રિએક્ટ કરતા ન આવડે
તો રિજેક્ટ થવું પડે છે!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
કોઈ પણ ઘટના વિશે આપણે કેવું રિએક્ટ કરીએ છીએ તેના
પરથી આપણી આવડત, સારપ અને સંવેદના છતી થાય છે.
પ્રતિક્રિયા આપતા ન આવડે તો પ્રોબ્લેમ થવાના ચાન્સીસ રહે છે!
———–
જ્યાં ગંભીર રહેવાનું હોય ત્યાં હસતા હોય અને જ્યાં હસવાનું હોય ત્યાં સોગિયું મોઢું રાખીને બેઠા હોય એવા ઘણા લોકો આપણે જોયા હોય છે. એ જે રીતે રિએક્ટ કરે એ જોઇને આપણને એવો વિચાર આવ્યા વગર ન રહે કે, આનામાં બુદ્ધિ જેવું કંઈ છે કે નહીં? એને સમજ નથી પડતી કે, ક્યાં કેવી રીતે પ્રતિક્રિયા અપાય? હજુ થોડા સમય પહેલાં જ આપણે એવો એક કિસ્સો જોયો છે. રાજકોટના ગેઇમ ઝોનમાં આગ લાગી અને એક કરુણાંતિકા સર્જાઈ ગઈ. આ ઘટના વિશે ધારાસભ્ય રમેશ ટીલાળાએ મીડિયા સામે હસતાં હસતાં વાત કરી! રમેશ ટીલાળાનો ટોન જોઈને બધાએ કહ્યું કે, આ તે કેવા માણસ છે? એને ઘટનાની કોઇ ગંભીરતા છે કે નહીં? નાનાં બાળકો સહિત અનેક લોકોને આગ ભરખી ગઈ છે ત્યારે આ માણસના ચહેરા પર તો વેદનાની નાનીસરખી લકીર પણ જોવા મળતી નથી! માણસ જ્યારે કોઇ ઘટના, પ્રસંગ, અવસર કે કોઇ વાત પર રિએક્ટ કરે છે ત્યારે એની સંવેદનાઓ છતી થતી હોય છે. દરેક વાતની એક નજાકત હોય છે. એને પારખતા આવડવું જોઇએ. જો એ ન આવડે તો ઘણી વાર ફજેતી થાય છે અને ક્યારેક સાંભળવું પણ પડે છે. આમ તો આપણે સમય વર્તીને જ પ્રતિભાવ, પ્રતિસાદ અને પ્રતિક્રિયા આપતા હોઇએ છીએ. આપણા બોલવાની રીત અને ટોન પણ જે તે ઘટના મુજબનો જ હોય છે. માત્ર દુ:ખદ ઘટનાની જ વાત નથી. સુખદ પ્રસંગોએ પણ પ્રતિભાવ આપવામાં સતર્ક રહેવું જોઇએ. ઘણા લોકો અભિનંદન અને શુભેચ્છાઓ પણ એવી રીતે આપે છે, જેને સાંભળીને આપણને એમ થાય કે, આને દિલથી ખુશી થઇ હોય એવું લાગતું નથી! આપણે જ્યારે કંઇક રિએક્ટ કરીએ છીએ ત્યારે આપણો નેચર રિફ્લેક્ટ થતો હોય છે. ઘણા એટલી સરસ રીતે અભિનંદન આપે છે કે, સાંભળનારાને રોમેરોમમાં થનગનાટ વ્યાપી જાય!
પ્રતિક્રિયા બરાબર ન આપી શકવી એ પણ એક માનસિક અવસ્થા છે. સાઇકોલોજીની ભાષામાં તેને બ્લેંક પેજ સિન્ડ્રોમ કહે છે. ઘણા લોકોમાં એ સમજ જ નથી હોતી કે, અમુક સંજોગોમાં કેવી રીતે બિહેવ કરવું! અલબત્ત, એ સમજ હોવી જોઇએ. આપણે સમાજમાં લોકોની વચ્ચે રહીએ છીએ. આપણને એ ભાન હોવું જોઇએ કે, કોઇને હર્ટ ન થાય એ રીતે વર્તવું જોઇએ. માનો કે, રિએક્ટ કરવામાં પ્રોબ્લેમ થાય છે તો એના પણ ઇલાજ છે. વિચારો અને પ્રયાસોથી દરેક માણસ પોતાના પ્રતિભાવો સુધારી શકે છે. આપણી નજીકના લોકોની લાઇફમાં ક્યારેક કોઇક ઘટના બને છે ત્યારે એ પોતાની વાત આપણી સાથે શૅર કરે છે. મારી સાથે આમ થયું. મેં મહામહેનતે બધું ગોઠવ્યું હતું અને બધું કેન્સલ થઇ ગયું, માંડમાંડ એક ટ્રીપ નક્કી થઇ હતી અને છેલ્લી ઘડીએ એ કેન્સલ થઇ ગઇ, કાર લેવાનું સપનું હતું અને લોન કેન્સલ થઇ ગઇ, નવો જ ડ્રેસ પહેર્યો હતો અને પહેલી જ વારમાં ફાટી ગયો, અત્યંત ગમતી ચીજ ખોવાઇ ગઇ, આવી વાત કોઇ કરે ત્યારે આપણે શું કહેતા હોઈએ છીએ? અરેરે, સેડ, બહુ ખોટું થયું. આપણે એને સાંત્વના આપવાના પ્રયાસો પણ કરતા હોઈએ છીએ. ચાલ્યા રાખે, થઈ જશે, ચિંતા ન કર. જરૂર હોય તો આપણે મદદ પણ કરીએ છીએ.
કેટલાંક કિસ્સામાં એવું પણ થતું હોય છે કે, આપણને જે વાત સાવ મામૂલી લાગતી હોય એ કોઇ માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય. એનાં ઇમોશન્સ એની સાથે જોડાયેલાં હોય છે. એવા સમયે રિએક્ટ કરવામાં બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. એક યુવાનની આ વાત છે. એની પેન ખોવાઇ ગઇ. એ બહુ જ ડિસ્ટર્બ થયો. એના ફ્રેન્ડને વાત કરી. ફ્રેન્ડે કહ્યું, હવે એક પેન ખોવાઇ ગઇ એમાં શું રોવા બેઠો છે? એ યુવાને કહ્યું કે, એ પેન મારા ફાધરે મને ગિફ્ટ આપી હતી. મારા ફાધર હવે નથી. એ પેન મારા ફાધર વાપરતા હતા. હું જ્યારે એ પેન વાપરતો ત્યારે મને એમ થતું કે, હું મારા ફાધરની આંગળીઓનો સ્પર્શ કરું છું. આવી વાત કરતાં કરતાં એ ગળગળો થઈ ગયો. તેના ફ્રેન્ડે સોરી કહ્યું. મને ખબર નહોતી કે, એ પેન સાથે તારું આટલું એટેચમેન્ટ હતું. અમુક વખતે આપણને વેવલાવેડા લાગે તો પણ એ સમય સાચવી લેવો જોઇએ.
બ્લેંક પેજ સિન્ડ્રોમ વિશે સ્કોટલેન્ડની નિષ્ણાત જેની ડ્રેડજેન કહે છે કે, ક્યારેક દરેક માણસ આ સિન્ડ્રોમનો ભોગ બનતો હોય છે. ઘણા કિસ્સામાં આપણને સમજ જ નથી પડતી કે, હવે રિએક્ટ શું અને કેવી રીતે કરવું? આપણે જ કહેતાં હોઈએ છીએ કે, હું તો મૂંઝાઇ ગયો હતો કે હવે કરવું શું? સાચી અને સારી પ્રતિક્રિયા આપવી એ એક આર્ટ છે. રાઇટ રિએક્શન માટે ચાર તબક્કાની એક પદ્ધતિ પણ છે. સૌથી પહેલો તબક્કો એ છે કે, કોઇની વાતને ઓછી ન આંકવી. કોઇ જ્યારે વાત કરે ત્યારે એની વાતને સાચી અને ગંભીર માનીને જ રિએક્ટ કરવું. આપણને ભલે એ વાત સાવ ક્ષુલ્લક, નકામી કે વાહિયાત લાગતી હોય પણ સામેની વ્યક્તિ માટે એ ખૂબ જ મહત્ત્વની હોય છે. બીજો તબક્કો એ છે કે, તમે સામેની વ્યક્તિની વાત સ્વીકારો. એને અહેસાસ કરાવો કે, તમે એની વાત સમજો છો, તમને એની વેદનાનો અહેસાસ છે. ત્રીજા અને ચોથા તબક્કામાં એને સાંત્વના આપો અને એનો આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરો. કોઇ વ્યક્તિ જ્યારે અપસેટ હોય ત્યારે તેને માત્ર ને માત્ર આપણા સારા શબ્દો અને સારા વર્તનની જ અપેક્ષા હોય છે. દરેક વ્યક્તિ જ્યારે પોતાની વાત કરે છે ત્યારે અમુક ચોક્કસ પ્રકારના પ્રતિભાવની પણ અપેક્ષા રાખે છે. આપણી પ્રતિક્રિયા તેની અપેક્ષા મુજબની હોવી જોઇએ. આપણને એ વ્યક્તિની કેટલી પરવા છે એ આપણાં વાણી અને વર્તનથી વર્તાય છે. આપણી સાથે ઘણી વખત અજાણી વ્યક્તિ પણ એટલું સરસ વર્તન કરી જાય છે કે આપણને આશ્ચર્ય થાય છે. આપણે કહીએ છીએ કે, એને શું ફેર છે? કંઈ ફેર પડતો ન હોવા છતાં એણે કેટલી સરસ રીતે વાત કરી.
કોઇ કંઈક વાત કરે ત્યારે પ્રતિક્રિયા આપવામાં ઉતાવળ પણ ન કરવી જોઇએ. ક્યારેક જલદી પ્રતિક્રિયા આપવામાં ભાંગરા પણ વટાઈ જાય છે. થોડીક રાહ જુઓ અને સમજવાનો પ્રયાસ કરો કે સામેની વ્યક્તિ જે વાત કરે છે એના વિશે એ પોતે શું માને છે? એક છોકરીના ડિવૉર્સ થયા. તેણે તેની ફ્રેન્ડેને વાત કરી. તેની ફ્રેન્ડે કહ્યું કે, અરે યાર, બહુ ખોટું થયું. પેલી છોકરીએ કહ્યું, અરે, શું ધૂળ ખોટું થયું! જે થયું એ સારું જ થયું છે. છુટકારો થયો મારો. ત્રાસી ગઇ હતી હું એ સંબંધથી. તેની ફ્રેન્ડ મૂંઝાઇ ગઇ કે હવે શું કરવું? તેણે માંડમાંડ વાત વાળી અને કહ્યું કે, અચ્છા એવું છે. તો તો બહુ સારું થયું. આપણી દાનત ખરાબ નથી હોતી પણ ક્યારેક લોચો પડી જાય છે. આપણે જ પછી કોઈના મોઢે એવું બોલતા હોઇએ છીએ કે, યાર મારાથી જ લોચો મરાઇ ગયો. મને શું ખબર કે એના મનમાં શું હશે! આપણે તો ભોળાભાવે કહી દીધું હતું! માનો કે, કોઇ ભૂલ થઇ જાય તો પણ સિફતથી વાળી લેવાની. ખુલ્લાદિલે દિલગીરી પણ વ્યક્ત કરવાની. આપણે જેને પોતાના માનતા હોઇએ એની નાનામાં નાની સંવેદનાની કદર કરવી એ પણ એક પ્રકારનો પ્રેમ, લાગણી અને સંબંધ જ છે. થોડાક શબ્દો ઘણી વખત અકસીર કામ કરી જતા હોય છે. આજે લોકો એકબીજાથી દૂર થઇ રહ્યા છે ત્યારે દરેકને પોતાની કંઇક વાત કરવા માટે કોઈક જોતું હોય છે. એને કોઈ આધાર જોઇતો હોય છે જેના સહારે એ ટકી જાય. સલુકાઇથી એ સિચ્યુએશન સંભાળી લેવાની હોય છે!
———
પેશ-એ-ખિદમત
ક્યા જરૂરત હૈ મુજ કો ચહેરે કી,
કૌન ચહેરે સે જાનતા હૈ મુઝે,
આદતન હી ઉદાસ રહેતા હૂં,
વર્ના કિસ બાત કા ગિલા હૈ મુઝે.
-આલોક મિશ્રા
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 12 જૂન, 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com