તું શું નાની-નાની વાતોમાં રડવા બેસે છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું શું નાની-નાની

વાતોમાં રડવા બેસે છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

અચ્છા સા કોઈ મૌસમ, તન્હા સા કોઈ આલમ,

હર વક્ત કા રોના તો બેકાર કા રોના હૈ.

-નિદા ફાઝલી

આંખ દરેક વાતની ચાડી ફૂંકી દે છે. આંખ દિલનો આયનો છે. દિલમાં જે ચાલતું હોય એનું પ્રતિબિંબ આંખમાં ઊપસે છે. દિલમાં ચાસ પડે ત્યારે આંખો પણ થોડીક તરડાય છે. શ્વાસની ગતિ અને મનની મતિ પણ આંખોમાં ધબકતી રહે છે. આંખો બંધ કરીએ એ પછી પણ ઘણાં બધાં દૃશ્યો ચાલતાં રહે છે. ઊંઘમાં હોઈએ તો પણ સપનાં આંખને જંપવા દેતાં નથી. સવારની આંખો રાત કેવી રહી તેની હકીકત બયાન કરી દે છે. આંખોની એક ભાષા હોય છે. આ ભાષા સાવ સરળ હોય છે, પણ બધાને એ સમજાતી નથી. આંખોની ભાષા સમજવા માટે આંખો કરતાંયે વધુ દૃષ્ટિ જોઈએ. બધા પાસે એ દૃષ્ટિ હોતી નથી. બધા આપણી આંખોની ભાષા ઉકેલે એ પણ આપણને ગમતું નથી. એ અધિકાર અમુક લોકોને જ મળેલો હોય છે. એવો અધિકાર આપણે બધાને આપતા પણ નથી. એટલે જ આપણે રડવા માટે ખૂણો શોધતા હોઈએ છીએ. ઘરના કેટલાક ખૂણા આપણી વેદનાના જીવતાજાગતા સાક્ષી હોય છે. દિલમાં પણ એવા કેટલાક ખૂણા હોય છે જ્યાં દરેકને પ્રવેશ મળતો નથી. એનાં બારણાં અમુક લોકો માટે જ ખૂલે છે. આપણી આંખના ખૂણાની ભીનાશ પણ ક્યાં બધા વર્તી જતા હોય છે?

રડવાની પણ એક મજા છે. જો કોઈ છાનું રાખવાવાળું હોય તો! કોઈ છાનું રાખવાવાળું ન હોય ત્યારે કદાચ આંસુઓને પણ થોડોક સુકારો લાગતો હશે. ગાલ પર સૂકાઈ જતાં આંસુ કમનસીબ હોય છે. આપણી વ્યક્તિના ટેરવાથી લુછાતાં આંસુઓનો પણ મોક્ષ થાય છે. આંસુનું પણ એક આયખું હોય છે. આંખથી ખરીને જમીન પર પડતું આંસુ ધરતીને પણ નાનકડો આંચકો આપતું હોય છે. આંખોમાં ધરતીકંપ આવે ત્યારે ધરામાં પણ સહેજ કંપન ઊઠતું હોય છે. તમને ક્યારેય રડવાનું મન થાય છે? મન થાય ત્યારે તમે રડી શકો છો? આપણે તો હસવાનું મન થાય ત્યારે હસી પણ ક્યાં શકતા હોઈએ છીએ? એક છોકરીએ કહેલી આ વાત છે. હા હું રડી લઉં છું. સાવ એકલી. મારી હાજરીમાં જ. વેદનાની કોઈ ઘટના બને ત્યારે મારી સંવેદનાને છૂટી મૂકી દઉં છું. માત્ર ટિસ્યૂની સાક્ષીએ રડવાની એક ગરિમા હોય છે. ગળામાં બાઝેલો ડૂમો આંખોથી વહાવી દઉં છું. કોઈને ખબર ન પડે એમ. ક્યારેક એવો વિચાર પણ આવી જાય છે કે, કોને ફેર પડે છે, મારી ભીની આંખોથી? આંખોમાં ચોમાસુ બેસે કે ઉનાળો ઊગે ત્યારે કોઈ ક્યાં જરાયે પલળતું કે ઓગળતું હોય છે?

માણસને સૌથી વધુ પ્રાઇવસી કદાચ રડવા માટે જ જોઈતી હોય છે. એક યુવાનની આ વાત છે. રડવાનું મન થાય ત્યારે એ કાર લઈને દૂર ચાલ્યો જતો. કોઈ જોઈ ન શકે એવી જગ્યાએ કાર રોકતો. એક સિગારેટ સળગાવતો અને પછી ધુમાડાની સાક્ષીએ રડી લેતો. એ કહેતો વરસતી આંખે ધુમાડાને જોવાનો એક રોમાંચ હોય છે. એક આઘાત પણ હોય છે. સ્મશાનમાં જ્યારે મારી વ્યક્તિની વિદાય થતી હતી ત્યારે ચિતામાંથી ઊઠતો ધુમાડો મારી ભીની આંખે અનુભવ્યો છે. એની યાદ આવે ત્યારે ભીની આંખે સિગારેટના ધુમાડામાં એને શોધું છું. ધુમાડો પણ ગજબની ચીજ છે. એ ઉપર જાય છે અને આપણને આપણી જ અંદર થોડાક ઉતારી દે છે. સાધુઓ ધૂણી ધખાવે છે, કદાચ એને ધુમાડામાં જ આખા આયખાનો અર્થ મળી જતો હશે. ધુમાડામાં જ કદાચ એને આત્માની આકૃતિનો અહેસાસ થતો હશે. ધુમાડો જ અંતિમ સત્ય છે. આપણી આંખો આપણી જિંદગીમાં જ ઘણી બધી મરી જતી ઘટનાઓના ધુમાડાની સાક્ષી હોય છે. સંવેદના મરે ત્યારે વર્ણવી શકાય એવો શોક વર્તાતો હોય છે.

તમે સહજતાથી રડી શકો છો? જે માણસ ક્યારેય રડી શકતો નથી એ કદાચ એક અલૌકિક અનુભૂતિથી અળગો રહી જાય છે. રડવું એ પણ પોતાની જાત સાથેનો એક ભીનો સંવાદ છે. એકાંતમાં આવો સંવાદ વધુ તીવ્ર થઈ જાય છે. આંસુ પાણી જેવું પારદર્શક હોય છે. આંસુનો સ્વાદ પાણી કરતાં જુદો હોય છે. આંખોમાંથી વહીને હોઠ સુધી પહોંચી જતું આંસુ આપણી મનોસ્થિતિનો સ્વાદ છતો કરી દે છે. આંસુનાં ટીપાંનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો જિંદગીની કેટલી બધી ઘટનાઓનાં કારણ મળી આવે છે. આંસુ તો ખુશીનાં પણ હોય છે. વેદના અને ખુશીનાં આંસુનો સ્વાદ જુદો-જુદો હોતો હશે? સ્વાદ કદાચ જુદો ન હોય, પણ સંવેદનાઓ તો અલગ હોય જ છે. આપણે કોઈ માટે પ્રાર્થનાઓ કરતા હોઈએ, કોઈને કોઈ સ્થાને જોવા ઇચ્છતા હોઈએ અને એ સાર્થક થાય ત્યારે એવું લાગે છે કે મારી પ્રાર્થનાઓ કબૂલ થઈ ગઈ. એ સમયે આંખોમાં ઊભરી આવતાં આંસુ ગજબની ટાઢક આપતાં હોય છે.

આપણે દરેક વખતે આપણા માટે રડતા હોતા નથી, ક્યારેક આપણે આપણી વ્યક્તિ માટે પણ રડતા હોઈએ છીએ. દુ:ખી એ હોય અને ભીની આપણી આંખો થતી હોય છે. બે બહેનપણીઓની આ વાત છે. એક બહેનપણી જ્યારે કોઈ કારણે રડી પડે ત્યારે તેની ફ્રેન્ડ પણ રડવા લાગે. આંસુનું સાંત્વન આંસુઓથી પણ મળતું હોય છે. આપણે બધાને રડતા જોઈ શકતા નથી. કોઈનું રડવું આપણને કેટલું સ્પર્શતું હોય છે? કોઈ બાળક રડતું હોય ત્યારે કેમ આપણને છાનું રાખવાનું મન થઈ આવે છે? બાળક તો ક્યારેક રડતાં રડતાં હસી પણ પડે છે. મોટા થઈ ગયા પછી કેમ આવું થઈ શકતું નથી? મેચ્યોરિટી માણસને મૂઢ બનાવી દેતી હોય છે? રડતા હોવ અને કોઈ આવી ચડે ત્યારે તમને પકડાઈ ગયા હોવ એવું લાગ્યું છે? એક યુવાનની આંખો જોઈને તેની ફ્રેન્ડે કહ્યું, તું રડ્યો હતો? તેના ફ્રેન્ડે વાત ટાળવા કહ્યું કે ના, આંખો બળે છે! તેની ફ્રેન્ડે કહ્યું, આંખો બળે છે કે દિલ બળે છે? સાચી વાત કર, શું છે? તમારી પાસે એવી વ્યક્તિ છે જેને તમે તમારું રડવાનું સાચું કારણ કહી શકો? જેની પાસે રડવા માટે કોઈ વ્યક્તિ છે એ નસીબદાર છે. બધા સાથે હસી શકનારો માણસ દરેકની સામે રડી ન શકે. રડવા માટે સ્પેશિયલ પર્સનની જરૂર પડે છે.

દરેક વાતમાં હસવું જેમ વેખલું લાગે છે એમ દરેક વાતમાં રડવું પણ વેવલું લાગતું હોય છે. ઘણા લોકો કપાળમાં કૂવો લઈને જન્મતા હોય છે. એ વાતવાતમાં રડી પડે છે. આવા લોકોના રડવાને પણ કોઈ ગંભીરતાથી લેતું નથી. એક પતિ-પત્નીની આ વાત છે. કંઈ પણ વાત હોય પત્ની તરત જ રડવા લાગે. પતિએ એને ઘણી વાર કહ્યું કે, તું તો સામાન્ય વાતમાં પણ રડવા બેસી જાય છે. અમુક લોકોનું તો આપણને એ પણ ટેન્શન હોય છે કે, એ હમણાં રડવા બેસશે! એક વખત પત્ની રડવા લાગી તો પતિએ કહ્યું કે, તું શું વાતે વાતે રડવા બેસી જાય છે? આ વાત સાંભળીને પત્નીએ કહ્યું, તું રડ જોઈએ! તું કેમ વાતે વાતે રડી નથી શકતો? મારાથી રડાઈ જાય છે તો હું શું કરું? રડવા વિશે પણ દરેકની પોતાની સમજણ અને માનસિકતા હોય છે. દરેક વ્યક્તિ કોઈના રડવાને સ્વીકારી પણ ક્યાં શકતી હોય છે? એને એવું થાય છે કે, એમાં વળી રડવું શું આવે? ઘણાનું રડવું તો આપણને ગુસ્સો પણ આપે છે. જો આણે પાછું રડવાનું શરૂ કર્યું! તને તો રડવા સિવાય કંઈ આવડતું જ નથી.

અમુક લોકોને તો વળી ખોટું રડવાની પણ સારી એવી ફાવટ હોય છે. રડવાનું નાટક કરીને પણ ઘણા લોકો સાંત્વના ઉઘરાવતા રહે છે. જે માણસ ખોટું રડતો હોય એ સાચું હસતો હોતો નથી. રડવું જેના માટે કપટ હોય એના માટે હસવું પણ કાવતરું જ હોય છે. સાચું રડવું એ છે જેના માટે કોઈ પ્રયાસની જ જરૂર ન પડે. એ તો બસ અચાનક આવી જાય. આંખો અચાનક ઊભરાઈ આવે. આંખોના કિનારાઓ છલકાઈ જાય. આવું થતું હોય છે. કોઈ યાદ આવી જાય અને આપણી આંખોમાં સળવળાટ જાગે. ક્યારેક તો આપણે આપણું અસ્તિત્વ પણ ભૂલી જઈએ છીએ. દરેક વખતે રડવા માટે એકાંત શોધવું પડતું નથી. ક્યારેક તો અમુક યાદો એવી ધસમસતી આવે છે કે આપણે ક્યાં છીએ એ પણ ભૂલી જઈએ છીએ. કોઈ આપણને જુએ છે એનો પણ અહેસાસ કે અણસાર આપણને હોતો નથી!

એરપોર્ટ ઉપરની એક ઘટના છે. એક યુવાન લાંબા સમય માટે વિદેશ જતો હતો. કેટકેટલીય વેદનાઓ દિલમાં વમળો સર્જતી હતી. સિક્યોરિટી ચેક પછી એ વેઇટિંગ એરિયામાં બેઠો હતો. અચાનક એની આંખો ભીની થઈ ગઈ. બાજુમાં બેઠેલી છોકરીએ એને જોઈને પૂછ્યું, આર યુ ઓકે? પેલો યુવાન એલર્ટ થઈ ગયો. યસ, યસ, આઈ એમ ફાઇન! તો પછી આ આંસુ? તને જો વાંધો ન હોય તો તું મને વાત કરી શકે છે. યુવાને કહ્યું કે, બે વર્ષ માટે બહાર જાઉં છું. મારી પ્રેમિકા અહીં છે. તેના વગર કેમ રહી શકીશ એ વિચારે રડવું આવી ગયું હતું. પેલી છોકરીએ કહ્યું, એ વાત બહુ યાદ ન કર. એ યાદ કર કે, બે વર્ષ પછી તું જ્યારે પાછો એને મળતો હોઈશ ત્યારે કેટલો ખુશ હોઈશ! તને ખબર છે, હું દોઢ વર્ષ પછી પાછી મારા પ્રેમી પાસે જાઉં છું. મને ખબર છે કે, એને જોઈને હું રડી પડીશ. એક વાત પૂછું? તું ક્યારેય તારી પ્રેમિકા સામે રડ્યો છે? પોતાની વ્યક્તિ પાસે રડવામાં કોઈ સંકોચ ન રાખવો જોઈએ, કારણ કે ત્યાં આપણે કંઈ જ સાબિત કરવાનું હોતું નથી. તમે જેવા હોવ એવા વ્યક્ત થઈ શકો એ જ સંબંધની શ્રેષ્ઠતા છે. આપણાં આંસુનું આપણને ગૌરવ હોવું જોઈએ. એની પાસે ખુલ્લા દિલે રડો જેને તમારા રડવાની સમજ છે. બધા પાસે રડવું એ તો આંસુઓનું અપમાન છે. તમારી પાસે જો આસાનીથી રડી શકાય એવી વ્યક્તિ હોય તો તમારા જેવું નસીબદાર બીજું કોઈ નથી!

છેલ્લો સીન :

જેને આપણું આંસુ ન સ્પર્શતું હોય એની પાસે રડવાનો કોઈ મતલબ હોતો નથી!                           -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 02 ઓકટોબર 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *