મને સમજાતું નથી હું એને કેવી રીતે ભૂલું! : ચિંતનની પળે

મને સમજાતું નથી હું

એને કેવી રીતે ભૂલું!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ટૂટી હૈ મેરી નીંદ, મગર તુમકો ઇસસે ક્યા,

બજતે રહે હવાઓં સે દર, મગર તુમકો ઇસસે ક્યા,

ઔરોં કા હાથ થામો, ઉન્હેં રાસ્તા દિખાઓ,

મૈં ભૂલ જાઉં અપના હી ઘર, મગર તુમકો ઇસસે ક્યા.

– પરવીન શાકિર

 

જિંદગીમાં આપણને ગમતું બધું મળી જતું નથી. ક્યારેક આપણી ઝંખના તડપતી રહી જાય છે. ઇચ્છા આપણી નજર સામે જ તરફડીને ધૂળમાં મળી જાય છે. આપણો હાથ છોડાવીને કોઈ જતું હોય છે અને આપણે રોકી શકતા નથી. દિલની નાજુક રગો એક પછી એક તૂટે છે. શ્વાસમાંથી એક ડમરી ઊઠે છે અને ગળામાં બાઝી જાય છે. આંખની કિનારીઓથી ભેજ ફૂટે છે અને બધાં દૃશ્યો ઝાંખાં પડી જાય છે. એક સન્નાટો પ્રગટે છે અને ધીમે ધીમે એ વિસ્તરતો જાય છે. પોતાને ગમતી વ્યક્તિ દૂર થાય ત્યારે માણસને એવું લાગે છે કે આખા જગતમાં હું સાવ એકલો પડી ગયો. જે વ્યક્તિ સાથે જિંદગી વિતાવવાનાં સપનાં જોયાં હોય એનો સાથ છૂટે ત્યારે કશાનો કોઈ અર્થ લાગતો નથી. બધું જ નક્કામું લાગે છે. બધું જ બેમતલબ લાગે છે. તું ન મળે તો પછી યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ?

 

આપણે જેને દિલફાડ પ્રેમ કર્યો હોય, જેની યાદમાં આંખમાં ઉજાગરા અંજાતા હોય, દરેક સારી ઘટનામાં જેને સાથે કલ્પ્યા હોય, દરેક નરસા સમયે જેનો સાથ ઝંખ્યો હોય, જેને જિંદગીનો એક હિસ્સો માની લીધો હોય એ ન મળે ત્યારે માત્ર નસીબ જ નહીં, કુદરત સામે પણ સવાલો અને શંકા ઊઠે છે. તમને ગમતી વ્યક્તિ તમને મળી હોય તો તમે નસીબદાર છો. સાથોસાથ એક હકીકત એ પણ છે કે બધાને પોતાની પ્રિય વ્યક્તિ મળી જ જાય એવું જરૂરી નથી.

 

જિંદગીમાં અમુક વળાંકો એવા આવે છે જ્યાંથી છૂટા પડ્યા પછી પાછું વળી શકાતું નથી. જિંદગી પણ ઘણી વખત વન-વે થઈ જાય છે. પાછળ છૂટતું જાય એ પાછું મળતું નથી. યુ-ટર્ન છે જ નહીં. એક વેદનાને વેંઢારવા સિવાય કોઈ રસ્તો નથી. બ્રેકઅપ માણસને તોડી નાખે છે. હાથ છૂટે ત્યારે કંઈક તૂટે છે. શ્વાસ થોડોક તરડાય છે, સ્વર થોડોક રૂંધાય છે, અસ્તિત્વ થોડુંક અટવાય છે, વિચારો થોડાક કરમાય છે, સંવેદનાઓ થોડીક સંકોચાય છે. માત્ર હયાતી હોય છે, બાકી બધું જ મરી ગયું હોય એવું લાગે છે. પ્રેમભંગની પીડા એ સૌથી અઘરી અને આકરી છે. એમાંથી બહાર નીકળવામાં બહુ વાર લાગે છે. આપણે કહીએ છીએ કે સમય દરેક દર્દનો ઇલાજ છે, પણ અમુક સમયે સમય જ દર્દ બની જાય છે. સમય સાવ ધીમો અને ઠંડોગાર બની જાય છે. કોઈ ઉષ્મા વર્તાતી નથી. બધાં આશ્વાસનો ઠાલાં અને બોદાં લાગે છે. કોઈની સાંત્વના પણ સુંવાળી નહીં, કાંટાળી લાગે છે. જીવ ઠેકાણે ન હોય ત્યારે જિંદગી અસ્તવ્યસ્ત બની જાય છે.

 

પ્રેમ વિચારીને થતો નથી. પ્રેમ તો બસ થાતા થઈ જાય છે. પ્રેમ પરિણામ વિચારીને થતો નથી. આમ છતાં પ્રેમનું પરિણામ ચોક્કસ હોય છે. એ સારું પણ હોય અને ક્યારેક સહન કરવું પડે તેવું પણ હોય. અચાનક કોઈ ગમવા લાગે છે. દિલ એના તરફ થોડુંક નમવા લાગે છે. એ વ્યક્તિ ક્યારે નજીક આવી જાય છે એનો અંદાજ સુધ્ધાં આવતો નથી. એના દૂર જવાની કલ્પના પણ થઈ શકતી નથી. જેની કલ્પના પણ ન થઈ શકતી હોય એ હકીકત બનીને સામે આવી જાય ત્યારે એવા સવાલો સજાર્ય છે જેના કોઈ જવાબ જ નથી હોતા. જેના જવાબો ન મળે એને સહન કર્યા સિવાય કંઈ છૂટકો જ નથી હોતો. એ સમયે એવું લાગે છે કે પ્રેમ થયો જ ન હોત તો સારું હતું. જોકે, પ્રેમ તો થઈ ગયો હોય છે. આપણને આવનારી ચેલેન્જીસનો અણસાર હોય તો પણ આપણે ખેંચાતા રહીએ છીએ.

 

બે પ્રેમીઓની વાત છે. બંનેને ખબર હતી કે આપણે જે માર્ગે ચાલીએ છીએ એની કોઈ મંજિલ નથી. એક સમયે છૂટા પડવાનું જ છે. મિલન પણ ઘણી વખત વિરહનો પડછાયો લઈને જ આવતું હોય છે. વ્યક્તિ ગમે એવી સુંદર હોય, પણ એનો પડછાયો તો કાળો જ હોય છે. કલ્પના કે સપનાનું પણ એવું જ હોય છે. દરેક સપનાના નસીબમાં સાકાર થવાનું નથી હોતું, ઘણાં સપનાં નિરાકાર થવા માટે સર્જાતાં હોય છે. એક સમય આવ્યો કે બંનેએ છૂટાં પડવાનું હતું. પ્રેમીએ કહ્યું કે, મને સમજાતું નથી કે હું તને કેવી રીતે ભૂલું. તું દરેક સ્થિતિમાં મારી સાથે રહી છે. હવે એવો કોઈ ઇલમ આપતી જાને કે તું બહુ યાદ ન આવે. મને રાતે થોડીક ઊંઘ આવી જાય, દિવસે થોડુંક ચેન પડે, કંઈક ખાઉં તેનો થોડોક સ્વાદ આવે, હસું ત્યારે હળવાશ વર્તાય અને રડી લઉં પછી હાશ થાય! પ્રેમિકાએ કહ્યું, હું પણ કોઈ ઇલમ શોધું છું, મળી જશે તો તને કહીશ.

 

કોઈ નારાજગી થાય એ પછી છૂટું પડવું બહુ અઘરું નથી. જોકે, દરેક વખતે છૂટા પડવાનું કારણ નારાજગી કે ઝઘડો હોતો નથી, ક્યારેક મજબૂરી પણ હોય છે. સંજોગો એવું જાળું રચે છે કે એક અંદર રહી જાય છે અને બીજો બહાર વહી જાય છે. ઘણી પરિસ્થિતિ વિચિત્ર પૂર જેવી હોય છે, એવું પૂર જે તમને તરવા પણ નથી દેતું અને ડૂબવા પણ નથી દેતું. તમને બસ ખેંચતું રહે છે, એક અજાણી અને અગોચર સ્થિતિ તરફ. તમારી પાસે કોઈ રસ્તો જ નથી હોતો.

 

કોઈનો હાથ છૂટે પછી હથેળીમાં એક શૂન્યાવકાશ સર્જાય છે. આપણે એ શૂન્યાવકાશમાં ફંગોળાતા રહીએ છીએ. સવાલ એ થાય છે કે આ પીડાને કેટલી પંપાળવી? ભૂલવું તો હોય છે, પણ કેવી રીતે ભૂલવું એ સમજાતું નથી. હા, થોડાક રસ્તાઓ હોય છે. એની સાથે વિતાવેલો સારો સમય વાગોળતા રહેવું. જોકે, જૂનાં દૃશ્યો સર્જ્યા પછી જ્યારે અ દૃશ્યો શમી જાય ત્યારે પેલો શૂન્યાવકાશ પાછો સળવળીને બેઠો થઈ જાય છે. બ્રેકઅપમાંથી બહાર આવવા તમને ગમતું હોય એવું કરો એવું પણ કહેવાય છે, પણ એ સમયે તો કંઈ ગમતું જ હોતું નથી!

 

જિંદગીમાં અમુક સમય એવો હોય છે જ્યારે આપણને સૌથી વધુ કોઈ સમજી શકતું હોય તો એ ફ્રેન્ડ્ઝ છે. માત્ર એને ખબર હોય છે કે તેનો મિત્ર કે તેની બહેનપણી કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. એ તો વર્તાવા પણ નથી દેતા. બસ, આપણું દિલ બહેલાવવાના ચૂપચાપ પ્રયાસો કરતા રહે છે. એકલા ઊભા હોઈએ ત્યારે હાથ પકડીને બધાની વચ્ચે લઈ જાય છે. થોડાક હળવા બનાવાનો પ્રયાસ કરે છે. આપણે રાજી થઈએ એ માટે એણે કોઈ દિવસ ન કર્યું હોય એવું પણ કરવા તૈયાર થઈ જાય છે. તારા માટે કંઈ પણ કરવાની તૈયારી છે. તું બસ ડિસ્ટર્બ ન રહે. તું આમાંથી બહાર આવી જા. હવે એ નથી. હશે પણ નહીં. સ્વીકારી લે. હગ કરીને વાંસામાં ફરતા હાથની સાથે દિલમાંથી એક પ્રાર્થના પણ ઊઠતી હોય છે કે, હે કુદરત! મારા મિત્રને કે મારી ફ્રેન્ડને આ પીડામાંથી મુક્તિ આપ.

 

માણસ મરી જાય પછી વહેલું કે મોડું આપણે મન મનાવી લઈએ છીએ, પણ જીવતું માણસ જૂદું પડે ત્યારે મન ઇઝીલી માનતું નથી. મન મૂંઝાઈ જાય. મન મૂરઝાય છે અને મન વલોવાય છે. અમુક સ્થિતિમાંથી બહાર આવવાનું હોય છે, આવવું જ પડતું હોય છે. કોઈ આપણને થોડી ઘણી મદદ કરી શકે, પણ છેલ્લે તો આપણે જ તેમાંથી બહાર આવવું પડે છે. અઘરું હોય છે, પણ અશક્ય હોતું નથી. અફસોસ ન કરો. અફસોસનો કોઈ અર્થ હોતો નથી. ઉઘાડી આંખે જોયેલાં સપનાં પણ ઘણી વખત ઓછું કે આછું આયખું લઈને આવતાં હોય છે. એક પ્રેમિકાએ લખ્યું કે, તું એક સરસ મજાનું સપનું હતો. આ સપનું પૂરું ન થયું. હવે રડીને એ સપનાને હું આંખમાંથી વહી જવા નહીં દઉં. એ યાર, તું મારા એ સમયનો સાથી હતો જ્યારે હું છલોછલ હતી. હું હન્ડ્રેડ પર્સન્ટ હું હતી. હું અફસોસ નથી કરતી. તું પણ અફસોસ ન કરતો. આટલો પ્રેમ પણ ક્યાં ઘણાના નસીબમાં હોય છે? મજામાં રહેજે. તારી જિંદગી જીવજે. તું સાથે નથી તો શું થયું? મારી પ્રાર્થનામાં તું હોઈશ, મારા વિચારોમાં તું હોઈશ અને મારા શ્વાસોમાં તું હોઈશ. દિલના એક ખૂણે તને સાચવી રાખીશ. જિંદગી ટર્ન લેતી હોય છે. હા, પણ બીજા રસ્તે બીજો સાથ પણ મળવાનો છે. એ સાથને માણજે. અફસોસ કરીશ તો અધૂરો જ રહીશ. સંબંધ ભલે અધૂરો રહી ગયો, પણ સ્મરણો શા માટે સારાં અને પૂરાં ન રાખવાં? જીવજે, મસ્તીથી, યાદ આવે ત્યારે થોડોક ઝૂમી લેજે. એ પછી હવાની રૂખ મારા ચહેરાને સ્પર્શે ત્યારે મને ટાઢક થવી જોઈએ. સંબંધ ટૂંકો હોય કે લાંબો, એ મહત્ત્વનું નથી, સંબંધ કેવો જીવાયો, કેટલો જીરવાયો અને કેવી રીતે ભુલાયો એ મહત્ત્વનું છે. તને રોજ ભૂલું છું થોડો થોડો યાદ કરીને.

 

છેલ્લો સીન :

મળીએ ત્યારે નહીં, પણ જુદાં પડીએ એ પછી નક્કી થતું હોય છે કે સંબંધમાં કેટલું સત્વ હતું!     -કેયુ

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 15 ફેબ્રુઆરી, 2017, બુધવાર. ચિંતનની પળે કોલમ)

 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

5 thoughts on “મને સમજાતું નથી હું એને કેવી રીતે ભૂલું! : ચિંતનની પળે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *