આપણને ખરેખર કેટલા લોકોસાથે લાગતુંવળગતું હોય છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આપણને ખરેખર કેટલા લોકો

સાથે લાગતુંવળગતું હોય છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આપણી જિંદગી દરમિયાન દરેક તબક્કે આપણી નજીક

મેક્સિમમ 20 લોકો જ હોય છે. જેમાંથી દસ તો સમયાતંરે

બદલતા રહે છે. જે લોકો પોતાના લોકોને સાચવી શકે છે

એ જ સુખ ફીલ કરી શકે છે

ગ્રેટ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ હમણાં કહ્યું કે,

તેને માત્ર ચાર લોકો ઉપર જ ભરોસો છે.

તમને કેટલા લોકો પર ભરોસો છે?

તમારી સાથે કોઇ સારી અથવા તો ખરાબ ઘટના બને તો તમે સૌથી પહેલાં એ વાત કોને કરશો? સ્વાભાવિક રીતે જ જે સૌથી નજીક હોય એને જ કહેવાના છો. એ કોઇપણ હોઇ શકે છે. હવે બીજો સવાલ તમારી લાઇફમાં એવા કેટલા લોકો છે જે તમારા વિશે બધું જાણે છે? જેને તમારાથી ફેર પડે છે અને જેનાથી તમને ફેર પડે છે? બહુ ગણ્યાગાંઠ્યા લોકો હશે. હા, સર્કલ ઘણું મોટું હોઇ શકે છે. તમે જો સેલિબ્રિટી હોવ તો તમારી નજીક ટોળાં પણ ઊમટી પડે. ખરેખર જેને આપણી વેદના અને સંવેદનાની પરવા હોય એવા લોકો બહુ જ ઓછા હોવાના છે. અત્યારે જમાનો સોશિયલ મીડિયાનો છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ અને બીજી સાઇટ્સ પર તમારી સાથે હજારો લોકો જોડાયેલા હશે. તમે કંઇક સ્ટેટસ અપલોડ કરો તો કદાચ પાંચસો-સાતસો કે તેનાથી વધારે લાઇક્સ પણ મળતી હશે. એમાંથી કેટલા લોકોને તમે અત્યારે કઇ માનસિકતામાંથી પસાર થાવ છો એની ખબર હશે? માણસ મજા કરતો હોય એના ફોટા આરામથી અપલોડ કરી શકે છે, પણ દિલની વાત બધાને કરી શકતો નથી. એના માટે તો અમુક ખાસ લોકોની જ જરૂર પડે છે.

આખી દુનિયા જેને સારી રીતે ઓળખે છે એ પોર્ટુગલના ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આમ તો પોતાની અંગત વાતો કરવાનું ટાળે છે. જોકે, હમણાં રોનાલ્ડોએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના દિલની ઘણી વાતો કરી. આપણે એની બીજી કોઇ વાતમાં નથી પડવું, પણ એક વાત એવી છે જે દરેક વ્યક્તિને થોડે ઘણે અંશે લાગુ પડે છે. રોનાલ્ડોએ કહ્યું કે, હું જ્યાં જાઉં છું ત્યાં ભીડ મને ઘેરી વળે છે. હું મારી ગર્લફ્રેન્ડ અને બાળકો સાથે બહાર પણ નીકળી શકતો નથી. વેલ, આ વાત અન્ડરસ્ટૂડ છે. જોકે, એ પછી તેણે એમ કહ્યું કે, મારી લાઇફમાં માત્ર ચાર જ લોકો એવા છે જેની ઉપર હું આંખ મીંચીને ભરોસો મૂકી શકું છું. તમારી લાઇફમાં એવા કેટલા લોકો છે? વિચાર કરી જોજો, નામ વિચારવામાં પણ સમય લાગશે. નથી હોતા આપણી પાસે એવા લોકો જેની પાસે વાત કરવામાં આપણને નયા ભારનો વિચાર ન આવે. બીજાની વાત તો જવા દો, મોટા ભાગનાં દંપતીઓ પણ પોતાના લાઇફ પાર્ટનરને તમામ વાતો કહેતા હોતા નથી. એવું જરાય હોતું નથી કે, એને કહેવું નથી કે એને છુપાવવું હોય છે, હકીકત એ હોય છે કે, માણસને ભરોસો હોતો નથી. આ મને સમજશે કે નહીં? મારી વાતનો કેવો મતલબ કાઢશે? મને કેવી રીતે જજ કરશે? મારા વિશેની એની માન્યતાઓ બદલાઇ જશે તો? કેટલા બધા સંબંધો પણ ભ્રમના કારણે ટકેલા હોય છે. લોકોને એવો ડર લાગે છે કે, હું સાચી વાત કરીશ તો એનું મારા પ્રત્યેનું વર્તન બદલી જશે.

આપણી જિંદગીમાં ખરેખર કેટલા લોકો સાથે આપણને લાગતુંવળગતું હોય છે? એક અભ્યાસ એવું કહે છે કે, માણસની જિંદગીમાં કોઇપણ સમયે વધુમાં વધુ વીસ લોકો સૌથી વધુ નજીક હોય છે. આ વીસમાં પણ પાછા દસ એવા લોકો હોય છે જે સમયે સમયે બદલતા રહે છે. પરમેનન્ટ તો દસ જ હોય છે. સ્કૂલમાં હોઇએ ત્યારે દસ છોકરા કે છોકરીઓ સાથે આપણે સારી એવી ઓળખાણ હોય છે. એમાંથી બે-ચાર સાથે પાક્કી દોસ્તી હોય છે. સ્કૂલ પૂરી થાય એટલે એ લોકો દૂર થઇ જાય છે. કોલેજમાં નવા મિત્રો મળે છે. એ પછી નોકરીમાં આપણી સાથે કામ કરતા લોકો આપણી નજીક હોય છે. અમુક વખતે તો કોઇની સાથે આપણે દરરોજ વાત કરતા હોઇએ છીએ. ઓફિસના કામ બાબતે રોજ વાત કરવી જરૂરી બની જાય છે. એમાં વળી જો એ માણસ લાઇક માઇન્ડેડ હોય તો તેની સાથે અંગત વાતો પણ શેર થાય છે. નોકરી બદલે એટલે એ પણ દૂર ચાલ્યા જાય છે. તમારી જિંદગીમાં પણ એવા લોકો આવ્યા જ હશે જેની સાથે તમારે રોજ એટલિસ્ટ એક વખત વાત કરવાનું બન્યું હશે. થોડોક વિચાર કરજો, એ લોકો સાથે હવે કદાચ ભાગ્યે જ વાત કરવાનું બનતું હશે. અમુક ફ્રેન્ડ્સ પણ આપણી લાઇફમાં આવે છે જેની સાથે વાત કર્યા વગર ન ચાલે, એ પણ ધીમે ધીમે દૂર થઇ જતા હોય છે. છેલ્લે ક્યારે વાત થઇ હતી એ પણ ઘણી વખત યાદ નથી આવતું.

દસ લોકો સતત આપણી જિંદગી સાથે જોડાયેલા હોય છે. એ દૂર થતા નથી. જોકે, એ દસેદસને પણ આપણે આપણી બધી જ વાત કરતા હોતા નથી. સાવ અંગત હોય એવા તો બે-ચાર જ હોય છે. ઘણાના નસીબમાં તો એ પણ નથી હોતા. બાય ધ વે, જે આપણી જિંદગીમાં સૌથી નજીક હોય છે એની આપણે કેટલી પરવા કરતા હોઇએ છીએ? એવું જરાયે નથી કે આપણને એની કદર ન હોય. આપણે એનું ધ્યાન રાખતા જ હોઇએ છીએ, પણ ઘણી વખત આપણે એને ઇગ્નોર કરીએ છીએ અથવા તો એને ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ લઇએ છીએ. તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે, જો એ વ્યક્તિ ન હોય તો તમારું શું થાય? વિચાર કરી જોજો. એક કમનસીબી એ પણ છે કે, જેને આપણી ચિંતા હોય છે તેની આપણને કોઇ ફિકર હોતી નથી. સતત લોકોની ભીડથી ઘેરાયેલી વ્યક્તિ પણ અંદરથી સાવ એકલી હોઈ શકે છે. આવા ‘એકલા’ લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. સરવાળે સાવ સીધી, સાદી અને સરળ વાત એટલી જ છે કે, જે તમારી નજીક હોય એનું જતન કરજો. તમારી જાતને નસીબદાર સમજજો કે તમારી પાસે એવી વ્યક્તિ છે જેના વિચારો, જેની પ્રાર્થના અને જેના અસ્તિત્વ સાથે તમે જોડાયેલા છો. સંબંધ બધા સાથે રાખો, નેટવર્કિંગ હજારો તો શું લાખો લોકો સાથે કરો, નો પ્રોબ્લેમ, માત્ર જેને તમે બધી જ વાત કરી શકો છો, જેની સાથે રડી શકો છો અને જેને કોઇ વાત કરતા પહેલાં વિચાર નથી કરવો પડતો કે કોઇ ભૂમિકા બાંધવી નથી પડતી એને સાચવજો. એ લોકો જ સરવાળે આપણી જિંદગીને જીવવા જેવી બનાવતા હોય છે.  

પેશ-એ-ખિદમત

જૂઠ વાલે કહીં સે કહીં બઢ ગએ,

ઔર મૈં થા કિ સચ બોલતા રહ ગયા,

આંધિયોં કે ઇરાદે તો અચ્છે ન થે,

યે દિયા કૈસે જલતા હુઆ રહ ગયા.

– વસીમ બરેલવી

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 29 સપ્ટેમ્બર 2019, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *