જીવવાનું શરૂ કરવા માટે પ્લાનિંગની કોઈ જરૂર નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જીવવાનું શરૂ કરવા માટે

પ્લાનિંગની કોઈ જરૂર નથી

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું,

ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું,

તફાવત એ જ છે, તારા અને મારા વિશે, જાહિદ,

વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.

-અમૃત ઘાયલ

સમય માણસના મનસૂબા ક્યારે ઉથલાવી દે એ કહેવાય નહીં. ઘડિયાળના સતત ફરતા કાંટા ઓચિંતા જ આપણને અડફેટે લઈ લે છે અને આપણે સમયને કોસવાનું શરૂ કરી દઈએ છીએ. અગાઉના સમયમાં દરેક ઘરની દીવાલ ઉપર તારીખિયાના દટ્ટા લટકતા રહેતા. રોજ એક પાનું ફાટતું. ઉંમરમાં એક દિવસ વધી જતો અને જિંદગીનો એક દિવસ ઘટી જતો. ડિજિટલ યુગમાં હવે તારીખ કોઈ અવાજ વગર બદલાઈ જાય છે. કેલેન્ડર જાણે ચૂપ થઈ ગયું છે અને સમય જાણે મૌન થઈ ગયો છે. આપણને સમયનું આ મૌન કેટલું સંભળાય છે? કેટલાંક મૌન ઘણું બધું કહી જતાં હોય છે. સમયનું મૌન સતત એવું કહેતું રહે છે કે, હું સરકી રહ્યો છું. તમે મને જીવી લો. તમને ખબર પણ ન પડે એમ હું ચાલ્યો જાઉં છું. મને રોકી લો, તમારા માટે, તમારા પોતાના માટે. એપોઇન્ટમેન્ટની ડાયરી એટલી ભરચક ન રાખો કે એ આઘાત આપી જાય. દરેક માણસે એક વિચાર કરવો જોઈએ કે હું આજ સુધીમાં કેટલું જીવ્યો? જિંદગી તો પસાર થવાની જ છે, તમે એની સામે રાડો પાડો કે એની સામે હસો, તમારા પર છે કે તમે પસાર થતી જિંદગીને કેવી રીતે જીવો છો!

આપણે બધા પ્લાનિંગ કરતા રહીએ છીએ. પહેલાં ભણવાનું, પછી કરિયરનું, પછી લગ્નનું, પછી સંતાનોનાં ભાવિનું, રિટાયર્ડ થયા પછીનું અને છેલ્લા શ્વાસ સુધીનું પ્લાનિંગ લોકો પાસે હોય છે. મેનેજમેન્ટનો સિદ્ધાંત કહે છે કે પ્લાનિંગ મજબૂત હોય તો એક્ઝિક્યુશન અસરકારક રહે છે. સાચી વાત છે. પ્લાનિંગ હોવું જોઈએ, પણ સવાલ એ થાય કે કેટલું પ્લાનિંગ? જિંદગીની બાબતમાં એવું થતું રહે છે કે એક પ્લાનિંગ મુજબ થયું એટલે આપણે બીજા પ્લાનિંગમાં રચ્યાપચ્યા થઈ જઈએ છીએ. પ્લાનિંગના અમલીકરણનો આનંદ તો આપણે માણતા જ નથી. દુનિયાની દરેક ફિલોસોફી એક જ વાત કરે છે, વર્તમાનમાં જીવો. આ ક્ષણને માણો. જેવી છે એવી એને પૂરેપૂરી જીવો. હા, દરેક ક્ષણ કંઈ એકસરખી નથી રહેવાની. એ તો એનાં રંગ-રૂપ બદલતી જ રહેવાની છે. તમારામાં એનાં રંગ-રૂપની સાથે બદલવાની આવડત અને તૈયારી છે?

એક છોકરીની વાત છે. બહુ જ બિઝી. એના કામમાંથી નવરી જ ન પડે. એના કામને પણ ભરપૂર એન્જોય કરે. એક વખત તેને એક મિટિંગ માટે બહારગામ જવાનું હતું. ટ્રેનના સમયે એ સ્ટેશને પહોંચી. રેલવે સ્ટેશને ગઈ અને અચાનક વરસાદ શરૂ થઈ ગયો. એવું એનાઉન્સમેન્ટ થયું કે, આગળ બહુ વરસાદ હોવાથી દરેક ટ્રેન બે કલાક લેટ છે. પહેલાં તો એને ટેન્શન થઈ ગયું પછી વિચાર આવ્યો કે હવે હું શું કરી શકું? તેણે પોતાનો સામાન તેની સાથે આવેલા એક કલીગને આપ્યો. હાથ પહોળા કરીને એ વરસતા વરસાદમાં ખુલ્લા મેદાનમાં ચાલી ગઈ. વરસાદને માણવામાં એ એવી મશગૂલ થઈ ગઈ કે સમયનું ભાન જ ન રહ્યું. એ પાછી આવી. તેના કલીગે પૂછ્યું, કેવું લાગ્યું? એણે કહ્યું, વરસાદ આવતો અને હું ઓફિસની બારીમાંથી જોતી રહેતી. દરેક વખતે એવો વિચાર આવતો કે વરસાદમાં ભીંજાવા જઈ શકતી હોત તો કેવું સારું થાત! દોડી જવાનું મન થતું. કામના કારણે એવું ન કરી શકતી. આજે તને જે એનાઉન્સમેન્ટ સંભળાયુંને કે ટ્રેન બે કલાક લેટ છે એ મને થોડુંક જુદી રીતે સંભળાયું. ભગવાન જાણે મને કહેતો હતો કે આ બે કલાક તારા છે, તારી એપોઇન્ટમેન્ટની ડાયરીમાંથી છીનવીને મેં તને આ સમય આપ્યો છે. જો કેવો વરસાદ આવે છે! જા જીવી લે આ સમય, માણી લે વરસાદ, જે ઇચ્છાઓ દિલમાં દબાયેલી છે એને પૂરી કરી લે. સમય આપણને આવી તકો આપતો જ હોય છે, પણ આપણે એ તકને ઘણી વખત ઓળખી શકતા નથી. એના માટે સમયનું મૌન સાંભળતા આવડવું જોઈએ.

તમને સમયના રંગમાં ઢળતા આવડે છે? તો સમય તમારો ગુલામ છે. જિંદગી જીવવાની એક જ શરત છે. કાં તો જિંદગીને તમારા પર હાવી થઈ જવા દો અથવા તો તમે જિંદગી ઉપર સવાર થઈ જાવ. ચોઇસ તો છેલ્લે આપણી જ હોય છે. આપણા હાથમાં હોય એ આપણે બીજાના હાથમાં આપી દઈએ પછી બીજાનો વાંક કાઢવાનો કોઈ અર્થ રહેતો નથી. એક કપલની આ સાવ સાચી વાત છે. બંને કારમાં બહારગામ જતાં હતાં. હાઇવે પર એક એક્સિડન્ટ થયો હતો. હાઇવે જામ થઈ ગયો હતો. ગાડી જરાયે આગળ વધી શકે તેમ ન હતી. એવી ખબર પડી કે દોઢેક કલાક સુધી આમ જ રહેવાનું છે. પતિ ડિસ્ટર્બ થઈ ગયો. તેને થયું, જબરા ફસાઈ ગયાં! પત્નીએ એનો મોબાઇલ લીધો. યુટ્યૂબ પરથી એક કલાકનો એક કાર્યક્રમ શોધ્યો. પતિને કહ્યું, લે આ, જો, તું કહેતો હતો ને કે આ કાર્યક્રમ મજાથી જોવો છે, આપણી પાસે પૂરો કલાક છે. જસ્ટ એન્જોય. તારી ઇચ્છા પૂરી કરવાનો આનાથી બેસ્ટ ટાઇમ કયો મળવાનો છે? પતિ પત્નીની સામે જોઈ રહ્યો. કેટલી સાચી વાત છે તારી! યાર, હું તો આ સમયને વખોડતો હતો. ઘણી વખત આપણને કોઈ તકલીફ આવે ત્યારે એ કંઈક સારા માટે આવતી હોય છે, આપણા મગજ પર તકલીફ એટલી સવાર થઈ જાય છે કે આપણને બીજું કંઈ સૂઝતું જ નથી. સમય ક્યારેક ખરાબ રૂપમાં આવે ત્યારે આપણને એ ઓપ્શન પણ આપતો હોય છે. સમય કહે છે, મારા એક જ રૂપને ન જો, જરાક પાછળ તો ફર, મારો બીજો ચહેરો સુંદર છે. એને જો, તો મારો કદરૂપો ચહેરો ભુલાઈ  જશે.

એક યુવાન સાધુ પાસે ગયો. તેણે સાધુને પૂછ્યું, મારે મારી આખી જિંદગી મસ્ત રીતે જીવવી છે, તો શું કરવું? સાધુએ કહ્યું, જિંદગીનો બહુ વિચાર ન કર, ક્ષણનો ખયાલ કર. આ ક્ષણને જીવી લે. જિંદગી વર્ષોની નહીં, પણ ક્ષણોની બનેલી છે. એને માણી લે. અફસોસ કરવામાં જેટલો સમય જાય છે એટલી ક્ષણો જીવવામાં ગુમાવો છો. જીવવા માટે શું કરવું એ પણ વિચાર નહીં, જીવવા માંડ. જીવવાનું શરૂ કરવા ક્યાં કોઈ પ્લાનિંગની જરૂર છે. પ્લાનિંગ કદાચ ખોટું પડી શકે, ધાર્યું હોય એવું ન પણ થાય, જે થાય છે એને જીવવા માંડ પછી તને શું કરવું એ વિચાર પણ આડો નહીં આવે. તું અત્યારે જીવે છે? મોટાભાગના લોકોને ક્યારેક તો એવું થતું જ હોય છે કે જે રીતે જીવવું જોઈએ એ રીતે હું જીવી શકતો નથી. આપણે આપણી કલ્પના અને ઇચ્છા મુજબ જીવવું હોય છે. કંઈ ખોટું નથી, પણ આપણી કલ્પના સાકાર ન થાય ત્યાં સુધીનું શું? ત્યાં સુધી જિંદગીને જીવવા જેવી બનાવી દો. જિંદગી દરેક વખતે આપણે ઇચ્છીએ તેમ ન ચાલે, ક્યારેક આપણે પણ એના નક્સ-એ-કદમ ચાલવું પડે છે. તું ચાલ તો ખરો, ચાલવાનો આનંદ તો માણ, જિંદગી જીવવાની મજા આવવા માંડશે.

એક કપલની આ વાત છે. બંને મધ્યમવર્ગના. બંને જોબ કરે. બંનેનું એક સપનું. એક વખત ફોરેન ફરવા જઈશું. બંનેએ વિચાર કર્યો કે ફોરેન ફરવા જવા માટે શું કરવું? આખરે એવું નક્કી થયું કે દર મહિને અમુક ચોક્કસ રકમ બચાવવી. બે વર્ષ પછી ફરવા જવાનું નક્કી કર્યું. બંને બચત કરવા લાગ્યાં. એ પછી થયું એવું કે, ક્યાંય ફરવા જવાની વાત આવે તો પતિ એમ જ કહે કે આપણે હવે વિદેશ ફરવા જ જઈશું. એક દિવસ પત્નીએ કહ્યું કે, એક મોટું સપનું સાકાર કરવાની રાહમાં તું નાનાં નાનાં સપનાંને એવોઇડ ન કર. આપણે એકાદ-બે દિવસ નજીકમાં ક્યાંક ફરવા તો જઈ જ શકીએ. જરૂરી નથી કે વિદેશમાં જ આપણી કલ્પના મુજબની મજા આવે, બનવાજોગ છે કે કોઈ નાની ટ્રિપમાં પણ કોઈ દિવસ આનંદ ન મળ્યો હોય એવો આનંદ આવે.

તમે માર્ક કરજો, જિંદગીની જે યાદગાર મજા હોય છે એ ઓચિંતા જ આવી હોય છે. પ્લાનિંગથી નહીં. કંઈ જ ધાર્યું ન હોય, કંઈ જ ખબર ન હોય અને એકસામટી મજા આવે છે. આખી પાર્ટીમાં મજા આવી ન હોય એવી મજા ક્યારેક કોઈ અંગત મિત્ર સાથે ચાની ચૂસકીમાં આવી જાય છે. દરેક માણસે એ પણ નક્કી કરવું જોઈએ કે તેને સૌથી વધુ મજા શેમાં આવે છે. એ જે હોય એને ક્યારેય એવોઇડ ન કરવું. ઘણી વખત આપણે હાથે કરીને આપણી મજા ઉપર કાતર ફેરવતા હોઈએ છીએ. આખા દિવસમાં એવો કયો સમય હોય છે જ્યારે તમને મજા આવે છે. એ સવારે ઊઠીને ન્યૂઝપેપર વાંચતાં વાંચતાં ચા કે કોફી પીવાનો હોઈ શકે, એ કાનમાં હેડફોન ભરાવીને સાંજે ચાલવા જવાનો હોઈ શકે, એ મિત્ર સાથે ફોન પર વાત કરવાનો હોઈ શકે, એ જે સમય હોય એને જાળવી રાખવો. ક્યારેક એવું પણ બનતું હોય છે કે આપણે મજામાં હોઈએ ત્યારે આપણને ખબર નથી હોતી કે અત્યારે મને મજા આવે છે, આ કામ હું એન્જોય કરું છું. આપણે દુ:ખ, પીડા, વેદના, ઉદાસી અને નારાજગીને તરત ઓળખી કાઢીએ છીએ, પણ આનંદ, મજા, ખુશી, હળવાશ અને મસ્તીને નથી ઓળખી શકતા. આપણને એનો પણ સારો પરિચય હોવો જોઈએ. અમુક કામોમાં મજા ન આવતી હોય તો એમાં મજાને બેઠી કરવી જોઈએ. ઓફિસ જતી વખતે તમારી રાઇડને તમે કેટલી એન્જોય કરો છો? મોટાભાગના લોકો ઓફિસ જતા હોય ત્યારે ઓફિસે જઈને જે કામ કરવાનું છે એના ટેન્શનમાં હોય છે. એ તો ઓફિસે જઈને કરવાનું જ છે, જ્યારે કરવાનું હોય ત્યારે કરજો ને. અત્યારે જે છે એને એન્જોય કરો. મંજિલની સાચી મજા તો જ છે જો સફરનો આનંદ મળે. સફરને વગોવતા રહેશો તો મંજિલે પહોંચશો ત્યારે થાકી ગયા હશો. મંજિલની મજા પણ માણી નહીં શકો. બહુ વિચાર ન કરો, જિંદગી જીવવાનું શરૂ કરી દો, અત્યારથી જ, આ ક્ષણથી જ, રાહ જોશો એટલી ક્ષણો તમે ગુમાવો છો.

છેલ્લો સીન :

સમયને છેતરી જવાની તક ન આપો, નહીંતર એ છેતરી જ જશે!    -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 22 ઓગસ્ટ 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “જીવવાનું શરૂ કરવા માટે પ્લાનિંગની કોઈ જરૂર નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

%d bloggers like this: