ART OF SAYING SORRY
સાવ સાચું કહેજો, તમને
માફી માંગતા આવડે છે?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
માફી માંગવી એ પણ એક આર્ટ છે. આપણે જેની માફી માંગીએ એને
થવું જોઇએ કે, આપણા શબ્દોમાં સચ્ચાઈ અને પ્રામાણિકતા છે.
કહેવા ખાતર કહેવાતા સોરીનો કોઈ અર્થ નથી!
———–
કુછ ઈસ તરહ સે હમને જિંદગી કો આસાં કર લિયા, કિસી સે માફી માંગ લી, કિસી કો માફ કર દિયા! આ શેરમાં માફીની જબરજસ્ત ફિલોસોફી છુપાયેલી છે. જિંદગીને સરળ, સહજ અને સુખી રાખવા માટે માફી માંગી લેવી અને માફી આપી દેવી બહુ અગત્યની છે. માફીનો ખૂબ મહિમા ગવાયો છે. માફીની અસર બીજાને તો થવી હોય તો થાય, આપણને તેનાથી બહુ મોટો ફાયદો થાય છે. જિંદગીમાં ક્યારેક જાણેઅજાણે ભૂલ થઈ જવાની છે. સંબંધોમાં ક્યારેક કંઇ ન બોલવાનું બોલાઇ જતું હોય છે, ન કરવા જેવું વર્તન થઇ જતું હોય છે. ક્યારેક ઉશ્કેરાટમાં તો ક્યારેક જાણીજોઈને આપણે કોઇને સંભળાવી દેતા હોઇએ છીએ. સમય જતાં એવું થાય છે કે, આવું કરવાની જરૂર નહોતી. ક્યારેક તો કંઇક થાતા થઇ જાય છે અને પછી એ વાત આપણને જ કનડતી રહે છે. મનમાં ને મનમાં મૂંઝાતા રહેવા કરતાં માફી માંગીને હળવા થઈ જવામાં માલ હોય છે. માફી માંગવામાં અને માફી આપવામાં મોટું દિલ જોઈએ. સહેલું નથી પણ એટલું અઘરું પણ નથી. માફી માંગવામાં ક્યારેક આપણો ઇગો જ આડો આવતો હોય છે. હું શા માટે માફી માંગું? મારો ક્યાં કંઈ વાંક હતો? માફી માંગે મારી બલા! આવું બધું આપણા મનમાં ચાલતું રહે છે!
તમે છેલ્લે ક્યારે કોઇને સોરી કહ્યું હતું? સોરી કહેવામાં કેટલો સમય લીધો હતો? આ બધાની સાથે સૌથી મહત્ત્વની વાત એ છે કે, સોરી કેવી રીતે કહ્યું હતું? સોરી કહેતાં આવડવું જોઇએ. ઘણા લોકો કહેવા ખાતર સોરી કહી દેતા હોય છે. સોરી દિલથી કહેવાવું જોઈએ. જિંદગી મિલેગી ના દોબારા ફિલ્મમાં એક સરસ ડાયલોગ છે. ઇમરાન કુરેશી એટલે કે ફરહાન અખ્તર અને અર્જુન સલુજા એટલે કે રિતિક રોશન વચ્ચે ગર્લફ્રેન્ડ બાબતે મનદુઃખ થયું હોય છે. ફરહાન અખ્તર સોરી કહે છે ત્યારે રિતિક તેને કહે છે કે, સોરી તબ બોલના જબ દિલ સે નિકલે. ફિલ્મમાં એક નાજુક પળ આવે છે એ પછી ફરહાન ખરેખર દિલથી રિતિકને સોરી કહે છે. સોરી સોરીમાં કેટલો ફેર હોય છે એ આ ફિલ્મમાં સરસ રીતે બતાવાયું છે. ઘણા લોકો વાતવાતમાં સોરી કહી દેતા હોય છે. આપણને પણ ખબર હોય છે કે, એ પહેલાં મનફાવે એવું બીહેવ કરશે અને પછી ફટ્ટ દઇને સોરી કહી દેશે! આપણને જ્યારે કોઈ સોરી કહે ત્યારે તેના ટોન અને વર્તન પરથી આપણને ખબર પડી જાય છે કે, એ કહેવા ખાતર કહે છે, વાત પૂરી કરવા ખાતર કહે છે કે પછી એને જે થયું એનું એને ખરેખર પેઇન છે?
માફી માંગવા વિશે અનેક રિસર્ચ, સરવૅ અને સંશોધનો થયાં છે. પિટ્સબર્ગ યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના પ્રોફેસર અને કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન લેબોરેટરીનાં ડાયરેક્ટર ડૉ. કરીના શુમાને માફી અંગે કરેલો અભ્યાસ આજકાલ ચર્ચામાં છે. તેઓ કહે છે કે, માણસને એનું જ મન માફી માંગતા રોકે છે, માફી માંગવી હિંમતનું કામ છે. માફી માંગી લેવાથી માનસિક આરોગ્ય સુધરે છે. માફી માંગનારના બ્લડપ્રેશર અને હૃદયની ગતિમાં સુધારો થાય છે. તણાવ ઘટાડવા માટે અને સંબંધોને સજીવન રાખવા માટે લાંબું વિચાર્યા વગર માફી માંગી લેવી હિતાવહ છે. હા, માફી માંગવાનું નાટક કરવું ન જોઈએ. માત્ર કહેવા ખાતર માફી માંગશો તો કદાચ સામેની વ્યક્તિ તો માફ કરી દેશે પણ તમને પોતાને શાંતિ નહીં થાય કે સારું નહીં લાગે! અસર તો જ વર્તાશે જો માફી ખરેખર દિલથી માંગવામાં આવી હશે!
આજનો જમાનો સોશિયલ મીડિયાનો છે. લોકો પોતાની લાગણીઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને મૂકે છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર માફી માંગે છે. આ વિશે પણ એવું કહેવાયું છે કે, સોશિયલ મીડિયા પર કહેવાતી સોરીનો કોઈ મતલબ નથી. જેની માફી માંગવાની છે એને મોઢામોઢ કહો અને સ્પષ્ટ શબ્દોમાં કહો. સોશિયલ મીડિયામાં માફી માંગવાવાળા ઘણી વખત એવું પણ સાબિત કરવા મથતા હોય છે કે, જુઓ હું કેટલો નમ્ર છું! આપણને કહેવાનું મન થાય કે, જેને સોરી કહેવાનું છે એને કહોને, આખા ગામને કહેવાની શું જરૂર છે? જેને સોરી કહ્યું હોય એને પણ એમ થાય કે, મને કહેતો નથી અને ગામમાં ઢોલ પીટે છે! ભૂલ વન-ટુ-વન હોય તો માફી પણ વ્યક્તિગત જ રહેવી જોઇએ. ઘણા લોકો સોરીનો મેઇલ કરે છે અથવા તો વોટ્સએપ પર મેસેજ કરી દે છે. તેની અસર પણ બોલાયેલા શબ્દો જેટલી થતી નથી. વાત કરી શકાય એમ ન હોય તો પણ મેસેજ કરવાને બદલે હાથે લખેલા શબ્દોમાં કહો. સ્વહસ્તે લખાયેલા શબ્દોમાં ગજબની તાકાત હોય છે. હવે તો લોકો વોટ્સએપ પર સોરી કહેતાં પણ ડરે છે. તેને થાય છે કે, એ મારો મેસેજ સાચવી રાખશે, બધાને બતાવશે! ઘણાને તો વળી એવી આદત હોય છે કે, સોરીનો સ્ક્રીનશોટ લઇને તેને પણ ફેરવે!
સોરી કહેતી વખતે શબ્દોના ઉપયોગમાં પણ કાળજી રાખો. ઘણા લોકો ગોળ ગોળ વાતો કરે છે. જે થયું એ બરાબર ન થયું, મને ખેદ છે, હું દિલગીર છું, મારે આવું કરવું જોઈતું નહોતું, મારો ઇરાદો એવો નહોતો, મારાથી તમને હર્ટ થઇ ગયું, આવું બધું કહેવાની કંઈ જરૂર હોતી નથી. સ્પષ્ટ શબ્દોમાં કહો કે, તમે મને ક્ષમા કરો. મારાથી ભૂલ થઇ ગઇ છે. માફી માંગવા વિશે કેટલીક રસપ્રદ વાતો પણ જાણવા જેવી છે. એક મનોવૈજ્ઞાનિકે એવું કહ્યું છે કે, માફી માંગવામાં ઉતાવળ ન કરો. સમય લો. તમે તરત જ માફી માંગશો તો એવું લાગશે કે તમને કંઈક લાલચ છે એટલે તમે સોરી કહો છો. થોડો સમય વિતવા દો અને પછી કહો કે, મેં બહુ વિચાર કર્યો પછી મને લાગ્યું કે ભૂલ મારી છે. હું માફી માંગું છું.
મારાથી ભૂલ થઇ ગઇ છે એવું લાગે ત્યારે માફી માંગી લેવી. સામેની વ્યક્તિ માફી આપે કે ન આપે એની બહુ પરવા ન કરવી. એ માફી ન આપે તો કંઇ નહીં. ઘણા લોકો એવા હોય છે જેના મોઢે આપણે એવું સાંભળતા હોઇએ છીએ કે, હવે તો એ ગમે તે કરે, હું એને માફ નથી કરવાનો. આવા લોકો માફી ન આપીને પણ દુઃખી થતા હોય છે. કોઇ આપણી માફી માંગે ત્યારે ખુલ્લાદિલે માફી આપી દેવામાં માલ હોય છે. દરેક માણસ ઇરાદાપૂર્વક કંઈ કરતો નથી, તેનો ઇરાદો આપણને હર્ટ કરવાનો પણ હોતો નથી. કંઈક થાતા થઇ જાય છે. માણસ પોતાની ભૂલ સ્વીકારે અને સોરી કહે એ પૂરતું છે. સાચા સંબંધ વિશે તો એવું કહેવાતું રહ્યું છે કે, નો સોરી, નો થેંક યુ. કહેવામાં આ વાત સારી લાગે પણ કોઇ ભૂલ કરે ત્યારે આપણે પણ એવું ઇચ્છતા હોઇએ કે, એ સોરી કહે. આપણે એવું પણ કહેતાં હોઇએ છીએ કે, આટલું કર્યા પછી પણ એને સોરી ફીલ થતું નથી. ઘણાને જે કર્યું હોય છે એના કારણે નહીં પણ સોરી નથી કહ્યું એના કારણે વધુ ખોટું લાગતું હોય છે. સંબધોનું સત્ત્વ જાળવી રાખવા માટે ઇગો અને બીજું બધું સાઇડમાં રાખી સોરી કહે દેવામાં કંઈ ખોટું નથી. યાદ રાખવા જેવી વાત એ હોય છે કે, આપણે આપણો સંબંધ જાળવવો હોય છે. વ્યક્તિ જેટલી નજીક હોય એટલા વહેલા સોરી કહી દેવું! દુ:ખ એનું જ લાગતું હોય છે જે નજીક હોય છે, નજીક હોય એની સાથે કોઈ બાબત લાંબી ન ખેંચવી જોઈએ!
હા, એવું છે!
મોટા ભાગના વિવાદ, સંઘર્ષ અને ઝઘડાનું કારણ એ હોય છે કે, માણસ સોરી કહેવાને બદલે બહાનાં કાઢે છે, બચાવ કરે છે, દલીલો કરે છે અને ગુસ્સે પણ થઈ જાય છે. સોરી શબ્દનો જાદુ એને ખબર જ નથી. જેણે પોતાની એનર્જી ખોટી વાતોમાં વેડફવી નથી એ સોરી કહીને વાત પૂરી કરવાનું વધુ પસંદ કરે છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 06 ડિસેમ્બર 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com