તું તારા મનમાં બધું ક્યાં સુધી ધરબી રાખીશ? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું તારા મનમાં બધું

ક્યાં સુધી ધરબી રાખીશ?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

દયાળુએ દશા એવી કરી છે મારા જીવનની,

નિખાલસ કોઈને તો કોઈને મગરૂર લાગું છું,

હકીકતમાં તો મારી જિંદગી છે ઝાંઝવા જેવી,

કે હું દેખાઉં છું નજદીક ને જોજનો દૂર લાગું છું.

-નાઝિર દેખૈયા

માણસ ઘણાં બધાં સ્મરણો અને આઘાતો સાથે લઈને ફરતો હોય છે. આપણી સાથે બનેલા બનાવો, આપણી સાથે ઘટેલી ઘટનાઓ, આપણને થયેલા અનુભવો આપણા મૂડ અને આપણી માનસિકતા સાથે જોડાઈ જાય છે. કંઈક બને ત્યારે અચાનક જ કેટલું બધું સામે આવી જાય છે? સ્મરણોનો દરિયો અચાનક ઊછળવા લાગે છે. બધાં સ્મરણો ક્યાં સારાં હોય છે? કેટલીક યાદો, કેટલીક વાતો અને કેટલાક અનુભવો કાળો પડછાયો બનીને સતત આપણી સાથે ફરે છે. અંધકારમાં પડછાયા દેખાતા નથી, પણ આંખોમાં વર્તાતા રહે છે. દરેકની લાઇફમાં અમુક એવી વાતો હોય છે જે ભુલાતી નથી. ગમે તે કરીએ તો પણ એ આપણો પીછો છોડતી નથી. આપણને ખબર ન પડે એમ એ આપણને પકડી લે છે. એક અજાણ્યો અજંપો ઊઠે છે અને વલોપાત થવા લાગે છે.

માણસની વેદનાનું એક કારણ એ હોય છે કે, માણસ ભૂતકાળ ભૂલી શકતો નથી. દુનિયાની દરેક ફિલોસોફી એક વાત કરે છે કે, વર્તમાનમાં જીવો. જે પળ છે એને પૂરેપૂરી માણો. સુખી થવાનો અને ખુશ રહેવાનો આ સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. વાત સાવ સાચી છે, પણ વર્તમાનમાં જીવતાં જીવતાં ક્યારે ભૂતકાળમાં તણાઈ જવાય છે એનો અણસાર સુધ્ધાં નથી આવતો. એક યુવાનની આ વાત છે. એને પાર્ટી કરવાનું ખૂબ ગમે. મેળ પડે ત્યારે એ મિત્રોને બોલાવીને પાર્ટી કરે. અચાનક એણે પાર્ટી કરવાનું બંધ કરી દીધું. પાર્ટી કરવાની વાત તો દૂર રહી, પાર્ટીમાં જવાનું પણ બંધ કરી દીધું. એક વખત તેના મિત્રએ તેને પૂછ્યું, તે કેમ પાર્ટીઓથી કિનારો કરી લીધો છે? એ મિત્રએ કહ્યું, હવે મને પાર્ટી કરતા ડર લાગે છે! એની પાછળ એક ઘટના કારણભૂત છે. એક વખત મેં મારા બચપણના મિત્રો સાથે એક પાર્ટી કરી હતી. એ પાર્ટીમાં એક જૂના મિત્રએ બચપણના સમયમાં મારી સાથે બનેલી ઘટનાઓની વાત કરી મને ડિસ્ટર્બ કરી દીધો. એક વખત મને એક છોકરીએ થપ્પડ મારી દીધી હતી. તેની મજાક કોઈએ કરી હતી અને નામ મારું આવ્યું. એ છોકરીએ થપ્પડ મારી પછી હું રડવા લાગ્યો હતો. બધાએ મજાક કરી હતી કે, તું તો છોકરીની જેમ રડે છે! એ સિવાય પણ એવી ઘણી વાતો કરી જે મારી જિંદગીની ખરાબ યાદોમાં હતી. હવે પાર્ટી કરવાનો વિચાર આવે છે તો ડર લાગે છે કે ક્યાંક ફરીથી કોઈ આવું કરશે તો? મારે જે વાતોમાંથી છુટકારો જોઈતો હતો એ જ પાછી મને વળગી ગઈ!

સંવેદના સારી વાત છે. સંવેદનશીલ હોવું એ ઉમદા ગુણ છે. સંવેદનાની પણ એક હદ હોય છે. અતિ સંવેદનશીલ માણસોને દરેક વસ્તુ અને દરેક વાત સીધી અને મોટી અસર કરે છે. આપણી સંવેદનાઓ પણ સક્ષમ હોવી જોઈએ. આપણી દરેક રગ જો દુખતી રગ બની જાય તો એ સતત દબાતી રહે છે. દુખતી રગ દબાવવાળાઓની પણ કમી હોતી નથી. એ રગ સુધી કોઈનો હાથ પહોંચે એ પહેલાં તેને રોકવો જરૂરી હોય છે. એક છોકરીની આ વાત છે. એના ઘરનું વાતાવરણ સારું નહોતું. માતા-પિતાને બનતું નહીં. એ બંને વાતવાતમાં ઝઘડો કરતાં. દીકરી કંઈ બોલી ન શકતી. બોલવા જાય તો મા-બાપ તેની પણ ધૂળ કાઢી નાખે. પોતાના ઘરની વાત તેણે એક બહેનપણીને કરી. બહેનપણીને તો જાણે તેને નીચી દેખાડવાનો પોઇન્ટ મળી ગયો. બધી ફ્રેન્ડ્સ મળે ત્યારે એ ફ્રેન્ડના ઘરની વાત કરીને તેને નીચી દેખાડવાનો પ્રયાસ કરે. એક-બે વખત તો તેની ફ્રેન્ડે સાંભળી લીધું. તેને એવું થયું કે, હવે આને રોકવી પડશે. એક વખત તેણે ફ્રેન્ડને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, હવે પછી મારા ઘર વિશે કંઈ બોલતા પહેલાં સો વખત વિચાર કરજે. હું બધાની વચ્ચે તારું અપમાન કરી નાખીશ. તું એમ ન સમજતી કે, હું કંઈ બોલીશ નહીં! મેં તારા પર વિશ્વાસ રાખી તારી સાથે અંગત વાતો શેર કરી હતી. તેં ભરોસો તોડ્યો છે. હવે જો તેં કોઈ વાત કરી અને પછી હું કંઈ કહું તો એના માટે જવાબદાર તું હોઈશ!

આપણે ઘણી વખત આપણી સાથે રમત કરનારને રોકવા પડે છે. સમય આવ્યે બોલવું પડે છે. સાચી વાત સ્પષ્ટ રીતે કહેવી પડે છે. સહનશક્તિનું એક પ્રમાણ એ પણ છે કે, ખોટું સહન ન કરવું. બધું જ સહન કરતા રહેવું એ સહનશીલતા નહીં, પણ કમજોરી છે. સંવેદનાથી પણ માણસે કાયર રહેવું ન જોઈએ.

એક ઓફિસમાં એક યુવાન કામ કરતો હતો. તેના કલિગ્સ તેના કામ બાબતે સાચી-ખોટી ટિપ્પણીઓ કરતા રહે. એ યુવાન બધાનું સાંભળી લે. એક વખત તેની સાથે કામ કરતી છોકરીએ એને કહ્યું કે, તું કેમ બધું સાંભળી લે છે? યુવાને કહ્યું કે, હું કોઈને કંઈ કહી શકતો નથી! છોકરીએ કહ્યું, તું કહી નથી શકતો એટલે જ તો બધા મનમાં આવે એ બોલ્યા રાખે છે! તારે કહેવું જોઈએ. તું બોલીશ નહીં તો એ લોકો તારા કામ વિશે એલફેલ બોલતા જ રહેશે. જે વાત ખોટી છે એને તું નહીં રોકે તો એને સાચી જ માની લેવામાં આવશે. આપણે સાચા હોઈએ ત્યારે બમણાં જોરથી આપણે આપણી વાતને સાચી ઠરાવવી જોઈએ. આ દુનિયામાં ખોટું સાબિત કરવું સહેલું છે, પણ સાચું સાબિત કરવું અઘરું છે. સાચાને સાચું સાબિત કરવા માટે પણ ઘણી વાર સંઘર્ષ કરવો પડે છે. આપણા સત્યને સાબિત કરવાની સક્ષમતા હોવી એ પણ બહાદુરીનો જ એક ભાગ છે. હું સાચો છું એવું આપણે માનીએ એ પૂરતું નથી. હું સાચો છું એ આપણે બધાની સામે પુરવાર પણ કરવું પડે છે. આપણું સત્ય આપણી તાકાત બનવું જોઈએ. ઘણી વખત આપણું મૌન આપણા સત્યને પણ સંકોચી નાખે છે. હું સાચો છું એ છાતી ઠોકીને કહેવું પડે છે!

એક બોસે તેની ટીમની મિટિંગ કરી. એક પ્રોજેક્ટનું કામ ચાલતું હતું. આ કામમાં એક ભૂલ થઈ. બોસે એક કર્મચારીને બધા વચ્ચે ખખડાવી નાખ્યો. એ કર્મચારી એક શબ્દ ન બોલ્યો. મિટિંગ પૂરી થઈ. થોડા સમય પછી એ કર્મચારી બોસની ચેમ્બરમાં ગયો. તેણે બોસને પ્રોજેક્ટ વિશે વાત કરી. પોતે જે કામ કર્યું છે એ સમજાવ્યું. આખરે એવું કહ્યું કે, તમે મને મિટિંગમાં ખખડાવ્યો, પણ મારો કોઈ જ વાંક હતો નહીં. બોસે બધી વાત ધ્યાનથી સાંભળી. છેલ્લે બોસે તેની આંખમાં આંખ પરોવીને કહ્યું કે, તું સાચો હતો તો એ સમયે બોલ્યો કેમ નહીં? તારી વાત કહે છે કે, તું સાચો છે, તો પછી તું ચૂપ કેમ રહ્યો? તારે ત્યારે જ બોલવાની જરૂર હતી. તેં મને બધી વાત કરી. હું કન્વીન્સ થયો કે, તું સાચો છે. તારે આ વાત બધાની સામે કરવાની જરૂર હતી. માત્ર મારી નજરોમાં જ તું સાચો ઠરે એ પૂરતું નથી, તારે બધાની નજરમાં સાચા ઠરવું જોઈતું હતું! તારા કલિગ્સ તો એવું જ માનશે કે તું સાચો નહોતો, તારી ભૂલ હતી અને એટલે બોસે તને ખખડાવ્યો. એક વાત યાદ રાખજે, સાચું કહેતા ડરીશ તો ક્યારેય કોઈ સાચો નહીં માને. સાચા હોઈએ તો સાચું કહેતા પણ જરાયે અચકાવવું ન જોઈએ. તમારું મોરલ તમે કેટલા સ્પષ્ટ છો એ પણ છતું કરવું જોઈએ.

આપણે જ્યારે બોલવું જોઈએ, જ્યાં બોલવું જોઈએ એ બોલતા નથી અને પછી અંદર જ ધૂંધવાતા રહીએ છીએ. કેટલું બધું આપણી અંદર ધરબાયેલું હોય છે? બધું અંદર ધરબી ન રાખો. બધું ધરબી રાખશો તો તમે પોતે ધરબાઈ જશો. જાહેરમાં બોલવા જેવું હોય એ જાહેરમાં બોલવું જોઈએ. બધાની વચ્ચે કોઈ ડર રાખ્યા વગર કહેવું પડે છે. અમુક અંગત વાતો, અમુક સારા અને ખાસ તો ખરાબ અનુભવો પણ મનમાં સંઘરી રાખવાનો કોઈ અર્થ હોતો નથી. હા, દરેક વાત દરેકને ન કહેવાય, દરેક માણસ એને લાયક હોતા નથી. જિંદગીમાં એક-બે એવી વ્યક્તિ હોવી જોઈએ કે જેની પાસે દિલની કિતાબ ખુલ્લી મૂકી શકાય. બધી વાત બધાને કહેવામાં પણ સરવાળે આપણે આપણું ગૌરવ ગુમાવતા હોઈએ છીએ.

ચર્ચમાં કન્ફેશન બોક્સ હોય છે. માણસને જે વાતનું ગિલ્ટ હોય, કોઈ અફસોસ હોય, કોઈ ખરાબ અનુભવ હોય કે કંઈક કહેવું હોય તો કન્ફેશન બોક્સમાં જઈને કહે છે. આપણી જિંદગીમાં પણ અમુક લોકો કન્ફેશન બોક્સ જેવા હોય છે. આપણને બસ એ શોધતા આવડવું જોઈએ. બધો ભાર સાથે રાખીને ફરવાની કોઈ જરૂર નથી. અમુક ભાર ખંખેરવો પડે છે. અમુક વાતો ભૂલવી પડે છે. હળવા ન થઈએ તો હળવાશ લાગવાની જ નથી. તકેદારી એટલી જ રાખવાની હોય છે કે, હળવા થવા જતાં ક્યાંક વધુ ભારે ન થઈ જઈએ. આપણે આપણી જિંદગીમાં આપણી આસપાસ કેવા માણસોને સિલેક્ટ કરીએ છીએ એના ઉપર આપણાં સુખ, આપણી હળવાશ અને આપણા અસ્તિત્વનો આધાર રહે છે. જિંદગીમાં રાઇટ માણસ હોય તો ઘણું બધું રોંગ થતું નથી!

છેલ્લો સીન :

જિંદગીમાં ઘણી વખત ખોટા માણસો ઉપર આપણે પસંદગી ઉતારી દઈએ છીએ. પસંદગીની ભૂલ સુધારતા ન આવડે તો એનો સતત ભોગ બનતા રહેવું પડે છે!                    -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 22 એપ્રિલ 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *