણ બદલવી પડશે!
એક વૃદ્ધ દંપતીની આ વાત છે. બંનેની ઉંમર 65 પ્લસ છે. દીકરો અને વહુ ધ્યાન રાખતાં નથી. આખા દિવસમાં મા-બાપને એક વખત પણ કેમ છો એમ પૂછતાં નથી. ઘરમાં કંકાસનું વાતાવરણ છે. આ દંપતીને પરણાવેલી એક દીકરી છે. દીકરી અને જમાઇ પેરેન્ટ્સની હાલત જોઇને પરેશાન છે. બંનેએ અનેકવાર મા-બાપને કહ્યું છે કે, અમારે ત્યાં રહેવા આવી જાવ. અમે તમારું પૂરું ધ્યાન રાખીશું. બંને કહી કહીને થાકી ગયાં છતાં મા-બાપ દીકરીના ઘરે જવા રાજી થતાં નથી. તેઓ કહે છે, દીકરીના ઘરે કંઇ થોડું રહેવા જવાતું હશે? આપણામાં તો દીકરીના ઘરનું પાણી પણ ન પીવાય. દીકરીનું ખાઇએ તો નરકમાં જવું પડે! તમે પણ કદાચ તમારી આસપાસમાં આવી ઘટનાઓ જોઇ હશે.
આ કિસ્સામાં તો હજુ દીકરો હતો. ઘણા કિસ્સા તો એવા હોય છે જેમાં મા-બાપને એક કે બે દીકરી જ હોય છે. દીકરી પરણીને સાસરે જાય પછી માતા-પિતા એકલાં જ રહેતાં હોય છે. દીકરીને સતત એ વાતની ચિંતા રહે કે મા-બાપની તબિયત કેવી હશે? મા-બાપ બીમાર હોય તો એનો જીવ કળીએ કળીએ કપાતો હોય છે. દીકરી કાલાવાલા કરીને થાકી જાય તો પણ મા-બાપ તેની સાથે રહેવા જવા તૈયાર હોતાં નથી. આપણા સામાજિક રીતરિવાજો અને પરંપરાઓ એવા વિચિત્ર છે કે મગજ કામ ન કરે. કોઇ મા-બાપ દીકરી સાથે રહેતાં હોય તો સમાજમાં ટોણાં મારવાવાળાની પણ કમી હોતી નથી. કેવાં મા-બાપ છે? દીકરીના ઘરનું ખાય છે!
આપણા દેશમાં મા-બાપની સંભાળના સવાલો વધતા જાય છે. આપણે ત્યાં દીકરાના મોહનું એક કારણ એ પણ છે કે, ગલઢે ગઢપણમાં એ સાચવે. ભલે ધીમી ગતિએ પણ હવે થોડોક એવો સુધારો તો આવ્યો જ છે કે, મા-બાપ દીકરા કે દીકરીમાં કોઇ ભેદ નથી કરતાં. હવેના સમયમાં બાળકોનો ઉછેર એ મોટી જવાબદારી છે. યંગ કપલ હવે એવું વિચારતાં થયાં છે કે, દીકરો હોય કે દીકરી, આપણે તો એક જ બાળકને દુનિયામાં લાવવું છે. આમ છતાં અંદરખાને ક્યારેક એવો વિચાર તો આવી જ જાય છે કે, દીકરી સાસરે ચાલી જશે પછી શું થશે? અમે તો સાવ એકલાં પડી જશું. ઘણા કિસ્સામાં આપણને એવું પણ જોવા મળે છે કે, એકની એક દીકરી જીવનસાથીની પસંદગી વખતે એવી ચોખવટ કરી લે છે કે, આપણે બંને મા-બાપનું ધ્યાન રાખીશું.
સમાજમાં એવા કિસ્સાઓ પણ બનતા રહે છે કે, કોઇ મા-બાપે દીકરા સામે બાકાયદા એવી ફરિયાદ કરી હોય કે દીકરો અમારું ધ્યાન નથી રાખતો. ભરણપોષણ નથી આપતો. ક્યારેય એવી ફરિયાદ થઇ હોય એવું સાંભળ્યું છે કે, દીકરી અમારી કેર કરતી નથી? આપણા દેશના મેઇન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન્સ એક્ટ 2007માં હવે સુધારા થવાના છે. આ કાયદા મુજબ હવે માત્ર દીકરા અને વહુએ જ નહીં, પણ દીકરી અને જમાઇએ પણ માતા-પિતાની સંભાળ રાખવી પડશે. મતલબ કે હવે બધાંએ માતા-પિતા અને સાસુ-સસરાનું પણ ધ્યાન રાખવું પડશે. જો ધ્યાન નહીં રાખે તો છ મહિનાની સજાની પણ જોગવાઇ કરવામાં આવી છે. બધું કામ કાયદાથી નથી ચાલતું. કાયદો બદલાય એની સાથે માનસિકતા પણ બદલવી જોઇએ.
આપણે ત્યાં એવો કાયદો છે કે, માતા-પિતાની મિલકતમાં દીકરા જેટલો જ અધિકાર દીકરીનો છે. બહુ ઓછા કિસ્સામાં આ કાયદો પાળવામાં આવે છે. હજુ મા-બાપ પોતાના વિલમાં દીકરા અને દીકરીને અડધા-અડધા ભાગ આપતાં નથી. દીકરી કે જમાઇ પણ આ વિશે કોઇ માથાકૂટ કરતાં નથી. મિલકતના કાયદાની વાત આવતી ત્યારે એવો સવાલ ઉઠાવાતો કે દીકરી જો મિલકતમાં ભાગીદાર ગણાય તો જવાબદારીમાં ભાગીદાર કેમ નહીં? આપણે ત્યાં મા-બાપને સાચવવાના કિસ્સામાં સંસ્કારને જ આગળ ધરવામાં આવે છે. અમુક અપવાદો બાદ કરતાં મોટાભાગના યુવાનો મા-બાપની સંભાળ લેતા જ હોય છે. અમુક કિસ્સાઓમાં તો મા-બાપ પોતાના માટે એવી જ જોગવાઇ કરી રાખતાં હોય છે કે, ક્યારેય દીકરા સામે હાથ લંબાવવો ન પડે. દરેક કિસ્સામાં આવું બનતું નથી એ વાત જુદી છે.
મા-બાપનું ધ્યાન રાખવામાં એક બીજો મુદ્દો ઇમોશન્સનો છે. માત્ર રૂપિયા આપી દેવાથી વાત પૂરી થઇ જતી નથી. મા-બાપને જતી જિંદગીએ લાગણી અને હૂંફ જોઇતાં હોય છે. કાયદો આર્થિક ભરણપોષણ અપાવી શકે, પણ માનસિક જરૂરતો, સાથ અને સાંત્વનાનું શું? એ તો સંતાનોએ પોતાની રીતે જ સમજવું પડે. મા-બાપ બંને એકલાં હોય ત્યાં સુધી હજુ પણ બહુ વાંધો આવતો નથી, પણ બેમાંથી એક વહેલું પરધામ પ્રયાણ કરી જાય ત્યારે હાલત કફોડી થઇ જાય છે. એકલતા કોરી ખાય છે. અમુક લોકોના દીકરા વિદેશમાં રહે છે. મા-બાપ દેશમાં હોય, સરસ મજાનો બંગલો-ગાડી હોય, નોકરચાકર પણ હોય છતાં એ સંતાનોની યાદમાં ઝૂરતાં હોય છે.
હવેના સિનિયર સિટીઝનોએ પોતાની માનસિકતા થોડીક બદલાવવી પડશે. દીકરીના ઘરે પણ રહેવાય. ચીનમાં તો એક જ બાળકનો કાયદો છે. ત્યાં કોઇ છોકરો અને છોકરી પરણે એટલે એ બંને ઉપર બંનેનાં માતા-પિતાની જવાબદારી હોય છે. ઘણા ચાઇનીઝ યંગસ્ટર્સ એવું કહે જ છે કે, અમારે તો પરણ્યા પછી અમારા બે ઉપરાંત ચાર લોકોનું ધ્યાન રાખવાનું છે. આપણે ત્યાં ભલે એક બાળકનો કાયદો નથી, પણ એક જ બાળક હોય એવા લોકોની સંખ્યા વધતી જ જાય છે. આવા સંજોગોમાં પતિ-પત્ની બંનેએ બંનેનાં મા-બાપની જવાબદારી સ્વીકારવી પડશે. કાયદો તો કાયદાનું કામ કરશે, પણ દેશના દરેક વ્યક્તિએ માનસિકતા થોડીક બદલવી પડશે. સવાલ એ છે કે માનસિકતા ઘડીકમાં બદલાશે ખરી?
પેશ-એ-ખિદમત
યે ફૂલ મુઝે કોઇ વિરાસત મેં મિલે હૈં,
તુમને મેરા કાંટોં ભરા બિસ્તર નહીં દેખા,
યારોં કી મોહબ્બત કા યકીં કર લિયા મૈંને,
ફૂલોં મેં છુપાયા હુઆ ખંજર નહીં દેખા.
– બશીર બદ્ર
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 22 ડિસેમ્બર 2019, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)