હું મારી જિંદગીમાં કંઈ જ કરી શક્યો નહીં! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હું મારી જિંદગીમાં કંઈ

જ કરી શક્યો નહીં!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ઓરો થવા ન દે અને આઘો જવા ન દે, એ કોણ છે, જે જાતથી અળગો થવા ન દે,

વીતી રહી છે વેદનાસભર આ જિંદગી, ભાંગી જવાશે, ઝખ્મ આવા કારમા ન દે,

નહીંતર હવે સળગી જશે, થોડું બચ્યું છે તે, જંગલનું સુક્કું ઘાસ છે, ઝાઝી હવા ન દે.

-યોગેશ પંડ્યા

સપનાં ગજબની ચીજ છે. ક્યારેક સપનાં સાવ હાથવગાં લાગે છે. ક્યારેક એવું થાય છે કે, સાવ હાથવગું સપનું આપણને સમજ ન પડે એ રીતે હાથમાંથી સરકી જાય છે. આપણી સામે જ સુખ અને સફળતાની એક ઇમારત ચણાતી રહે છે. એ ઇમારત અચાનક કડડડભૂસ થાય ત્યારે વેદનાનાં વમળો ઊમટી આવે છે. આપણને એવું થાય કે, શું વિચાર્યું હતું અને શું થઈ ગયું? અમુક તબક્કે હતાશા આવી જાય છે કે, હવે કંઈ પણ કરી શકીશ નહીં. મહેનત રંગ ન લાવે ત્યારે માણસ નસીબને દોષ દે છે. સંજોગોનો વાંક કાઢે છે.

એક યુવાનની આ વાત છે. એને મેડિકલમાં જવું હતું. ભણવામાં ખૂબ મહેનત કરી. બધા લોકો પણ એમ જ કહેતા હતા કે, તારા જેટલી મહેનત તો કોઈ કરી ન શકે. એક્ઝામ આપી. રિઝલ્ટ આવ્યું ત્યારે ધાર્યા માર્ક્સ ન આવ્યા. મેડિકલમાં એડમિશન મળે એમ નહોતું. તેને થયું કે, બધું જ ખતમ થઈ ગયું. જિંદગીમાં હવે અંધકાર સિવાય કશું જ બચ્યું નથી. એ એક સંત પાસે ગયો. સંતને કહ્યું કે, મેં જે કર્યું એ બધા ઉપર પાણી ફરી વળ્યું. સંતે સામેના ખેતરમાં રહેતા એક ખેડૂત દંપતી સામે આંગળી ચીંધીને કહ્યું કે, પેલા બેને ધ્યાનથી જો. ગયા વર્ષે બંનેએ પોતાના ખેતરમાં પાક વાવ્યો હતો. વાવણી પછી સારો વરસાદ પડ્યો. બંને ખુશ હતાં કે, આ વર્ષે મબલખ પાક થશે. સારી આવકથી દીકરીનાં લગ્ન લેવાનાં સપનાં બંનેએ આંખોમાં આંજી રાખ્યાં હતાં. થયું એવું કે, નદીમાં પૂર આવ્યું. આખું ખેતર પાણીમાં ડૂબી ગયું. ખેતરમાં રહી શકાય એમ નહોતું એટલે એ મારી ઝૂંપડીમાં આવ્યાં. મેં પૂછ્યું, બહુ દુ:ખ થાય છે? તેણે કહ્યું કે, ખરા અર્થમાં બધી મહેનત ઉપર પાણી ફરી વળ્યું. દુ:ખની વાત કરું તો, દુ:ખ થાય તો છે જ. થવું પણ જોઈએ. સુખની જે કલ્પના હતી એ અધૂરી રહી તેનું દુ:ખ છે. જોકે, આવું થાય. આવું થતું રહે છે. આવું કંઈ પહેલી વાર તો નથી થયું? હવે નવેસરથી વિચારીશું. એ દંપતી રાતે જમીને ઘસઘસાટ ઊંઘી ગયું.

યુવાનને આટલી વાત કરીને કહ્યું કે, તું નિષ્ફળતા કેમ નથી સ્વીકારી શકતો અને આ નિષ્ફળતા છેલ્લી છે એવું કેમ ધારી લે છે? એક વાત યાદ રાખ, નિષ્ફળતા આપણા હાથની વાત નથી, પણ હતાશા આપણા હાથની વાત છે. કોઈ પરીક્ષા તમને નિષ્ફળ કરી શકે, હતાશ થવું કે ન થવું એ તો તમારે નક્કી કરવું પડે. તારી મહેનત પર પાણી ફરી વળ્યું એ વાત સાચી, પણ તું શા માટે પાણીમાં બેસી જાય છે? નિષ્ફળતાને ખંખેરી ન નાખીએ તો એ જળોની જેમ ચોંટી જાય છે. જેટલો વધુ સમય નિષ્ફળતાને ચોંટાડી રાખીશ એટલી તેને ઊખેડીને ફેંકવામાં વધુ સમય લાગશે, વધુ વેદના થશે. રોડ ઉપર જતા હોઈએ અને ડાયવર્ઝન આવે ત્યારે તમે એવું માની લો કે આ ડાયવર્ઝન ક્યારેય ખતમ જ નથી થવાનું તો એમાં વાંક આપણો જ હોય છે. કોઈ ડાયવર્ઝન અંત વગરનું નથી હોતું!

જિંદગીના દરેક સપના પૂરા થાય એવું જરૂરી નથી. પૂરી મહેનત અને સખત લગનથી પ્રયાસો કર્યા હોય તો પણ નિષ્ફળતા મળતી હોય છે. એક યુવાનને મ્યુઝિશિયન બનવું હતું. પિતાની મંજૂરી લઈને સ્ટડી છોડી તેણે સંગીતનો અભ્યાસ કર્યો. ખૂબ મહેનત કરી. સંગીતનો અભ્યાસ પૂરો થયો પછી ક્યાંય ચાન્સ મળતો નહોતો. બહુ ફાંફા માર્યાં, પણ ક્યાંય મેળ ન પડ્યો. હતાશ થઈ ગયો. પિતાએ દીકરાની હાલત જોઈને એક દિવસ પૂછ્યું, શું ચાલે છે? દીકરાએ કહ્યું, ધ્યાન પડતું નથી. તમે મારા પર ભરોસો મૂક્યો અને હું કંઈ કરી શક્યો નહીં! પિતાએ હસીને કહ્યું, મારો ભરોસો તો હજુ અકબંધ જ છે. તારો ભરોસો તૂટી ગયો છે. પિતાએ પોતાની વાત કરી. પિતા એક બેન્કમાં મેનેજર હતા. સારો પગાર હતો. ઘર સરસ ચાલતું હતું. પિતાએ કહ્યું, તને એમ છે કે, મારી જિંદગીનાં સપનાં પૂરાં થયાં છે? તને ખબર છે, મારે આઈએએસ થવું હતું. મેં રાત-દિવસ મહેનત કરી હતી. હું આઈએએસની એક્ઝામ ક્લિયર ન કરી શક્યો. મેં મારાથી બનતા પ્રયાસો કર્યા હતા, પણ સફળ ન થયો. મેં વિચાર્યું કે, હું કંઈ માત્ર એકલો તો એવો નથી જેની સાથે આવું થયું હોય? મેં નોકરી માટે બેન્કની એક્ઝામ આપી. આઈએએસની મહેનત કરી હતી એટલે બેન્કની એક્ઝામ તો સાવ ઇઝી લાગી. હું પહેલા જ ધડાકે પાસ થઈ ગયો. મને બધા કહેતા હતા કે, તું નસીબદાર છે કે તને બેન્કમાં નોકરી મળી ગઈ. કલેક્ટર બનવાની ઇચ્છા ધરાવનાર હું ક્લાર્ક બની ગયો. જોકે, એ પછી બેન્કની બીજી એક્ઝામ્સ આપીને હું મેનેજર બની ગયો. હજુ મારી રિજિયોનલ મેનેજર બનવાની મહેનત ચાલુ છે. હવે વિચાર કર, કે આઈએએસની નિષ્ફળતાથી હતાશ થઈ ગયો હોત તો?

તારી વાત કરું તો, એક તો તું બહુ ઝડપથી હતાશ થઈ ગયો છે. હજુ ક્યાં બધું ખતમ થઈ ગયું છે? બીજી વાત એ કે, તું સફળ થવા માટે સંગીત શીખ્યો છે. એન્જોય કરવા માટે નહીં! તારા હુન્નરને સફળતા સાથે શા માટે જોડે છે? તારા સુખ, તારી ખુશી અને તારા નિજાનંદ સાથે જોડ ને! મ્યુઝિક વગાડતી વખતે તું ક્યાં ખોવાઈ શકે છે? તું તારામાં ખોવાઈ જા, શોધવાવાળા તને શોધી લેશે! સંગીત તો સુખ આપવું જોઈએ. મેં તને સંગીતનું ભણવાની મંજૂરી એટલા માટે નહોતી આપી કે, તું મહાન સંગીતકાર બને. મેં તો એટલા માટે હા પાડી હતી કે, તું તારું કામ એન્જોય કરી શકે. તું જે કરે તેને એન્જોય કરે. જિંદગી તને જીવવા જેવી લાગે. સંગીત વગાડતો હોય ત્યારે સફળતા-નિષ્ફળતા ભૂલી જા, ગામડામાં ગાયો ચરાવવા જતો ગોવાળિયો સાથે બંસરી લઈને જાય છે. વગડામાં વાંસળી વગાડે છે. કોઈ સાંભળવાવાળું હોતું નથી. એ તો કોઈને સંભળાવવા માટે વગાડતો પણ હોતો નથી. એ પોતાની મજા માટે કરતો હોય છે. તારા સંગીતથી તને મજા ન આવતી હોય તો બીજાને ક્યાંથી આવવાની?

અત્યારનો યુગ એવો છે કે, બધાને સેલિબ્રિટી બનવું છે. સોશિયલ મીડિયા પર ઢગલાબંધ લાઇક્સ જોઈએ છે. ફોલોઅર્સના ફિગરને ફેઇમ માની લેવામાં આવે છે. પોતાની સાથે સેલ્ફી લેવા માટે લોકો પડાપડી કરે એવાં સપનાં જુએ છે. અલબત્ત, એમાં કંઈ ખોટું નથી. સવાલ એ છે કે, એ તમને આપે છે શું? તમારી જે કંઈ નામના છે એનાથી તમને સંતોષ છે? તમને એનાથી ખુશી મળે છે? આપણો પ્રોબ્લેમ એ હોય છે કે, આપણે આપણને જોઈતી લાઇકથી મજા નથી આવતી, આપણને બીજાથી વધુ લાઇક જોઈતી હોય છે. લાઇક્સ એ લોકપ્રિયતાનો ક્રાઇટેરિયા નથી. બધાને રેકગ્નિઝેશન જોઈએ છે. તમારે જે સ્થાને પહોંચવું છે. એના માટે મહેનત કરો, બાકીનું બધું તો એની મેળે આવશે. પોપ્યુલર થવા માટે ગામ ગજાવવાની જરૂર નથી, માત્ર એક ખૂણામાં બેસી જે કરતા હોય એ કરવાની જરૂર હોય છે.

એક સેલિબ્રિટીએ કહેલી આ વાત છે. એ ખૂબ જ પોપ્યુલર. જ્યાં જાય ત્યાં ટોળું ઊમટી પડે. તેની સાથે ફોટા પડાવે. એક વખત તેને પૂછવામાં આવ્યું કે, તમને બહુ મજા આવતી હશે નહીં? કદાચ થોડુંક અભિમાન પણ થતું હશે કે લોકો કેવા મારી પાછળ પાગલ છે. એ સેલિબ્રિટીએ બહુ સલૂકાઈથી કહ્યું, લોકોનો પ્રેમ ચોક્કસપણે ગમે, પણ હું એ ભૂલતો નથી કે આ પ્રેમ કેમ મળે છે? આ જે વાહવાહી થાય છે, લોકો મળવા અને ફોટા પડાવવા દોડે છે એ આખા દિવસનો એકાદ કલાક જ હોય છે. મારે એનું ધ્યાન રાખવાનું નથી, પણ મારા બાકીના 23 કલાક છે એની તકેદારી રાખવાની છે. જો હું એ 23 કલાક સાચવી લઈશ તો જ મારી આ એક કલાક મોજૂદ રહેશે. હું 23 કલાક પર ધ્યાન આપું છું. જો હું એમાં ચૂક્યો તો એક કલાકનો સમય ક્યારે એક મિનિટ થઈ જશે એની ખબર પણ નહીં પડે!

હવે એવું પણ થવા લાગ્યું છે કે, માણસ કંઈ પણ કરતો હોય, એને લોકોને કહેવું છે કે, જુઓ હું શું કરું છું? એક સાયન્ટિસ્ટની આ વાત છે. એ એક દવા શોધતો હતો. રાત-દિવસ લેબોરેટરીમાં પડ્યો-પાથર્યો રહે. આખરે એને સફળતા મળી. એના એક મિત્રએ કહ્યું કે, યાર તું એક ઇમેજ મેકરને હાયર કર. સોશિયલ મીડિયા પર છવાઈ જા. આખી દુનિયાને ખબર પડવી જોઈએ કે તેં આ શોધ કરી છે. વૈજ્ઞાનિક મિત્રએ કહ્યું, મારે લાઇક નથી જોઈતી, મારી દવાથી કોઈને સારું થઈ જાય એ મારી લાઇક જ છે. સાજા થયા પછી હાશ થાય એ મારી કમેન્ટ જ છે. તને ખબર છે, આ જે બધું સોશિયલ મીડિયા પર છે એ એન્ટરટેઇનમેન્ટ છે. થોડોક આનંદ આપે. આવું બધું કર્યા વગર છાનું છપનું કામ કર્યે રાખનાર એક બહુ મોટો વર્ગ છે. એ લોકો માનવજાત માટે કામ કરે છે. બધાને ભલે નોબેલ પ્રાઇઝ ન મળે, પણ દરેક વૈજ્ઞાનિકનું કંઈ પ્રદાન હોય છે. મેં જે કર્યું છે એ મારા આનંદ માટે કર્યું છે અને મને એ આનંદ મળી ગયો છે. મારે સોશિયલ મીડિયાનો ઉછીનો આનંદ કે ઉઘરાવેલો આનંદ જોઈતો નથી!

તમે ગમે તે કામ કરતા હોવ એને નાનુંસૂનું ન સમજો. ભલે કોઈ નોંધ લેવાતી ન હોય, પણ કંઈક તો પ્રદાન હોય જ છે. મશીનમાં સ્ક્રૂ દેખાતા હોતા નથી, પણ એના વગર મશીન ચાલે જ નહીં. દરેક માણસ મહાન બની ન શકે. એક માણસ ફિલોસોફર પાસે ગયો. તેણે કહ્યું, મારે મહાન બનવું હતું, હું કંઈ કરી ન શક્યો. ફિલોસોફરે કહ્યું, તું મહાન નહીં, જાણીતો થવા ઇચ્છતો હતો. તારે મહાન થવું હોય તો એક-બે વ્યક્તિ માટે પણ મહાન થઈ શકે. એના માટે પણ તું પ્રેરણારૂપ બની શકે. આપણા પરિવાર અને મિત્રોની નજરમાં આપણું સ્થાન ઊંચું હોય એ મહાનતા જ છે. રોજેરોજ જીવવાની મજા આવતી હોય તો માનજો કે, તમારા જેટલું સફળ અને સુખી બીજું કોઈ નથી!

છેલ્લો સીન :

સુખ અને શાંતિ મેળવવા માટે કોઈ ખર્ચ કરવો પડતો નથી, જો આપણે આપણી અંદર એનું સર્જન કરી શકતા હોઈએ તો!         -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 11 સપ્ટેમ્બર 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: